વર્જિનિયા : પૂર્વ યુ.એસ.માં આવેલું રાજ્ય. ઉપનામ : ઓલ્ડ ડોમિનિયન. ભૌગોલિક સ્થાન : તે 36° 30´થી 39° 15´ ઉ. અ. અને 75° 30´થી 83° 00´  પ. રે. વચ્ચેનો 1,05,586 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પેન્સિલ્વેનિયા, ઈશાનમાં મૅરીલેન્ડ, પૂર્વમાં ઍટલૅંટિક મહાસાગર, દક્ષિણે ઉત્તર કૅરોલિના અને ટેનેસી તથા પશ્ચિમે કૅન્ટકી અને પશ્ચિમ વર્જિનિયા રાજ્યો આવેલાં છે. રિચમંડ તેનું પાટનગર છે.

ભૂપૃષ્ઠ : વર્જિનિયાના નૈર્ઋત્ય ભાગનું ભૂપૃષ્ઠ જંગલ-આચ્છાદિત અસમતળ ઉચ્ચપ્રદેશથી બનેલું છે. અહીંથી પસાર થતી કેટલીક નદીઓએ ઊંડાં કોતરો રચ્યાં છે. આ રાજ્યનો વિસ્તાર તેનાં મૂલ્યવાન કોલસાક્ષેત્રો માટે જાણીતો છે. રાજ્યની પશ્ચિમ સીમા તરફ ઈશાન-નૈર્ઋત્ય દિશાકીય, સમાંતર ડુંગરધારો પથરાયેલી છે; જ્યારે પૂર્વ ભાગમાં નદીખીણો આવેલી છે. ઍપેલેશિયન પર્વતસંકુલની મુખ્ય પૂર્વીય હારમાળા ‘બ્લૂ રિજ’ (Blue Ridge) ડુંગરધાર અને ખીણપ્રદેશની સરહદ રચે છે; આ રીતે આ બ્લૂ રિજ વર્જિનિયાનું પ્રધાન ભૂપૃષ્ઠ-લક્ષણ બની રહેલું છે. બ્લૂ રિજની પૂર્વ તરફ ઊંચાઈ ધરાવતું અસમતળ વિશાળ મેદાન આવેલું છે. પૂર્વ વર્જિનિયામાં ઍટલૅંટિક કિનારાનું મેદાન મહાસાગર નજીક ઉત્તર-દક્ષિણ વિસ્તરેલું છે. આ મેદાન ભરતીનાં પાણીની નિક્ષેપક્રિયાથી નિર્માણ પામેલું છે. વર્જિનિયાનું સર્વોચ્ચ સ્થળ માઉન્ટ રોજર્સ છે, તેની ઊંચાઈ 1,746 મીટર છે. રાજ્યની આબોહવા શિયાળામાં ઠંડી (જાન્યુઆરીનું તાપમાન 2° સે.) અને ઉનાળામાં હૂંફાળી (જુલાઈનું તાપમાન 24° સે.) રહે છે.

વર્જિનિયા

અર્થતંત્ર : વર્જિનિયાના 75 % લોકો મુખ્યત્વે સેવાઉદ્યોગો(શિક્ષણ, સરકારી વહીવટી કાર્યાલયો, સ્વાસ્થ્ય સંભાળ અને વેપાર)માં રોકાયેલા છે. આ રાજ્યના સરકારી તંત્રમાં કામ કરતા લોકોની સંખ્યા વૉશિંગ્ટન ડી. સી.ની તુલનામાં બીજા ક્રમે આવે છે. રાજ્યમાં ઘણી સંખ્યામાં મોટાં લશ્કરી મથકો આવેલાં છે. નૉર્ફૉક અને ન્યૂપૉર્ટનાં બંદરો યુ.એસ.નાં વ્યસ્ત ગણાતાં બંદરો પૈકીનાં ગણાય છે. વર્જિનિયામાં ઉત્પન્ન થતી ઘણી અગત્યની પેદાશોમાં રસાયણો અને સિગારેટ મુખ્ય છે. આ ઉપરાંત વીજસામગ્રી, ખાદ્યપ્રક્રમણ, પરિવહન-સામગ્રી, કોલસો, કાગળ તથા કાપડને પણ ઉત્પાદન-પેદાશોમાં મૂકી શકાય. રસાયણોમાં ઔષધિઓ અને કૃત્રિમ રેસાઓનો સમાવેશ થાય છે. કૃષિ પેદાશોમાં તમાકુ, મકાઈ, મગફળી, શક્કરિયાં અને સફરજન મુખ્ય છે. ઢોર, મરઘી અને દૂધને પણ ખેતીની આડપેદાશો ગણી શકાય. વર્જિનિયાના નૈર્ઋત્ય ભાગમાં કોલસાનું ખાણકાર્ય થાય છે.

વસ્તી-જોવાલાયક સ્થળો : વર્જિનિયાની વસ્તી 2000 મુજબ 70,78,515 જેટલી છે. રિચમંડ, નૉર્ફૉક, વર્જિનિયા બીચ, આર્લિંગ્ટન, હૅમ્પ્ટન, ચીઝપીક, ન્યૂપૉર્ટ ન્યૂઝ, પૉર્ટ્સમથ અહીંનાં મુખ્ય શહેરો-નગરો છે. શેનાન દોઆહ રાષ્ટ્રીય ઉદ્યાન સહિતના બ્લૂ રિજ પર્વતો, લ્યુરેની કંદરાઓ, જ્યૉર્જ વૉશિંગ્ટન અને થૉમસ જેફર્સન રાષ્ટ્રીય વન્ય-પ્રદેશો; 1607માં વસેલી સર્વપ્રથમ કાયમી અંગ્રેજ વસાહત-જેમ્સટાઉન આઇલૅન્ડ; સંસદભવન અને ગવર્નરનો મહેલ (1720) અને દ વિટ્ટ વૉલેસ ડેકોરેટિવ આર્ટ્સ ગૅલરી; ટૉરપીડો ફૅક્ટરી આર્ટ સેન્ટર સહિતનું ઍલેક્ઝાન્ડ્રિયા ઓલ્ડ ટાઉન (સ્થાપના 1749); જૂનું રિચમંડ; 1785માં થૉમસ જેફર્સને જેની સ્થાપત્ય-શૈલીનું આયોજન કરેલું તે વર્જિનિયા સ્ટેટ કૅપિટલ; જ્યૉર્જ વૉશિંગ્ટનનું નિવાસસ્થાન માઉન્ટ વર્નોન (1754); થૉમસ જેફર્સનનું શાર્લોટ્સ વિલે ખાતેનું નિવાસસ્થાન મૉન્ટિસેલો; અમેરિકી ગૃહયુદ્ધનાં રણક્ષેત્રો; ઍપોમૅટોક્સ કૉર્ટ હાઉસ; ઘણા યુ.એસ. પ્રમુખો તથા વીસમી સદીના મહાનુભાવોનું આર્લિંગ્ટન ખાતેનું રાષ્ટ્રીય સ્મશાનગૃહ; તથા બુંક રટી. વૉશિંગ્ટનનું જન્મસ્થળ તેના ગુલામી-જીવનનું સંગ્રહસ્થાનનૅશનલ મૉન્યુમેન્ટ આ રાજ્યનાં જોવાલાયક સ્થળો છે.

વર્જિનિયાનું મુખ્ય કૃષિ-ઉત્પાદન – તમાકુ

ઇતિહાસ : 1607માં જ્યારે અંગ્રેજ વસાહતીઓએ જેમ્સ ટાઉન ખાતે સર્વપ્રથમ વસાહત સ્થાપી, ત્યારે ઇંગ્લૅન્ડની રાણી એલિઝાબેથ કુમારિકા હોઈને, તેના પરથી ત્યાંનું નામ વર્જિનિયા અપાયેલું. તે વખતે ઍલગૉક્વિયન, સીઓવન અને ઇરોક્વિયન ભાષાસમૂહોના લોકો આ વિસ્તારમાં વસતા હતા. અમેરિકાના સર્વપ્રથમ કાયદાઓ (1619) અહીં જેમ્સટાઉન ખાતે તૈયાર કરાયેલાં.

વર્જિનિયન નેતાઓએ દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ઘણો મોટો ફાળો આપેલો છે. થૉમસ જેફર્સને સ્વાતંત્ર્ય વિશે લખ્યું છે. જેમ્સ મૅડિસોન અને બીજાઓએ અમેરિકી બંધારણ ઘડવામાં મદદ કરેલી છે. યુ.એસ.ના સર્વપ્રથમ પ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટન વર્જિનિયાના હતા. દેશના આઠ જેટલા પ્રમુખોનું આ જન્મસ્થળ રહ્યું છે.

યુ.એસ.ના ઇતિહાસમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓ વર્જિનિયા ખાતે આકાર પામેલી. અમેરિકી ક્રાંતિની મોટી લડાઈઓ અને આંતરગૃહયુદ્ધ વર્જિનિયામાં લડાયેલાં. આ રાજ્યમાં આવેલાં રણક્ષેત્રો પ્રખ્યાત બનેલાં. જૂનાં ચર્ચ, જૂના વસાહતી આવાસો, નૈસર્ગિક સૌંદર્યસ્થળો તથા અન્ય ઐતિહાસિક સ્થળોને કારણે પ્રવાસીઓ અહીં આવવા આકર્ષાય છે.

1831માં સાઉધેમ્પ્ટન પરગણાના અશ્ર્વેત ગુલામ અને ઉપદેશક નૅટ ટર્નરે ગુલામો માટેના બળવાની દોરવણી આપેલી. 1861ના એપ્રિલની 7મી તારીખે વર્જિનિયા યુ.એસ. રાજ્ય સંઘમાંથી છૂટું થઈ ગયેલું. 186-165 દરમિયાન થયેલા અમેરિકી આંતરયુદ્ધના આગળ પડતા લશ્કરી આગેવાન રૉબર્ટ ઈ. લી. વર્જિનિયાના હતા. 1863માં વાયવ્ય વર્જિનિયાનાં 48 પરગણાંનું અલગ રાજ્ય ‘પશ્ચિમ વર્જિનિયા’ બનાવાયું.

1970માં જાહેર શિક્ષણ માટેની સંસ્થા સ્થાપવામાં આવી. 1970ના દાયકામાં ઉદ્યોગોનો વિકાસ થયો, પ્રદૂષણ વધતું ગયું. 1892માં પૉપ્યુલિસ્ટ પાર્ટીના પ્રમુખની ગ્રામીણ મતો વધુ મળવાથી જીત થઈ. વર્જિનિયાના હૅરી ફલડ બાયર્ડ 1933થી 1966 સુધી સેનેટર તરીકે રહેલા. પ્રદૂષણ-નિયંત્રણ માટે 1980ના દાયકામાં ચીઝપીક ઉપસાગરને સાફ કરવાના પ્રયાસો હાથ ધરાયેલા.

ગિરીશભાઈ પંડ્યા