વાતુક, વેદપ્રકાશ (જ. 13 એપ્રિલ 1932, ફઝલપુર, મેરઠ, ઉત્તર પ્રદેશ) : હિંદી કવિ, અધ્યાપક અને સંશોધક. હાલ અમેરિકામાં કૅલિફૉર્નિયા, બર્કલી ખાતેના ફોકલૉર ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિયામક. અગાઉ લંડન ખાતેની હિંદી પરિષદના સેક્રેટરી (1955-58), ફૉર્ટ કૉલિન્સ ખાતેની કૉલરૅડો સ્ટેટ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક (1961-63), હૅવર્ડ ખાતેની કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે એસોસિયેટ પ્રાધ્યાપક (1965-69), અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડિઝ ખાતે સિનિયર ફેલો (1969-70), સાન જાસ સ્ટેટ યુનિવર્સિટી ખાતે (1977-78) તથા બર્કલી ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક (1979-80) તરીકે કામગીરી સંભાળી. ‘નૈવેદ્ય’ (લંડન) (1956-58), ‘ઇન્ડિયન વૉઇસ’ (1988), ‘નચિકેતા’ તથા ‘સીમંતિકા’ના તંત્રીપદે રહ્યા. ઉત્તરપ્રદેશના હિંદી સંસ્થાન તરફથી તેમને ‘પ્રવાસી ભારતીય હિંદી સાહિત્યભૂષણ સન્માન’ અપાયું.

તેમણે અત્યારસુધીમાં હિંદી અને અંગ્રેજીમાં મળીને 30 ગ્રંથો આપ્યા છે. તેમનાં હિંદીમાં લખેલાં પ્રકાશનોમાં ‘ત્રિવિધા’ (1965), ‘બંધન અપને દેશ પરાયા’ (1976), ‘કૈદી ભાઈ બંદી દેશ’ (1977), ‘નીલકંઠ બન ના શકા’ (1978), ‘એક બુંદ ઔર’ (1980) – એ તમામ કાવ્યસંગ્રહો તથા અંગ્રેજીમાં ‘થીબ્ઝ ઇન માઇ હાઉસ’ (1969) (લોકકલાવિષયક), ‘સ્ટડિઝ ઇન ઇન્ડિયન ફોક ટ્રેડિશન્સ’ (1977) (વિવેચન), ‘વેઇટિંગ ફૉર ધ કર્ટન ટુ ફૉલ’ (1978), ‘મીટિંગ લાઇક વેવ્ઝ’ (1979) (2 કાવ્યસંગ્રહો) મુખ્ય છે.

તેમણે માનવશાસ્ત્ર તથા ભાષાશાસ્ત્રને લગતી અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી છે. એશિયા, યુરોપ તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ઘણાખરા દેશોનો પ્રવાસ કર્યો છે.

મહેશ ચોકસી