વાત્સ્યાયન : પ્રાચીન ભારતીય કામશાસ્ત્રના લેખક. તેમને ‘વાત્સ્યાયન મુનિ’ અથવા ‘મહર્ષિ વાત્સ્યાયન’ એવા નામે ઓળખવામાં આવે છે. એમનું મૂળ નામ મલ્લનાગ હતું. જ્યારે વાત્સ્યાયન – એ એમનું ગોત્રનામ અથવા કુળનામ છે. આ ગોત્રના મૂળ ઋષિ વત્સ હતા અને તેમના વંશજોને ‘વાત્સ્યાયન’ એવા નામથી ઓળખવામાં આવે છે. ઈ. સ.ની સાતમી સદીમાં થયેલા ‘કાદંબરી’ના લેખક મહાકવિ બાણ પણ પોતે વાત્સ્યાયન વંશમાં જન્મેલા હોવાનો નિર્દેશ કરે છે. આજે પણ વાત્સ્યાયન ગોત્રના અનેક માણસો જોવા મળે છે. કેટલાક વિદ્વાનો ગૌતમના ન્યાયદર્શનનાં સૂત્રો પર ભાષ્ય લખનારા વાત્સ્યાયન અને ‘કામસૂત્ર’ના લેખક વાત્સ્યાયનને એક જ વ્યક્તિ માને છે, પરંતુ બંને લેખકો જુદા છે.

સંસ્કૃત ભાષાના સૂત્રસાહિત્યના યુગમાં તેઓ થઈ ગયેલા એવો એક મત છે. વિન્સેન્ટ સ્મિથ નામના વિદ્વાનનો મત એવો છે કે ‘કામસૂત્ર’ના બીજા અધ્યાયમાં સાતવાહન વંશના રાજા કુંતલ શાતકર્ણીએ પોતાની મહારાણી મલયવતીને કાતર વડે મારી નાખી હોવાનો ઉલ્લેખ છે અને આ રાજા કુંતલ શાતકર્ણી આંધ્ર રાજા મૃગેન્દ્ર શાતકર્ણીનો પુત્ર અને 13મો આંધ્ર રાજા હતો. ‘મત્સ્યપુરાણ’ અને ‘કલિયુગરાજવૃત્તાન્ત’માં આંધ્ર રાજા કુંતલનો રાજ્યકાળ કલિવર્ષ 2487થી 2481 અર્થાત્ ઈ. પૂ. 615-607 જણાવ્યો છે તેથી ઈ. પૂ. છઠ્ઠી સદીમાં વાત્સ્યાયન થઈ ગયાનું મનાય છે. ભવભૂતિ (સાતમી સદી), અશ્વઘોષ (પહેલી સદી), બુદ્ધરક્ષિત (પહેલી સદી) અને કાલિદાસ (ઈ. પૂ. પહેલી સદી) વગેરેએ વાત્સ્યાયનના સિદ્ધાન્તોનો ઉલ્લેખ કર્યો છે; તેથી ઈ. પૂ. ચોથી કે ત્રીજી સદીમાં વાત્સ્યાયન થઈ ગયા એવું સામાન્યત: માની શકાય.

વાત્સ્યાયને કામશાસ્ત્રની પ્રાચીન ભારતીય પરંપરાને જાળવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. બ્રહ્માએ એક લાખ અધ્યાયોમાં રજૂ કરેલા કામશાસ્ત્રનો સંક્ષેપ નંદીએ એક હજાર અધ્યાયોમાં કર્યો. એનો સંક્ષેપ ઔદ્દાલકિએ પાંચસો અધ્યાયોમાં કર્યો અને તેનો સંક્ષેપ શ્ર્વેતકેતુ અને બ્રાભવ્યે સાત અધિકરણોમાં અને 150 અધ્યાયોમાં કર્યો. એ પછી ચારાયણ, સુવર્ણનાભ, ઘોટકમુખ, ગોનર્દીય, ગોણિકાપુત્ર, દત્તક અને કૂચિમાર વગેરેએ સાત અધિકરણો પર સાત જુદાં જુદાં તંત્રોમાંથી એક એક તંત્ર લઈ આ સાત લેખકોએ સાત તંત્રો લખ્યાં. પુરોગામી સાત લેખકોના સાત અધિકરણોનો સાર 36 પ્રકરણોમાં ‘કામસૂત્ર’માં રજૂ કરવાનું કાર્ય વાત્સ્યાયને કર્યું છે. વાત્સ્યાયને ધર્મથી અવિરોધી કામની અને બ્રહ્મચર્યની તરફેણ કરવાનું કામ કર્યું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી