લેઉઆ, રાઘવજી થોભણભાઈ

January, 2005

લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના કડવા અનુભવો છતાં સમભાવભરી નીતિ અને હૃદયની વિશાળતાને કારણે તેઓ સૌનાં મન જીતી લેતા. અભ્યાસ દરમિયાન રમાબાઈ રાનડેની આત્મકથાના વાંચને તેમને પ્રભાવિત કર્યા. મોચી, દરજી, ધોબી જેવી કોમોના માણસો સાથે ઉદાર વ્યવહાર હોવાથી એ વ્યવસાયોની કળા તેમણે હસ્તગત કરી.

આ તેજસ્વી વિદ્યાર્થીને લોકસેવક ઠક્કરબાપાની સહાયથી ગુજરાત કૉલેજની વિજ્ઞાન વિદ્યાશાખામાં અભ્યાસ કરવાની તક સાંપડી. ઠક્કરબાપા તેમને રાઘવજીના સન્માનપૂર્વકના સંબોધનથી બોલાવતા, જેથી તેઓ ગુજરાતના રાજકીય અને જાહેરજીવનમાં ‘રાઘવજી’ તરીકે જાણીતા બન્યા. કૉલેજના અભ્યાસ દરમિયાન તેમણે આઝાદીની ચળવળમાં ભાગ લીધો. વળી તેમણે ઇતરવાચન પણ વિકસાવ્યું. ગાંધીવિચારો જાણ્યા, સમજ્યા અને આચરણમાં મૂક્યા.

બી.એસસી. થયા પછી કાયદાનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો અને મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં જોડાયા. તેઓ કૉલેજના આચાર્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિકટના પરિચયમાં આવ્યા અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાનું શરૂ કર્યું.

તેમણે કાયદાના સ્નાતક બની વડોદરા રાજ્યના ન્યાયવિભાગમાં પ્રારંભે મૅજિસ્ટ્રેટ અને પછી ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી. વડોદરાનરેશના પ્રોત્સાહનથી ઇંગ્લૅન્ડ જઈ કાયદાશાસ્ત્રનો વધુ અભ્યાસ આરંભ્યો, પરંતુ બીજું વિશ્વયુદ્ધ (1939-45) ફાટી નીકળતાં સ્વદેશ પાછા ફર્યા.

ભારત આઝાદ થયા બાદ 1948માં પ્રારંભે વડોદરા રાજ્યના શિક્ષણ અને પંચાયત ખાતાના પ્રધાન બન્યા. વડોદરા રાજ્યનું 1949માં મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતાં મુંબઈ વિધાનસભાના સભ્ય તરીકે 1952 સુધી કામગીરી બજાવી. સાથોસાથ સામાજિક ઉત્થાન અને અસ્પૃદૃશ્યતાનિવારણની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા.

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના-સમયે મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ તેમને ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા. 1966 સુધી આ પદ પર રહી તેમણે ઊંચી પરંપરાઓ સાથે પંચનો કાર્યભાર વહન કર્યો.

1967 અને 1972માં ધારી કોડિનાર મતવિસ્તારમાંથી અને 1975માં કરજણ મતવિસ્તારમાંથી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે તેઓ વિધાનસભાના સભ્ય ચૂંટાયા હતા. 1967 અને 1972માં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. અધ્યક્ષ તરીકેની તેમની કામગીરીમાં સંસદીય કાર્યવહીનું ઊંડું જ્ઞાન, કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને અભ્યાસ પ્રગટ થતાં. અધ્યક્ષીય કામગીરીમાં તેમજ રોજિંદા જીવનમાં તેઓ શિસ્તના આગ્રહી હતા. ગૃહની કાર્યવહી અંગે તેઓ ઘેરી નિસબત ધરાવતા હતા. પરિણામે 1968માં બહામાઝના ટાપુ ખાતે તથા 1971માં ક્વાલાલમ્પુર ખાતે મળેલી કૉમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિયેશનની 14મી અને 17મી પરિષદોમાં ભાગ લેવા માટે તેમની વરણી થઈ હતી.

ધારાગૃહોની કાર્યવહી અંગે જરૂરી માર્ગદર્શિકા તૈયાર કરવા ત્રણ વરિષ્ઠ અધ્યક્ષોની એક પેટા સમિતિના તેઓ સભ્ય હતા. આ સબબ તેમણે કરેલી ભલામણો ‘લેઉઆ સમિતિની ભલામણો’ તરીકે જાણીતી છે. ગુજરાતના જાહેરજીવનમાં સ્વચ્છ રાજકારણી તરીકે તેઓ નોંધપાત્ર સ્થાન ધરાવતા હતા.

હસમુખ પંડ્યા