વાતીય ઓજારો (pneumatic tools) : વાયુના ગતિશીલ ગુણધર્મો ઉપર કાર્ય કરતાં ઓજારો. વાતીય ઓજારો ત્રણ મુખ્ય ઉપકરણો ઉપર નિર્મિત કર્યાં હોય છે : (1) હવાની ટાંકી (ઍરસિલિન્ડર), (2) વેઇન-મોટર (vane motor) અને (3) છંટકાવ કરનાર સંરચના (sprayer).

હવાની ટાંકીમાં પિસ્ટન (હરતો-ફરતો દટ્ટો) હોય છે, જે ટાંકીના છેડા સુધી સંકોચિત (compressed) હવાના દબાણને કારણે ધકેલી શકાય છે અને તેને હવાના દબાણ વડે અથવા સ્પ્રિંગના વડે પાછો લાવી શકાય છે. સામાન્ય વાતીય હથોડી (pneumatic hammer) અથવા હથોડી-શારડી(હેમર ડ્રિલ)માં પિસ્ટનને (piston) અન્ય ઓજાર સાથે જોડીને મુક્તપણે ખસવા દેવામાં આવે છે. એક છેડે ઊર્જા(power)ના ધક્કાને કારણે (power stroke) પિસ્ટન ડ્રિલના ઉપરના છેડાને ધક્કો મારે છે, તેની સાથે જોડાયેલ યાંત્રિક સંરચના ડ્રિલના બિટને (drill bits) પ્રત્યેક ધક્કા વખતે થોડું પરિભ્રમણ આપે છે. હળવા હાથમાં પકડી શકાય તેવાં વાતીય ઓજારો ખાણોમાં – ખુલ્લી ખાણોમાં(quarry)માં વાપરવામાં આવે છે. કેટલાંક ડ્રિલ ફરી શકે તેવાં યાંત્રિક વાહનોમાં ગોઠવેલ હોય છે. જ્યારે હથોડાઓ(hammers)ને એવી રીતે નિર્મિત કર્યા હોય (designed) છે કે જેથી તે અન્ય પાત્રની બાજુઓ ઉપર આવેલ ખૂંટાઓ(clamps)માં ગોઠવી શકાય. તેમનો ઉપયોગ રેતીની કૉંક્રીટને થેલીઓમાં કે પાત્રમાં ભરવામાં થાય છે. ધ્રૂજવાના કારણે પાત્રમાં ભરવામાં આવતો માલ બરાબર ગોઠવાઈ જાય છે.

ઊંચી ગતિથી ચાલતી (high speed) વેઇન મોટર ચક્રીય ગતિ (rotary motion) માટે ખાસ નિર્માણ કરી હોય છે. આ મોટરમાં શાફ્ટના અંતિમ છેડા ઉપર પંખાઓ (vanes) ગોઠવેલા હોય છે. આ પંખાઓ સાથે જોડાયેલ કોઠીમાં ગોઠવેલા હોય છે. શાફ્ટનું મધ્યબિંદુ કોઠીનાં મધ્યબિંદુ પાસે હોતું નથી. આને પરિણામે કોઠીની દીવાલ અને પંખાઓ વચ્ચે ઊભી થયેલ બખોલો અસમાન હોય છે. જ્યાં બખોલો (cavities) નાની હોય છે ત્યાંથી કોઠીની દીવાલનું દ્વાર ખોલીને હવાને દાખલ કરવામાં આવે છે અને તે પંખાને એવી રીતે ધકેલે છે, જેથી દાખલ થયેલ હવા મોટી બખોલ પાસે પહોંચી શકે. કોઠીની બીજી દીવાલ પાસે હવાને બહાર નીકળવાનો માર્ગ હોય છે. શાફ્ટને ગિયર (gear) વગર તારના બ્રશ, ડ્રિલ, સ્ક્રૂ ડ્રાઇવર, ગ્રાઇન્ડર વગેરે સાથે આવશ્યકતા મુજબ જોડવામાં આવે છે; જે ઊંચી ઝડપ જેમ કે, 10,000થી 20,000 rpm (પરિભ્રમણ પ્રતિ મિનિટ – revolution per minute) આવશ્યકતા મુજબ ધરાવે છે. યોગ્ય ગિયરની મદદથી નીચી ઝડપ અને વધારે ટૉર્ક (torque) અથવા મરોડ(twisting)-બળ મેળવી શકાય છે, જે સ્ક્રૂ થ્રેડ ટૅપર્સ (screw thread tappers) તથા અન્ય હેવી ડ્યૂટી (ભારે બોજ  heavy duty) જરૂરિયાત માટે વાપરી શકાય છે. યોગ્ય ગિયરની મદદથી વેઇન મોટર કોઈ નળાકાર(ડ્રમ)ની આસપાસ કેબલને વીંટાળી શકે છે. વાતીય છંટકાવ-યંત્રો રંગ ઉપરાંત અન્ય પદાર્થોનો પણ છંટકાવ કરી શકે છે, જેમ કે બાંધકામમાં સિમેન્ટનું પ્લાસ્ટર, જંતુનાશકો, પિગાળેલી ધાતુઓ (molten metals) અને પ્લાસ્ટિકના તંતુઓનો છંટકાવ થઈ શકે છે. રંગછંટકાવ-યંત્રોને ઍર-બ્રશ પણ કહેવાય છે. જેટલો જલદીથી રંગ પ્રસરાવી શકાય તેટલો એકસમાન રંગ લાગે અને આ રંગ હાથે રંગેલ હોય તેના કરતાં વધારે માત્રામાં સૂક્ષ્મ તિરાડોમાં પ્રસરી શકે છે. વાતીય સ્પ્રેયર(sprayer)માં કોઠી સાથે જોડેલ એક નળીમાંથી ઝડપથી હવા પસાર કરીને કોઠીમાંથી રંગ ઉપાડવામાં આવે છે, જે હવાના ઝડપી પ્રવાહમાં ભળે છે અને તેનો છંટકાવ થાય છે. ઇમ્પૅક્ટ રેન્ચ (impact wrench) મોટર-ઉદ્યોગમાં એસેમ્બ્લીમાં વપરાય છે. ઍર ડ્રિલ (Air drill) સપાટીને વગર મહેનતે ડ્રિલ કરવામાં વપરાય છે. આ ઉપરાંત બ્રેકર્સ (breakers), રૉક ડ્રિલ (rock drill), રોટરી અને ચિપ્પિંગ હૅમરો (rotary and chipping hammers), ડિગરો (diggers), પિક અને બુસ્ટરો (pick and busters), સ્કૅબ્લરો (scabblers), સમ્પ અને સ્લજ પમ્પો(sump and sludge pumps)માં વાતીય ઓજારો છૂટથી ઉપયોગમાં લેવાય છે.

મિહિર જોશી