લૅનોલિન (lanolin) : ઘેટાના કાચા (raw) ઊન પર રહેલા મીણ જેવા ચીકણા આવરણમાંથી મળતો પદાર્થ. કાંતણ માટે તૈયાર કરાતા ઊનની તે આડપેદાશ છે. ઊનને યોગ્ય દ્રાવકની માવજત આપવાથી મળતા અપરિષ્કૃત (crude) ગ્રીઝ અથવા મીણને પાણીમાં મસળી અથવા સાબુના દ્રાવણ વડે તેનું અભિમાર્જન (scouring) કરી, અપકેન્દ્રણ કરવામાં આવે છે. આ રીતે મળતા ઊનમીણ(wool wax)ને પરિશુદ્ધ કરી, વિરંજિત અને ગંધમુક્ત કરી સૂકવવામાં આવે છે. આ રીતે મળતા પદાર્થને પિગાળી તેમાં 30 % જેટલું પાણી ઉમેરી જામવા દેવાથી એક નરમ, ઝાંખા પીળા રંગનો મલમ જેવો પદાર્થ મળે છે, જે લૅનોલિન તરીકે ઓળખાય છે. રાસાયણિક રીતે તે કોલેસ્ટેરૉલ જેવા સ્ટેરૉલ, ચરબીજ ઍસિડો અને તેમના ઍસ્ટરોનું મિશ્રણ છે.

જલયુક્ત (hydrous) લૅનોલિન પીળાશ પડતા ભૂખરા (grey) રંગના અર્ધઘન સ્વરૂપનું હોય છે અને તે 25 %થી 30 % પાણી તથા સહેજ ગંધ ધરાવે છે. નિર્જલ લૅનોલિન તપખીરિયા-પીળા (brownish yellow) રંગના અર્ધઘન સ્વરૂપનું હોય છે. તે 0.25 % પાણી ધરાવે છે, પણ પોતાનાથી બમણા વજનના પાણી સાથે મિશ્ર થઈ શકે છે. મિશ્ર થતાં તે નાનાં ટીપાંઓ(droplets)માં ફેરવાય છે, અને પાયસ (emulsion) બનાવે છે, જે જલયુક્ત લૅનોલિન અથવા લૅનોલિન VSP તરીકે ઓળખાય છે.

લૅનોલિન આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મ તથા બેન્ઝીનમાં દ્રાવ્ય છે. અન્ય મીણને મુકાબલે લૅનોલિન ખૂબ જળરાગી છે. તેનું ગલનબિંદુ 40° સે., ઍસિડ-મૂલ્ય 20, સાબૂકરણ-આંક 100 તથા આયોડીન-મૂલ્ય 30 છે. ઍસિડ કે આલ્કલી પ્રત્યે તે પ્રક્રિયા દર્શાવતું નથી. સૂકી ચામડીમાં રહેલા કુદરતી ભેજના પારશ્વસનને અસર કર્યા સિવાય ચામડીને નરમ બનાવવાનો ગુણધર્મ લૅનોલિનમાં રહેલાં સ્ટેરૉલ તથા આલ્કોહૉલ સંયોજનોને આભારી છે. ઑલિવ ઑઇલ કે ડુક્કરની ચરબી જેવા પદાર્થોની સરખામણીમાં લૅનોલિન ઔષધનું ચામડી દ્વારા થતું અવશોષણ અટકાવે છે. તેનો સાધારણ ચેપરોધક ગુણધર્મ તથા વિકૃત-ગંધિતા (rancidity) પ્રત્યેની ઉચ્ચ પ્રતિકારશક્તિને કારણે તે ચામડી માટે વપરાતા મલમોમાં આધાર (base) તરીકે વપરાય છે. લૅનોલિન ખૂબ મોટા પ્રમાણમાં સૌન્દર્યપ્રસાધનો તથા શૅમ્પૂ બનાવવામાં વપરાતાં પ્રશામકો(emolients)ના આધાર તરીકે વપરાય છે. આ ઉપરાંત તે ઔષધીય મલમો, ક્રીમ તથા બામ(balm)માં આધાર તરીકે પણ બહોળા પ્રમાણમાં વપરાય છે. તે બૂટપૉલિશ તથા ગ્રીઝ-પેઇન્ટના આધાર તરીકે, ધાતુઓ ઉપરનું આરક્ષક (protective) પડ બનાવવા માટે તથા ચામડાના સામાન માટે પ્રસાધન (dressing) તરીકે પણ વપરાય છે.

લૅનોલિનનાં હાઇડ્રોજનીકૃત (hydrogenated), ઇથૉક્સીકૃત (ethoxylated), એસીટિલિત (acetylated) વ્યુત્પન્નો (derivatives) પણ પ્રાપ્ય છે.

જ. પો. ત્રિવેદી