લી કુન્ગ્લીન (જ. 1049, શુચેન્ગ, ઍન્વેઇ પ્રાંત, ચીન; અ. 1106, ચીન) : સુંગ કાળના એક ઉત્તમ ચીની ચિત્રકાર. વિદ્વાનોની લાંબી પરંપરા ધરાવતા કુટુંબમાં જન્મ. કુટુંબીજનો પણ અભ્યાસીઓ હતા. 1070માં લી કુન્ગ્લીનને ‘ચીન-શીહ’(એડ્વાન્સ સ્કૉલર)ની પદવી પ્રાપ્ત થઈ. પ્રાંતના પાટનગર કાઇફેન્ગમાં બીજા વિદ્વાનોની પેઠે તેમણે સરકારી અધિકારીની કારકિર્દી શરૂ કરી. આ નગરમાં તત્કાલીન ચીનના ઘણા પ્રખર સાહિત્યકારો, સુલેખનકારો (calligraphers) અને ચિત્રકારોના સંપર્કમાં તે આવ્યા. કવિ-સુલેખનકાર સુ તુન્ગ્પો તથા ચિત્રકાર-વિવેચક મી ફેઈ સાથે તેમને ઘરોબો થયો. મહાન પ્રાચીન ચિત્રકારોનાં ચિત્રોની નકલો કરીને લી કુન્ગ્લીને ઊંચી કક્ષાની રુચિ કેળવી. પોતાનાં મૌલિક ચિત્રોમાં તેમણે માત્ર વર્ણનાત્મક આલેખનનો ત્યાગ કર્યો અને સાહિત્યિક તેમજ વિદ્વત્તાભર્યા જ્ઞાનનું પ્રદર્શન કરતી પ્રાચીન ‘વેન-જેન-હુવા’ (literati) શૈલીને પણ તિલાંજલિ આપી. ઘણી શૈલીઓ એમણે સર્જી એમ માનવામાં આવે છે. છતાં એ શૈલીનાં ચિત્રો આજે દુર્લભ છે, જેને વિશે એમ નિ:શંક કહી શકાય કે એ લી કુન્ગ્લીને જ ચીતરેલાં. ઘોડા, નિસર્ગદૃશ્યો, માનવ-આકૃતિઓ અને બૌદ્ધ ધર્મના વિષયો એ ચીતરતા એવું માનવામાં આવે છે.

અમિતાભ મડિયા