વાગ્ગા-વાગ્ગા (Wagga-Wagga) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 35o 07’ દ. અ. અને 147o 22’ પૂ. રે.. તે સિડની અને મેલબૉર્ન શહેરોથી સરખા અંતરે મરુમ્બિગી નદીની બાજુમાં આવેલું છે. તેની પૂર્વ તરફ રૉયલ ઑસ્ટ્રેલિયન ઍર ફૉર્સ ટેક્નિકલ ટ્રેનિંગ સ્કૂલ તથા પશ્ચિમ તરફ કાપુકા નામનો બેઝિક મિલિટરી ટ્રેનિંગ કૅમ્પ આવેલાં છે. વાગ્ગા-વાગ્ગાનો ઘેટાંનો વેચાણવાડો ન્યૂ સાઉથ વેલ્સમાં સૌથી મોટો ગણાય છે. અહીં મુખ્ય કતલખાનું, માંસ પ્રક્રમણના ચાર એકમો, પૅકિંગ કરવા માટેના ધાતુના હવાચુસ્ત ડબ્બાનું કારખાનું, ચામડાંના ઔદ્યોગિક એકમો તથા અન્ય આડપેદાશોનાં કારખાનાં આવેલાં છે.

વાગ્ગા-વાગ્ગા નગરનું વિહંગદૃશ્ય

1829માં અભિયંતા કૅપ્ટન ચાર્લ્સ સ્ટર્ટ મરુમ્બિગી નદી ઓળંગીને આજના આ શહેરના સ્થળે પહોંચેલો. 1849 સુધીમાં અહીં એક નાનું ગામડું વસ્યું હતું. 1946 સુધીમાં તે ધીમે ધીમે વિકસતું જઈને એક મધ્યમસરનું શહેર બની ગયું. ‘વાગ્ગા-વાગ્ગા’ નામનો અહીંનો સ્થાનિક અર્થ ‘ઘણા કાગડાઓનું સ્થળ’ એવો થાય છે. 2000 મુજબ તેની વસ્તી 59,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા