વિરાટનગર : પ્રાચીન સમયમાં મત્સ્યદેશની રાજધાની. વિરાટ નામનાં બે સ્થળો છે : (1) ઉત્તરમાં, (2) દક્ષિણમાં. ઉત્તરમાં દિલ્હીથી 105 માઈલ દક્ષિણમાં આવેલ બૈરત એ જ વિરાટ હોવાનું મનાય છે, જ્યારે દક્ષિણમાં બેલારીક્ષેત્ર વિરાટ તરીકે ઓળખાતું હતું. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં આવેલ ધોળકાનું પ્રાચીન નામ વિરાટનગર હતું.

દક્ષિણમાં સતારા જિલ્લામાં વાઈનગર પ્રાચીન વિરાટનગર હોવાનું તથા અહીં પાંડવોએ અજ્ઞાતવાસ કર્યો હોવાની અનુશ્રુતિ છે. ધારવાડ નગરથી 100 કિમી. દૂર આવેલ હાંગલનગરમાંથી પ્રાપ્ત બારમી સદીના એક શિલાલેખમાં આ સ્થાન ‘વિરાટકોટ’ અને ‘વિરાટનગર’ નામથી પ્રસિદ્ધ હોવાનું જણાવ્યું છે.

રાજપૂતાના અંતર્ગત વર્તમાન જયપુર રાજ્યની વચ્ચે વૈરાટ નામનું પ્રાચીન સ્થાન હાલ વિદ્યમાન છે. જયપુરથી 66 કિમી. ઉત્તરમાં આવેલ પર્વતમાળાની વચ્ચે વિરાટ આવેલું છે. આ નગર પૂર્વ-પશ્ચિમમાં 7થી 10 કિમી. લાંબું અને ઉત્તર-દક્ષિણમાં 5થી 7 કિમી. પહોળું છે. વિરાટ શહેરના પાછલા ભાગમાં વીજક પર્વત છે. વર્તમાન વૈરાટ શહેર ઉક્ત ભૂભાગના એક ચતુર્થાંશ સ્થાનમાં ફેલાયેલ છે. એની ચારેય તરફ કૃષિક્ષેત્ર છે. એની વચ્ચે કેટલાંય સ્થાનોમાં પ્રાચીન માટીનાં પાત્રો અને તાંબાની ખાણો મળે છે. પ્રાચીન વિરાટનગર સેંકડો વર્ષ સુધી ત્યજાયેલું રહ્યું. છેલ્લાં 300 વર્ષથી અહીં લોકોનો વસવાટ થયો છે. આ વિરાટનગરનું આઇને-અકબરીમાં નામ મળે છે. એક સમયે અહીંની તાંબાની ખાણ ભારતમાં પ્રસિદ્ધ હતી.

પ્રાચીન વિરાટને પહેલાં ‘ભીમજી કા ગ્રામ’ કહેવામાં આવતું. અહીં ભીમજીની ગુફા નામે એક પર્વત છે.

ચીની યાત્રી હ્યુ-અન-શ્વાંગે ઈ. સ. 7મી સદીમાં આ સ્થળની મુલાકાત લીધી હતી. એ સમયમાં વિરાટનગર વૈશ્ય જાતિના રાજાના અધિકારમાં હતું. અહીં એક હજાર ઘર બ્રાહ્મણોના અને 12 દેવમંદિરો હતાં. એ સિવાય આઠ બૌદ્ધ સંઘારામ અને લગભગ પાંચ હજાર બૌદ્ધ ગૃહસ્થોનો વસવાટ હતો. કનિંગહામની દૃષ્ટિએ ચીની યાત્રીના સમયમાં અહીં લગભગ 30 હજાર લોકો વસતા હતા. મહમૂદ ગઝનવીએ વિરાટ પર બે વખત  ઈ. સ. 1009માં અને ઈ. સ. 1014માં આક્રમણ કર્યું હતું. ‘આઇને-અકબરી’માં પણ વિરાટનગરનો ઉલ્લેખ છે.

રામજીભાઈ ઠા. સાવલિયા