લિંગનિર્ણયન (determination of sex)

January, 2004

લિંગનિર્ણયન (determination of sex) : બાળક, વ્યક્તિ કે મૃતદેહની જાતીયતા (sex) નક્કી કરવી તે. જન્મ સમયે બાળકના શરીર પર વિકસેલાં બાહ્ય જનનાંગો પરથી તેની જાતીયતા અથવા લિંગ નક્કી કરાય છે. ગર્ભશિશુના લિંગ-પરીક્ષણ માટે ધ્વનિચિત્રણ (sonography) કે પરિગર્ભપેશી(chorion)નું જીવપેશીપરીક્ષણ (biopsy) કરવાનું કાયદાથી નિષેધ કરવામાં આવેલું છે. તે નૈદાનિક પદ્ધતિઓના દુરુપયોગ લીધે વ્યાપક બનેલી, અનૈતિક અને અહિતકારી સ્ત્રીભ્રૂણહત્યાને કારણે તેમ બનેલું છે. લિંગનિર્ણયનની સૌથી વધુ જરૂર ન્યાયસહાયક તબીબીવિદ્યા(medical jurisprudence)માં પડે છે. ક્યારેક મૃતદેહની ઓળખ માટે તેની જાતીયતા (લિંગ) જાણવું જરૂરી બને છે. ક્યારેક સજીવ વ્યક્તિમાં તેનાં બાહ્ય જનનાંગો બરાબર ન વિકસેલાં હોય તો પણ લિંગનિર્ણયન કરવું જરૂરી બને છે. જનનાંગોના દુર્વિકસન (dysgenesis of gonads) અથવા બાહ્ય જનનાંગોનો બરાબર વિકાસ ન થયો હોય તેવી સ્થિતિમાં કારણરૂપ કેટલાક વિકારો હોય છે; જેમ કે, ટર્નરનું સંલક્ષણ, ક્લિન્ફેલ્ટરનું સંલક્ષણ તથા યથાર્થ (true) કે છદ્મ (pseudo) ઉભયલિંગિતા (hermaphroditism).

વ્યક્તિની જાતીયતા (લિંગ) જાણવા માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે : (ક) શારીરિક સ્વરૂપવિદ્યા (physical morphology), (ખ) હાડકાં, (ગ) કોષોનો સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કરી લૈંગિક રંગસૂત્રિન (sex chromatin) દર્શાવવું, (ઘ) પહેરવેશ, આભૂષણો તથા રીતભાત (ઓછું મહત્વ), (ચ) જનનાંગનું પેશીપરીક્ષણ (gonadal biopsy) તથા અંત:સ્રાવોનો અભ્યાસ (આંતરલિંગી-intersex-વ્યક્તિના કિસ્સામાં).

() શારીરિક સ્વરૂપવિદ્યા : સ્ત્રી અને પુરુષના શરીરમાં અનેક પ્રકારની અલગતાઓ છે જેને કારણે તેમનાં શરીરને સહેલાઈથી અલગ પાડી શકાય છે. આ અલગતાઓનું કારણ તેમની પ્રારંભિક અને દ્વૈતીયિક લૈંગિક લાક્ષણિકતાઓ તથા તેમનો જુદો પડતો જીવનવ્યવહાર છે. તેમના મુખ્ય તફાવતોને સારણી 1માં દર્શાવવામાં આવેલા છે.

સ્ત્રી અને પુરુષ વચ્ચેના શારીરિક ભેદ

અંગઉપાંગ      પુરુષ          સ્ત્રી
1. સામાન્ય બાંધો સ્નાયુવાળો, મજબૂત ઓછા સ્નાયુ, કોમળ, મૃદુ, ચામડીની વધુ ચરબી
2. માથા પર વાળ ટૂંકા, જાડા, ઓછા, ઓછા સુંવાળા લાંબા, ભરાવદાર, પાતળા, સુંવાળા
3. ભ્રમર જાડી, ઓછી સુંદર પાતળી, સુંદર
4. માથું અને ચહેરો મોટો નાનો
5. ઊંચાઈ વધુ ઓછી
6. વજન વધુ ઓછું
7. ચહેરા પર વાળ હોય ન હોય
8. જીજીયો (pomum adami) મોટો નાનો
9. અવાજ યૌવનારંભ પછી ભારે કોમળ
10. સ્વરપેટી મોટી નાની
11. ખભા કેડ કરતાં વધુ પહોળા કેડ વધુ પહોળી
12. સ્તન અવિકસિત યૌવનારંભ પછી વિકસિત
13. ગુપ્તાંગ વિસ્તારના વાળ જાડા, ઓછા સુંવાળા, ઉપર તરફ વધુ તેથી ત્રિકોણનું શીર્ષ ડૂંટી તરફ પાતળા, સુંવાળા, ત્રિકોણનું શીર્ષ નીચેની તરફ
14. શરીર પર અન્યત્ર વાળ છાતી, હાથપગ પર વાળ હોય ન હોય / ઓછા હોય
15. છાતી અને પેટનાં કદ પેટ કરતાં છાતી મોટી છાતી કરતાં પેટ મોટું
16. કમર અસ્પષ્ટ સ્પષ્ટ
17. બેઠકવિસ્તાર (gluteal region) સપાટ ઉપસેલો, ગોળ
18. અગ્ર બાહુ (forearm) અગ્ર-પશ્ચવર્તી ચપટો ગોળ
19. કાંડું અને ઘૂંટી હાડકાં, નસો અને સ્નાયુબંધોથી અનિયમિત આકાર ઘાટવાળાં, કોમળ અને ગોળ
20. બાહ્ય જનનાંગો શિશ્ન, વૃષણકોથળી અને અને વૃષણ (શુક્રપિંડ) ભગોષ્ઠ અને યોનિ
21. આંતરિક જનનાંગો પુર:સ્થગ્રંથિ, વીર્યવાહિની વગેરે ગર્ભાશય, અંડપિંડ
22. પહેરવેશ અને આભૂષણ વિશિષ્ટ અને સૂચક વિશિષ્ટ અને સૂચક

અતિશય કોહવાઈ ગયેલા મૃતદેહમાં મૃદુપેશી નાશ પામેલી હોય છે. તેમ છતાં પુર:સ્થગ્રંથિ (prostate gland) અને ગર્ભાશય ઘણે ભાગે ઓળખી શકાય તેમ હોય છે. માથા પરના વાળ, પહેરવેશ, આભૂષણો વગેરે પણ ઓળખમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત હાડકાંના અભ્યાસથી પણ લૈંગિક ઓળખ શક્ય બને છે. ક્યારેક મૃતદેહને વિકૃત કરી નખાયેલો હોય કે તેનો કોઈ એક ભાગ મળે ત્યારે લૈંગિક ઓળખ મુશ્કેલ બને છે.

આકૃતિ 1 : પુરુષ અને સ્ત્રીની દેહાકૃતિમાં જોવા મળતા તફાવતો

() હાડકાં : હાડકાંના અભ્યાસ પરથી જે તે વ્યક્તિની જાતીયતા (લિંગ) નક્કી કરવા માટે ઘણીબધી વિશેષતાઓ જાણમાં આવેલી છે. જો આખું હાડપિંજર મળેલું હોય તો 100 % જેટલી સચોટતાથી નિર્ણય કરી શકાય છે. એકલી શ્રોણી(pelvis)થી 95 %, એકલી ખોપરીથી 90 % અને એકલાં લાંબાં હાડકાંથી 80 થી 85 % કિસ્સામાં સચોટ તારણ કાઢી શકાય છે. સૌથી વધુ ઉપયોગી હાડકાં તરીકે શ્રોણી, ખોપરી, નીચલું જડબું, વક્ષાસ્થિ (sternum) અને જંઘાસ્થિ(femur)ને ગણાવી શકાય. પુરુષની ખોપરીનું કદ મોટું હોય છે અને તેની ખોપરીનું પોલાણ પણ 10 % વધુ હોય છે. તેના ચહેરાનાં હાડકાં વધુ ધારદાર અને ઊપસેલાં હોય છે. તેનું કપાળ સપાટ અને ચપટું હોય છે જ્યારે સ્ત્રીમાં તે ગોળાશ પડતું હોય છે. પુરુષની આંખનો ગોખલો સહેજ નીચો, થોડો નાનો, ગોળ કિનારીવાળો અને ચોરસ જેવો લાગે છે જ્યારે સ્ત્રીનો નેત્ર-ગોખલો સહેજ ઉપર, મોટો, સ્પષ્ટ કિનારીવાળો અને ગોળાકાર હોય છે. પુરુષના નાકનો ખૂણો વધુ સ્પષ્ટ હોય છે. પુરુષની ખોપરીમાંનાં છિદ્રો મોટાં હોય છે તથા તાળવું પણ મોટું હોય છે. ખોપરીમાંનાં હાડકાંનાં પોલાણો અને દાંત પણ પુરુષમાં મોટાં હોય છે. પુરુષનાં હાડકાંની સપાટી ખરબચડી અને સ્નાયુઓ જ્યાં જોડાતા હોય ત્યાં ઊપસેલી હોય છે.

જ્યારે નીચલા જડબાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે પણ ઘણા તફાવતો જોવા મળે છે; જેમ કે, પુરુષનું નીચલું જડબું મોટું હોય છે, મધ્યરેખાએ પહોળાઈ વધુ હોય છે, ઉપર તરફ જતો ભાગ પહોળો હોય છે અને દાંત મોટા હોય છે. પુરુષના જડબાનો ખૂણો બહારની બાજુએ અને સ્ત્રીઓમાં અંદરની બાજુએ વળેલો હોય છે. પુરુષની ચિબૂક ચોરસ અને સ્ત્રીની ગોળાકાર હોય છે. પુરુષના નીચલા જડબાનો આકાર ‘V’ જેવો તો સ્ત્રીના હાડકાનો આકાર ‘U’ જેવો હોય છે.

આકૃતિ 2 : પુરુષ અને સ્ત્રીની શ્રોણીશૃંખલાઓ

સ્ત્રી-પુરુષનાં કેડનાં હાડકાં (hip bones), ત્રિકાસ્થિ (sacrum) તથા જ્યારે તે જોડોયલાં હોય ત્યારે બનતી શ્રોણી(pelvis)માં પણ અનેક પ્રકારે અલગતા જોવા મળે છે. પુરુષનું કેડનું હાડકું (કટિ-અસ્થિ, hip bone) ભારે, ખરબચડું અને સ્નાયુજોડાણના સ્થાને ઊપસેલું હોય છે, જ્યારે સ્ત્રીનું હાડકું હલકું અને લીસું હોય છે. કટિઅસ્થિ 3 હાડકાંનું બનેલું હોય છે : શ્રોણી-પત્રાસ્થિ (ilium), ગુપ્તાસ્થિ (pubic) અને આસનાસ્થિ (ischaemium). પુરુષોનું શ્રોણીપત્રાસ્થિ ઊંચું અને ઊભું હોય છે અને આગળની સપાટી ઊંડી હોય છે જ્યારે સ્ત્રીઓનું તે હાડકું નીચું, બહારની તરફ ફેલાયેલું તથા આગળની સપાટીએ છીછરું હોય છે. કટિઅસ્થિમાંનું સાવરણ-છિદ્ર (obturator foramen) પુરુષોમાં મોટું અને લંબગોળ તથા સ્ત્રીઓમાં નાનું અને ત્રિકોણ હોય છે. ચરણ-ચેતા (sciatic nerve) માટેની મોટી ખાંચ પુરુષોમાં સાંકડી અને ઊંડી હોય છે જ્યારે સ્ત્રીઓમાં પહોળી અને છીછરી હોય છે. કટિસંધિનો ખલ (acetabulum) પુરુષોમાં ગોળાના 2/3 કરતાં વધુ ભાગ જેટલું પોલાણ ધરાવે છે અને તે બાજુ તરફ (પાર્શ્વીય, lateral) મુખ ધરાવે છે જ્યારે સ્ત્રીઓમાં ગોળાના 2/3 કરતાં ઓછા ભાગ જેટલું પોલાણ ધરાવે છે અને તેનું મુખ આગળ અને બાજુ પર અગ્ર પાર્શ્વીય, anterolateral) હોય છે. આસન-ગુપ્તાસ્થિની ભૂજાકા (ischio-pubic ramus) પુરુષોમાં થોડી અને સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં આગળ તરફ વળેલી હોય છે. પુરુષોના ગુપ્તાસ્થિનો આકાર ત્રિકોણ અને સ્ત્રીઓમાં ચોરસ હોય છે. આસનાસ્થિની કંદિતા (tuberosity) પુરુષોમાં અંદર તરફ અને સ્ત્રીઓમાં બહાર તરફ વળેલી હોય છે. ગુપ્તાસ્થિ-તંતુસંધિ (pubic symphysis) પુરુષોમાં ઊંચી અને સ્ત્રીઓમાં નીચી હોય છે. આસનાસ્થિ અને ગુપ્તાસ્થિની લંબાઈનું ગુણોત્તર-પ્રમાણ કાઢવામાં આવે છે. તેને આસન-ગુપ્તાસ્થિ-અંક (ischio-pubic index) કહે છે. તે પુરુષોમાં 73થી 94 હોય છે જ્યારે સ્ત્રીઓમાં 91થી 115 હોય છે. કટિ-સંધિમાં સંધિ-સપાટી (articular surface) પુરુષોમાં મોટી અને સ્ત્રીઓમાં નાની હોય છે.

કટિઅસ્થિની માફક ત્રિકાસ્થિ(sacrum)માં ઘણા તફાવત નોંધવામાં આવેલા છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં તે મોટું, જાડું અને ખરબચડું હોય છે. પુરુષોનાં હાડકાંનો વળાંક એકસરખો રહે છે જ્યારે સ્ત્રીઓમાં તે નીચલા બે મણકા એકદમ આગળ વધી જાય છે. પુરુષોમાં 5થી 6 મણકા હોય છે જ્યારે સ્ત્રીઓમાં તે હંમેશ 5 હોય છે. આ ઉપરાંત પ્રથમ મણકાની પહોળાઈ અને ત્રિકાસ્થિની પહોળાઈનો ગુણોત્તરપ્રમાણ ગણી કાઢીને ટકામાં દર્શાવાય છે. પુરુષોમાં તે 42થી વધુ અને સ્ત્રીઓમાં 42થી ઓછો હોય છે. ત્રિકાસ્થિ-અંક (sacral index) તરીકે ઓળખાતો અને ટકામાં દર્શાવાતા ગુણોત્તર-પ્રમાણનો અંક ત્રિકાસ્થિની આડી પહોળાઈ અને આગળની સપાટીની લંબાઈનો ભાગાકાર છે. તે પુરુષોમાં 114થી ઓછો અને સ્ત્રીઓમાં 114થી વધુ રહે છે. પુરુષોમાં ત્રિકાસ્થિ-શ્રોણીપત્રાસ્થિનું જોડાણ 3 મણકા જેટલું હોય છે જ્યારે સ્ત્રીઓમાં તે 21થી 3 મણિકાનું હોય છે. પુરુષોમાં શ્રોણીના પોલાણનું સૌથી ઊંડું બિંદુ સ્ત્રીઓમાં હોય તેના કરતાં ઊંચા સ્થાને હોય છે.

ત્રિકાસ્થિ તથા બંને કટિ-અસ્થિને જોડીને શ્રોણી-શૃંખલા બને છે. તેમાં પણ કેટલાક તફાવતો જોવા મળે છે. શ્રોણીની ઉપલી કિનારી પુરુષોમાં હૃદયાકારી હોય છે તો સ્ત્રીઓમાં ગોળ. મુખ્ય શ્રોણી પુરુષોમાં મોટી તો સ્ત્રીઓમાં નાની હોય છે. બે ગુપ્તાસ્થિથી નીચે તરફ બનતો ખૂણો (અવગુપ્તાસ્થિ કોણ, subpubic angle) પુરુષોમાં લઘુકોણ બનાવે છે જ્યારે સ્ત્રીઓમાં કાટકોણ કે ગુરુકોણ બનાવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં શ્રોણીપત્રાસ્થિ પરના અગ્રોર્ધ્વ કંટકો (anterior superior iliac spines) તથા બંને શ્રોણીપત્રાસ્થિની શિખરરેખાઓ(iliac crests)નાં સૌથી ઊંચાં બિંદુઓ વચ્ચેનું અંતર વધુ હોય છે.

સ્ત્રી અને પુરુષના જંઘાસ્થિ(femur)માં પણ ઘણા તફાવતો હોય છે. પુરુષોના જંઘાસ્થિ-શીર્ષની સંધિસપાટી ગોળાની 2/3 સપાટીથી વધુ અને સ્ત્રીઓમાં તેથી ઓછી હોય છે. જંઘાસ્થિ દંડ (shaft) તથા ગ્રીવા (neck) વચ્ચેનો ખૂણો પુરુષોમાં લઘુકોણ અને સ્ત્રીઓમાં કાટકોણ કે ગુરુકોણ હોય છે. તેને કારણે સ્ત્રીઓમાં જંઘાસ્થિનો દંડ નીચે તરફ વધુ ત્રાંસો હોય છે. જંઘાસ્થિ શીર્ષનો વ્યાસ પુરુષોમાં 4.5 સેમી. અને સ્ત્રીઓમાં 4.15 સેમી. હોય છે. તેવી રીતે જંઘાસ્થિની અર્બુદિકા(trochanter)ની ત્રાંસી લંબાઈ પુરુષોમાં વધુ (45 વિરુદ્ધ 39 સેમી) હોય છે, પૉપ્લિટીઅલ રેખા લાંબી (14 વિરુદ્ધ 10 સેમી) હોય છે અને બંને કંદુકિકાઓ(condyles)ની પહોળાઈ પણ વધુ (7.5 વિરુદ્ધ 7 સેમી) હોય છે. પુરુષોનું જંઘાસ્થિ સ્ત્રીઓના હાડકા કરતાં ભારે, ખરબચડું અને સ્નાયુઓના જોડાણની જગ્યાએ વધુ પડતું ઊપસેલું હોય છે.

પુરુષોના વક્ષાસ્થિ(sternum)ની કાય લાંબી અને પહોળી હોય છે. પુરુષોમાં વક્ષાસ્થિનો ઉપલો છેડો બીજા મણિકાની નીચલી ધારે હોય છે જ્યારે સ્ત્રીઓમાં તે ત્રીજા મણિકાની નીચલી ધારે હોય છે. પુરુષોના નળાસ્થિની લંબાઈ 31 સેમી.થી વધુ અને સ્ત્રીઓમાં તે તેનાથી ઓછી હોય છે. પુરુષોમાં કરોડસ્તંભ 65 સેમી.થી વધુ લાંબો તો સ્ત્રીઓમાં તે તેનાથી ઓછો હોય છે. પુરુષોની પાંસળીઓ જાડી હોય છે. વળી તે ઓછી વળાંકવાળી અને ઓછી ત્રાંસી હોય છે. પુરુષોના દાંત પણ મોટા અને જાડા હોય છે.

() લૈંગિક રંગસૂત્રિન (sex chromatin) : સ્ત્રી અને પુરુષમાં 46 રંગસૂત્રો હોય છે. પરંતુ પુરુષોમાં ‘X’ અને ‘Y’ અને સ્ત્રીઓમાં બે ‘X’ લિંગીય રંગસૂત્રો હોય છે. સ્ત્રીઓના લાદીસમ અધિચ્છદીય (squmous epithelium) કોષોમાંનો બીજો ‘X’ રંગસૂત્ર સૂક્ષ્મદર્શક વડે તપાસતાં અલગ દેખાય છે. તેને ‘બાર બોડી’ કહે છે. શ્વેતકોષોમાં તે ડેવિડસનની કાયના રૂપે જોવા મળે છે.

() જનનપિંડનું પેશીપરીક્ષણ (gonadal biopsy) તથા અંત:સ્રાવપરીક્ષણ : જ્યારે પણ મિશ્રલિંગી કે ઉભયલિંગી જનનાંગ-રચના હોય ત્યારે જનનપિંડનું પેશી-પરીક્ષણ તથા અંત:સ્રાવનું પરીક્ષણ ઉપયોગી થાય છે. રમતગમત, લગ્ન, નોકરી, તબીબી બેદરકારી, વારસો વગેરે વિવિધ બાબતોમાં ક્યારેક વ્યક્તિના લિંગ(જાતીયતા)નો નિર્ણય કરવો પડતો હોય છે ત્યારે આની જરૂર પડે છે.

શિલીન નં. શુક્લ

ગોપાલ વસંતલાલ શાહ