લુ ચી (પિન્યિન લુ જી)

January, 2004

લુ ચી (પિન્યિન લુ જી) (જ. 261, દક્ષિણ ચીન; અ. 303, ચીન) : ચીની સાહિત્યવિવેચક અને ‘વુ’ રાજ્યના પહેલા અગત્યના લેખક. વુ રાજ્યના સ્થાપક લુ હુનના પૌત્ર અને સેનાધિપતિ લુ કાગના ચોથા પુત્ર. ચિન વંશના સત્તાકાળ દરમિયાન લગભગ 10 વર્ષ સુધી લુ ચી ભૂગર્ભમાં રહ્યા. 290માં રાજધાનીના શહેર લો-યૉંગ આવ્યા ત્યારે ત્યાંના બૌદ્ધિકોએ તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું. તે સમયની રાષ્ટ્રીય યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ત્યારપછી તેમણે રાજ્યમાં ઉચ્ચસ્થાનોએ કામગીરી કરી અને ઉમરાવ તરીકે તેમના નામની જાહેરાત થઈ. જોકે સમ્રાટને ઉથલાવી પાડવા માટેના કાવતરાખોરોની યાદીમાં તેમનું નામ સામેલ થતાં 303માં તેમને ફાંસી આપવામાં આવી હતી.

લુ ચીએ ઊર્મિકાવ્યો લખ્યાં હતાં. પરંતુ તેમની પ્રતિષ્ઠા ‘ફુ’ નામના ગ્રંથને કારણે થઈ. આ શૈલીને આધારે પદ્ય-ગદ્યનો સમન્વય કરી તેમણે કાવ્યની નવી બાની પ્રવર્તાવી. આ શૈલીમાં તેમણે ‘વેન ફુ’ (‘ફુન ઑન લિટરેચર’) નામનો સાહિત્યિક વિવેચનાનો ગ્રંથ લખ્યો, ભાગ્યે જ જોવા મળે તેવાં ઊંડાણ અને ચોકસાઈથી તેમણે આ ગ્રંથમાં ગદ્ય-પદ્ય રચના સંબંધે સિદ્ધાંતો અને વ્યાખ્યાઓ ર્દષ્ટાંતો સહિત રજૂ કર્યાં છે.

વિ. પ્ર. ત્રિવેદી