વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

‘વાઙ્મયસૂચિ’ સંજ્ઞા ‘બિબ્લિયૉગ્રાફી’(Bibliography)નો પર્યાય છે. ‘બિબ્લિયૉગ્રાફી’ એ ગ્રીક ભાષાના ‘બિબ્લિયૉન’ (Biblion) અને ‘ગ્રાફેન’ (Graphein) – આ બે શબ્દોના સંયોગથી બનેલ ‘બિબ્લિયૉગ્રાફિયા’(Bibliographia)માંથી ઉત્પન્ન થયેલી સંજ્ઞા છે, જેનો અર્થ થાય છે  પુસ્તક અને આલેખન, એટલે કે પુસ્તકોની નકલ કે કૉપી કરવાની પ્રવૃત્તિ. આ છે ‘બિબ્લિયૉગ્રાફી’ની સત્તરમી સદીની વ્યાખ્યા.

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં ગ્રંથસંગ્રહ કરવાનો એક પ્રવાહ ઊપડ્યો. આ પ્રવાહ કે પ્રવૃત્તિની જરૂરિયાતોમાંથી ‘પુસ્તકો વિશેનાં લેખન’નો એક નવો પ્રકાર જન્મ્યો, જેમાં પુસ્તકોનો ઇતિહાસ અને એના ઉત્પાદન સાથે સંબંધ ધરાવતી બાબતો સામેલ રહેતી. ફ્રાંસ ઉપરાંત જર્મની અને ઇંગ્લૅન્ડમાં પણ આ પ્રવૃત્તિનો વિકાસ થયો. એના પરિણામે અઢારમી સદીમાં ‘બિબ્લિયૉગ્રાફી’ની વ્યાખ્યા થઈ ‘પુસ્તકોનું વ્યવસ્થિત વર્ણન અને ઇતિહાસ’.

આજે આ સંજ્ઞા મુખ્યત્વે બે અર્થમાં વપરાય છે : (1) લેખિત કે પ્રકાશિત સામગ્રીની પદ્ધતિસર તૈયાર થયેલી સૂચિ. આ અર્થમાં એ ગણનાત્મક (enumerative), વ્યવસ્થિત (systematic) અથવા વર્ણનાત્મક (descriptive) વાઙ્મયસૂચિ તરીકે ઓળખાય છે; અને (2) ભૌતિક વસ્તુઓ તરીકે પુસ્તકોનો અભ્યાસ; એટલે કે જે વસ્તુઓથી પુસ્તકો નિર્મિત થાય છે એમનો અભ્યાસ અને એમના સંયોજનની રીત. આ અર્થમાં એ સામાન્યપણે વિવેચનાત્મક (critical) વાઙ્મયસૂચિ તરીકે ઓળખાય છે.

વાઙ્મયસૂચિનું કાર્ય વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને પુસ્તકો અંગેની માહિતી પૂરી પાડવાનું છે. આ માહિતી મુખ્યત્વે બે પ્રકારની હોય છે  એક અભ્યાસ-સામગ્રીની માહિતી અને બીજી લેખકની વાઙ્મયસમૃદ્ધિમાં એના કોઈ ગ્રંથનું સ્થાન, ગુણવત્તા તેમજ પાઠનું ખરાપણું નિર્ધારિત કરવામાં મદદરૂપ થતી માહિતી. વાઙ્મયસૂચિ એક જ વિષયની અનેક નોંધો અને સંદર્ભો મેળવી આપે છે તેમજ સમગ્ર પ્રકાશિત જ્ઞાન-સામગ્રીનું સંકલન કરવાની સાથે જે તે વિષયની સચોટ માહિતી આપે છે.

માનવીય જ્ઞાનના મહામૂલા અવશેષોની જાળવણી અને તેને ભાવિ પેઢી સુધી ઉપલબ્ધ બનાવવાનું એક માધ્યમ એટલે વાઙ્મયસૂચિ. તે સાહિત્ય અને સંશોધનની સમૃદ્ધિ દર્શાવે છે, સંસ્કૃતિનું રક્ષણ કરે છે અને શિક્ષણને વેગ આપે છે. આમ વાઙ્મયસૂચિ જ્ઞાનના વારસાનું દર્શન કરાવે છે, વર્તમાન અભ્યાસ-સંશોધનોને માર્ગદર્શન આપે છે અને ભાવિ પેઢી માટે તેનું સંરક્ષણ કરે છે.

વર્ણનાત્મક વાઙ્મયસૂચિ :

વાઙ્મયસૂચિ સંકલિત કરવા માટે હાથ ધરવી પડતી કામગીરી મુખ્યત્વે આ પ્રમાણે છે : (1) કોઈ નિશ્ર્ચિત વિષયમાં અસ્તિત્વ ધરાવતાં પુસ્તકોની શોધ; (2) ગ્રંથવર્ણન અને (3) પ્રાપ્ત થતા સંલેખોની સંદર્ભ અને અભ્યાસ માટે ઉપકારક ગોઠવણી. કોઈ પણ વિષયમાં પુસ્તકોની સંખ્યા વ્યક્તિની સ્મરણક્ષમતા કરતાં વધી જતાં વાઙ્મયસૂચિની જરૂર વરતાવા લાગે છે.

આ પ્રવૃત્તિનો ઉદ્ભવ બીજી સદીમાં ગેલન ગામે એક જાણીતા ડૉક્ટરે પોતાના ગ્રંથોની તૈયાર કરેલી વિષયસૂચિ ‘દે પ્રોપ્રિઇસ લિબ્રિસ લિબેર’(મારા પોતાનાં પુસ્તકો વિશેનું પુસ્તક)માં જોવા મળે છે. બીડે (Bede) 731માં ‘ઇક્લેસિયેસ્ટિકલ હિસ્ટરી ઑવ્ ધ ઇંગ્લિશ પીપલ’ના પરિશિષ્ટમાં આત્મચરિત્રાત્મક નોંધ અને પોતાના ગ્રંથોની સૂચિ આપી છે. આ રીતે પ્રારંભિક વાઙ્મયસૂચિઓ આત્મવાઙ્મય-સૂચિઓ હતી.

1440માં મુદ્રણના આવિષ્કારને લીધે પુસ્તકોની અનેક નકલો તૈયાર થવા લાગી  અને જથ્થાબંધ સાહિત્યમાંથી જોઈતી સામગ્રીની ભાળ મેળવવા માટે વાઙ્મયસૂચિઓની જરૂરિયાત સ્પષ્ટપણે સ્થાપિત થઈ.

1545માં જર્મન-સ્વિસ લેખક અને પ્રકૃતિવિજ્ઞાની કોનરૉડ ગેસ્નરે (Conroad Gesner) પોતાની ‘બિબ્લિયૉથેક યુનિવર્સલિસ’ (સાર્વભૌમિક વાઙ્મયસૂચિ) પ્રગટ કરી. એમાં લૅટિન, ગ્રીક અને હિબ્રૂ ભાષાના હયાત અને દિવંગત લેખકોના ગ્રંથોની નોંધ કરવામાં આવી છે. ત્રણ વર્ષ પછી એનો બીજો ભાગ પ્રગટ થયો. એમાં ગેસ્નરે અગાઉના ભાગના સંલેખોની ગોઠવણીમાં ફેરફાર કરીને 21 વિષયશીર્ષકો હેઠળ જુદી ગોઠવણી કરી છે. આ ગેસ્નર વાઙ્મયસૂચિના પિતા તરીકે વિખ્યાત છે.

1564થી 1749 દરમિયાન ફ્રૅન્કફર્ટ (Frankfurt) અને લિપઝિગ(Leipzig)માં દર વર્ષે યોજવામાં આવેલ જર્મન ગ્રંથમેળાના ગ્રંથોની યાદીઓ, એ વાઙ્મયસૂચિઓ ન હોવા છતાં એ સમયનાં જર્મન પુસ્તકોની માહિતી મેળવવા માટે ઉપયોગી સાધન તરીકે ઉલ્લેખનીય છે.

આ પ્રમાણે 1,500 વર્ષોના પૂર્વકાલીન પ્રયાસો પછી અઢારમી સદીમાં ‘ફિલિપ્પે લાબે’(Fillipe Labe)એ પ્રગટ કરેલી ‘બિબ્લિયૉથેક બિબ્લિયૉથેકારમ’ (વાઙ્મયસૂચિઓની વાઙ્મયસૂચિ) દ્વારા આ પ્રવૃત્તિમાં એક નવા પરિમાણનો ઉમેરો થયો છે.

ગ્રંથપ્રકાશનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવાની સાથોસાથ વાઙ્મયસૂચિઓની સંકલનપ્રવૃત્તિમાં પણ ગતિ આવી છે. 1895માં હેન્રી લાફૉન્તેન (Henry Lafontaine) અને પૉલ ઑટલે (Paul Otlet) દ્વારા બ્રસેલ્સમાં ‘ધ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનૅશનલ દ બિબ્લિયૉગ્રાફી’ની સ્થાપના થઈ. આ સંસ્થાનો હેતુ ‘યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન’ પ્રમાણે પુસ્તકો અને સામયિકોના લેખોની સાર્વભૌમિક વાઙ્મયસૂચિ તૈયાર કરવાનો છે. આ માટે એમણે લાખોની સંખ્યામાં સૂચિપત્રકો તૈયાર કરાવ્યાં, પણ આ સામગ્રીની વિશાળતા અને સંકલનકાર્યના આકરા ખર્ચને લીધે એ હજી સુધી પૂર્ણ થઈ શકી નથી. આથી સાર્વભૌમિક વાઙ્મયસૂચિઓનું સ્થાન હવે રાષ્ટ્રીય ગ્રંથાલયોનાં સૂચિપત્રકોએ લઈ લીધું છે. હવે આ સૂચિપત્રકો કમ્પ્યૂટરીકૃત (computerize) કરવાના પ્રયોગ થઈ રહ્યા છે.

વ્યક્તિગત વાઙ્મયસૂચિઓ : રાષ્ટ્રીય જીવનચરિત્ર કોશનાં અધિકરણોમાં હોય છે તેવી કોઈ લેખકની કૃતિઓની સાદી યાદીને વ્યક્તિગત વાઙ્મયસૂચિ કહેવામાં આવે છે. આ સૂચિઓ વધુ વિસ્તૃત પણ હોય છે; જેવી કે, એફ. ડબ્લ્યૂ. ઈબીસ (F. W. Ebisch) અને એલ. એલ. શુકિંગ (L. L. Schucking) સંપાદિત ‘અ શેક્સપિયર બિબ્લિયૉગ્રાફી’ (1931). એમાં શેક્સપિયરના ગ્રંથો તેમજ એ ગ્રંથો વિશેનાં લખાણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રકાશ વેગડ સંપાદિત સૂચિ ‘ગોવર્ધનરામ વિવેચનસંદર્ભ’(1995)માં શ્રી ગોવર્ધનરામના અને એમના વિશે લખાયેલાં તમામ પુસ્તકો, લેખો વગેરેની સૂચિ એક જ સ્રોતમાંથી મળી રહે છે.

વિષયવાઙ્મયસૂચિઓ : કોઈ પણ વિષયનાં તમામ પુસ્તકો, લેખો કે વિશ્લેષી સામગ્રીની સર્વવ્યાપી સૂચિને વિષય-વાઙ્મયસૂચિ કહેવામાં આવે છે. દા.ત., ગાંધી સાહિત્ય સૂચિ, 1948. એના સંપાદક છે પાંડુરંગ ગણેશ દેશપાંડે. આ સૂચિમાં ગાંધીજીના જીવન અને કવન-વિષયક પુસ્તકો ઉપરાંત ટૉલ્સ્ટૉય, રસ્કિન, થૉરો અને શ્રીમદ્ રાજચંદ્ર ઇત્યાદિનાં લખાણોનો તેમજ ભારતની આઝાદીની ચળવળ, ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ, ગાંધી સેવા સંઘ જેવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનાં લખાણોનો સમાવેશ થયેલો છે. ડૉ. ધીરુભાઈ ઠાકર સંપાદિત ‘અભિનેય નાટકો’(360 ગુજરાતી નાટકોની રંગસૂચિ, 1958)માં દરેક નાટક વિશે વર્ગીકૃત માહિતી આપવામાં આવી છે.

વાઙ્મયસૂચિઓની વાઙ્મયસૂચિ : વાઙ્મયસૂચિઓની પ્રચુરતા વાઙ્મયસૂચિઓની વાઙ્મયસૂચિને જન્મ આપે છે. આ પ્રકારની સૂચિમાં રૉયલ લાઇબ્રેરી, ડ્રેસ્ડેન(જર્મની)ના લાઇબ્રેરિયન જુલિયસ પેત્ઝોલ્ડ (Julius Petzholdt) દ્વારા સંકલિત ‘બિબ્લિયૉથેક બિબ્લિયૉગ્રાફિકા’(1866)ને મૂકી શકાય. કનુભાઈ શાહ સંપાદિત ‘ગુજરાતી સંદર્ભગ્રંથો’ વિવરણાત્મક ગ્રંથસૂચિ છે. એમાં જ્ઞાનકોષો, સર્વસંગ્રહો, શબ્દકોશો, વાઙ્મયસૂચિઓ, ચરિત્રાત્મક સ્રોતગ્રંથો ઇત્યાદિ સંદર્ભગ્રંથોના પ્રકાર પ્રમાણે દરેક ગ્રંથનું વિવરણ આપેલું છે. તેની સાથોસાથ ‘વાઙ્મયસૂચિઓની વાઙ્મયસૂચિ’ એક પ્રકાર તરીકે ‘ગુજરાતી સંદર્ભગ્રંથો’માં (પૃ. 124થી 146) વર્ણનાત્મક રૂપે આપવામાં આવી છે.

સૂચિસંકલનની પદ્ધતિઓ : વાઙ્મયસૂચિ સંકલિત કરવાની પદ્ધતિ અને એમાં સમાવેશ કરવામાં આવતી વિગતોનું પ્રમાણ, સંકલનકારના હેતુઓ, એની દૃષ્ટિએ વિષયની મહત્તા અને એ અંગેના એના જ્ઞાન પર આધારિત છે. કોઈ પણ વિષયની વાઙ્મયસૂચિ સંકલિત કરવાનું કામ એ, એ વિષયના નિષ્ણાતનું કામ છે. આ કામગીરી માટે વ્યક્તિએ સર્વપ્રથમ પોતાનો હેતુ અને સામગ્રી-સ્વરૂપ અંગે નિર્ણય કરી લેવો જોઈએ. એ પછી એ હેતુઓને અનુરૂપ ગોઠવણી અને વર્ણનની કામગીરી આગળ ધપાવવી જોઈએ. કોઈ પણ સૂચિ પ્રમાણિત અને સુસંગત હોવી જોઈએ. આ માટે સંકલન-કાર્ય મૂળ સામગ્રી તપાસીને કરવું જોઈએ. જો કોઈ કારણસર એવું કરવું શક્ય ન હોય તો જ્યાંથી માહિતી મેળવી હોય એની નોંધ આપવી જોઈએ. વળી સામગ્રીની વિગત ઉતારવામાં પણ ચોકસાઈ રાખવાની જરૂર પડે છે.

અધિકાંશ વાઙ્મયસૂચિઓમાં સામાન્યપણે લેખક, ગ્રંથનામ કે લેખશીર્ષક, મુદ્રણાંક અને વર્ષ પર્યાપ્ત ગણાય છે, પણ સૂચિસંકલનના હેતુને અનુરૂપ વિગતમાં ઘટાડો-વધારો કરી શકાય છે. લેખક વાઙ્મયસૂચિમાં મુખ્યત્વે કાલાનુક્રમી ગોઠવણી રાખવામાં આવે છે, જેથી લેખકનો વિકાસ અને સમયનું અનુસંધાન માપી શકાય. નવી આવૃત્તિની વિગત પ્રથમ આવૃત્તિ સાથે આપવી જોઈએ. વિષય વાઙ્મયસૂચિની ગોઠવણી વિષયશીર્ષક અથવા કોઈ પણ વર્ગીકરણ- પદ્ધતિ પ્રમાણે કરવી જોઈએ. આદિમુદ્રિત અથવા દુર્લભ ગ્રંથોમાં તેમજ લેખક વાઙ્મયસૂચિઓમાં મોટેભાગે સંપૂર્ણ વિગતો અપાય છે. આ વિગતોની ગોઠવણી ‘એ. એ. સી. આર.’ જેવી સૂચીકરણ સંહિતાઓ પ્રમાણે કરવી ઇષ્ટ લેખાય છે.

કમ્પ્યૂટરનો ઉપયોગ : ગ્રંથાલયોની વિવિધ પ્રક્રિયાઓમાં આજે કમ્પ્યૂટરનો ઉપયોગ થવા લાગ્યો છે. એના લીધે સૂચિસંકલનની કામગીરીમાં ઝડપ, વ્યવસ્થા અને ચોકસાઈનો વધારો થયો છે. ગ્રંથાલયોમાં મશીન-વાચનક્ષમતાવાળાં સૂચિપત્રકો તૈયાર કરવાથી એનું વિવિધ સ્વરૂપે મુદ્રણ કરી શકાય છે અને એ વડે વાઙ્મયસૂચિઓ ઓછા ખર્ચે તેમજ ઝડપથી તૈયાર થઈ શકે છે. આ પ્રકારની એક ખૂબ જાણીતી યોજનાનું નામ છે ‘મેડલર પ્રૉજેક્ટ’, એટલે કે ‘મેડિકલ લિટરેચર એનૅલિસિસ ઍન્ડ રિટ્રીવલ સિસ્ટમ’. આ યોજના હેઠળ વિશ્વભરનાં 2,300 જેટલાં બાયૉમેડિકલ સામયિકોના લેખોની ‘ઇન્ડેક્સ મેડિક્સ’ નામક માસિક વાઙ્મયસૂચિનું પ્રકાશન કરવામાં આવે છે. અમેરિકાની લાઇબ્રેરી ઑવ્ કાગ્રેસે 1968થી મશીન-વાચનક્ષમતાવાળાં સૂચિપત્રકોનું ઉત્પાદન અને વિતરણ શરૂ કર્યું છે અને આ કામમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.

વિવેચનાત્મક અથવા પૃથક્કરણાત્મક વાઙ્મયસૂચિ (Critical or Analytical Bibliography) :

પુસ્તકને ભૌતિક પદાર્થ ગણીને તેનું વિવેચન કે ચકાસણી એટલે જ વિવેચનાત્મક કે વિશ્લેષણાત્મક વાઙ્મયસૂચિ. તે પુસ્તક વિશેની તમામ માહિતી દર્શાવે છે. પુસ્તકના મુખપૃષ્ઠ પરના ગ્રંથનામથી શરૂ કરી મુદ્રકના મુદ્રણસમય સુધીની બધી અગત્યની વીગતો આવરી લેવામાં આવે છે. વળી એમાં પુસ્તકને તૈયાર કરવાની વિવિધ પ્રક્રિયાઓથી શરૂ કરીને પુસ્તક-ઉત્પાદનના બધા તબક્કાઓની માહિતી આવરી લેવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. એવું ચોક્કસપણે માનવામાં આવે છે કે પુસ્તકના ઉત્પાદનની પ્રક્રિયામાં દરેક તબક્કે જો ચોકસાઈ જાળવવામાં આવે તો વિશ્લેષણાત્મક વાઙ્મયસૂચિની કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી; પરંતુ આ પ્રકારની ચોકસાઈભરી પુસ્તક-ઉત્પાદનની પ્રક્રિયા માત્ર અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. અને તેથી જ વિવેચનાત્મક વાઙ્મયસૂચિ એ મોટા પ્રમાણમાં પુસ્તક-ઉત્પાદન પ્રક્રિયાની ખામી પર આધારિત છે. આથી આ સૂચિને પુસ્તકના ભૌતિક સ્વરૂપની ચકાસણી તરીકે પણ આલેખવામાં આવે છે.

આ પદ્ધતિના ઉપયોગનો એક સૌથી જૂનો અને સમજવા જેવો દાખલો શેક્સપિયરકૃત ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રૅસિડા’ની 1609ની બે પ્રતોમાંથી આદ્ય પ્રતનું નિર્ધારણ કરવા અંગેનો છે. એની એક પ્રતની આખ્યાપૃષ્ઠ ઉપર એવો ઉલ્લેખ છે કે એ નાટક ‘ગ્લોબ થિયેટર’માં ભજવાયું છે, જ્યારે બીજી પ્રતમાં એની ભજવણી અંગે કોઈ ઉલ્લેખ નથી. આ હકીકતની સાહિત્યિક દૃષ્ટિએ વિચાર કરવાથી સહજપણે એવું જણાશે કે બીજી પ્રત અગ્રતાક્રમમાં પહેલી છે. પણ એ બંને પુસ્તકોનું પરીક્ષણ કરવાથી એ જાણવા મળે છે કે પ્રથમ પ્રતમાં શરૂઆતનાં બે પાનાં બદલી નાખવામાં આવ્યાં છે અને નવા આખ્યાપૃષ્ઠમાં ઉપર જણાવેલ હકીકત છપાઈ છે.

આ પ્રકારનાં નિદર્શનોની સફળતાને લીધે પુસ્તકોનાં ભૌતિક લક્ષણો અને વાઙ્મયી તારણોના વિસ્તૃત અભ્યાસને વેગ મળ્યો અને વિવેચનાત્મક વાઙ્મયસૂચિની પદ્ધતિમાં નક્કર વિકાસ થયો. એ પછી મધ્યકાળના જ નહિ, સાંપ્રતકાળનાં પુસ્તકોમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર ઊભી થઈ અને એ માન્યતા દૃઢ થઈ ગઈ કે પાઠની વિશ્વસનીયતા અને લેખકની વાઙ્મયસમૃદ્ધિમાં એની દરેક રચનાનું સ્થાન નક્કી કરવામાં વાઙ્મયી નિરીક્ષણ અગત્યની ભૂમિકા ભજવે છે.

ભારતીય ભાષાઓમાં પણ સૂચિઓ તૈયાર કરવાનું કામ ચાલતું રહ્યું છે. સાહિત્ય અકાદમીની સ્થાપના ઈ. સ. 1954માં થઈ અને અકાદમીએ ભારતીય ભાષાઓમાં પ્રકાશિત સાહિત્યની સૂચિ તૈયાર કરવાનો પ્રકલ્પ (પ્રૉજેક્ટ) હાથ ધર્યો. સમયમર્યાદા જાન્યુઆરી 1901થી ડિસેમ્બર 1953 સુધીની નક્કી કરવામાં આવી. તત્વજ્ઞાન, ધર્મ, ઇતિહાસ અને માનવીય વિદ્યાશાખાનાં અન્ય વિષયોનાં ગુણવત્તાવાળાં પુસ્તકોનો સમાવેશ કરવામાં આવેલો છે. દરેક ભાષાના વિભાગો અલગ રાખવામાં આવ્યા છે અને રોમન સ્ક્રિપ્ટમાં લિપ્યન્તર કરીને સૂચિમાં તેમની ગોઠવણી કરવામાં આવી છે.

‘નૅશનલ બિબ્લિયૉગ્રાફી ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ના પાંચ ગ્રંથો પ્રકાશિત થયેલા છે. તેમાં નીચેની ભાષાઓના સાહિત્યનો સમાવેશ થયેલો છે. ચાર ભાગોમાં સમયમર્યાદા 1901થી 1953 છે; જ્યારે પાંચમા ભાગમાં 1901થી 1980ના સમયને આવરી લીધો છે.

ગ્રંથ 1 : આસામી, બંગાળી, અંગ્રેજી અને ગુજરાતી

ગ્રંથ 2 : હિન્દી, કન્નડ, કાશ્મીરી અને મલયાળમ

ગ્રંથ 3 : મરાઠી, ઊડિયા, પંજાબી અને સંસ્કૃત

ગ્રંથ 4 : સિન્ધી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ

ગ્રંથ 5 : ડોગરી, કોંકણી, મૈથિલી, મણિપુરી, નેપાલી અને રાજસ્થાની

International Encyclopaedia of Indian Literature by Ganga Ram Garg, Delhi (1986) : આ સૂચિના બધા ભાગોમાં સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અપભ્રંશ, તમિળ, કન્નડ, તેલુગુ, મલયાળમ, ગુજરાતી તેમજ આસામી સાહિત્યની કૃતિઓનો સમાવેશ થયેલો છે. ભારતીય સાહિત્યની જાણકારીની દૃષ્ટિએ આ વાઙ્મયસૂચિ ઉલ્લેખપાત્ર છે.

‘ઇન્ડિયન નૅશનલ બિબ્લિયૉગ્રાફી’ની જેમ દરેક દેશને પોતાની રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ હોય છે; દા.ત., ‘બ્રિટિશ નૅશનલ બિબ્લિયૉગ્રાફી’, લંડન, ફ્રાંસની રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ (Bibliographic de La France, Paris), સામ્યવાદી ચીનની રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ (Ch’uan-Kuo hsin-Shu-mu, Peking), સોવિયેત સંઘની રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ (Knizhnaia Letopis-maseow : Allunion book chamber), જર્મનીની રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ (Deutsche National Bibliographic, Leipzig), ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ (Australian National Bibliography) વગેરે.

હિન્દી : बृहद् हिन्दी ग्रन्थसूचिः सं. यशपाल महाजन, दिल्ली, 1965. ભારતના 530 હિન્દી પ્રકાશકોનાં 24,000 જેટલાં પ્રકાશનોની આ એક અગત્યની બૃહદ્ વાઙ્મયસૂચિ છે. हिन्दी साहित्य सारिणी अथवा Hindi Bibliography 197174, બે ભાગ.

કન્નડ : નોંધપાત્ર સૂચિઓ : બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલાં ‘કન્નડ પુસ્તકોની સૂચિ’ ઈ. સ. 1910માં શ્રી એલ. ડી. બારનેટે તૈયાર કરી હતી. શ્રી આર. નરસિંહાચારે ‘કર્નાટક કવિચરિતે’ના ત્રણ ભાગોમાં, શ્રી શિવન્નાએ ‘ર્ક્ધાાટક કવિચરિતેય અનુક્ત કૃતિસૂચિ’ તેમજ ‘કન્નડ હસ્તપ્રતિગત વર્ણનાત્મક સૂચિ’, આઠ ભાગોમાં મૈસૂર યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કન્નડ સ્ટડીઝ વિભાગે તથા ‘કન્નડ ગ્રંથસૂચિ’ એચ. એમ. નાયકે તૈયાર કરી હતી.

મલયાળમ : કેરળ સાહિત્ય અકાદમી(ત્રિચુર)એ કે. એમ. ગોવિ અને એ. કે. પાનિકરે-સંપાદિત સૂચિ‘મલયાલા ગ્રંથસૂચિ’ના બે ભાગો ઈ. સ. 1973 અને ’74માં પ્રકાશિત કર્યા હતા. મલયાળમ ભાષામાં પુસ્તકો પ્રકાશિત થયાં ત્યારથી ઈ. સ. 1970 સુધીનાં પ્રકાશનોની વિગતો સાથેની સૂચિ છે. આ સૂચિના પ્રથમ ખંડમાં સાહિત્યની કૃતિઓ અને બીજા ખંડમાં અન્ય વિષયોનાં પુસ્તકોનો સમાવેશ થયેલો છે.

નૅશનલ લાઇબ્રેરી, કોલકાતામાં કાયદાની રૂએ મલયાળમ ભાષાનાં પુસ્તકો જમા થયેલાં તેની સૂચિ ‘દેશીય ગ્રંથસૂચિ’ પ્રકાશિત થયેલી છે. કેરળ સરકારે 1958થી 1966ના સમયમાં પ્રકાશિત થયેલાં પુસ્તકોની સૂચિના 9 ભાગો પ્રકાશિત કરેલા છે. કે. મહાદેવ શાસ્ત્રીએ પૅલેસ લાઇબ્રેરીમાં રહેલી અનેક વિષયોની હસ્તપ્રતોની વર્ણનાત્મક સૂચિના બે ભાગો ઈ. સ. 1939માં તૈયાર કર્યા છે. ઈ. સ. 1951માં પી. કે. નારાયણ પિલ્લાઈએ મલયાળમ મૅન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી, ત્રિવેન્દ્રમ્માં રહેલી ‘હસ્તપ્રતોનું કૅટલૉગ’ પ્રસિદ્ધ કર્યું છે. મલયાળમ ભાષામાં પ્રસિદ્ધ થયેલાં બધાં પુસ્તકોની સૂચિ લાઇબ્રેરી ઑવ્ કાગ્રેસે તેના સાઉથ ઈસ્ટ એશિયા લિસ્ટમાં પ્રગટ કરી છે. મલયાળમ ભાષામાં પ્રગટ થયેલ પુસ્તકોનું આ એક અગત્યનું સંદર્ભ-સાધન છે.

પંજાબી : બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરી, લંડનમાં સંગ્રહાયેલાં પુસ્તકોની સૂચિ ‘કૅટલૉગ ઑવ્ ધી હિન્દી, પંજાબી, સિન્ધી ઍન્ડ પુશ્તુ’ પ્રસિદ્ધ થયેલી છે. ત્યારબાદ ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરીનાં પંજાબી પુસ્તકોની સૂચિ ‘અ બિબ્લિયૉગ્રાફી ઑવ્ ધ પંજાબી લૅંગ્વેજ ઇન 1906’ જ્યૉર્જ ગ્રિયર્સને તૈયાર કરી હતી. ‘અ બિબ્લિયૉગ્રાફી ઑવ્ પંજાબી બુક્સ’ (1946), ‘અ બિબ્લિયૉગ્રાફી ઑવ્ ધ પંજાબ’ (1966), ‘એ સિલેક્ટ બિબ્લિયૉગ્રાફી ઑવ્ ધ શીખ્સ ઍન્ડ શીખિઝમ’ (1965) – આ સૂચિઓ ગંડાસિંઘે (Ganda Singh) તૈયાર કરી હતી. ત્યારબાદ આ સૂચિની નવી આવૃત્તિ માટે પતિયાલાના પંજાબી ડિપાર્ટમેન્ટે પ્રૉજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રૉજેક્ટ હેઠળ એસ. સમશેરસિંહ અશોકે ઈ. સ. 1953માં ‘પંજાબી પ્રકાશન દી સૂચિ’-(Punjabi Prakashan di Suchi)માં ઈ. સ. 1845-1952 સુધીના સમયનાં 42 વિષયોનાં 5,000 પુસ્તકોનો સમાવેશ કરતી સૂચિ તૈયાર કરી છે.

ગુજરાતી : ગુજરાતી ભાષાના સંદર્ભગ્રંથોની સંખ્યા 1995 સુધીની 512 છે. તેમાં વાઙ્મયસૂચિની સંખ્યા 66ની છે. (ગુજરાતી સંદર્ભગ્રંથો : કનુભાઈ શાહ). આ સૂચિઓમાં હસ્તપ્રતો, ગ્રંથો, લેખો, સાહિત્ય, બાલસાહિત્ય, ઇતિહાસ, સામયિકોના લેખોની સૂચિઓ ઇત્યાદિનો સમાવેશ થાય છે.

હસ્તપ્રતસૂચિઓ : ગુજરાતી હસ્તપ્રતોની ઉલ્લેખનીય સૂચિઓમાં प्रसिद्ध जैन पुस्तकमंदिरस्थ हस्तलिखित ग्रंथानां क्रमप्रदर्शकपत्रम् (પાટણના પ્રસિદ્ધ જૈન ગ્રંથભંડારોની હસ્તલિખિત ગ્રંથોની સૂચિ), હીરાલાલ પારેખ-સંપાદિત ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચિ’, શાંતિનાથ પ્રાચીન તાડપત્રીય જૈન જ્ઞાનભંડારનું સૂચિપત્ર, કે. કા. શાસ્ત્રી-સંપાદિત ‘ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી’, મોહનલાલ દલીચંદ દેશાઈ-સંપાદિત ‘જૈન ગૂર્જર કવિઓ’ (ત્રણ ભાગમાં, જેની સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ જયંત કેઠારીએ સંપાદિત કરી છે.) ‘જૈન ગૂર્જર કવિઓ’ના બધા ભાગોમાં વિક્રમના 13મા શતકથી તે 19 અને 20મા શતકના તથા પૂર્વે નહિ પ્રકાશિત ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ આપવામાં આવી છે. સ્વ. ફાર્બસ સાહેબની સ્મૃતિમાં સ્થપાયેલી ‘શ્રી ફાર્બસ ગુજરાતી સભા’નાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ, ભા. 12, 1923, 1929, ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, 1930, મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ‘ગુજરાતી હસ્તપ્રતસૂચિ’ 1978, મુનિશ્રી ચતુરવિજય-સંપાદિત ‘લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર’ વગેરે નોંધપાત્ર સૂચિઓ છે. ‘સૂર્યપુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર દર્શિકા સૂચિ’ (1938) – આ સૂચિમાં 13,703 હસ્તપ્રતોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. કનુભાઈ શાહ અને કિરીટ ભાવસાર-સંપાદિત ‘હસ્તપ્રતસૂચિ’માં ગૂજરાતી વિદ્યાપીઠ ગ્રંથાલયમાં પ્રાપ્ય વિવિધ વિષયો અને ભાષાની 691 હસ્તપ્રતોનો સમાવેશ થયો છે.

સ્વ. મુનિશ્રી પુણ્યવિજયજી-સંકલિત અને મુનિશ્રી જમ્બૂવિજયજી- સંપાદિત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણમાં સચવાયેલી 20,035 હસ્તપ્રતોની સૂચિ : Catalogue of the Manuscripts of Patan Jain Bhandara, 3 Vols. (4 parts) 1991માં પ્રસિદ્ધ થઈ છે.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંચાલિત આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં સંગ્રહાયેલી જૈન હસ્તલિખિત સાહિત્યનું વિસ્તૃત સૂચિપત્ર : ‘कैलास श्रुतसागर ग्रंथ-सूचि’ (खण्ड 1) 2003માં પ્રસિદ્ધ થઈ છે. મુનિશ્રી અજયસાગરજીના માર્ગદર્શન નીચે મુનિશ્રી નિર્વાણસાગરે તૈયાર કરેલી અને પંડિત મનોજભાઈ જૈન અને ડૉ. બાલાજી ગણોતકરે સંપાદિત કરેલી આ સૂચિ સાધુ-સાધ્વી, ભગવંતો, વિદ્વાનો, સંશોધકો માટે અતિ મહત્વનું સંદર્ભસાધન છે.

ગ્રંથસૂચિઓ : ગ્રંથસૂચિઓમાં ‘આઠ હજાર ગુજરાતી પુસ્તકોની વર્ગીકૃત નામાવલિ’, 1929 તેમજ ‘ગુજરાતી પુસ્તકોની વર્ગીકૃત નામાવલિ ભાગ 2’ 1933; પુસ્તક ચાર હજાર, ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય ગ્રંથનામાવલિ’ ભા. 1, 1955, ‘વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીનાં ગુજરાતી પુસ્તકોનું કૅટલૉગ’, 1917, ‘રાષ્ટ્રીય ગ્રંથસૂચિ : ગુજરાતી વિભાગ’ 196470 નોંધપાત્ર વાઙ્મયસૂચિઓ છે. અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસાર-સંપાદિત ‘પ્રાચીન આદિમુદ્રિત ગ્રંથસૂચિ’ 2004માં પ્રસિદ્ધ થઈ છે.

વિષયસૂચિઓ : વિષયસૂચિઓમાં ગુજરાત ઇતિહાસ પરિષદે પ્રકાશિત કરેલી ‘ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ’ સાત ભાગોમાં વહેંચાયેલી છે. પાંડુરંગ દેશપાંડે-સંપાદિત ‘ગાંધીસાહિત્યસૂચિ’માં ગુજરાતી ભાષાનાં પુસ્તકો ઉપરાંત ઉર્દૂ, કન્નડ, સંસ્કૃત, સિંધી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનો સમાવેશ થયેલો છે. ડૉ. ધીરુભાઈ ઠાકર-સંપાદિત ‘અભિનેય નાટકો’ 1958-360 ગુજરાતી નાટકોની માહિતી આવરી લેવાઈ છે. કનુભાઈ જાની અને કિરીટ ભાવસાર-સંપાદિત ‘મેઘાણી સંદર્ભ’ અને કિરીટ ભાવસાર-સંપાદિત ‘લેવ તૉલ્સ્તૉય વાઙ્મયસૂચિ’ 1979 નોંધપાત્ર છે. પ્રકાશ વેગડ-સંપાદિત સૂચિઓમાં ‘ગુજરાતી સાહિત્યસૂચિ : મધ્યકાળ’ 1984, ‘ગોવર્ધનરામ વિવેચનસંદર્ભ’ 1995, ‘મહાનિબંધ વર્ગીકૃત સૂચિ’ 1857-1977, ‘ગુજરાતી મહાનિબંધસૂચિ’ 1857-1991 તેમજ કનુભાઈ શાહ અને કિરીટ ભાવસાર-સંપાદિત ‘તપાસનિબંધ સૂચિ’ ઇત્યાદિ સૂચિઓ ઉલ્લેખપાત્ર છે. બાલસાહિત્ય સૂચિઓમાં ગુજરાતી બાલસાહિત્ય, 4 ગ્રંથ 1959માં, કુલ 924 પુસ્તકોનો સમાવેશ થયેલો છે. ‘બાલસાહિત્ય સર્વસંગ્રહ’ (ભા. 1-2) ગિજુભાઈ-સંપાદિત વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ મંડળે 1932 અને 1944માં પ્રસિદ્ધ કરેલા છે.

મહિલાઓ માટે ઉપયોગી ‘મહિલા પુસ્તકાલય ગ્રંથસૂચિ’ તેમજ ‘ગ્રામ પુસ્તકાલય ગ્રંથસૂચિ’ અને ‘ગુજરાતી બાળસાહિત્ય સને 1933થી 65 સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકો’ – આ સૂચિગ્રંથો કીકુભાઈ દેસાઈએ સંપાદિત કરેલાં છે અને ગુજરાત પુસ્તકાલય મંડળે પ્રસિદ્ધ કરેલાં છે.

લેખસૂચિઓમાં કનુભાઈ શાહ અને કિરીટ ભાવસાર-સંપાદિત ‘ગુજરાતી સામયિક લેખસૂચિ’ 1975 અને 1976માં ગુજરાતી સામયિકોમાંથી પસંદ કરેલાં અનુક્રમે 29 અને 50 શિષ્ટ સામયિકોના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉ. ધીરુભાઈ ઠાકર-સંપાદિત ‘જ્ઞાનસુધા : સ્વાધ્યાય અને સૂચિ’ અને ‘સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ’માં અનુક્રમે 1892થી 1919 અને 1896થી 1926 સુધીના અંકોમાં પ્રગટ થયેલા લેખોની વર્ષવાર અને અંકવાર સૂચિ આપવામાં આવી છે. આ સૂચિઓના સ્વાધ્યાય અને સંદર્ભ વિભાગમાં લેખોનો ટૂંકસાર-સંદર્ભ આપવામાં આવ્યો છે.

ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારની સૂચિઓ (દા. ત., ગ્રંથસૂચિઓ, વિષયસૂચિઓ, લેખસૂચિઓ, બાલસાહિત્ય-સૂચિઓ) ઇત્યાદિ તૈયાર થયેલી છે તેની વિગતો જોયા બાદ વ્યક્તિગત કે અલગ અલગ સૂચિઓ તૈયાર કરવાની સાથોસાથ જે તે ગ્રંથમાં જે તે વિષયની કે જે તે લેખકના સાહિત્યની સૂચિઓ આપવાનું વલણ જોવા મળે છે. કોઈ લેખકની શતાબ્દી પ્રસંગે પ્રસિદ્ધ થયેલા સ્મૃતિગ્રંથમાં કે કોઈ લેખના અભિનંદન-ગ્રંથમાં ગ્રંથના અંતભાગમાં વિસ્તૃત સૂચિ સંપાદક દ્વારા અથવા વ્યાવસાયિક ધોરણે ગ્રંથાલયવિદો પાસે તૈયાર કરાવી સૂચિકારના નામોલ્લેખ સાથે મૂકવામાં આવે છે. આ ઉપરાંત પરિસંવાદ પ્રસંગે જે તે વિષયના પરિસંવાદના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરવામાં આવે છે; દા.ત., બાલસાહિત્ય સંગોષ્ઠિ (સંપા. કુમારપાળ દેસાઈ) ગ્રંથમાં પ્રકાશ વેગડે તૈયાર કરેલી ગ્રંથો અને લેખોની સૂચિનો સમાવેશ કર્યો છે.

‘વિશ્વકોશ : સાંપ્રત વિશ્વના સંદર્ભમાં’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આયોજિત પરિસંવાદમાં જે ચર્ચાવિચારણા થયેલી તેને પ્રીતિ શાહ દ્વારા સંપાદિત ‘વિશ્વકોશવિમર્શ’ ગ્રંથમાં લેવામાં આવી છે. આ જ ગ્રંથમાં મુખ્યત્વે કરીને અંગ્રેજી ભાષાના અને ભારતીય ભાષાના વિવિધ વિષયોના વિવિધ વિશ્વકોશ/જ્ઞાનકોશોની સૂચિ કનુભાઈ શાહે તૈયાર કરી છે. અંગ્રેજી ભાષાના આશરે 800 વિશ્વકોશો અને ભારતીય ભાષાઓ જેવી કે ગુજરાતી, હિન્દી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, મરાઠી, પંજાબી, ઇત્યાદિ ભાષામાં પ્રસિદ્ધ થયેલા આશરે 200 જેટલા વિશ્વકોશોની વિષયવાર યાદી પણ આપી છે.

સ્મૃતિગ્રંથો કે અભિનંદનગ્રંથો કે સામયિકોમાં આવેલી ગ્રંથ/લેખસૂચિઓ તૈયાર કરનાર વ્યાવસાયિકોમાં શ્રી પ્રકાશ વેગડ, નવલસિંહ વાઘેલા, કનુભાઈ શાહ, કિરીટ ભાવસાર, દેસાઈ કીકુભાઈને ગણાવી શકાય. જેમાં સંપાદકો કે લેખકોએ પોતે જ સૂચિઓ તૈયાર કરીને આપી હોય તેવા ગ્રંથોમાં કેટલાક મહત્વના ગ્રંથો આ પ્રમાણે છે : ચંદ્રકાન્ત શેઠ અને શ્રદ્ધાબહેન ત્રિવેદી (‘યુગદ્રષ્ટા ઉમાશંકર’), રઘુવીર ચૌધરી અને રમેશ દવે (‘પન્નાલાલનું પ્રદાન’), પ્રીતિ શાહ (‘સમૂહ માધ્યમો અને સાહિત્ય’), રમણલાલ જોશી (‘ગોવર્ધનરામ : એક અધ્યયન’), નટુભાઈ ઠક્કર (‘જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્મય’), વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (‘બ. ક. ઠાકર અધ્યયનગ્રંથ’), ધીરેન્દ્ર મહેતા (‘નંદશંકરથી ઉમાશંકર : ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’), વિનોદ અધ્વર્યુ (મુનશી ક્ધૌયાલાલ માણેકલાલ) વગેરે. વળી રમણલાલ જોશી સંપાદિત ગ્રંથકાર-શ્રેણીમાં પણ અનેક ગ્રંથોમાં આવી સૂચિઓ આપવામાં આવી છે. ‘મિલાપ’ અને ‘પ્રસાર’ જેવી પ્રકાશન-સંસ્થાઓ દ્વારા વર્ષભરનાં વાંચવા જેવાં પુસ્તકોની યાદીઓ પણ આપવામાં આવે છે.

આ રીતે તૈયાર કરેલી સાહિત્યસૂચિઓ એક રીતે વિશેષ વાચન માટે અત્યંત મહત્વની બની રહે છે.

એવું કહેવાય છે કે વાઙ્મયસૂચિ વિના સંસ્કૃતિબોધક દસ્તાવેજો, જ્ઞાનક્ષેત્રના વિવિધ પ્રદાનો અવ્યવસ્થિત અને અનુપયુક્ત એવો અજ્ઞાત અરણ્યપ્રદેશ જ બની રહે.

પ્રકાશ વેગડ, કનુભાઈ શાહ