લૉરી, એલ. એસ. (જ. 1887, માન્ચેસ્ટર, બ્રિટન; અ. 1976, માન્ચેસ્ટર, બ્રિટન) : આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની એકવિધ નીરસ જિંદગીની વ્યર્થતાને તાદૃશ કરનાર બ્રિટિશ ચિત્રકાર. બ્રિટિશ ગંદી ઝૂંપડપટ્ટીઓ અને ઔદ્યોગિક વસાહતો તથા કારખાનાં એની કલાના આજીવન વિષય રહેલાં. તેમાં એકસરખી દીવાસળીઓ જેવી વ્યક્તિત્વહીન માનવઆકૃતિઓ ઊંધું ઘાલીને મજૂરી કરતી અથવા તો કામના સ્થળે પહોંચવાની ભાગદોડ કરતી દેખાય છે. ટચૂકડી-ટીણકૂડી એ માનવઆકૃતિઓ વિરાટકાય કારખાનાં અને બહુમાળી મકાનો આગળ મામૂલી મંકોડા જેવી દેખાય છે. આ દ્વારા માનવજીવન પર યંત્રોએ ફેલાવેલી નાગચૂડને લૉરી વ્યક્ત કરે છે. કોઈ પણ માનવઆકૃતિ પર લૉરીએ ઉલ્લાસ કે આનંદ બતાવ્યો નથી. વાતાવરણ ધુમાડા અને રાખના ગોટેગોટાથી ભારઝલ્લું ચીતરેલું જોવા મળે છે.

એલ. એસ. લૉરી દ્વારા ચિત્રિત ચિત્ર ‘‘સ્ટેશન એપ્રોચ’’

લૉરીએ આખી જિંદગી માન્ચેસ્ટરમાં વિતાવી. 1939માં તેણે તેનું વૈયક્તિક પ્રદર્શન લંડનમાં કર્યું. 1962માં તે રૉયલ એકૅડેમીનો સભ્ય બનેલો.

અમિતાભ મડિયા