લેજરવિસ્ત, પાર (જ. 23 મે 1891, વાક્સો, સ્વીડન; અ. 11 જુલાઈ 1974, સ્ટૉકહોમ) : સ્કૅન્ડિનેવિયાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. 1951માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. પિતા રેલવેમાં નોકરી કરતા હતા. સ્વીડનમાં પોતાની ઊર્મિ કવિતાથી અત્યંત પ્રસિદ્ધિ-પાત્ર લેજરવિસ્તને તેમના જમાનામાં દેશના કોઈ પણ અન્ય સાહિત્યકાર કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ખ્યાતિ મળેલી. શિક્ષણ યુનિવર્સિટી ઑવ્ ઉપ્પસલામાં, પરંતુ બે વર્ષ બાદ ડીગ્રી લીધા વગર ત્યાંથી નીકળી ગયેલા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ડેન્માર્ક હતા. ત્યાં તેમણે ‘દેન, સિસ્તા માન્નિસ્કના’ (1917) નાટક લખ્યું. અહીં નાટ્યશાસ્ત્ર સંબંધી ‘મૉડર્ન થિયેટર’ (1918)નો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. 1920ના દશકામાં ફ્રાન્સ અને ઇટાલીમાં ભ્રમણ કર્યું. આ અરસામાં તેમના નોંધપાત્ર ગ્રંથોમાં ‘ઑન્ડા સેગૉર’ (1924), ‘હાર્તેત્સ સાજર’ (1926) અને ‘હાન સૉમ ફિક લેવા ઑમ સિત લિવ’ (નાટ્યકૃતિ) (1928) છે.

પાર લેજરવિસ્ત

પ્રથમ વિશ્વયુદ્ધને કારણે હૃદય ઉપર પડેલા જખ્મોને રૂઝવવા માટેનું અભિયાન જાણે કે આ કવિએ ઉપાડ્યું હોય તેવું તેમની કવિતા વાંચતાં લાગે છે. 1916માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહની પ્રથમ કૃતિ ‘ઍગની’માં પોતાની લાગણીઓ જેનાથી ઘવાઈ તે વ્યથાનો વારસો સુરેખ રીતે અંકિત કર્યો છે અને અન્ય કાવ્યકૃતિઓમાં પણ એ વ્યથાનો સંસ્પર્શ અનુભવાય છે. ‘ધ ડ્વૉર્ફ’ (1944; અં. અનુ. 1953) અને ‘બારાબાસ’ (1950, અં. અનુ. 1951) માટે લેજરવિસ્તને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું. ‘ધ ડ્વૉર્ફ’ રેનેસાંસ યુગની પાર્શ્ર્વભૂમિકામાં એક અત્યંત ઘૃણાસ્પદ પ્રાણીનું ચિત્ર અસરકારક રીતે નિરૂપે છે. ‘બારાબાસ’માં ઈશુ ખ્રિસ્તના અસાધારણ વ્યક્તિત્વની નકલ કરતી વ્યક્તિ તરીકે બારાબાસ પાત્ર માનવ-ક્રૂરતાને કારણે અન્યાય સહન કરીને વ્યથિત થતા માનવીનું દર્શન કરાવે છે. અન્યાયો સામે પોતાના સદગુણોની રક્ષા માટે કંઈ પણ કરી શકવા અસમર્થ બનીને માત્ર વિવશતા અનુભવતા માનવીની વ્યથાનું હૂબહૂ ચિત્રણ આ કૃતિમાં છે. તેના જેવી જ બીજી કરુણ કૃતિ ‘ધ હગ મૅન’ (1936) સાંપ્રત નાઝીવાદના દૂષણ ઉપર રચાયેલ મધ્યયુગીન રૂપક છે. લેજરવિસ્ત અચ્છા શૈલીકાર છે, પરંતુ તેમની કૃતિઓ ભારે પ્રતીકાત્મતાના બોજ હેઠળ કચડાઈ ગયેલી વરતાય છે. કુલ 40 જેટલી સાહિત્યકૃતિઓ સર્જનાર સ્વીડિશ ભાષાના આ સર્જકને એના જમાનામાં ‘20મી સદીના આગ્રણી સાહિત્યકાર’ તરીકે નવાજવામાં આવેલા, પણ આજે સ્કૅન્ડિનેવિયા સિવાય અન્ય ક્યાંય એમની કૃતિઓ ઝાઝી વંચાતી નથી. એમની કવિતાનો અંગ્રેજીમાં ગદ્યમાં લીફ સોબર્ગે તથા પદ્યમાં કવિ ડબ્લ્યૂ એચ. ઑડને કરેલો અનુવાદ ‘ઇવનિંગ લૅન્ડ’ (1975) નામે ઉપલબ્ધ છે. તેમના સમકાલીન સાહિત્યકારો સોડરબર્ગ અને બર્ગમાન લેજરવિસ્ત કરતાં ઊંચી સાહિત્યિક પ્રતિભા ધરાવતા હોવા છતાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ તો લેજરવિસ્તને જ પ્રાપ્ત થયેલી; પરંતુ એ ખ્યાતિ અત્યારે ઓસરી ગઈ છે. વિવેચકોને મતે લેજરવિસ્તનું ચિંતન તેની સર્જક પ્રતિભાને ઢાંકી દે છે.

પંકજ જ. સોની

વિ. પ્ર. ત્રિવેદી