લિનિયસ, કૅરોલસ (જ. 27 મે 1707, રાશુલ્ટ; અ. 10 જાન્યુ. 1778, ઉપસાલા) : સ્વીડનના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને વર્ગીકરણવિજ્ઞાની. તેમણે સજીવોની પ્રજાતિ (genera) અને જાતિ(species)ને વ્યાખ્યાયિત કરવા માટેના સૌપ્રથમ વાર સિદ્ધાંતો આપ્યા અને તેમનું નામકરણ કરવા દ્વિનામી-નામકરણ (binomial nomenclature) પદ્ધતિ આપી.

તેઓ નીલ્સ લિનિયસ નામના ખ્રિસ્તી પાદરીના પુત્ર હતા. તેઓ આઠ વર્ષના હતા ત્યારથી જ પુષ્પો તરફ આકર્ષાયા હતા અને તેમને ‘નાનકડા વનસ્પતિવિજ્ઞાની’નું હુલામણું નામ આપવામાં આવ્યું હતું. તેમણે લુંડ અને ઉપસાલા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ત્યાંથી આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી. ઉપસાલામાં તેઓ પીઢ વનસ્પતિ-વિજ્ઞાની ઓલૉફ સેલ્સિયસના સંપર્કમાં આવ્યા; જેમનો લિનિયસની કારકિર્દી પર ખૂબ પ્રભાવ રહ્યો. 1730માં તેઓ વ્યાખ્યાતા તરીકે નિમાયા અને બે વર્ષ પછી ઉપસાલા એકૅડેમી ઑવ્ સાયંસિઝના નેજા હેઠળ લૅપલડના વનસ્પતિસમૂહનું સર્વેક્ષણ કર્યું. તે માટે તેમણે 1,600 કિમી.નો પગપાળા પ્રવાસ ખેડ્યો. 1737માં ઍમસ્ટરડૅમમાં ‘ફ્લૉરા લૅપોનિકા’ તરીકે તેમના પ્રવાસનાં પરિણામો પ્રસિદ્ધ થયાં. આ કાર્ય દ્વારા તેમની પ્રતિષ્ઠા દૃઢપણે પ્રસ્થાપિત થઈ. 1735માં ‘સિસ્ટિમા નેચરી’ અને બે વર્ષ પછી ‘જેનરાપ્લૅન્ટેરમ’ નામનાં પુસ્તકોએ તેમની ખ્યાતિમાં ઓર વધારો કર્યો. સપુષ્પ વનસ્પતિઓ અને હંસરાજોના નામકરણ માટે ‘સ્પીસીઝ પ્લૅન્ટેરમ’ 1751માં પ્રકાશિત થયું, જે 1,200 પાનાંનો ગ્રંથ હતો.

‘જેનરા પ્લૅન્ટેરમ’ અને ‘ક્રિટિકા બોટૅનિકા’નો અંગ્રેજીમાં અનુવાદ ‘ધ રે સોસાયટી’એ 1738માં સર આર્થર હૉર્ટ પાસે કરાવ્યો. લિનિયસે ‘સિસ્ટિમા નેચરી’ની હસ્તપ્રત જેન ફ્રેડરિક ગ્રોનોવિયસને બતાવી. તેનાથી ગ્રોનોવિયસ એટલા પ્રભાવિત થયા કે તેના પ્રકાશનનો બધો ખર્ચ તેમણે ઉપાડી લીધો. લિનિયસે આપેલી વર્ગીકરણ-પદ્ધતિ પુંકેસરોની સંખ્યા ઉપર આધારિત હતી. તેમની વર્ગીકરણ-પદ્ધતિ સામ્ય કરતાં વિભિન્નતાઓ ઉપર અવલંબિત હોવાથી એકબીજી સાથે સામ્ય દર્શાવતી વનસ્પતિઓ જુદા જુદા વર્ગોમાં મુકાઈ ગઈ છે. તેમની વર્ગીકરણ-પદ્ધતિને કૃત્રિમ ગણવામાં આવે છે.

લિનિયસે સજીવોને ‘વનસ્પતિ’ અને ‘પ્રાણી’ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યાં છે. તેમણે ભેદદર્શક લક્ષણો પરથી વનસ્પતિઓ અને પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું, જેમ કે, મેરુદંડ ધરાવતાં પ્રાણીઓને ‘મેરુદંડી’ અને મેરુદંડ વિનાનાં પ્રાણીઓને ‘અમેરુદંડી’માં વર્ગીકૃત કર્યાં. તે જ રીતે, વનસ્પતિઓને ‘અપુષ્પ’ અને ‘સપુષ્પ’ વિભાગ તરીકે વર્ગીકૃત કરી. સજીવોના નામકરણ માટે દ્વિનામી નામકરણ-પદ્ધતિ આપી; જેમાં સજીવનું નામકરણ પ્રથમ પ્રજાતીય (generic) નામ દ્વારા અને બીજું જાતીય (specific) નામ દ્વારા કરવામાં આવે છે. આ નામકરણ લૅટિન ભાષામાં જ કરવામાં આવે છે.

1736માં લિનિયસે ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી, જ્યાં તે વનસ્પતિશાસ્ત્રી અને ચિકિત્સક સર હૅન્સ સ્લોએનને લંડનમાં અને ઑક્સફર્ડના વનસ્પતિશાસ્ત્રના પ્રથમ પ્રાધ્યાપક જોહાન જેકબ ડિલેનિયસને મળ્યા. બંનેએ લિનિયસની વર્ગીકરણ-પદ્ધતિને આવકારી હતી. સુપ્રસિદ્ધ ‘હૉર્ટસ ક્લિફૉર્ટિયેનસ’ પરના તેમના કાર્યને પૂર્ણ કરવા હોલૅન્ડ પાછા ફર્યા. પૅરિસમાં ત્રણ પ્રતિષ્ઠિત વનસ્પતિવિજ્ઞાનીઓ, જ્યૂસી ભાઈઓની મુલાકાત લીધી અને તેમની સાથે ગાઢ મૈત્રી સ્થાપિત કરી. ફરી પાછા તે સ્વીડન ગયા અને 1738માં સ્ટૉકહોમમાં ચિકિત્સક તરીકે સ્થાયી થયા અને તેમાં પણ તે ખૂબ સફળ રહ્યા. 1739માં જોહાન મૉરિયસ નામના ચિકિત્સકની પુત્રી સારા લીસા મૉરીયા સાથે લગ્ન  કર્યાં. લગ્નનાં બે વર્ષ પછી ઉપસાલામાં આયુર્વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ થઈ; પરંતુ એક જ વર્ષ પછી તેમણે વનસ્પતિશાસ્ત્રના પ્રાધ્યાપક બની પોતાના મનગમતા વિષયમાં પદાર્પણ કર્યું. તેમણે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનાં વર્ગીકરણ ઉપરાંત ખનિજસૃષ્ટિનું પણ વર્ગીકરણ કર્યું અને તેમના સમયમાં જાણીતા રોગોના પ્રકારો ઉપર વિવરણગ્રંથ લખ્યો.

પછીનાં વર્ષોમાં તેમણે શિક્ષણ અને પ્રકાશનનું કાર્ય કર્યું. તેમણે ‘ફ્લૉરા સુએસિકા’ (1745), ‘ફૉના સુએસિકા’ (1746), ‘વૅસ્ટગોટા રેઝા’ના બે ખંડો (1747), ‘ક્યુરિયાસીટાસ નેચરાલિસ’ (1748), ‘હોર્ટસ ઉપાસાલિયેન્સિસ’ (1748), ‘મટીરિયા મેડિકા’ (1749), ‘સ્કાન્સ્કા રેઝા’ (1751), ‘ફિલૉસૉફિયા બોટૅનિકા’ (1751), ‘સ્પીસીઝ પ્લેન્ટેરમ’ (1753) અને ‘પોલિશિયા નેચરી’ (1753) લખ્યાં. સ્પેનના રાજા લિનિયસના જ્ઞાનથી પ્રભાવિત થયેલા અને સ્પેનમાં સ્થાયી થવા નિમંત્રણ પાઠવ્યું, પરંતુ લિનિયસે તેનો અસ્વીકાર કર્યો. 1761માં 1757ના વર્ષની પશ્ર્ચાત્અસરથી સ્વીડનના રાજાએ તેમને ‘ઉમરાવ’નો ખિતાબ આપ્યો. તે સમયથી લિનિયસ ‘કાર્લ ફૉન લિને’(Carl von Linn´e)ના નામથી ઓળખાય છે. 1774માં રક્તાઘાતના હુમલાથી તેઓ ખૂબ અશક્ત થઈ ગયા અને ચાર વર્ષ પછી મૃત્યુ પામ્યા.

તેમણે 19,000 વનસ્પતિઓના નમૂનાઓ 3,200 કીટકો, 1,500 છીપલાં, 800 પરવાળાં અને 2,500 જાતનાં કીમતી અશ્મ અને ખનિજો તથા 2,500 જેટલા અપ્રાપ્ય ગ્રંથોનો સંગ્રહ કર્યો હતો.

બ્રિટિશ વૈજ્ઞાનિક સર જે. ઈ. સ્મિથે લિનિયન હસ્તપ્રતો, વનસ્પતિ-સંગ્રહાલય અને કીટકો તથા છીપલાં(shells)નો સંગ્રહ 1783માં ખરીદી લીધો હતો. લિનિયન સોસાયટી દ્વારા લંડનના બર્લિંગ્ટન હાઉસમાં આ બધાંનો કાળજીપૂર્વક સંગ્રહ કરવામાં આવ્યો છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

રા. ય. ગુપ્તે

મ. શિ. દૂબળે