લોકદળ : ભારતના ઉત્તરપ્રદેશનો એક નાનો રાજકીય પક્ષ. ભારતીય રાજકારણમાં 1967માં ઉત્તરપ્રદેશમાં સ્થપાયેલ ભારતીય ક્રાંતિદળે લોકદળ તરીકે 1979માં નવું રૂપ ધારણ કર્યું. આ પક્ષના નેતા ચૌધરી ચરણસિંગે ઉત્તરપ્રદેશ કૉંગ્રેસમાંથી છૂટા પડી શરૂઆતમાં પ્રાદેશિક પક્ષ ભારતીય ક્રાંતિદળની રચના કરી હતી. તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પહોંચેલા કિસાન-નેતા હતા. આર્યસમાજી અને ગ્રામ-અગ્રણીમાંથી આવેલા આ જાટ નેતાએ વારંવાર પક્ષોની મિત્રતા બદલી હતી.

લોકદળના પ્રણેતા ચૌધરી ચરણસિંગ

વિચારસરણી અને સામાજિક આધાર : ગાંધીવાદી સમાજવાદનું સમર્થન કરતો આ પક્ષ વિકેન્દ્રિત અર્થનીતિ અને ગામડાંઓની આત્મનિર્ભરતાઓની વાત કરે છે. આ સાથે પક્ષ કામદારો અને ઉદ્યોગપતિઓ વચ્ચે પણ સહકારની તરફદારી કરે છે. પક્ષ બિનસાંપ્રદાયિકતાનો પૂરો સમર્થક છે. જનતા પક્ષમાંથી 1979માં તે જનસંઘ-જૂથના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના બેવડા સભ્યપદને આધારે જુદો પડેલો.

ભારત ગામડાંઓનો બનેલો દેશ છે, એ વાત પક્ષે હંમેશાં ધ્યાનમાં રાખી તેથી જ ગ્રામવિસ્તારમાં રહેતા ગરીબ લોકોના વિકાસને તેણે અગ્રતા આપી. તેણે ગ્રામજીવનમાં સહકારનું વાતાવરણ બની રહે તે માટે પંચાયતી રાજના વિકાસ અને ન્યાય-પંચાયતોની સ્થાપના ઉપર ભાર મૂક્યો. પક્ષે વિશાળ નગરોની રચનાનો વિરોધ કરી નાનાં આયોજિત નગરોની વાત કરી, જેથી માનવજીવનની સમાનતા જળવાઈ રહે. દેશને તંદુરસ્ત લોકશાહી મળે તે માટે લાંચરુશવત અને ભ્રષ્ટાચારથી મુક્ત વહીવટીતંત્ર અને લોકસેવાની તટસ્થતાની વાત કરી. આ સાથે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું સમર્થન કર્યું. કેન્દ્ર અને રાજ્યના સંબંધો સુધારવા રાજ્યપરિષદની સ્થાપનાની વાત કરી.

દેશની વિશાળ વસ્તીને રોજગારી મળી રહે તે માટે ખેતીની સાથે વધુ રોજગારી પૂરી પાડતા નાના ઉદ્યોગો સ્થાપવાનું સમર્થન કર્યું. ગરીબ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા જમીનદારી પ્રથા નાબૂદ કરવા ઉપર ભાર આપ્યો. જમીન-સુધારણાના કાયદાનો પૂરો અમલ કરી ખેતવિહોણા લોકોને જમીન આપવાની વાત કરી. પક્ષે સમાજના નબળા લોકો અને લઘુમતી લોકોના રક્ષણની બાંયધરી આપી.

પક્ષની વિદેશનીતિનો વિચાર કરતાં જણાય છે કે તેણે બિનજોડાણવાદનું સમર્થન કરવાની સાથે સારા પડોશીઓ સાથે મિત્રતા ગાઢ બનાવવા ઉપર ભાર આપ્યો. પક્ષે સંસ્થાનવાદ અને રંગભેદ સામે સ્પષ્ટપણે અણગમો દર્શાવ્યો.

પક્ષના આધારો : મુખ્યત્વે ખેડૂત-આધારિત આ પક્ષે સમાજના શ્રમિક અને પછાત લોકોમાંથી ટેકેદારો મેળવ્યા. આ સાથે જમીનદારી પ્રથાનો વિરોધ કરવા છતાં મોટા ખેડૂતોનો વિશ્ર્વાસ પણ જાળવી રાખ્યો એ તેની વિશેષતા હતી. જ્ઞાતિની દૃષ્ટિએ હરિયાણા અને રાજસ્થાનના જાટ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને બિહારના યાદવ અને કૂર્મીઓના ટેકા ઉપરાંત કેટલેક અંશે ભૂમિહીન હરિજનો, ઠાકુરો અને રાજપૂતો તથા બ્રાહ્મણોનો વિશ્ર્વાસ કેળવ્યો. બિનસાંપ્રદાયિકતાના સમર્થનને લીધે પક્ષને મુસ્લિમ અને શીખ લઘુમતીઓનું પણ સમર્થન મળ્યું.

ચૂંટણીગત દેખાવ : 1967માં ઉત્તરપ્રદેશ કૉંગ્રેસમાંથી અલગ થયેલ ચૌધરી ચરણસિંગની આગેવાની નીચે આ પક્ષે ‘ભારતીય ક્રાંતિદળ’ નામ ધારણ કરી 1969ની વિધાનસભા ચૂંટણીઓમાં 99 બેઠકો પ્રાપ્ત કરેલી. રામમનોહર લોહિયાના મૃત્યુ પછી પક્ષે સમાજવાદી પક્ષમાંથી પણ ઘણા કાર્યકરોને આકર્ષી પોતાનો આધાર વિસ્તૃત બનાવેલો.

1971માં પક્ષે રાષ્ટ્રીય પક્ષ તરીકે પ્રતિભા ઉપસાવવા પ્રયત્ન કર્યો, પરંતુ લોકસભાની ચૂંટણીઓમાં તેના 97 ઉમેદવારોમાંથી માત્ર 3 જીત્યા. તેને 2.17% મત મળ્યા. જ્યારે ચૌધરી ચરણસિંગનો પક્ષ રાષ્ટ્રીય સ્તરે નવો હોવાની સાથે પ્રાદેશિક સ્તરે વિપક્ષોની બનેલી મોરચા સરકારોના કરુણ રકાસનો ભાગીદાર હતો. 1977માં આ પક્ષ જનતાપક્ષમાં વિલીન થયો. પક્ષમાંના જૂથ તરીકે તેનો દેખાવ સારો હતો. આ જૂથે લોકસભામાં 69 બેઠકો મેળવી. જનતાપક્ષના 295 સાંસદોમાં ચરણસિંગ જૂથનો મોટો હિસ્સો હતો; એટલું જ નહિ, જનતાપક્ષના ઉત્તર ભારતમાં સારા દેખાવ માટે પણ આ પક્ષનું મોટું યોગદાન હતું. ત્યારબાદ જૂન 1977ની ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પક્ષના જૂથે જનતાપક્ષમાં આગળ પડતો દેખાવ કર્યો હતો. ચૌધરી ચરણસિંગની વડાપ્રધાન બનવાની મહેચ્છા અને જનસંઘ જૂથના બેવડા સભ્યપદના પ્રશ્નને લીધે જનતા પક્ષ તૂટ્યો. કૉંગ્રેસના ટેકાથી ચૌધરી ચરણસિંગ છ માસ જેટલા ટૂંકા ગાળા માટે લઘુમતી સરકારના વડાપ્રધાન બન્યા. તેઓ અત્યાર સુધીમાં ભારતના એકમાત્ર વડાપ્રધાન હતા જેમણે સંસદ સમક્ષ વિશ્ર્વાસના મતનો પ્રસ્તાવ મૂકવાની જરૂરિયાત ઊભી થાય તે પૂર્વે જ રાજીનામું આપી દેવું પડ્યું હતું.

1980ની લોકસભાની અર્ધસત્ર ચૂંટણીમાં ભારતીય લોકદળને કૉંગ્રેસનો સાથ ન મળ્યો; આમ છતાં પક્ષે 9.4 % મત સાથે 41 બેઠકો મેળવી. અન્ય વિરોધપક્ષોની તુલનામાં ભાલોદનો આ વિજય ઝાંખો ન હતો. વિરોધપક્ષોની તાકાત વધારવા પક્ષે ભારતીય જનતા પાર્ટી સાથે રાષ્ટ્રીય લોકશાહી મોરચો બનાવેલો; જેના અધ્યક્ષ ચૌધરી ચરણસિંગ બનેલા. પરંતુ 1984માં પક્ષે દલિત, મજદૂર, કિસાનપક્ષ ‘ડી.એમ.કે.પી.’ નામે પુનર્રચના કરતાં ભાજપા સાથેનું જોડાણ તૂટ્યું. 1984ની લોકસભાની ચૂંટણીઓમાં માત્ર 3 બેઠકો મેળવતાં કમજોર બનેલો પક્ષ ચૌધરી ચરણસિંગનું મૃત્યુ થતાં વધુ કમજોર બન્યો. ચૌધરી ચરણસિંગના પુત્ર અજિતસિંગ અને પક્ષના અન્ય નેતા એચ. એન. બહુગુણા વચ્ચે સંઘર્ષ થતાં પક્ષના બે ભાગ થયા. આમ છતાં પક્ષને થોડાક જ સમયમાં કળ વળી. ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાન વિધાનસભાઓમાં પક્ષે નોંધપાત્ર વિજય સાથે હરિયાણામાં દેવીલાલના નેતૃત્વ નીચે 1987માં વિધાનસભાની 87માંથી 58 બેઠકો સાથે ભાજપ સાથે સરકાર બનાવેલી; પરંતુ ફરીથી પક્ષના ભાગલા પડ્યા અને હરિયાણાના દેવીલાલ જૂથે નવો પક્ષ સ્થાપ્યો. લોકદળ પક્ષનું નેતૃત્વ બદલાતાં ચૌધરી ચરણસિંગના પુત્ર અજિતસિંગ અને દેવીલાલના પુત્ર ઓમપ્રકાશ ચૌટાલા વચ્ચે નેતૃત્વની હરીફાઈ ઊભી થઈ. તેથી આ પક્ષ વિભાજિત થયો, અજિતસિંગનું નેતૃત્વ ધરાવતો રાષ્ટ્રીય લોકદળ અને ઓમપ્રકાશ ચૌટાલાનું નેતૃત્વ ધરાવતો ભારતીય રાષ્ટ્રીય લોકદળ એમ બે પક્ષો રચાયા.

રાષ્ટ્રીય લોકદળ પક્ષ તેરમી લોકસભામાં માત્ર એક સાંસદ અને ઉત્તરપ્રદેશની વિધાનસભામાં ડઝન જેટલા ધારાસભ્યો ધરાવે છે. સત્તાલાલસાને કારણે વારંવાર પક્ષપલટા કરી ટકી રહેવાના પ્રયાસો કરતા આ પક્ષનું કદ સંકોચાઈ રહ્યું છે. તેમજ તેની સભ્યસંખ્યામાં ધોવાણ થઈ રહ્યું છે.

ભારતીય રાષ્ટ્રીય લોકદળનું નેતૃત્વ ઓમપ્રકાશ ચૌટાલા ધરાવે છે. લોકસભામાં તે ચારથી પાંચ સાંસદો ધરાવે છે. રાજ્યકક્ષાએ હરિયાણા રાજ્યમાં ભારતીય જનતાપક્ષ સાથે જોડાણ કરી આ પક્ષે સરકાર રચી છે. હરિયાણા રાજ્યમાં તે મજબૂત નેતૃત્વ અને સભ્યસંખ્યા ધરાવે છે. પરંતુ લોકદળના આ બંને ફાડચાં વચ્ચે જાટ મતો અને ખેડૂત લૉબીના મતો ખેંચવાની કટ્ટર સ્પર્ધા ચાલ્યા કરે છે. વળી ઉત્તરપ્રદેશ અને હરિયાણા રાજ્ય બહાર કોઈ અગત્યનો ટેકો આ બંને પક્ષોને સાંપડેલો નથી.

આમ વિચારસરણીની દૃષ્ટિએ ભારતના વિશાળ જનસમુદાયને આકર્ષી શકે તેવો પક્ષ હોવા છતાં સંગઠનની દૃષ્ટિએ આ પક્ષ જૂથવાદી, વ્યક્તિગત મહેચ્છાલક્ષી અને શિસ્તવિહીન જણાયો છે. પક્ષના હાલના નેતા અજિતસિંગ 2003માં વાજપાઈની રાષ્ટ્રીય મોરચાની સરકાર સાથે છેડો ફાડી અલગ થયા છે.

ગજેન્દ્ર શુક્લ, રક્ષા મ. વ્યાસ