લેજર, ફર્નાં (Leger, Fernand)

January, 2005

લેજર, ફર્નાં (Leger, Fernand) (જ. 4 ફેબ્રુઆરી 1881, આર્જેન્તા, નૉર્મન્ડી, ફ્રાન્સ; અ. 17 ઑગસ્ટ 1955, ફ્રાન્સ) : આધુનિક ઔદ્યોગિક ટેક્નૉલોજીથી પ્રભાવિત ફ્રેન્ચ ચિત્રકાર. એમનાં ચિત્રો ‘મશીન આર્ટ’ નામે જાણીતાં બન્યાં. ભડક રંગના વિરાટ કદના મિકેનિસ્ટિક આકારો ઊભા કરી કલાકૃતિઓનું સર્જન કરવાની એેમની ખાસિયત હતી.

ફર્નાં લેજર

ગ્રામીણ વિસ્તારમાં બે પેઢીઓથી ઢોરઉછેરનો વ્યવસાય ધરાવતા કુટુંબમાં લેજરનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી પહેલાં કાએં (Caen) ખાતે પછી 1900માં પૅરિસ ખાતે એક સ્થપતિના કાર્યાલયમાં શિખાઉ (apprentice) તરીકે જોડાયા. 1903માં પૅરિસની કલાશાળા ઇકોલે દ આર્ત દેકોરાતિફ (Ecole de Art Decoratifs)માં વિદ્યાર્થી તરીકે જોડાયા. પ્રતિષ્ઠિત કલાશાળા ઇકોલે દ બ્યુ-આર્ત(Ecole de Beaux Art)માં પ્રવેશ મેળવવા મથ્યો, પણ તેમાં નિષ્ફળતા મળી. છતાં તે કલાશાળાના બે પ્રાધ્યાપકો પાસેથી ખાનગી રાહે ટ્યૂશન મેળવવાં શરૂ કર્યાં.

1907માં પૅરિસ ખાતે યોજાયેલા પૉલ સેઝાંનાં ચિત્રોના પશ્ર્ચાદ્વર્તી/સિંહાવલોકી (retrospective) પ્રદર્શનનો પ્રગાઢ પ્રભાવ લેજર પર પડ્યો. 1908માં પૅરિસમાં લ રુશે(La Ruche – મધપૂડો)માં એક સ્ટુડિયો ભાડે લઈ ચિત્રકલાની સાધના આરંભી. રૉબર્ટ દેલોને, માર્ક શાગાલ, શાઈ સૂતીન, જાક લિપ્કિટ્ઝ, હાંરી લોરેં, મૅક્સ જેકૉબ, ઍલેક્ઝાન્ડર આર્કિપેન્કો, બ્લાઇસ સેન્ડ્રાર્સ અને પિયેરે રેવર્ડી જેવા ચિત્રકારો અને શિલ્પીઓના ઘનિષ્ઠ સંપર્કમાં તેઓ મુકાયા અને પછી તેમને પાબ્લો પિકાસો સાથે મિત્રતા થઈ, જેની ઘનવાદી કલાની ઊંડી અસર લેજર પર પડી. પ્રભાવવાદી ચિત્રો ચીતરવાનું છોડી લેજરે હવે ગણ્યાં-ગાંઠ્યા ભૂખરા અને કથ્થાઈ રંગો વડે એવાં ચોસલાં અને નળાકારો ચીતર્યાં જે થોડેવત્તે અંશે માનવાકૃતિ જેવાં દેખાય. આવાં ચોસલાં અને નળાકારોના સંયોગથી ચીતરેલી માનવ-આકૃતિનું ચિત્ર ‘ન્યૂડ ફિગર ઇન એ વુડ’ લેજરની પહેલી મહત્વની ચિત્રકૃતિ ગણાય છે. 1913થી લેજરે તેજસ્વી રંગોમાં અમૂર્ત ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. તેમાં ચિત્રિત આકૃતિઓ વાંકીચૂકી નળાકાર ટ્યૂબ જેવી દેખાતી હોવાથી લેજરની ચિત્રશૈલી ‘ટ્યૂબિઝમ’ (tubism) નામે ઓળખાઈ. તેમાં રંગો, રેખાઓ અને આકૃતિઓના તીવ્રતમ વિરોધાભાસ ઊભા કરવામાં આવ્યા જણાય છે. 1914માં એમણે પૅરિસમાં ‘લ રેવેલેશન્સ પિક્ચુરાલે એક્યુએલે’ (Les Revelations picturales actuelles)  ચિત્રકલાની સમકાલીન સિદ્ધિઓ નામે વ્યાખ્યાન આપી પોતાની ફિલસૂફી શબ્દોમાં સ્પષ્ટ કરી. તેમાં એમણે જણાવ્યું કે, ભડક અને બીભત્સ જાહેરાતોના વિરાટ પાટિયાના જમાનામાં સાચી કલાએ પણ દર્શકો મેળવવા માટે બુમરાણ મચાવવી પડશે. ભડક રંગોનો ઉપયોગ કરવો પડશે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રેન્ચ લશ્કરમાં જોડાઈને રણમોરચે પાયદળમાં પહેલી હરોળમાં તેઓ યુદ્ધ લડ્યા અને ઘવાઈને હૉસ્પિટલમાં દાખલ થયા. લશ્કરે 1917માં તેમને મુક્ત કર્યા. દુ:ખ, દર્દ, પીડા, વ્યથા અને મૃત્યુના પ્રત્યક્ષ અનુભવને કારણે લેજરની કલા અમૂર્ત અને અક્કડ ન રહેતાં માનવીય સ્પર્શ ધરાવતી બની, 1917માં પત્તાં રમતાં સૈનિકોનાં ચિત્રો એમણે ચીતર્યાં.

1919થી લેજરની કલા પર આધુનિક યંત્રોનો પ્રભાવ વધવા માંડ્યો  રેલવે, ક્રેઇનો, ભઠ્ઠીઓ, બૉઇલરો, મોટરો  વગેરેનો. ‘પ્યુરિઝમ’ નામે ઓળખાતી ફૉર્માલિસ્ટ શૈલીના કલાકારો ચિત્રકાર એમીડી ઑઝેન્ફા (Amedee Ozenfant) અને શાર્લે એદુઆ જ્યાનેરે (Charles Edourant Jeauneret) થતાં ચિત્રકાર સ્થપતિ લ કર્બુઝિયે(Le Corbusier)નો પ્રભાવ પણ લેજરે ઝીલ્યો. 1925 પછી લેજરે સિનેમાફિલ્મોના અને બેલેના સેટ અને પડદા ડિઝાઇન કરવા શરૂ કર્યા તથા એક ફિલ્મ ‘લ બેલે મિકેનિક’(Le Ballet Mechanique)નું દિગ્દર્શન કર્યું. કથનાત્મક વાર્તા વગરની આ ફિલ્મનો સિનેમેટોગ્રાફર (ફોટોગ્રાફર) પ્રસિદ્ધ ફોટોગ્રાફર અને ચિત્રકાર મૅન રે હતો. ફોટોગ્રાફર ડુડ્લે મર્ફીએ સહાયક સિનેમેટોગ્રાફર તરીકે તેમાં કામ કરેલું. અમેરિકન સંગીતકાર જ્યૉર્જ એન્થીલે તેમાં સંગીત-નિદર્શન કરેલું. દક્ષિણ ફ્રાન્સમાં નોત્ર-દામ દ તૂ ગ્રાચેની બહારની દીવાલ પર 1949માં તથા 1950માં ન્યૂયૉર્ક નગરના યુનાઇટેડ નેશન્સના મકાનની બહારની દીવાલ પર લેજરે મોઝેઇક સર્જ્યાં. 1951માં તેમણે ફ્રાન્સમાં કેટલીક ઇમારતોની કાચની બારીઓ પર ‘સ્ટેઇન-ગ્લાસ’ ચિત્રકામ કર્યું. આ બધા પ્રયોગો કરવા પાછળ તેનો હેતુ કલાને જનસામાન્યની નજીક લઈ જવાનો હતો. 1945માં તેઓ ફ્રેન્ચ કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં સભ્ય તરીકે જોડાયા, જોકે સમાજવાદી કે કૉમ્યુનિસ્ટ વિચારો આદર્શોને તેમણે કદી પણ પોતાના જીવનમાં અમલમાં મૂક્યા નહિ !

લેજરનાં અંતિમ ચિત્રોમાં ‘લ કન્સ્ટ્રક્ચર્સ’ Les constructeurs અને ‘ધ ગ્રેટ પરેડ’ની અનેક આવૃત્તિઓ સંસ્કરણોનો સમાવેશ થાય  છે. દક્ષિણ ફ્રાન્સમાં બિયૉ ખાતે ‘લેજર મ્યુઝિયમ’માં માત્ર લેજરની અનેક કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

અમિતાભ મડિયા