વાચસ્પતિ : આયુર્વેદ-ટીકાકાર. આયુર્વેદ-વિજ્ઞાનના રોગનિદાન માટે સર્વોત્તમ કહેવાય તેવા સંગ્રહગ્રંથ ‘માધવનિદાન’ ગ્રંથ પર જે વ્યક્તિઓએ ટીકાઓ લખી છે તે છે (1) વિજયરક્ષિત તથા તેમના શિષ્ય શ્રીકંઠ દત્ત અને (2) વાચસ્પતિ. વાચસ્પતિ ટીકાકારે ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર ‘આતંકદર્પણી’ નામની સુંદર ટીકા લખી છે. આ ટીકા લખતાં પૂર્વે તેમણે વિજયરક્ષિત તથા શ્રીકંઠ દત્તની ‘મધુકોશ’ નામની ટીકા પણ જોઈ હતી. શ્રી વાચસ્પતિના પિતા પ્રમોદજી રણથંભોરના રાજા ચૌહાણ હમ્મીરના અને તેમના મોટા ભાઈ મહમ્મદ ઘોરી (ઈ. સ. 1193થી 1205) અથવા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન મહમ્મદશાહ પહેલો (ઈ. સ. 1296થી 1316) કે પછી મહમ્મદ તઘલખ (ઈ. સ. 1325 થી 1351) – કોઈ એકના સમયકાળમાં હયાત હતા. તે ઉપરથી વાચસ્પતિનો સમય ઈ. સ. 14મા શતકનો ગણાય તેવો આયુર્વેદના ઇતિહાસકાર દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનો મત છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા