લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ

January, 2004

લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ : વિશ્વનું સૌથી મોટું ગ્રંથાલય તેમજ યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી જૂની સાંસ્કૃતિક સંસ્થા.

આ ગ્રંથાલયની સ્થાપના 1800માં વૉશિંગ્ટન ડી.સી.માં થઈ હતી. 1814માં બ્રિટિશ લશ્કરે વૉશિંગ્ટન કબજે કર્યું અને ઘણાંબધાં સરકારી મકાનોને આગ લગાડી. એનો ભોગ આ ગ્રંથાલય પણ બન્યું; જેમાં 3,000 જેટલા ગ્રંથો નાશ પામ્યા. આ ગ્રંથાલયને ફરી સજીવન કરવા માટે ટૉમસ જેફરસન(Thomas Jefferson)નું ગ્રંથાલય ખરીદવામાં આવ્યું. એ પછી પણ 1825 અને 1851માં આગ લાગવાના બે બનાવો બન્યા. ભોંયતળિયેથી લાગેલી આગમાં લગભગ 35,000 જેટલા ગ્રંથો બળીને ખાખ થઈ ગયા; જેમાં જેફરસનનું અડધું ગ્રંથાલય પણ નાશ પામ્યું. ત્યારપછી ગ્રંથોની જાળવણી માટે લોખંડનો ઓરડો બનાવવામાં આવ્યો હતો. 1897માં આ ગ્રંથાલયને તેના કાયમી ભવનમાં ખસેડાયું. સરકારની કાયદાકીય શાખાના ભાગરૂપ આ ગ્રંથાલય રાષ્ટ્રની ધારાસભાનુંય ગ્રંથાલય બની રહ્યું. કૉંગ્રેસના સભ્યોને તથા સરકારી અધિકારીઓને એક સંદર્ભસ્રોત તરીકેની સેવાઓ આ ગ્રંથાલય પાસેથી મળે છે. આ ગ્રંથાલય કૉંગ્રેસ માટેનું સંશોધનકેન્દ્ર પણ બની રહ્યું છે. ઘણાં વર્ષો સુધી આ ગ્રંથાલયની સેવાઓ માત્ર કૉંગ્રેસ પૂરતી મર્યાદિત હતી; પરંતુ કૉપીરાઇટ ઍક્ટ, ખરીદી અને વિનિમય દ્વારા પ્રલેખો પ્રાપ્ત થતાં ગ્રંથાલય વધુ ને વધુ સમૃદ્ધ બનતું રહ્યું અને રાષ્ટ્રીય ગ્રંથાલય બની રહ્યું.

આ ગ્રંથાલયમાં 470 જેટલી ભાષાઓમાં આશરે 12 કરોડ જેટલી અલગ અલગ પ્રલેખ-સામગ્રી છે; જેમાં 2 કરોડ 80 લાખ જેટલાં પુસ્તકો, 25 લાખ રેકૉર્ડ, 1 કરોડ 20 લાખ ફોટોગ્રાફ, 45 લાખ નકશાઓ અને 5 કરોડ 40 લાખ હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.

ગ્રંથાલયના કુલ સંગ્રહમાં 12,60,60,980 જેટલી પ્રલેખસામગ્રી છે; જેમાં 2,89,93,274 પુસ્તકો લાઇબ્રેરી આવ્ કૉંગ્રેસ ક્લાસિફિકેશન પદ્ધતિ દ્વારા વર્ગીકૃત; 96,95,885 મોટા તથા ઊપસેલા અક્ષરોમાં છાપેલા પ્રલેખો; ઇનક્યૂનૅબ્યુલે (incunabula) (1501 પહેલાં પ્રકાશિત થયેલા ગ્રંથો); વિવરણાત્મક પ્રલેખો (monographs) અને ક્રમિક પ્રકાશનો (serials); મ્યૂઝિક; વર્તમાનપત્રોની ફાઇલો, ચોપાનિયાં (pamphlets), ટૅકનિકલ અહેવાલ અને અન્ય મુદ્રિત સામગ્રીનો સમાવેશ થાય છે. વળી, 9,73,71,821 બિનવર્ગીકૃત વિશિષ્ટ સંગ્રહ છે; જેમાં 26,14,253 શ્રાવ્ય સામગ્રી (ડિસ્ક, ટેપ, ટૉકિંગ બુક અને રેકૉર્ડ કરેલાં અન્ય માધ્યમો) છે. તદુપરાંત 5,61,07,162 હસ્તપ્રતો; 48,63,681 નકશાઓ; 1,35,32,501 માઇક્રોફૉર્મ, 51,08,553 મ્યૂઝિક તથા 1,37,40,323 જેટલી સંખ્યામાં દૃશ્ય સામગ્રી છે; જેમાં 8,99,561 મૂવિંગ ઇમેજિઝ (moving images); 1,22,57,813 ફોટોગ્રાફ; 87,090 પોસ્ટરો; 4,95,859 પ્રિન્ટ અને ચિત્રો વગેરેનો સમાવેશ થાય છે.

લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસનું મુખ્ય ભવન

1902માં આ ગ્રંથાલયના આઠમા ગ્રંથપાલ હર્બર્ટ પુટનામે (1899–1939) લવાજમ ભરતાં ગ્રંથાલયો માટે સૌપ્રથમ મુદ્રિત સૂચિપત્રો તૈયાર કર્યાં. પ્રથમ વર્ષે 212 ગ્રાહકો હતા. આજે હજારો અમેરિકન ગ્રંથાલયો ઉપરાંત વિશ્વભરનાં અનેક ગ્રંથાલયોમાં તેનાં સૂચિપત્રોનો ઉપયોગ થાય છે. આમ કેન્દ્રીય સૂચીકરણ અને સહકારી સૂચીકરણની શરૂઆત થઈ. આ ગ્રંથાલયે લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ ક્લાસિફિકેશન પદ્ધતિ વિકસાવી, જે ખૂબ ઉપયોગી નીવડી. આંતરગ્રંથાલય લેવડદેવડની સેવા પણ તેણે શરૂ કરી.

આ ગ્રંથાલય દ્વારા 1942માં રાષ્ટ્રીય સંઘસૂચિ તૈયાર કરવાની શરૂઆત થઈ. તજ્જ્ઞોને સેવા પૂરી પાડવા માટે અનેક વિશિષ્ટ વિષયોની સૂચિઓ પણ પ્રકાશિત થવા માંડી. આ ગ્રંથાલય અંધજનોને બ્રેલલિપિના ગ્રંથો તથા બોલતા ગ્રંથો (talking books) પૂરા પાડે છે.

1960ના દાયકામાં ગ્રંથાલયના ડિજિટાઇઝેશનની શરૂઆત થઈ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાઙ્મયસૂચિયુક્ત માહિતીના વિનિમય માટે માનકો પૂરા પાડવા માટે 1966થી માર્ક (MARC – Machine-Readable Cataloguing) યોજના શરૂ થઈ. 1967માં માર્ક-II ફૉર્મેટ આવ્યું. 1968માં પાશ્ચાત્ય ભાષાના પ્રલેખોની માહિતી કમ્પ્યૂટરાઇઝ્ડ કરી. જાન્યુઆરી 1981થી આ ગ્રંથાલયને સંપૂર્ણ કમ્પ્યૂટરાઇઝ્ડ કરવામાં આવ્યું.

1971માં સીઆઇપી (Cataloguing–In–Publication) યોજનાની શરૂઆત થઈ. આ યોજના અંતર્ગત પુસ્તકો પ્રકાશિત થાય તેની સાથે જ તેનું સૂચિપત્ર તેના ગ્રંથનામ-પૃષ્ઠના પાછળના ભાગમાં છપાઈને જ આવે છે. પ્રકાશકો ગૅલીપ્રૂફ મોકલે ત્યારે જ તેનું સૂચીકરણ કરી આપવામાં આવે છે, જે પછી પુસ્તકમાં પ્રકાશિત થાય છે. 1983માં માઇક્રોફિશ(microfiche)ની રાષ્ટ્રીય સંઘસૂચિ તૈયાર કરવામાં આવી. આ ઉપરાંત સંશોધકો, વિદ્વાનો વગેરેને માર્ગદર્શન માટેના અનેક સ્રોતોના પ્રકાશનનું કાર્ય પણ આ ગ્રંથાલય કરે છે.

વર્ષ 2002 દરમિયાન આ ગ્રંથાલયે, દસ લાખ કરતાં વધારે ઑન-સાઇટ મુલાકાતીઓને આવકાર્યા તેમજ 7,75,000 વ્યક્તિઓને વ્યક્તિગત રીતે, ટેલિફોન દ્વારા, ઇલેક્ટ્રૉનિક પત્રવ્યવહાર દ્વારા કે લેખિત સ્વરૂપે સંદર્ભસેવા પૂરી પાડી.

આ ઉપરાંત આ ગ્રંથાલય દ્વારા ઘણી મોટી સંખ્યામાં કૉપીરાઇટ માટેની માંગણીને લગતાં કામો, કૉંગ્રેસને માટે સંશોધનસેવા, અંધજનો તથા વિકલાંગોને માટે પરિક્રમણ-સેવા, કમ્પ્યૂટર સિસ્ટમનો જાહેર ઉપયોગ, ટૉમસ (Thomas) નામે જાણીતી થયેલી જાહેર કાયદાકીય માહિતીની પદ્ધતિ અનુચારનાં કાર્યો અને અમેરિકન મેમરી વેબસાઇટનો ઉપયોગ થાય છે. વર્ષને અંતે અમેરિકન મેમરી ઑન લાઇન ઐતિહાસિક સંગ્રહમાં 78 લાખ ડિજિટલ ફાઇલો છે. આજે આ ગ્રંથાલયમાં 4,085 કાયમી કર્મચારીઓ છે.

આ ગ્રંથાલયે પ્રલેખની જાળવણી, માહિતીસંગ્રહની પદ્ધતિઓનું સંશોધન, કેન્દ્રીય અને સહકારી સૂચીકરણ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર સાધવા માટે માનકો વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગ્રંથાલય પુન:સ્થાપન (restoration) અને સંરક્ષણ-પદ્ધતિઓના અભ્યાસ માટેની પ્રયોગશાળા પણ નિભાવે છે. આજે ઇન્ટરનેટ દ્વારા આ ગ્રંથાલયમાંથી ઑન લાઇન માહિતી પ્રાપ્ત થઈ શકે છે.

ઊર્મિલા ઠાકર