વર્જિલ (જ. 15 ઑક્ટોબર ઈ. પૂ. 70, માન્ટુઆ પાસે ઍન્ડિસ; અ. 22 સપ્ટેમ્બર ઈ. પૂ. 19, બ્રુન્ડિસિયમ) : રોમન મહાકવિ. એમનું પૂરું નામ પબ્લિયસ વર્જિલિયસ મેશે. એમનાં માતા-પિતા વિશે સંપૂર્ણ ચોક્કસ માહિતી મળતી નથી; પરંતુ એક મત પ્રમાણે એમનાં પિતા સંપન્ન ખેડૂત હતા, તો વળી અન્ય એક મત પ્રમાણે તેઓ ટોપલી બનાવવાનો વ્યવસાય કરતા હતા. ત્રીજો મત એવો છે કે તેઓ એક યાયાવર ગ્રીક કે સિરિયન જ્યોતિષીના સહાયક હતા, અને ઇટાલીમાં સ્થિર થયા હતા. એમના કોઈ શેઠની પુત્રી માજા સાથે તેમનું લગ્ન થયું હતું અને તેના પેટે વર્જિલનો જન્મ થયો હતો.

વર્જિલે પોતાના શિક્ષણનો આરંભ ક્રૅમોનાથી કર્યો હતો અને પછી વધુ અભ્યાસ માટે પિતાએ એમને મિલાન મોકલ્યા હતા. વર્જિલે પોતાનો અંતિમ અભ્યાસકાળ નૅપલ્સમાં ગાળ્યો. અહીં એમણે ગ્રીક અને લૅટિન સર્જકોનાં સર્જનો ખૂબ ખંત અને ઊંડાણથી વાંચ્યાં. એમને ગમતા વિષયો હતા ગણિતશાસ્ત્ર અને પ્રાકૃતિક તત્વજ્ઞાન, જેમાં એમણે આગળ જતાં નામના કાઢી. આ ઉપરાંત ભૌતિકશાસ્ત્રમાં પણ એમણે વિદ્વત્તા સંપાદન કરી હતી.

વર્જિલ

એમના શૈશવમાં પિતાના કૃષિવ્યવસાયને કારણે પડેલા સંસ્કારોથી તરુણવયે ગોપજીવન અને કૃષિવ્યાપારમાં એમને રસ પડવા લાગ્યો હતો. એમની આરંભની અને સર્જનના મધ્યકાળની કૃતિઓમાં ગોપજીવન અને કૃષિવ્યવસાયનો સ્પષ્ટ પ્રભાવ જોઈ શકાય છે; પરંતુ પુખ્ત થતાં અને વિવિધ વિદ્યાક્ષેત્રોનું જ્ઞાન મેળવ્યા પછી તેમનો ઝોક તત્વજ્ઞાન અને માનવીય સંસ્કારિતા તરફ વળ્યો હતો. અભ્યાસકાળ દરમિયાન અને તે પૂરો કર્યા પછી સિરોન(Syron)માંથી એપિક્યુરિયન (ભોગવિલાસી) ફિલૉસૉફીના વિચારોને એમણે સ્વીકાર્યા તો ખરા, પણ થોડા જ સમયમાં એ વિચારોને ત્યજીને પ્લૅટોનિક તત્વસિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો અને આમરણ તેને વળગી રહ્યા હતા. ગ્રીકમાં એમના ગુરુ હતા નિકૅઆ(Nicaea)ના પાર્થેનિયસ.

અભ્યાસકાળ પૂરો થતાં વર્જિલ વતન પાછા ફર્યા હતા અને પૈતૃક વારસો તથા વ્યવસાય સ્વીકાર્યા હતા. અલબત્ત, તેઓ વધુ લાંબો કાળ ઘરમાં ટકીને રહ્યા નહિ. તુરત જ તેઓ રોમ ગયા. અહીં એમણે પોતાની અશ્વરોગ-પરખની નિપુણતાને કારણે ઘણી કીર્તિ પ્રાપ્ત કરી અને ઑગસ્ટસના અશ્વપાળના પરિચયમાં આવ્યા. વળી, આ ભાવિ રાજવીના પ્રીતિપાત્ર એવા એક વછેરાને લાગુ પડેલા રોગના યથાયોગ્ય નિદાનને કારણે તેઓ ઑગસ્ટસના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા. એમની શક્તિઓથી આકર્ષાઈને ઑગસ્ટસે વર્જિલને માંટુઆના તત્કાલીન લૅફ્ટનન્ટ પૉલિયોની રહેમ-નજર તળે મૂક્યા. ત્યારની અનેક ઘટનાઓથી વર્જિલ વૅરસ અને પૉલિયોની વધુ નિકટ આવ્યા; પરંતુ ત્યાં જ ફિલિપ્પિના યુદ્ધ પછી નજીકના સમયગાળામાં વર્જિલ વતન પાછા ફર્યા અને પોતાની ખેતસંપત્તિ સંભાળી લીધી. પણ ત્યાં તો એ મિલકત અન્ય કોઈએ પચાવી પાડી છે એવી જાણ થતાં એ મિલકત પાછી મેળવવા એમણે લૅફ્ટનન્ટ પૉલિયોને અરજી કરી. પૉલિયોએ મૅસેનસ નામક વર્જિલના ભાવિ આશ્રયદાતાની સહાયથી તે મિલકત તેના મૂળ ધારક વર્જિલને પાછી મળે તેવું વૉરંટ કઢાવ્યું. આ મિલકત પચાવી પાડનાર એક રોમન લશ્કરી સરદાર સામે વૉરંટની બજવણી થતાં ઉશ્કેરાઈ જઈ તેણે વર્જિલ પર હુમલો કર્યો. આ ઘાતક હુમલાથી બચવા મિન્સિયો (Mincio) તરીને વર્જિલ ત્યાંથી ભાગી છૂટ્યા. અલબત્ત, પૉલિયોની કૃપાદૃષ્ટિને કારણે વર્જિલને એ મિલકત આખરે પરત મળી ખરી.

હવે તેમણે ત્રણેક વર્ષ પોતાનાં ગોપકાવ્યોના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમનાં 10 ઇક્લૉગ્સ (Eclogues-  ગોપકાવ્યો) ઈ. પૂ. 37માં પ્રકટ થયાં અને તેના પ્રકાશનથી સમગ્ર રોમમાં વર્જિલની કીર્તિ પ્રસરી. આ સર્જનોને કારણે તે વિખ્યાત કવિ હૉરેસના પરિચયમાં પણ આવ્યા. આ સમયે વર્જિલનું વય હતું લગભગ 34 વર્ષનું. ઇક્લૉગ્સમાં એમણે ગોપજીવનની મધુરતા અને નિરાંતને સર્જનાત્મક અભિવ્યક્તિ આપી છે. એમના ચોથા ગોપકાવ્યમાં એમણે ઈસુ ખ્રિસ્તના જન્મની પણ આગાહી કરી છે. આથી તેઓ ખ્રિસ્ત પહેલાંના ખ્રિસ્તી કહેવાયા. આને પરિણામે ઈ. સ.ની ત્રીજી સદીમાં વર્જિલને દૈવી સ્થાને સ્થાપવામાં આવ્યા. એમનું આ કાવ્ય ત્યારથી ‘ડિવિનેશન – ધ સૉર્ટિસ વર્જિલિઆને’ તરીકે સ્વીકૃતિ પામ્યું છે.

ગોપકાવ્યોના સર્જન પછી મૅસેનસની વિનંતીથી વર્જિલે જ્યૉર્જિક્સ (Georgics) એટલે કે કૃષિવિષયક કાવ્યોનો આરંભ કર્યો. આ રચનાઓના સર્જન પાછળ એમણે લગભગ સાત વર્ષ ગાળ્યાં અને ઈ. પૂ. 30માં એ કૃષિકાવ્યોનું પ્રકાશન થયું. આ રચનાઓને વિવેચકોએ સંપૂર્ણ કલાકૃતિઓ તરીકે વધાવી લીધી. કૃષિ, કૃષિકાર, કૃષિવ્યાપારને લગતી સંકુલ અને સંપૂર્ણ માહિતીઓનો કોશ જાણે વર્જિલે આ કાવ્યોમાં કલાની ભૂમિકાએ આપી દીધો છે. એમનાં આ કૃષિકાવ્યો નૅપલ્સમાં સર્જાયાં હતાં. રોમ કરતાં નૅપલ્સની આબોહવા વર્જિલની તબિયતને વધુ અનુકૂળ હતી. વળી, એમનો આ નિવૃત્તિકાળ હતો અને રોમન ઉમરાવો તેમજ સમાજના ઉચ્ચ વર્ગના લોકો તેમનાં આ સર્જનોને પ્રેમથી સત્કારવા લાગ્યા હતા. જોકે વર્જિલે આ કૃષિકાવ્યોમાં કૃષિવિષયક નીતિનિયમો ચર્ચ્યા છે તે માંટુઆની આબોહવાને વધુ માફક આવે તેવા છે. આથી એવું મનાય છે કે આ કૃષિકાવ્યોનાં ડોળિયાં વર્જિલે પોતાનું વતન ત્યાગ્યું તે પહેલાં તૈયાર કર્યાં હશે. આ રચનાઓ પૂરી કર્યા પછી, ઍક્ટિયમ(Actium)ની લડાઈ પછી ઑગસ્ટસ ઍટ્ટેલા(attella)માં આરામ ફરમાવતા હતા ત્યારે વર્જિલે તે તેમને સંભળાવી હતી. ત્યારે સહુએ વર્જિલના કંઠનો અને પઠનનો અદભુત જાદુ અનુભવ્યો હતો. વર્જિલની સર્જક-પ્રતિભાથી ખુશ થઈને ઑગસ્ટસે નૅપલ્સમાં એમને માટે વિલા તથા રોમમાં એસ્ક્વિલીન ટેકરી પર સરસ મકાન પણ બંધાવી આપ્યાં હતાં. અહીં વર્જિલનો વિશાળ ગ્રંથસંચય પણ હતો.

કૃષિકાવ્યોના સર્જનથી સર્જકતાનો નિખાર પામેલા વર્જિલે નાની વયે મહાકાવ્ય રચવાનો મનસૂબો ઘડી રાખ્યો હતો અને તેનું કાચું માળખું પણ વિચારી રાખ્યું હતું, પરંતુ વિશ્વખ્યાત એમના મહાકાવ્ય ‘ઇનીડ’નો આરંભ એમણે 42ની પ્રૌઢ વયે કર્યો ત્યારે ઑગસ્ટસની રાજસત્તા છીનવાઈ ગઈ હતી. પ્રજાસત્તાકમાં શ્રદ્ધા ધરાવનાર વર્જિલે આ રાજસત્તાને દૂર કરવાનું વાજબી ઠેરવવા જાણે કે આ 12 સર્ગના મહાકાવ્યની રચના કરી છે. આ મહાકાવ્યના મહાનાયક ઇનિયૅસના રઝળપાટની કથા દ્વારા પ્રજાસત્તાકની તરફેણમાં વર્જિલે એમાં પોતાના ન્યાય્ય રાજકીય વિચારો અને દેશ તથા પ્રજાકલ્યાણની ઉન્નત ભાવનાને મુક્તમને અભિવ્યક્તિ આપી છે. ‘ઇનીડ’નું સર્જન પૂરું કર્યા પછી વર્જિલ પોતાના પ્રિય અધ્યયનવિષય તત્વજ્ઞાનના ઊંડા સ્વાધ્યાયમાં લાગી ગયા હતા.

આ પછી તેઓ ગ્રીસના પ્રવાસે નીકળ્યા. ઍથેન્સ હજુ તો વટાવ્યું પણ નહોતું ત્યાં જ ઑગસ્ટસ તેમને મળ્યા અને વર્જિલે તેમની સાથે ઇટાલી પાછા ફરવાનો નિર્ણય કર્યો. ઇટાલી પહોંચે તે પહેલાં મેગારા (Megara) સુધી આવી પહોંચતાં તેમની તબિયત અસ્વસ્થ બને છે અને દરિયાઈ સફરથી તેઓ વધુ નબળા પડી જાય છે. પરિણામે તેઓ બ્રુન્ડિસિયમના તટે ઊતરે છે અને એકાદ-બે દિવસ ત્યાં આરામ લેવા રોકાય છે; પરંતુ ત્યાં જ ઈ. પૂ. 19ની 22મી સપ્ટેમ્બરે તેમનું બ્રુન્ડિસિયમમાં અવસાન થાય છે.

મૃત્યુશય્યા પર પડેલા વર્જિલની ઇચ્છા ‘ઇનીડ’ મહાકાવ્યનો નાશ કરવાની હતી; પરંતુ ઑગસ્ટસે તેમ થતાં તેને રોકી તુક્કા તથા વૅરિયસ નામક બે સંપાદકોને તે હસ્તપ્રતની સોંપણી કરી અને તે હસ્તપ્રતમાં કશા જ ફેરફારો થાય નહિ તેની તાકીદ પણ કરી. વર્જિલે જેમ ‘ઇનીડ’ના નાશની ઇચ્છા પ્રકટ કરેલી તેમ અંતિમ એક બીજી ઇચ્છા એવી પણ વ્યક્ત કરેલી કે તેમને નૅપલ્સમાં દફનાવવામાં આવે. સાહજિકપણે જ તેમણે કબરલેખ રૂપે બે પંક્તિઓ રચી રાખી હતી :

‘I sung flocks, tillage, heroes;

Mantua gave

Me life, Brundusium death,

Naples a grave’.

(ગાયું મેં ટોળાં, ખેતી, વીરનાયકો વિશે; માન્ટુઆએ દીધું

જીવન, બ્રુન્ડિસિયમે નિધન, નૅપલ્સે કબર.)

આવા માનવતાવાદી મહાકવિ વર્જિલે પોતાના મૃત્યુ બાદ પોતાની અર્ધી મિલકત પોતાના ઓરમાન ભાઈ વૅલેરિયસ પ્રૉક્યૂલસને મળે તેવી વ્યવસ્થા કરી હતી. બાકીની અર્ધી મિલકત એમના ચાર મિત્રો મૅસેનસ, વૅરિયસ, તુક્કા અને સ્વયં ઑગસ્ટસને સરખે ભાગે મળે તેમ કર્યું હતું. દિલના અતિ ઉદાર અને મનથી સ્વસ્થ એવા વર્જિલનું શરીર-સ્વાસ્થ્ય નબળું હતું. અલબત્ત, એ ઊંચા હતા અને વિશાળ ખભા ધરાવતા હતા તેમજ કંઠ પણ આકર્ષક હતો; પરંતુ સખત પરિશ્રમને કારણે ચહેરો ઘઉંવર્ણો બની ગયો હતો. તીવ્ર બુદ્ધિશાળી આ કવિને માટે સૈન્યમાં જોડાવું કે વકીલાતનો વ્યવસાય કરવો એ ઇચ્છા હોવા છતાં દુર્બળ દેહને કારણે અને આત્મવિશ્ર્વાસની ઓછપને કારણે એ શક્ય બન્યું નહિ. આથી એમની બુદ્ધિમત્તાને અને સર્જકપ્રતિભાને અભિવ્યક્ત કરવા માટે સાહિત્યિક કારકિર્દી જ એક ખુલ્લો વિકલ્પ હતો. આ કારકિર્દીને એમણે પોતાના ઉત્તમ અને ઉમદા કાવ્યસર્જનથી ધન્ય બનાવી. ડૉનેટસ લખે છે તે પ્રમાણે વર્જિલ માયાળુ હતા, વિદ્વાનો અને સદગુણીઓનો સંગ વધારનારા હતા, ઈર્ષ્યામુક્ત હતા અને અન્યોની સાહિત્યિક સફળતાથી રાજી થનાર હતા. દુશ્મન પણ ચાહે તેવું તેમનું શીલ હતું.

એમની કવિતામાં અભિવ્યક્તિનું લાલિત્ય, છંદોલયની સુઘડતા અને સંવાદિતા ધ્યાનાર્હ છે. સમગ્ર માનવજાતના શ્રેયનું ઉત્તમ ચિંતન એમનાં કાવ્યોમાં મુક્તપણે અભિવ્યક્ત થયું છે. એમના કવનનું શબ્દસૌંદર્ય અને અર્થસૌંદર્ય, તથ્યબોધ અને સત્યદર્શન આકર્ષક છે. આ બધાંને કારણે વર્જિલ એક વિશ્વકવિ તરીકે અચલ સ્થાન ધરાવે છે.

ધીરુ પરીખ