વલ્લીકાન્નન્ (આર. એસ. ક્રિશ્ર્ન સ્વામી)

January, 2005

વલ્લીકાન્નન્ (આર. એસ. ક્રિશ્ર્ન સ્વામી) (જ. 12 નવેમ્બર 1920, રાજાવલ્લીપુરમ્, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ ભાષાના લેખક. પૂરું નામ આર. એસ. કૃષ્ણસ્વામી. 1939માં લેખનપ્રવૃત્તિનો પ્રારંભ. 1941માં વાચન-લેખનની પ્રવૃત્તિ પાછળ પૂરો સમય આપવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામું. સાહિત્યિક કારકિર્દી શરૂ કરવા તેઓ ચેન્નઈ (મદ્રાસ) આવ્યા; 1943માં ‘સિનેમા વર્લ્ડ’ (માસિક) તથા 1944માં ‘નવશક્તિ’(માસિક)ના સહસંપાદક થયા. 1944-47 સુધી ‘ગ્રામ ઓઝિયાન’ નામના સાહિત્યિક માસિકનું સંપાદન કર્યું. આ કાર્યકાળથી તેઓ સાહિત્યિક વર્તુળોમાં ખૂબ નામના પામ્યા. અનેક વિષયો તથા જુદા જુદા સાહિત્યપ્રકારોનું તેમણે અનેક ઉપનામોથી ઘણું લખાણ કર્યું. તેમાં અનુવાદ, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધો, કાવ્યો, નાટકો, સાહિત્યિક વિવેચના વગેરેનો સમાવેશ થાય છે. આ પછી તેમણે ઘણાં સામયિકોનું સંપાદનકાર્ય સંભાળ્યું અને ‘સરસ્વતી’ જેવા સાહિત્યિક સામયિકે તો તેમના માર્ગદર્શનથી ઇતિહાસ સર્જ્યો.

તેમણે તમિળમાં નવી કવિતાના આંદોલનનો પ્રારંભ કર્યો. પાંચ દશકાની તેમની લેખન-કારકિર્દી દરમિયાન તેઓ ત્રણેક લેખકપેઢી વચ્ચે સેતુ બની રહ્યા.

તેમનાં પ્રકાશનોમાં ‘શકુંતલા’ (1957), ‘વીદુમવેલિયુમ’ (1967), ‘નિનૈવુ ચરમ’ (1980) – એ નવલકથાઓ તથા ‘આન સિંગમ’ (1964), ‘અરુમૈયનતુનઈ’ (1991) – એ વાર્તાસંગ્રહો તેમજ ‘અમર વેદનાઈ’ (1974) – એ કાવ્યસંગ્રહ ઉપરાંત ‘પુતુ કવિતાઈન તોત્રમમ્ વાલારચિયુમ્’ (1977), ‘વસાગરકલ વિમર્શકરકલ’ (1987) – એ વિવેચનગ્રંથો અને ‘પુતુમાઈ પિતન’ (1987)  એ મૉનોગ્રાફ મુખ્ય છે.

તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1978), અગ્નિ અક્ષર ઍવૉર્ડ (1994) અને રાણા લિટરરી ઍવૉર્ડ (1995) મળ્યા છે.

મહેશ ચોકસી