લુટોસ્લેવ્સ્કી, વિટોલ્ડ (Lutoslawski, Witold)

January, 2004

લુટોસ્લેવ્સ્કી, વિટોલ્ડ (Lutoslawski, Witold) (જ. 25 જાન્યુઆરી 1913, વૉર્સો, પોલૅન્ડ) : આધુનિક પૉલિશ સ્વરનિયોજક. વૉર્સો યુનિવર્સિટીમાંથી ગણિત સાથે સ્નાતક થઈ વૉર્સો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને સ્વરનિયોજન તથા સંગીતના સિદ્ધાંતોનું અધ્યયન કર્યું.

એમની આરંભિક કૃતિઓમાં નાવીન્ય નહોતું. એમાં પશ્ચિમ યુરોપિયન પ્રણાલીગત સ્વરસમૂહો સાથે પૉલિશ લોકધૂનોનું સંયોજન થયેલું છે : ‘ધ સિમ્ફૉનિક વૅરિયેશન્સ’ (1938) તથા ‘વૅરિયેશન્સ ઑન ધ થીમ ઑવ્ પેગેની’ની ફૉર ટુ પિયાનોઝ’ (1941).

1958માં ‘ફ્યુનરલ મ્યુઝિક ફૉર સ્ટ્રિન્ગ ઑર્કેસ્ટ્રા’ની રચનાથી લુટોસ્લેવ્સ્કીના સંગીતસર્જનમાં અણધાર્યો વળાંક આવ્યો. સ્વર્ગસ્થ ક્રાંતિકારી મહાન હંગેરિયન સંગીતકાર બેલા બાર્તૉકને અર્પણ કરેલી આ કૃતિમાં સ્વરસપ્તકમાંના બારેબાર સ્વરોનો તીવ્ર-કોમળ પદ્ધતિએ નહિ, પણ સ્વતંત્ર સ્વરો તરીકે ઉપયોગ થયો છે. આ કૃતિને ‘યુનાઇટેડ નૅશન્સ એડ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન’નું ઇનામ પણ મળ્યું હતું. સ્વરનિયોજકોના આંતરરાષ્ટ્રીય સંગઠન ટ્રિબ્યૂન ઑવ્ ઇન્ટરનૅશનલ કંપોઝર્સે પણ આ કૃતિને આવકાર આપ્યો હતો. એ પછી 1961માં વૅનિસમાં યોજાનારા ‘વૅનિસ ફેસ્ટિવલ’ માટે લુટોસ્લેવ્સ્કીએ ‘વૅનેશિયન ગેઇમ્સ’ કૃતિ સર્જી, જેમાં એમણે વાદકોને ઇમ્પ્રૉવાઇઝેશન(સંગીતના સ્કોરનું પોતાની રીતે અર્થઘટન કરી મુક્ત રીતે વાદન માટે)ની પૂરતી મોકળાશ આપેલી.

લુટોસ્લેવ્સ્કીની જાણીતી કૃતિઓમાં બાળકોએ ગાવાનાં ગીતો, પિયાનો માટેની બે રચનાઓ, એક સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ (1964), કોરસ માટેની રચનાઓ, કોન્ચર્ટો ફૉર ઑર્કેસ્ટ્રા, બે સિમ્ફનીઓ, કોન્ચર્ટો ફૉર યેલો ઍન્ડ ઑર્કેસ્ટ્રા અને તેર તંતુવાદ્યો માટેની ‘પ્રીલ્યુડ્સ ઍન્ડ ફ્યુગ ફૉર થર્ટીન સ્ટ્રિન્ગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ કૃતિનો સમાવેશ થાય છે.

1955માં પોલૅન્ડની સરકારે તેમનું પુરસ્કાર દ્વારા બહુમાન કરેલું.

અમિતાભ મડિયા