વાત્રક (નદી) : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના અગ્નિભાગમાં વહેતી નદી. તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ગુજરાતરાજસ્થાન સરહદ પરના ખોખરા નજીક આવેલી ટેકરીમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 243 કિમી. જેટલી છે. તે પૈકીનો તેનો ઘણોખરો ભાગ સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. તે સાબરકાંઠાના મેઘરજ, માલપુર અને બાયડ તાલુકાઓમાંથી પસાર થાય છે. નદીના ઉપરવાસમાં (પૂર્વ ભાગમાં), જંગલો અને પહાડી વિસ્તાર છે ત્યાં હિંસક વન્ય પ્રાણીઓ વસે છે, પરંતુ અહીં તેનું કુદરતી સૌન્દર્ય મનોહારી છે. તેનો મોટાભાગનો પટ મહી નદીને સમાંતર ચાલ્યો જાય છે. સાબરકાંઠા-ખેડાની સરહદ નજીક તેને માઝુમ નદી મળે છે. સાબરકાંઠા છોડ્યા પછી તે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં પુનાદરા પાસે ઉત્તર તરફથી પ્રવેશે છે. અહીં નજીકમાં જ ઉત્કંઠેશ્વર (ઊંટડિયા) મહાદેવનું મંદિર છે. જન્માષ્ટમી અને શિવરાત્રિ-ટાણે અહીં મેળો ભરાય છે. સિંહસ્થ વર્ષ દરમિયાન મંદિર પર નવી ધજા ફરકાવાય છે. ઊંટડિયા નજીક વાત્રકને ઝાંઝરી નદી પણ મળે છે. કપડવંજ તાલુકામાં વાત્રક નદી પર આંતરસૂબા અને સરખેજ જેવાં મોટાં ગામો સહિત 24 ગામો આવેલાં છે. કપડવંજ તાલુકો છોડ્યા પછી વાત્રક ખેડાના માતર તાલુકાના ખેડા, માતર, મહેળજ અને પાલ્લા સહિતનાં 12 ગામો નજીક થઈને તથા મહેમદાવાદનાં 21 ગામો નજીકથી પસાર થાય છે. ખેડા નજીક શેઢી સાથે વાત્રકનો સંગમ થાય છે. ખેડાની ઉત્તરે અને કનીજની દક્ષિણે મેશ્ર્વો તેને મળે છે. દહેગામ તાલુકાનાં પાંચ ગામો પણ આ નદી પર આવેલાં છે. ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે તે સાબરમતીને મળે છે. વૌઠા ખાતે અન્યોન્ય એકબીજીને મળતી સાત નદીઓનો સંગમ થાય છે. અહીં મોટો મેળો ભરાય છે. સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્ર્વો, માઝુમ અને શેઢી એમ સાત નદીઓનાં જળ અહીં ભેગાં થાય છે તેથી વૌઠાના સ્થળનું ઘણું મહત્વ અંકાય છે.

શિવપ્રસાદ રાજગોર