વાગ્નર, રિચાર્ડ (જ. 22 મે 1813, લિપઝિગ, જર્મની; અ. 13 ફેબ્રુઆરી 1883, વેનિસ, ઇટાલી) : પ્રસિદ્ધ જર્મન ઑપેરા-સ્વરનિયોજક અને સંગીત-સિદ્ધાંતકાર. ઓગણીસમી સદીના યુરોપના સંગીતને દિશાસૂચન કરવાનું કામ તેણે પોતાના સંગીત તેમજ ગ્રંથો વડે કર્યું.

કુટુંબમાં જ સંગીતનું વાતાવરણ હતું. એ બાળક હતો ત્યારે પિતા મૃત્યુ પામ્યા. માતા અને અભિનેતાની કારકિર્દી ધરાવતા સાવકા પિતાએ તેને ઉછેરી મોટો કર્યો. વાગ્નરની મોટી બહેનો ઑપેરા-ગાયિકાઓ બની. ડ્રૅસ્ડન યુનિવર્સિટી ખાતે ક્રશુલે (Krueuzscule) સંગીતશાળામાં તેમજ લિપઝિગ યુનિવર્સિટી ખાતે ‘નિકોલૈશુલે’ (Nicholaischule) સંગીતશાળામાં તે અભ્યાસ પ્રત્યે ઘણો જ બેપરવા હતો. જાતે જ તે પિયાનોવાદન અને સ્વરનિયોજન શીખ્યો. સંગીત અને ઑપેરાના જલસા જોવાનું તે ચૂકતો નહિ. અભ્યાસકાળ દરમિયાન જ એણે શેક્સપિયર, ગ્યુઇથે (કે ગટે) અને શીલરનાં નાટકો વાંચ્યાં. સંગીતના એક વિદ્યાર્થી તરીકે વાગ્નર ખૂબ જ શિસ્તહીન અને ચંચળ હતો. તેનામાં ધીરજનો પણ અભાવ હતો; છતાં બીથોવનની સિમ્ફનીઓ અને સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ(ચાર તંતુવાદ્યો માટેની રચનાઓ)નો ઊંડો અભ્યાસ એણે જાતે જ કર્યો. એના સંગીતશિક્ષકનું નામ થિયૉડૉર વિન્લિગ (Theodor Weinling) હતું. એવામાં જ એણે એક મૌલિક સિમ્ફની (C મેજર) લખી, જેનું લિપઝિગ ખાતે 1833માં વાદન કરવામાં આવ્યું. એ જ વર્ષે અભ્યાસ પૂરો કરી તેણે યુનિવર્સિટીનો ત્યાગ કર્યો, અને ઉનાળામાં તેણે વૂર્ઝબર્ગ-(Wiirzburg)માં ઑપેરા-શિક્ષક તરીકે કામ કર્યું; જ્યાં તેણે પોતાનો પ્રથમ ઑપેરા ‘ડી ફીન’ (ધ ફેરીઝ) રચ્યો. તે કાર્લો ગોત્ઝીએ(Carlo Gozzi) લખેલા એક કલ્પનાપ્રધાન (fantastic) કથા ઉપરથી રચાયેલો, પણ તેનું મંચન નહિ થયું. ઑપેરા-અભિનેત્રી મીના (Minna) વિલેમિન પ્લૅનર (Wilhelmine Planer) સાથે પ્રેમમાં પડી તેણે તેની સાથએ 1836માં લગ્ન કરી લીધાં.

રિચાર્ડ વાગ્નર

શેક્સપિયરના ‘મેઝર ઑવ્ મેઝર’ પર આધારિત બીજો ઑપેરા ‘ડેસ લીપેસ્વેર્બૉટ’ (‘The Ban on Love’) લખ્યો. તેનું એક જ વાર મંચન થયું. તેનો બીજો શો કરવા કોઈ તૈયાર નહોતું.

વાગ્નરની જીવનશૈલી ખર્ચાળ હતી, પણ આવક હજી નહોતી. 1839માં લેણદારોની ચુંગાલમાંથી છૂટવા પૅરિસ જઈ ધન અને કીર્તિ કમાવાનો તેણે પ્રયત્ન કર્યો. પૅરિસમાં જર્મન સ્વરનિયોજક જિયાકૉમો મેયર્બીરે (Giacomo Meyerbeer) તેને ટેકો આપ્યો. છતાં ત્રણ વરસ સુધી પોતાના એક પણ ઑપેરાનું મંચન કરાવી શક્યો નહિ. ગરીબ જર્મન કલાકારો સાથે તેણે રહેવું પડતું અને સાંગીતિક પત્રકારત્વ તથા વૈતરાં કરીને માંડ માંડ બે ટંક જેટલું પેટિયું તે રળી શક્યો; છતાં, સ્વરનિયોજન તો તેણે ચાલુ જ રાખ્યું. બુલ્વેર-લિટોન(Bulwer-Lytton)ની એક નવલકથા ઉપરથી 1840માં તેણે ઑપેરા ‘રીન્ઝી’ (Rienzi) રચ્યો.

આ પછી તેણે પોતાનો પ્રથમ મહત્ત્વાકાંક્ષી ઑપેરા ‘ડેર ફ્લીજેન્ડ હૉલેન્ડર (Der Fliegende Hollainder) ‘ધ ફ્લાઇન્ગ ડચમૅન’ રચ્યો. મૃત્યુપર્યંત સતત વહાણવટું કરતા રહેવાનો શાપ પામેલ વહાણના કપ્તાનની ટ્યૂટૉનિક (જર્મન) લોકકથા ઉપરથી આ ઑપેરા રચાયો છે.

29 વરસની ઉંમરે 1842માં વાગ્નર ડ્રૅસ્ડન ગયો. અહીં તે જ વર્ષે તેનો ઑપેરા ‘રીન્ઝી’ (Rienzi) સફળતાપૂર્વક ભજવાયો. અહીં જ પછીના વર્ષે તેનો ઑપેરા ‘ધ ફ્લાઇન્ગ ડચમૅન’ ભજવાયો ખરો, પણ તે સફળ થયો નહિ. એ જ વર્ષે 1843માં તે ‘ડ્રૅસ્ડન કોર્ટ ઑપેરા’નો સંચાલક નિમાયો. આ પદ ઉપર વાગ્નર 1849 સુધી રહ્યો. 1845માં તેનો ઑપેરા ‘ટૅનોસેર’ (Tannhauser) ડ્રૅસ્ડનમાં ભજવાયો. ટ્યૂટૉનિક લોકકથા પર આધારિત આ ઑપેરાને શ્રોતાગણ તરફથી ઉમળકાભર્યો પ્રતિસાદ સાંપડ્યો નહિ.

ભવ્ય ફ્રેંચ અને ઇટાલિયન સાંસ્કૃતિક પરંપરાઓ સામે ટક્કર લઈ શકે તેવી ભવ્ય જર્મન સાંસ્કૃતિક પરંપરા ઘડવાનું, બીજા શબ્દોમાં કહીએ તો જર્મન અસ્મિતાને મજબૂત બનાવવાનું બીડું વાગ્નરે ઝડપેલું, તેથી જ તે ટ્યૂટૉનિક (જર્મન) લોકકથાઓમાંથી કથાબીજ લઈ મૌલિક ઑપેરા સર્જતો. જર્મન સાંસ્કૃતિક પરંપરાની માવજત માટે તેણે 1848માં ડ્રૅસ્ડનમાં ચળવળ શરૂ કરી. અખબારોમાં ઘણા લેખ લખ્યા. એણે જર્મન લોકકથા પર આધારિત નવો ઑપેરા ‘લોહેન્ગ્રીન’ રચ્યો, પણ ડ્રૅસ્ડન કોર્ટ ઑપેરાએ તેને ભજવવા દીધો નહિ. જર્મન સંસ્કૃતિ માટે ચલાવેલી જેહાદ નિષ્ફળતામાં પરિણમી. 1849માં વાગ્નરની ધરપકડ માટે ડ્રૅસ્ડનના સત્તાધીશે વૉરન્ટ જાહેર કર્યું. વાગ્નર જર્મની છોડી ભાગી ગયો અને તેણે 15 વરસ સુધી દેશનિકાલ વેઠ્યો. 1850ના ઑગસ્ટમાં તેના મિત્ર ફૅરેન્ક લિઝ્તે ‘લોહેન્ગ્રીન’ની પ્રથમ વાર ભજવણી વીમાર (Weimar) ખાતે કરી ખરી, પણ સ્વાભાવિક રીતે જ વાગ્નર તેમાં હાજર રહી શક્યો નહિ.

1849થી 1858 સુધી વાગ્નર ઝુરિકમાં રહ્યો. અહીં તેણે સંગીતવૃંદના સંચાલન અને ટ્યૂટૉનિક લોકકથાઓના સંશોધન તથા સાંગીતિક સિદ્ધાંતોના લેખનનું કામ આરંભ્યું. દેશનિકાલનાં 15 વરસ (1849થી 1864) સુધી તેણે મૌલિક સંગીતસર્જન કર્યું; પણ તેનું મંચન કર્યું નહિ. 1854થી 1855 સુધી તેણે ઝુરિક ખાતે ‘લંડન ફિલ્હાર્મોનિક’ના સંગીત-જલસાઓનું સંચાલન (conducting) કર્યું. ‘નોર્સ’ (Norse  નૉર્વેજિયન) લોકકથાઓ તથા સીગ્ફ્રીડ (Siegfried) લોકકથાઓનો અભ્યાસ કર્યો. 1849થી 1852 સુધીમાં તેણે સામાજિક અને કલાત્મક ક્રાંતિ ઉપર ગ્રંથો લખ્યા. ‘આર્ટ ઍન્ડ રિવૉલ્યૂશન’, ‘ધી આર્ટ વર્ક ઑવ્ ધ ફ્યુચર’, ‘એ કૉમ્યૂનિકેશન ટુ માય ફ્રેન્ડ્ઝ’ તથા ‘ઑપેરા ઍન્ડ ડ્રામા’ જેવા ગ્રંથો વડે તેણે મંચનક્ષમ કલા અંગેની પોતાની ક્રાંતિકારી વિભાવના સ્પષ્ટ કરી. 1852 સુધીમાં તેણે ચાર ઑપેરાઓ લખ્યા, જે સામૂહિક રીતે ‘ધ રિન્ગ ઑવ્ નિબેલુન્ગ’ નામે ઓળખાય છે :

(1) સીગ્ફ્રીડ ટૉડ (2) ધ રહાઇન ગોલ્ડ (3) ધ વૅલ્કિરે (Valkyrie) અને (4) યન્ગ સીગ્ફ્રીડ.

આ ચાર ઑપેરાઓ વાગ્નરનું શ્રેષ્ઠ સર્જન ગણાય છે. આ ચાર ઑપેરાઓ દ્વારા વાગ્નરે પોતે ઝંખેલી જર્મન સાંસ્કૃતિક પરંપરાની અસ્મિતાની સ્થાપના થતી જોઈ. જર્મન સંગીતની રંગદર્શિતાવાદી ચળવળ વાગ્નરના આ સંગીત દ્વારા સફળ થઈ. બિસ્માર્કના સમયના જર્મનીનો એ સૌથી વધુ સફળ સંગીતકાર બની શક્યો.

સંગીતક્ષેત્રે ‘લીટમૉટિફ’(Leitmotiv)નો ખ્યાલ વિકસાવી  અવાજોનાં (ધ્વનિ) પ્રતીકો વડે સંચાર સાધવાની તેની શૈલી ઘણી લોકપ્રિય થઈ. જુદી જુદી સૂરાવલિઓ જુદાં જુદાં પાત્રો માટે તેમાં વાપરવામાં આવે છે. કથા અને પાત્રોના વિકાસ સાથે આ સૂરાવલિઓ પણ પોતાનું મૂળભૂત માળખું સાચવી રાખી ફેરફાર પામે છે. આમ, કથાનું બયાન શબ્દો વગર સંગીત દ્વારા શક્ય બને છે. પાત્રોના મનોગતને સ્ફુટ કરવામાં પણ તે સહાયરૂપ થાય છે; જેમ કે, કોઈ પાત્ર જ્યારે ક્રુદ્ધ થાય ત્યારે તે પાત્ર માટે વાપરેલી મૂળ સૂરાવલિ (શબ્દો વિના) રૌદ્ર રૂપે રજૂ કરવામાં આવે છે. વાગ્નરના ઑપેરાઓમાં એવા ઘણા દાખલા જોવા મળે છે કે જ્યારે લાંબા સમય સુધી અમુક પાત્ર માત્ર સ્થિર જ નહિ, પણ શાંત રહે છે અને ઑપેરા એના માટેની લીટ્મૉટિફ સૂરાવલિ તે પાત્રની તત્કાલીન મનોદશાને અનુરૂપ આનંદ/શોક/ક્રોધ/ભય જેવા ભાવો સ્ફુટ થાય તે રીતે છેડે છે. આ રીતે પાત્રોનું માત્ર મનોગત જ નહિ, જાણે કે તેમનો આત્મા પણ પ્રગટતો હોય તેવું શ્રોતાઓને જણાય છે.

વાગ્નરની આ શૈલી ‘પ્રોગ્રૅમેટિક’ (programmetic) નામે ઓળખાઈ અને ઓગણીસમી સદીના બીજા ઘણા યુરોપિયન સ્વર-નિયોજકોએ તેને અપનાવી. આ અર્થમાં વાગ્નરને ઓગણીસમી સદીના યુરોપનો યુગપ્રવર્તક સંગીતકાર ગણી શકાય. સ્વરો વડે અદભુત વાતાવરણ ખડું કરી શ્રોતાને તેમાં તરબોળ કરવાની શક્તિ વાગ્નર પાસે હતી.

વાગ્નરે જર્મન ફિલસૂફ આર્થર શૉપનહૉવર(Schopenhaur)નો અભ્યાસ કર્યો. મૂક પ્રેક્ષક બની દુનિયારૂપી તમાશાનો આનંદ લૂંટવાના શૉપનહૉવરના સૂચનનો સ્વીકાર વાગ્નરના પછીના સર્જન ઑપેરા ‘ટ્રિસ્ટાન ઍન્ડ ઇસોલ્ડે’માં જોઈ શકાય છે. એ જ વર્ષોમાં 1857-59માં વાગ્નર અને ઝુરિકના ધનાઢ્ય વેપારીની પત્ની મૅથિલ્ડે વેસેન્ડોન્ક વચ્ચે પ્રણય પાંગર્યો, પરિણામે વાગ્નરે પોતાની પત્ની મીના સાથે છૂટાછેડા લીધા.

વાગ્નર અને મેથિલ્ડે વૅનિસ રહેવા ચાલ્યાં ગયાં. ત્યાંથી તેઓ પૅરિસ ગયાં. અહીં વાગ્નરનો ઑપેરા ‘ટૅનોસેર’ ભજવવામાં આવ્યો, પણ તે ભજવણી ધબડકામાં પરિણમી. 1861માં વાગ્નર અને મૅથિલ્ડે વિયેના ગયાં. અહીં તેનો ઑપેરા ‘લોહેન્ગ્રીન’ ભજવાયો, જે સફળ નીવડ્યો. અહીં જ તેણે નવો ઑપેરા ‘ધ માસ્ટર સિન્ગર્સ ઑવ્ નૂર્નબર્ગ’ લખવો શરૂ કર્યો.

મિત્રો પાસેથી નાણાં ઉધાર માંગી માંગીને પોતાની અતિવૈભવશાળી અને ખર્ચાળ જીવનશૈલીનું પોષણ કરવાને પરિણામે 1864માં તે નાદારી નોંધાવવાની અણી પર આવી ગયો. દેવાં નહિ ચૂકવવાને કારણે થતી ધરપકડ ટાળવા એકાવન વરસની ઉંમરે તેણે વિયેના છોડી ભાગવું પડ્યું. તે સ્ટુટગાર્ટ આવ્યો. ત્યાં જ માત્ર 18 વરસની ઉંમરનો બેવેરિયાનો રાજા લુઈ બીજો તેની મદદે આવ્યો. તેણે વાગ્નરના ગ્રંથો વાંચ્યા હતા તથા ‘ધ રિન્ગ ઑવ્ નિબેલુન્ગ’ ઑપેરાશ્રેણીની લિખિત પ્રત પણ વાંચી હતી. તે વાગ્નરનો આશિક હતો. તેણે વાગ્નરને મ્યૂનિક બોલાવ્યો અને વાગ્નરના બધા જ ઑપેરાઓના મંચન માટે રાજ્યની તિજોરી ખોલી આપી. તેણે વાગ્નરના ઑપેરાના મંચન માટે બેરુથ (Bayreuth) ખાતે ફેસ્ટિવલ થિયેટર બાંધી આપ્યું અને વાગ્નરને રહેવા માટે ભવ્ય બંગલો પણ આપ્યો.

બેરુથ ખાતે વાગ્નરના મોટાભાગના ઑપેરાઓની પ્રથમ અને ભવ્ય ભજવણીઓ થઈ. એમાંના કેટલાકને એણે પોતે જ દિગ્દર્શિત (કન્ડક્ટ) કરેલાં તો કેટલાકને હેન્સ ફોન બુલોએ દિગ્દર્શિત કરેલા.

ભવ્ય ઠાઠમાઠથી રહેતા વાગ્નરને હવે રાજવી સાલિયાણું મળતું હોવા છતાં એ દેવામાં ડૂબેલો રહેતો. ઑપેરા કન્ડક્ટર હેન્સ ફોન બુલોની પત્ની અને પ્રસિદ્ધ હંગેરિયન સ્વરનિયોજક ફેરેન્ક લિઝ્તની પુત્રી કોસિમા સાથે તેણે લગ્ન વિના રહેવું શરૂ કર્યું. કોસિમાએ છેક 1870માં બુલો સાથે છૂટાછેડા લીધા, પણ એ છૂટાછેડા અગાઉ જ એણે વાગ્નરનાં ત્રણ સંતાનો ઇઓલ્ડે, ઇવા અને સીગ્ફ્રીડને જન્મ આપ્યો.

રાજા લુઈ બીજાએ વાગ્નરના ઑપેરાઓની ભવ્ય અને ઠાઠમાઠભરી ભજવણીઓ પાછળ લખલૂંટ નાણાં વહાવી દીધાં. 1876માં ‘ધ રિન્ગ ઑવ્ નિબેલુન્ગ’ની ભવ્ય ભજવણીઓ થઈ અને સમગ્ર યુરોપનું કલાજગત છક્કડ ખાઈ ગયું.

1877માં વાગ્નરે તેનો છેલ્લો ઑપેરા ‘પાર્સિફેલ’ લખ્યો. 1882માં તેની પહેલી ભજવણી બેરુથ ખાતે થઈ. 1865માં તેણે જર્મન ભાષામાં લખવી શરૂ કરેલી તેની આત્મકથા ‘મીન લેપેન’ (Mein Leben) (માય લાઇફ) તેણે 1882માં પૂર્ણ કરી અને નવી પત્ની કોસિમાને અર્પણ કરી. હૃદયરોગના હુમલાથી તે મૃત્યુ પામ્યો અને પોતાને માટે તેણે જાતે જ તૈયાર કરેલી કબરમાં દફનાવવામાં આવ્યો. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધોને બાદ કરતાં દર વર્ષે બેરુથ ખાતે વાર્ષિક ધોરણે વાગ્નરના ઑપેરાનું મંચન કરવામાં આવે છે.

વાગ્નર પોતાના ઑપેરા માટેની શબ્દરચના (librettos) જાતે જ લખતો. ભાગ્યે જ બીજો કોઈ સ્વરનિયોજક આમ કરી શકતો. વળી પોતાના સંગીતમાં તેણે દાખલ કરેલાં કેટલાંક તત્વોને કારણે શોઅનબર્ગ જેવા આધુનિક સંગીતકારોનો તેને અગ્રયાયી ગણી શકાય.

અમિતાભ મડિયા