લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

January, 2005

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક જીવાણુઓ (દુગ્ધદંડાણુઓ, lactobacilli) તેને અથવે છે અને આમ દૂધમાંથી દહીં બને છે. તેને પચાવવા માટેના ઉત્સેચક(enzyme)ને દુગ્ધશર્કરા ઉત્સેચક (lactase) કહે છે. તેની ઊણપથી થતા વિકારને દુગ્ધશર્કરા-અસહ્યતા કહે છે. આવી ઊણપ જન્મજાત કે પાછળથી ઉદભવતી હોય છે. આંતરડાના કોષોની તંતુપુંજ સપાટી(brush border)માં આ ઉત્સેચક આવેલો છે અને તે દુગ્ધશર્કરાને મધુલ(glucose) અને દુગ્ધમધુલ(galactose)માં પરિવર્તિત કરે છે. ગાય, ભેંશ, બકરી, ઘેટું વગેરે બધાં પ્રાણીઓનાં દૂધમાં દુગ્ધશર્કરા હોય છે. તેવી રીતે પનીર (ચીઝ), માખણ વગેરે દૂધની પેદાશોમાં પણ તે હોય છે.

30 અઠવાડિયાંના ગર્ભાશ્રયકાળ (gestation period) કરતાં વહેલાં જન્મેલાં પૂર્વપક્વ (premature) શિશુઓમાં આ વિકાર ઘણી વખત જોવા મળે છે, પરંતુ પૂરા સમયે જન્મેલાં એટલે કે પૂર્ણગર્ભાશ્રયકાલ (full term) શિશુઓમાં લૅક્ટેઝની ઊણપ હોય તો તે એક અલિંગસૂત્રી પ્રચ્છન્ન (autosomal recessive) પ્રકારના વારસરૂપ વિકારને કારણે હોય છે. આવા પ્રકારના વારસામાં જો માતા અને પિતા બંનેમાંથી દુગ્ધશર્કરા-ઉત્સેચક ઉત્પન્ન કરવાના જનીનો વારસામાં ન મળ્યા હોય તો જ આ વિકાર ઉદભવે છે, પરંતુ જો માતા કે પિતામાંથી કોઈ પણ પાસેથી પણ તેના ઉત્પાદનનો જનીન પ્રાપ્ત થયો હોય તો વિકાર થતો નથી. આમ માતા-પિતા બંનેમાં આવી જનીનીય લાક્ષણિકતા હોય તો 25 % સંતતિઓમાં તે દેખાય છે, જ્યારે 50 % સંતતિ વારસામાં જનીનીય લાક્ષણિકતા મેળવે છે; પરંતુ તેમને વિકાર થતો નથી. બાકીની 25 % સંતતિને આવી જનીનીય કે દૈહિક લાક્ષણિકતા હોતી નથી. આવા પ્રકારના જનીનીય વારસાને અલિંગસૂત્રીય પ્રચ્છન્ન વારસો કહે છે.

જન્મસમયે દુગ્ધશર્કરા ઉત્સેચકનું પ્રમાણ વધુ હોય છે; પરંતુ તે ક્રમશ: ઉંમર વધવાની સાથે, ઘટતું જાય છે. અમેરિકામાં આશરે 500 લાખ વ્યક્તિઓને સંપૂર્ણ કે આંશિક લૅક્ટોઝ-અસહ્યતા હોય છે. એશિયન-અમેરિકનોમાં તેનું પ્રમાણ 90 %, આફ્રિકન-અમેરિકનમાં 70 %, અમેરિકાની મૂળ પ્રજામાં 95 %, મેક્સિકન-અમેરિકનોમાં 50 %, જ્યૂઇસ-અમેરિકનોમાં 60 % તથા અન્ય કોકેસિયનોમાં 25 % હોય છે.

નાના આંતરડાના કેટલાક રોગોમાં પણ આ વિકાર થાય છે; જેમ કે ક્રોહનનો રોગ, વ્હિપલનો રોગ, ઇયોસિનરાગી જઠરાંત્રશોથ (eosinophilic gastroenteritis), વિષાણુજ જઠરાંત્રશોથ, જિયાર્ડિયાજન્ય રોગ (giardiasis), એઇડ્ઝજન્ય આંત્રરુગ્ણતા (AIDS enteropathy) કે જેમાં આંતરડાને વિવિધ પ્રકારના ચેપ લાગેલા હોય છે. (દા.ત., માઇક્રોસ્પોરિડા), ટૂંકું લઘ્વાંત્ર સંલક્ષણ (short small bowel syndrome), કુપોષણ વગેરે.

દુગ્ધશર્કરા-ઉત્સેચકની ઊણપને કારણે દુગ્ધશર્કરાનું પાચન તથા અવશોષણ થતું નથી. આવી આંતરડામાં રહી ગયેલી દુગ્ધશર્કરામાં આંતરડામાંના જીવાણુઓ આથો લાવે છે અને તેને કારણે હાઇડ્રોજન તથા અન્ય વાયુઓ અને સેન્દ્રિય અમ્લો (organic acids) ઉત્પન્ન થાય છે. દુગ્ધશર્કરા અને સેન્દ્રિય અમ્લોનો આસૃતિદાબ (osmotic pressure) વધારે હોય છે અને તેથી પાતળા ઝાડાના રૂપે શરીરમાંથી ઘણું પાણી વહી જાય છે.

લક્ષણો, ચિહ્નો અને નિદાન : ઉત્સેચકની ઊણપનું તથા દુગ્ધશર્કરાના આહારનું જુદું જુદું પ્રમાણ હોય છે તેથી તેનાં લક્ષણો અને ચિહ્નોમાં પણ વિવિધતા રહેલી હોય છે; પરંતુ સામાન્ય રીતે આવા દર્દીઓ 5 ગ્રામથી વધુ લૅક્ટોઝ એકસામટું લે તો તેમને તે પચવી શકતા નથી. મોટાભાગની લૅક્ટોઝ-અસહ્ય વ્યક્તિઓ તકલીફ વગર 100 મિલિ. દૂધ લઈ શકે છે. કેટલાક કિસ્સામાં વ્યક્તિ 250 મિલિ. દૂધમાંના 15 ગ્રામ લૅક્ટોઝને પણ પચવી શકે છે. જોકે તે તેમણે ખોરાક સાથે અથવા થોડું થોડું કરીને દિવસમાં અનેક વખત લેવાનું રાખવું પડે છે. જો થોડાક પ્રમાણમાં દુગ્ધશર્કરાનું કુશોષણ થયું હોય તો વાયુપ્રકોપ થાય છે અને ચૂંક આવે છે. જો વધુ પ્રમાણમાં દૂધ લેવાઈ ગયું હોય તો આસૃતિદાબજન્ય અતિસાર (osmotic diarrhoea) રૂપે પાતળા ઝાડા થાય છે. જો અન્ય પ્રકારના કુશોષણીય વિકારો ન હોય તો વજન ઘટતું નથી તથા પોષક દ્રવ્યોની ઊણપ પણ થતી નથી. મળનું pH મૂલ્ય 6 કે તેથી ઓછું હોય છે. નિદાન માટે મહત્વની તપાસ માટે શ્વસનીય હાઇડ્રોજન કસોટી (hydrogen breath test) કરાય છે. આંતરડામાંની શર્કરાનું આંતરડામાંના જીવાણુઓ વિઘટન કરી તેમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે; તેથી કાર્બોદિત પદાર્થ (શર્કરા) લીધા પછી શ્વસનીય હાઇડ્રોજન કસોટી કરવાથી તે શર્કરા પર જીવાણુજન્ય ચયાપચય થઈ રહ્યો છે તેવું નક્કી થાય છે. 50 ગ્રામ લૅક્ટોઝના આહાર પછી જો 90 મિનિટમાં ઉચ્છ્વાસમાં હાઇડ્રોજનનું પ્રમાણ 20 પીપીએમથી વધુ હોય તો તે લૅક્ટોઝનો જીવાણુજન્ય ચયાપચય (bacterial metabolism) થઈ રહ્યો છે એવું સૂચવે છે. નિદાન માટે મોટાભાગના કિસ્સામાં તબીબો દર્દીને 2 અઠવાડિયાં લૅક્ટોઝ વગરનો આહાર લેવાનું સૂચવે છે. જો તેને કારણે તકલીફ શમે તો તે નિદાનસૂચક ગણવામાં આવે છે.

જોકે તેમાં છદ્મોપચારની અસર(placebo effect)ની સંભાવનાને અવગણી ન શકાય. દર્દીને કોઈ ઔષધના નામે અપાતા પરંતુ કોઈ પણ પ્રકારની અસરકારકતા વગરના દ્રવ્યને કારણે તેની તકલીફોમાં ઘટાડો થયેલો અનુભવાય તો તેને છદ્મોપચારની અસર કહે છે. નિદાન માટેની એક કસોટી રૂપે દર્દીને 50 ગ્રામ લૅક્ટોઝ અપાય છે અને ત્યારપછી ગ્લુકોઝની રુધિરરસ-સપાટી કેટલી છે તે પણ જાણી લેવાય છે. જો તે 1.4 મિ.લિ. હોય તો લૅક્ટેઝની ઊણપ નથી તેવું નિદાન થઈ શકે છે. દુગ્ધશર્કરા-ઉત્સેચકની ઊણપથી થતો વિકાર જઠર અને આંતરડાના વિવિધ રોગોથી અલગ પાડવો પડે છે; કેમ કે, તેમના અને આ વિકારનાં લક્ષણો કાં તો સમાન છે અથવા તો આ વિકાર ઉપર જણાવ્યું છે તે પ્રમાણે જે-તે મૂળ રોગની સાથે થઈ આવે છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓને દૂધમાંના પ્રોટીન સાથે વિષમોર્જા (allergy) હોય છે. તેને પણ લૅક્ટોઝ-અસહ્યતાથી અલગ પાડવી પડે છે. સંશોધનોએ પુરવાર કર્યું છે કે ઉગ્ર કે દીર્ઘકાલી ઝાડા થયા હોય તોપણ મોટાભાગનાં બાળકો માનવેતર દૂધને પચવી શકે છે, પરંતુ ક્યારેક અતિશય નિર્જલન (dehydration) થયેલું હોય તો લૅક્ટોઝ-અસહ્યતા થઈ આવે છે. દરેક લાંબા સમયના ઝાડાના કિસ્સામાં લૅક્ટોઝ-અસહ્યતા છે કે નહિ તે જોઈ લેવાય છે.

સારવાર : સારવારનો ઇરાદો તકલીફો ઘટાડી રાહત આપવાનો છે. દૂધમાં દર પ્યાલામાં 12 ગ્રામ, આઇસક્રીમમાં દર પ્યાલામાં 9 ગ્રામ અને કોટેજ ચીઝમાં દર પ્યાલામાં 8 ગ્રામ લૅક્ટોઝ હોય છે. આ બધા વધુ લૅક્ટોઝ ધરાવતા આહાર છે. જૂના પનીરમાં તે 0.5 ગ્રામ/ઔંસ જ હોય છે. પાશ્ર્ચરીકરણ વગરના દહીંમાં દુગ્ધશર્કરા-ઉત્સેચક હોય છે અને તેથી તેનાથી તકલીફ થતી નથી. ઘણા દર્દીઓ દૂધ કે તેની બનાવટો લેતા નથી અથવા તેનો આહાર ઘટાડી નાંખે છે. જોકે આખા દિવસમાં થોડું થોડું કરીને 1 પ્યાલા જેટલું દૂધ લેવામાં આ દર્દીઓને ખાસ તકલીફ રહેતી નથી. તેમને દુગ્ધશર્કરા-ઉત્સેચક બહારથી આપવો એ જરૂરી બનતું નથી. દૂધના ઘટેલા વપરાશને કારણે કૅલ્શિયમની ઊણપ થાય છે તથા હાડકાં નબળાં બને છે તેથી આહારમાં કે ઔષધ રૂપે વધારાનું કૅલ્શિયમ અપાય છે. પશ્ચિમના દેશોમાં દુગ્ધશર્કરા વગરનું દૂધ પણ મળે છે; જેમાં દુગ્ધશર્કરા-ઉત્સેચકની મદદથી દૂધમાંની 70 %થી 100 % જેટલી શર્કરા દૂર કરાયેલી હોય છે. પશ્ચિમી દેશોમાં લૅક્ટેઝની નાની ગોળીઓ પણ મળે છે, જે દૂધ સાથે લઈ શકાય છે.

શિલીન નં. શુક્લ