લૉક, જૉન (જ. 29 ઑગસ્ટ 1632, રિંગટન, સમરસેટ કાઉન્ટી, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑક્ટોબર 1704, ઓટ્સ, ઇંગ્લૅન્ડ) : અનેક વિષયોના તજ્જ્ઞ અને રાજકીય ચિંતન પર પ્રભાવ પાડનાર ઉદારમતવાદી બ્રિટિશ ચિંતક, સામાજિક કરારના સિદ્ધાંતના પ્રખર પુરસ્કર્તા. શિક્ષણ, આયુર્વિજ્ઞાન, જ્ઞાનમીમાંસા (epistemology) જેવા વિષયોમાં તેઓ ઊંડો રસ ધરાવતા. પિતા વકીલ હતા તેથી તર્કબદ્ધ વિચારશક્તિના વિકાસની તક તેમને સાંપડેલી. ઑક્સફર્ડમાં અભ્યાસ કરીને તેમણે ચિંતક તથા ગ્રીક ભાષાના શિક્ષક તરીકે કામ કર્યું. 1668માં રૉયલ સોસાયટીના ફેલો નિમાયા. પ્રાયોગિક વિજ્ઞાનમાં ધ્યાન કેન્દ્રિત કરી તે સમયના આધુનિક રસાયણવિજ્ઞાની રૉબર્ટ બૉઇલ સાથે કામ કર્યું. બૉઇલ જેવા વિજ્ઞાનીના સંપર્કને કારણે વિજ્ઞાન અને ક્રમશ: રાજકારણમાં રસ કેળવ્યો. વિદ્યાર્થી તરીકે પરંપરાગત અભ્યાસક્રમને અનુસરતા લૉક પ્રાયોગિક વિજ્ઞાન અને આયુર્વિજ્ઞાન તરફ આકર્ષાયા. 1660માં ક્રાઇસ્ટ ચર્ચમાં ટ્યૂટર નિમાયા. ચાર વર્ષ સુધી આ જવાબદારી સ્વીકારી. 1666માં લૉર્ડ એન્થની એશલી કૂપરનો પરિચય ગાઢ મિત્રતામાં પરિણમ્યો. તેઓ તેમને આયુર્વિજ્ઞાન અને રાજકીય બાબતમાં સલાહ આપતા. 1679માં શાસકોને આ બે મિત્રો પર વહેમ પડ્યો કે તેઓ શાસક વિરુદ્ધ કંઈક કાવતરું કરવા પ્રવૃત્ત છે. આથી તેમણે ઇંગ્લૅન્ડ છોડ્યું. કેટલાંક વર્ષો ફ્રાંસમાં અને હોલૅન્ડમાં ગાળ્યાં. ફ્રાંસમાં ફ્રાંસ્વા બેર્નિયર નામના તત્વમીમાંસક(meta-physicist)ના સંપર્કમાં આવ્યા અને જ્ઞાનમીમાંસામાં ઊંડો રસ જીવનપર્યંત લીધો. ઇંગ્લૅન્ડની 1689ની રક્તવિહીન ક્રાંતિને અંતે પ્રજા દ્વારા શાસકો તરીકે આમંત્રિત કરવામાં આવેલા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ મૅરી ઑવ્ ઑરેન્જને મળ્યા અને તેમના નજદીકના વર્તુળમાં સ્થાન પામ્યા. વિલિયમ અને મૅરીએ 1689ની ક્રાંતિને અંતે તાજ ધારણ કર્યો. ત્યારબાદ લૉક ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. તે પછી તેમણે રાજદૂતના હોદ્દા પર અને ત્યારબાદ કમિશન ઑવ્ અપીલ તરીકે 1704 સુધી કામ કર્યું. આ સાથે તેમણે શૈક્ષણિક સુધારા, પ્રેસનું સ્વાતંત્ર્ય અને ધાર્મિક સહિષ્ણુતા જેવા વિષયો પર જીવનપર્યંત લખવાનું કામ જારી રાખ્યું.

‘એન એસે કન્સર્નિંગ હ્યૂમન અન્ડરસ્ટૅન્ડિંગ’ (1689) તેમનો નોંધપાત્ર ચિંતનગ્રંથ છે. વિશ્વ અંગે શિક્ષણ મેળવવાની બાબતમાં માનવમન કેવી રીતે કામ કરે છે તેનું તેમાં વર્ણન છે. જન્મજાત અને કુદરતી વિચારોના સિદ્ધાંત વિરુદ્ધ લૉકે તેમાં દલીલો કરી છે. લૉકનો દાવો હતો કે તમામ વિચારો અનુભવને આધારે મનમાં સંગ્રહ પામે છે. માનવ બાહ્ય અને આંતરિક – એમ બે પ્રકારના અનુભવો ગ્રહણ કરે છે. બાહ્ય અનુભવો મુખ્યત્વે ઇન્દ્રિયગમ્ય હોય છે; જેવા કે દૃદૃષ્ટિ, સ્વાદ, ગંધશક્તિ અને સ્પર્શ. આવા અનુભવો થકી માણસ જગત વિશે માહિતી મેળવે છે. આ ઇન્દ્રિયગમ્ય અનુભવો વિચારોને અને માનસિક પ્રક્રિયાને ઉત્તેજન પૂરું પાડે છે, જે આંતરિક અનુભવોમાં પરિણમે છે. આવા અનુભવોમાંથી માનવની માન્યતાઓ બંધાય છે. જન્મ સમયે માનવીનું મન કોરા કાગળ જેવું હોય છે, જેના પર અનુભવો થકી બંધાયેલી માન્યતાઓથી વૈચારિક વિભાવનાઓ બંધાય છે. લૉકના અભિપ્રાય મુજબ માનવીને સમજવો હોય તો માત્ર તેનાં કૃત્યો તરફ ધ્યાનપૂર્વક જોવું તે પૂરતું નથી; પરંતુ જ્ઞાન સંપાદન કરવાની માનવીની જિજ્ઞાસા અને ક્ષમતા પ્રત્યે પણ ધ્યાન ઠેરવવું આવદૃશ્યક છે. લૉકની દલીલ મુજબ, આ ક્ષમતા સંવેદનપૂર્વક પોતાના બાહ્ય પરિસરથી અભિજ્ઞ રહેવાના પ્રયત્ન પર અને સૂઝબૂઝથી કરેલા આત્મનિરીક્ષણ (introspection) પર આધારિત છે. માત્ર પ્રાકૃતિક વિજ્ઞાનને આધારે જ્ઞાનપ્રાપ્તિ થઈ હોય તો તે અધૂરી હોઈ શકે છે; પરંતુ ધ્યાનપૂર્વક વિવેચન-સમીક્ષણ કરવાથી જે તે ક્ષેત્રે સાચી માહિતી મેળવી શકાય છે.

જૉન લૉક

નૈતિકતા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા છતાં, આ લાક્ષણિકતાના સંદર્ભમાં કોઈ સુસંગત સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં તેઓ અસફળ રહ્યા. આમ છતાં એક ધાર્મિક વૃત્તિવાળી સંસ્કારી, શિસ્તબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે લૉકની પ્રશંસા તેમને નજીકથી ઓળખનારાઓ દ્વારા થતી રહી.

આ વિચારોને આધારે તેઓ આનંદ અને દુ:ખના સિદ્ધાંત પર આવે છે. જ્ઞાન માટેની ભૌતિકવાદી અને વ્યક્તિવાદી ભૂમિકા રચી તેમાં રાજ્ય અને સમાજની વ્યવસ્થા અંગેનો લોકશાહી ખ્યાલ રજૂ કરે છે. લૉક ઉદારમતવાદી ચિંતકોમાં મોખરાનું અને અગ્રિમ સ્થાન ધરાવે છે. રાજકીય સિદ્ધાંત અને વિચારધારા તરીકે ઉદારમતવાદી નક્કર અને વ્યવસ્થિત અભિવ્યક્તિ લૉકનાં વિવિધ લખાણોમાં જોવા મળે છે. તેમના વિચારોએ પાછળના ઉદારમતવાદી ચિંતકોના વિચારોને તો પ્રભાવિત કર્યા છે પણ તેમના વિચારોનો સૌથી મોટો અને દીર્ઘજીવી પ્રભાવ ઉદારમતવાદી લોકશાહી બંધારણો અને સંસ્થાઓ પર પડ્યો છે. અમેરિકી બંધારણના ઘડવૈયાઓએ તેમના વિચારોમાંથી પ્રેરણા લઈને તેમને નક્કર અને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ અમેરિકાના બંધારણમાં કર્યો છે. સરકાર અથવા શાસક જે સત્તા ભોગવે છે, તેમનો આધાર લોકોની સંમતિ છે અને તેથી તેમની પાસે અમર્યાદિત સત્તા ન હોઈ શકે એ ઉદારમતવાદી લોકશાહી ખ્યાલને સૈદ્ધાંતિક અને દાર્શનિક આધાર લૉકે પૂરો પાડ્યો છે. રાજાઓના દૈવી હકોના સિદ્ધાંત અને તેમનાં આપખુદ શાસનોના એ સમયમાં એના આ વિચારો ઘણા ક્રાંતિકારી હતા, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

પાછળથી વિકસેલાં ઉદારમતવાદનાં વિવિધ પરિમાણોમાં જો કોઈ કેન્દ્રવર્તી વિચાર હોય તો તે છે : વ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિઓ વચ્ચેની સમાનતા. બાહ્ય નિયંત્રણોથી મુક્ત અને જે સાચું લાગે તે કરવાની પૂરતી મોકળાશ આપતી છૂટ તે સ્વતંત્રતા અને આવી સ્વતંત્રતા દરેક વ્યક્તિ ભોગવે, એ અર્થમાં સમાનતા. આમ, સ્વતંત્રતા અને સમાનતા, જે ઉદારમતવાદી-લોકશાહીના પાયાના ખ્યાલો છે, તેનું સૈદ્ધાંતિક અને દાર્શનિક વાજબીપણું સ્થાપિત કરવાનું શ્રેય લૉકને ફાળે જાય છે. આ બંને ખ્યાલોને સરકારના ગઠન અને તેની સંસ્થાઓના આધાર તરીકે સ્થાપવાનો પ્રયાસ લૉકે કર્યો છે.

રાજ્ય (કૉમનવેલ્થ) અથવા સરકારની રચના લોકોએ અરસપરસ કરાર કરીને કરી છે, અને તેથી તેના આદેશો પાળવા લોકો બંધાયેલા છે, એવું પ્રતિપાદિત કરતા ‘સામાજિક કરાર’ના સિદ્ધાંતને વિકસાવવામાં લૉકનો ફાળો મહત્વનો છે. હૉબ્સ, લૉક અને રૂસો જેવા ‘સામાજિક કરાર’ના સિદ્ધાંતકારોએ બે મહત્વનાં કાર્યો કર્યાં : એક, તો રાજ્યની ઉત્પત્તિ અને રાજકીય આજ્ઞાધીનતાના અન્ય સિદ્ધાંતો(જેવા કે બળનો સિદ્ધાંત, રાજ્ય કુદરતી છે એવો સિદ્ધાંત, અને રાજાઓના દૈવી હકોનો સિદ્ધાંત)નું ખંડન અને બીજું, રાજ્યની ઉત્પત્તિ અને તેના પ્રત્યેની આજ્ઞાધીનતાના આધાર તરીકે અરસ-પરસ કરાર કરીને લોકોએ આપેલી સ્વૈચ્છિક સંમતિ.

ઉદારમતવાદી સિદ્ધાંતનો બીજો પાયાનો ખ્યાલ મનુષ્યોના કેટલાક હકો વિશેનો છે. જીવનનો હક, સ્વતંત્રતાનો હક અને મિલકત ધરાવવાનો હક – આ ત્રણ હકોને લૉકે સૌથી મહત્વના હકો ગણ્યા છે. આ ત્રણેય હકો મનુષ્યો કુદરતી અવસ્થામાં ભોગવતા હતા. સામાજિક કરાર કરીને રાજ્યની રચના કરવા પાછળનો એક મહત્વનો ઉદ્દેશ, લૉકની દૃદૃષ્ટિએ, આ હકોના રક્ષણનો છે. દેખીતું છે કે આ હકોનો ભંગ થાય એ રીતે સરકારે વર્તવાનું નથી. બીજા શબ્દોમાં આ હકો સરકારની સત્તા પર મર્યાદા મૂકે છે. આ સંદર્ભે તેઓ મર્યાદિત સરકારની ભલામણ કરે છે.

લૉકને ખાનગી મિલકતના હકના સૌથી મોટા હિમાયતી ગણવામાં આવે છે. મનુષ્યના મિલકત ધરાવવાના હકનો માત્ર તેમણે બચાવ જ નથી કર્યો, પણ તેનું વાજબીપણું (જસ્ટિફિકેશન) સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. એમની પહેલી દલીલ છે કે મનુષ્યો સારું જીવન જીવી શકે એ માટે તેમની પાસે મિલકત હોવી જરૂરી છે. એમની બીજી દલીલ એ છે કે કુદરતે (એમના શબ્દોમાં, ઈશ્વરે) પૂરાં પાડેલાં સાધનોમાં મનુષ્ય પોતાનો શ્રમ રેડી જે કંઈ પેદા કરે, એના પર એનો અધિકાર ઊભો થાય છે. ત્રીજી દલીલ એમણે સામાજિક કરારમાં જ વણી લીધી છે. જ્યારે મનુષ્યો અરસપરસ કરાર કરીને રાજ્યની રચના કરવાની સંમતિ આપે છે, ત્યારે દરેક મનુષ્ય જે કાંઈ મિલકત-સંપત્તિ ધરાવે છે, તે બીજા ઝૂંટવી નહિ લે અને રાજ્ય સૌના મિલકતના હકનું રક્ષણ કરશે, એ બાબતે પણ સંમતિ આપે છે. આમ, લૉકની દૃષ્ટિએ સામાજિક કરાર મહત્વનું આર્થિક પરિમાણ ધરાવે છે અને એની છેલ્લી દલીલ, ઉપરની ત્રણ દલીલોની બુનિયાદ પર ટકેલી છે. કોઈને ગમે કે ન ગમે, ઉપર જણાવ્યાં એ કારણોસર, સમાજમાં મિલકત ઉદભવવાની છે, એ મુદ્દાને આધારે લૉક એને વાજબી ઠેરવે છે.

સામાજિક કરાર કરીને મનુષ્યોએ પ્રથમ વાર જે સંમતિ આપી એ ત્યારપછી જન્મેલા મનુષ્યોને કેવી રીતે લાગુ પાડી શકાય, એવો પ્રશ્ન ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. એમની દલીલ છે : દરેક મનુષ્ય કેવળ પોતાના પૂરતી જ સંમતિ આપી શકે, બીજા વતી કે પોતાનાં સંતાનો વતી સંમતિ આપી શકે નહિ. આથી દરેક વ્યક્તિ જ્યારે તે અમુક ઉંમરની થાય ત્યારે તેણે રાજ્ય અંગે પોતાની સંમતિની મહોર મારવી જોઈએ. આમ, રાજકીય નાગરિકત્વ માટે એની સંમતિ હોવી અત્યંત જરૂરી છે. લૉકની દૃદૃષ્ટિએ આવી સંમતિ મતદાન દ્વારા, જાહેર ચર્ચામાં સામેલગીરી દ્વારા અને રાજ્ય દ્વારા લેવાયેલ નિર્ણયો(કાયદા, આદેશો, ચુકાદા)ના પાલન તરીકે ‘પ્રગટ’ સ્વરૂપે હોઈ શકે, અથવા ભૌગોલિક રીતે સ્થાયી થયેલા અમુક રાજકીય સમાજના સભ્ય તરીકે ચાલુ રહીને ‘મૂક’ સ્વરૂપે પણ હોઈ શકે. ટૂંકમાં, શાસક જે સત્તા ભોગવે છે તેનો આધાર શાસિતોની સંમતિ (‘પ્રગટ’ કે ‘મૂક’) પર રહેલો છે, એ પ્રતિપાદિત કરવાનો તેમનો ઉદ્દેશ છે.

જે સરકાર (અથવા શાસક) લોકોનાં પાયાનાં સ્વાતંત્ર્યો(જીવન, સ્વતંત્રતા અને મિલકત)નું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય અથવા તેમના પર કાપ મૂકે તો એવી સરકારને દૂર કરવાની અને એને સ્થાને બીજી સરકારને પસંદ કરવાની સત્તા નાગરિકો ધરાવે છે. દર પાંચ વર્ષે કે ચાર વર્ષે ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના શાસકો(ધારાસભ્યો અને કારોબારી)ને ઉત્તરદાયી રાખે અને તેમાં ફેરબદલ કરી શકે, એવા લોકશાહીના પાયારૂપ સિદ્ધાંતનાં મૂળ તેમના આ વિચારમાં પડેલાં છે. તો શું લોકોને ‘રાજ્ય’ સામે ક્રાંતિ (હિંસક પદ્ધતિઓ દ્વારા) કરવાનો હક છે ખરો ? હિંસક ક્રાંતિ કરીને સમગ્ર વ્યવસ્થાને ખોરવી નાખવાનો લોકોને અધિકાર છે, એનો એ સ્વીકાર કરતા નથી. એકંદરે, તેઓ સરકારોમાં શાંતિમય, બંધારણીય માર્ગે પરિવર્તન ઇચ્છે છે.

લૉકના વિચારોમાં ઠીક ઠીક પ્રમાણમાં સંદિગ્ધતાઓ છે પણ તેના કેટલાક લાભ છે. સરકાર પર મર્યાદાઓ હોવી જોઈએ પણ સાથે સાથે એ એટલી સક્ષમ અને મજબૂત હોવી જોઈએ કે જેથી એ એના નાગરિકોના હકોનું રક્ષણ કરી શકે. એમના આ બધા વિચારોએ ઉદારમતવાદી લોકશાહીના પાયાના સિદ્ધાંતોના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.

‘ટુ ટ્રીટાઇઝીઝ ઑવ્ ગવર્નમેન્ટ’ (1690) ગ્રંથ દ્વારા તેઓ રાજકીય ચિંતનમાં સામાજિક કરારના પુરસ્કર્તા તરીકે જાણીતા બનેલા છે.

દિનેશ શુકલ, રક્ષા મ. વ્યાસ