લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ

January, 2004

લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ (જ. 1 જુલાઈ 1646, લિપઝિગ; અ. 14 નવેમ્બર 1716, હૅનોવર) : વિદ્વાન જર્મન ફિલસૂફ, અધ્યાત્મવિદ્ અને ન્યૂટનના સમકાલીન ગણિતશાસ્ત્રી.

જર્મનીના ત્રીસ વર્ષના મહાવિધ્વંસક યુદ્ધ પછીના ગાળામાં લિપઝિગ(જર્મની)ના પાવન લુથેરન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં તેમણે નિકોલાઈની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા નૈતિક ફિલસૂફી(moral philosophy)ના અધ્યાપક હતા. તેમણે સમૃદ્ધ પુસ્તકાલય વસાવ્યું હતું. લાઇબ્નિત્ઝે મોટાભાગે તેમના પિતાના આ પુસ્તકાલયમાંથી આપબળે શિક્ષણ મેળવ્યું હતું. આ પુસ્તકો વાંચવા માટે તેમણે બાર વર્ષની ઉંમરે ગ્રીક અને લૅટિન ભાષાઓ શીખી લીધી હતી. 1661માં લિપઝિગ યુનિવર્સિટીમાં તેઓ કાયદાના અભ્યાસ માટે જોડાયા, જ્યાં તેમણે ગૅલિલિયો, ફ્રાન્સિસ બેકન, ટૉમસ હૉબ્ઝ, રેને દ’કાર્ત જેવા વિજ્ઞાન અને ફિલસૂફીમાં અભિનવ વિચારસરણી ધરાવનાર મહાનુભાવોનાં પુસ્તકો વાંચ્યાં અને આ વાચનથી તેઓ પ્રભાવિત થયા. આને કારણે વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને સમજાવતી ‘જીવૈક્ય’(monad)ની તેમની ફિલસૂફીનાં બી રોપાયાં.

વિલ્હેલ્મ લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ

ન્યૂરેમ્બર્ગ શહેરની એલ્ટફૉર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે કાયદામાં ડૉક્ટરની ઉપાધિ મેળવી. યુનિવર્સિટી તરફથી પ્રોફેસરની જગા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ તેમણે તે આમંત્રણ નકારી કાઢ્યું. ન્યૂરેમ્બર્ગમાં વિખ્યાત જર્મન રાજદ્વારી જોહાન ક્રિશ્ચિયન સાથે તેઓ સંપર્કમાં આવ્યા અને તેમના કાર્યાલયમાં નોકરીમાં જોડાયા. દરમિયાન તે સમયની ઘણી વિખ્યાત વ્યક્તિઓ સાથે તેઓ સંપર્કમાં આવ્યા, જેમાંથી તેમને કાયદા અને રાજ્યશાસ્ત્રના પ્રશ્નો અંગે કાર્ય કરવાની તક મળી. ઈ. સ. 1672થી 1676ના ગાળામાં પૅરિસમાંના તેમના નિવાસ દરમિયાન તેઓ ક્રિશ્ચિયન હ્યુગેન્સ પાસે ગણિત શીખ્યા. અધ્યાત્મવાદમાં પણ તેમનું પ્રદાન રહ્યું છે.

કલનશાસ્ત્રના વિષયમાં ખાસ કરીને વિકલનમાં કરેલા સંશોધન અંગે તેઓ જાણીતા છે. આ જ ગાળામાં ઇંગ્લૅન્ડમાં ન્યૂટને પણ વિકલન પર કામ કર્યું હતું. આથી બંનેમાં અગ્રેસર કોણ તે અંગે બંનેના શિષ્યો વચ્ચે વિવાદ ચગ્યો હતો, પરંતુ હવે એવું મનાય છે કે બંનેએ એકબીજાથી સ્વતંત્ર રીતે વિકલનની શોધ કરી હતી. લાઇબ્નિત્ઝે 1684માં અધિકતમ અને ન્યૂનતમ મૂલ્યો નિશ્ચિત કરવાની નવી રીતો અંગે શોધનિબંધ પ્રસિદ્ધ કર્યો હતો. તદુપરાંત બે વિધેયોના ગુણાકારનું n-મું વિકલન શોધવા માટેનો સિદ્ધાંત તેમના નામ સાથે સંકળાયેલો છે. તેમણે દ્વિ-આધારી ગણનાપદ્ધતિ વિકસાવી હતી અને ગણતરી માટેનું યંત્ર પણ શોધ્યું હતું. કલનશાસ્ત્રમાં સંકલન પર પણ તેમણે કાર્ય કર્યું હતું. વળી સંકલન માટે ⎰dx અને વિકલન માટે  જેવા સંકેત પણ તેમણે પ્રચલિત કર્યા. તેમણે ઍરિસ્ટોટલના પરંપરાગત તર્કને વ્યવસ્થિત રૂપ આપ્યું. તેમાંથી પાછળથી બૂલનું ગાણિતિક તર્કશાસ્ત્ર સાંપડ્યું.

ઈ. સ. 1676થી શરૂ કરી તેમનું અવસાન થયું ત્યાં સુધી હૅનોવરના બ્રન્સવીક કુટુંબમાં ગ્રંથપાલ તરીકે અને પાછળથી સોલિસિટર તરીકે તેમણે કામ કર્યું હતું.

સામાન્ય રીતે વિવાદથી પર રહેતા હોવા છતાં સર આઇઝેક ન્યૂટનના પુરસ્કર્તા સૅમ્યુઅલ ક્લાર્ક સાથે તેઓ વાદવિવાદમાં ઊતર્યા હતા. તેઓ ખૂબ કર્તવ્યનિષ્ઠ હતા. છ સો જેટલી વ્યક્તિઓ સાથે તેઓ પત્રવ્યવહારથી સંકળાયેલા રહેતા હતા અને આ નાતો નિયમિતપણે નભાવતા હતા.

તત્વજ્ઞાન: લાઇબ્નિત્ઝના પિતા જર્મનીની લિપઝિગ યુનિવર્સિટીમાં નીતિશાસ્ત્રના અધ્યાપક હતા. તેમના પિતા લાઇબ્નિત્ઝની નાની વયમાં જ  મૃત્યુ પામ્યા. જોકે આર્થિક રીતે સધ્ધર હતા, આથી તેમનું જીવન અને શિક્ષણ સમૃદ્ધિ અને સ્વતંત્રતામાં વીત્યું. તેમની તેજસ્વી બુદ્ધિ સમગ્ર જગતને સમજવા માટે સજ્જ હતી. તેમનું ગ્રંથાલય પણ સમૃદ્ધ હતું. લૅટિન અને ગ્રીક ભાષાનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. 14 વર્ષની ઉંમરે તેમણે લિપઝિગ યુનિવર્સિટીમાં કાયદો અને તત્વજ્ઞાનનું શિક્ષણ લીધું. 20 વર્ષે તો તેઓ પીએચ.ડી. થઈ ગયા હતા. તેમને પ્રાધ્યાપકની જગ્યા મળતી હતી, પણ તેમની ઇચ્છા નોકરી કરવાને બદલે સ્વતંત્ર રહી ચિંતન અને લેખનકાર્ય કરવાની હતી. મેઇન્ઝના આર્કબિશપનું ધ્યાન તેમના તરફ દોરાતાં કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ ધર્મસંપ્રદાયો વચ્ચે પરસ્પર ધાર્મિક સહિષ્ણુતા કેમ વધે એ વિશે લાઇબ્નિત્ઝની મદદ લેવામાં આવી. આમ રાજકીય અને ધાર્મિક પ્રવાહોમાં લાયબ્નિઝને તેમણે જોતર્યા. તે દરમિયાન લાયબિન્ઝનું લેખનકાર્ય તો ચાલુ જ હતું. તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કલનશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, કાયદો અને ધર્મશાસ્ત્રના ક્ષેત્રે તેમણે મહત્વનું પ્રદાન કરેલ છે. લંડનની રૉયલ સોસાયટીમાં તેમજ પૅરિસની એકૅડેમીમાં પણ તેઓ સભ્ય તરીકે ચૂંટાયેલ. ઈ. સ. 1676 પછી (મેઇન્ઝના આર્કબિશપ મૃત્યુ પામતાં) તેઓ હૅનોવરમાં બ્રન્સવિકના ડ્યૂકની સેવામાં જોડાયા. હૅનોવરની કૉર્ટમાં તેઓ 1676માં ગ્રંથપાલ તરીકે નિયુક્ત થયા. સ્પિનોઝાને પણ તેઓ ઍમસ્ટર્ડમમાં મળેલા અને વિદ્યાવ્યાસંગ કરેલો. અવકાશ અને કાળની વિભાવનાઓ પરત્વે તેઓ ન્યૂટનના ટીકાકાર હતા અને પોતાના ચિદણુના સિદ્ધાંતમાં ન્યૂટનના ખ્યાલનો નકાર કેવી રીતે થાય છે એ તેમણે સમજાવ્યું. તેઓ બુદ્ધિવાદી (rationalist) હતા, આથી અનુભવવાદી (empiricist) એવા બ્રિટિશ ચિંતક જૉન લૉકના સિદ્ધાંતની પણ તેમણે ટીકા કરી છે.

1673માં લાઇબ્નિત્ઝ પૅરિસ ગયા. ત્રણ વર્ષ સુધી તેઓ ત્યાં રહ્યા અને તે દરમિયાન આમસ્ટર્ડામ તેમજ લંડનની પણ તેમણે મુલાકાત લીધી હતી. આ ગાળામાં તેઓ ગણિત, વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં વ્યસ્ત રહ્યા.

દેકાર્તેએ ઈશ્વર, મન અને જડ દ્રવ્ય (matter) – એમ ત્રણ બાબતોનો સ્વીકાર કર્યો હતો; સ્પિનોઝાએ વિચાર (thought) અને વિસ્તાર (extension) એ બંનેને દ્રવ્ય(substance = ઈશ્વર)ના ગુણ હોવાનું જણાવ્યું. લાઇબ્નિત્ઝના મતે દ્રવ્ય એ એક પ્રકારની શક્તિ (force  energy) છે. દ્રવ્ય એટલે ક્રિયાશક્તિ. લાઇબ્નિત્ઝના મતે વિસ્તાર એ દ્રવ્યનો નથી. દ્રવ્ય એક નથી, પણ અનેક  અસીમ (many) છે. લાઇબ્નિત્ઝ આ રીતે જોતાં બહુતત્વવાદી (pluralist) છે. આવા પ્રત્યેક દ્રવ્ય માટે તે ચિદણુ (monad) શબ્દ પ્રયોજે છે. તેમના મતે આવો પ્રત્યેક monad એક આત્મા છે. લાયબ્નિઝ જડ-ભૌતિક દ્રવ્યના અસ્તિત્વનો સમૂળગો ઇન્કાર કરે છે. જે ભૌતિક સ્વરૂપમાં વિસ્તારવાન લાગે છે, તે ખરેખર તો વિસ્તારવિહીન શક્તિકેન્દ્રો(non-extended centres of force)નો એક સમૂહ છે. આવાં તત્વોનું સ્વરૂપ ચિદ્રૂપ (living, conscious) કે આધ્યાત્મિક સક્રિયતા તરીકે કલ્પીને લાઇબ્નિત્ઝ તેને ચિદણુ એવું નામ આપે છે.

1714માં રચાયેલા ‘મૉનૅડૉલૉજી’ ગ્રંથમાં લાઇબ્નિત્ઝ મૂળ તત્વને અ-ભૌતિક ‘ચિદણુ’ કહે છે. આ ચિદણુ સરળ (simple), અવિભાજ્ય, નિરવયવ મૂળતત્વ છે. સરળ દ્રવ્ય એટલે નિર્વિભાગ (partless) દ્રવ્ય. સવિભાગ જટિલ (complex) વસ્તુઓ છે જ, તેથી લાઇબ્નિત્ઝ મુજબ સરળ નિર્વિભાગ તત્વો હોવાં જ જોઈએ, કારણ કે જટિલ વસ્તુઓ આવાં નિરવયવ સરળ દ્રવ્યોના સમૂહ રૂપે જ અસ્તિત્વમાં હોઈ શકે. હવે જે નિરવયવ કે નિર્વિભાગ સરળ દ્રવ્ય (substance) હોય તેમાં અંશો કે વિભાગો ન હોય, વિસ્તાર ન હોય, આકાર પણ ન હોય અને તેનું વિભાજન પણ શક્ય ન હોય. એ અર્થમાં લાઇબ્નિત્ઝના મત પ્રમાણે monads (ચિદણુઓ) જગતનાં મૂળતત્વો (elements) છે. નિરંશ હોવાથી સરળ દ્રવ્યો એટલે કે monadsની વિભાગોના સમુચ્ચય તરીકે કોઈ ‘નૈસર્ગિક’ ઉત્પત્તિ નથી થતી અને વિભાગો ક્રમશ: છૂટા પડ્યાથી જે રીતે જટિલ વસ્તુનો કુદરતી અંત આવે છે, તે રીતે ચિદણુનો નાશ પણ નથી. જટિલ વસ્તુની કુદરતી ઉત્પત્તિ કે તેના કુદરતી વિનાશની જેમ સરળ દ્રવ્યની ઉત્પત્તિ કે તેનો વિનાશ ઘટાવી શકાય નહિ. ‘મૉનૅડ’ની ઉત્પત્તિ એકસાથે સર્જનકાળે થાય છે અને તેનું વિસર્જન પણ એ રીતે જ થાય છે.

‘મૉનૅડ’માં બાહ્ય કારણથી કોઈ પરિવર્તન હોતું નથી. લાઇબ્નિત્ઝ મુજબ, ‘monads have no windows through which anything can come in or go out’. સરળ તત્વો તરીકે ચિદણુઓમાં પ્રત્યક્ષીકરણો અને તેના ફેરફારો આન્તરિક રીતે થયા કરે છે. લાઇબ્નિત્ઝની સ્પષ્ટતા મુજબ દરેક ‘મૉનૅડ’ બીજા ‘મૉનૅડ’થી ગુણાત્મક રીતે અત્યંત ભિન્ન હોય છે. દરેક સર્જિત વસ્તુની જેમ ઈશ્વરસર્જિત મૉનૅડ કે ચિદણુ પણ સતત પરિવર્તનશીલ છે, પણ આવું પરિવર્તન કોઈ બાહ્ય પરિબળોથી આવતું નથી. દરેક ચિદણુના પરિવર્તનનો નિયમ તેની અંદર જ હોય છે. ‘મૉનૅડો’ એ સચેતન શક્તિકેન્દ્રો (conscious centres of energy) છે. દરેક મૉનૅડ એકબીજાથી ભિન્ન, સ્વતંત્ર અને અનન્ય છે અને સમગ્ર વિશ્વને તે દરેક પોતાનામાં પોતાની રીતે પ્રતિબિંબિત કરે છે. અપરિમિત ચિદણુઓનું બનેલું સમગ્ર વિશ્વ એક સુસંવાદી (harmonious) રચના છે અને તે દૈવી યોજના મુજબ પ્રવર્તે છે.

લાઇબ્નિત્ઝના સાતત્યના સિદ્ધાન્ત મુજબ પ્રકૃતિમાં બધે સાતત્ય છે. ક્યાંય અસાતત્ય કે તૂટકતા નથી એટલે નિમ્ન કક્ષાના ચિદણુથી માંડીને સર્વોચ્ચ ચિદણુઓ સુધીની અવિચ્છિન્ન, સળંગ (continuous) શ્રેણી પ્રવર્તે છે. તેમનું આવું આંતરિક સાતત્ય પૂર્વ-પ્રસ્થાપિત (pre-established) છે. ઈશ્વરે જ આવી પૂર્વ-સ્થાપિત વ્યવસ્થા કરી છે.

ઈશ્વરની સૃષ્ટિસર્જનશક્તિ લાઇબ્નિત્ઝ પ્રમાણે તાર્કિક રીતે જે શક્ય છે તેવી સૃષ્ટિઓ (logically possible worlds) પૂરતી મર્યાદિત છે. હવે અશુભ અથવા અનિષ્ટ (evil) એ તમામ સંભવિત દુનિયાઓમાંથી જે સહુથી શ્રેષ્ઠ છે તેવી દુનિયા માટે તાર્કિક રીતે અનિવાર્ય છે. લાઇબ્નિત્ઝ મુજબ આ જગત તમામ શક્ય જગતોમાંથી શ્રેષ્ઠ એવું જગત છે. તેથી અનિષ્ટ તેમાં અનિવાર્ય છે.

જર્મન ફિલસૂફ કાન્ટના પુરોગામી લાઇબ્નિત્ઝ પ્રાગનુભવાત્મક (apriori) જ્ઞાનને મહત્વ આપ્યું અને અનુભવવાદ વિરુદ્ધ તર્કબુદ્ધિવાદ (rationalism) સ્વીકાર્યો. પશ્ચિમના ઇતિહાસમાં રસપ્રદ બાબત એ છે કે દેકાર્ત સ્પિનોઝા અને લાઇબ્નિત્ઝ – ત્રણેએ તત્વચિંતનમાં પ્રાગનુભવાત્મક તર્કબુદ્ધિવાદી ચિન્તન-અભિગમ અપનાવ્યો; પરંતુ દેકાર્તે એકતત્વવાદ (monism) સ્વીકાર્યો તો વળી લાઇબ્નિત્ઝ અનેકતત્વવાદ (pluralism) સ્વીકાર્યો. monads અસંખ્ય દ્રવ્યો છે એ અર્થમાં લાઇબ્નિત્ઝ અનેકતત્વવાદી છે, પણ દરેક મૉનૅડ સમગ્ર સૃષ્ટિને પોતાના દૃષ્ટિબિન્દુથી પ્રતિબિંબિત કરે છે અને સૃષ્ટિની યોજના પૂર્વ-સ્થાપિત દૈવી યોજના મુજબની છે તેમ કહેવામાં લાઇબ્નિત્ઝ એકતત્વવાદ (એકેશ્વરવાદના રૂપમાં) સ્વીકારે છે. તત્વચિંતનમાં એક જ પ્રકારની પદ્ધતિ કે અભિગમના સંદર્ભમાં પણ, જુદા જુદા ચિંતકો તે જ અભિગમમાં સહભાગી હોવા છતાં, જુદાં જુદાં પરિણામો લાવે છે, તે નોંધવું જોઈએ. ઈશ્વરનો સ્વીકાર કરનાર દેકાર્ત, સ્પિનોઝા અને લાઇબ્નિત્ઝ એ ત્રણેય તર્કબુદ્ધિવાદી ચિંતકોએ ઈશ્વરનાં સ્વરૂપ અને કાર્ય અંગે જુદા જુદા વિચારો રજૂ કર્યા છે તે પણ યાદ રાખવું ઘટે. સર્વોચ્ચ પૂર્ણ સત્ તરીકે લાઇબ્નિત્ઝ ઈશ્વરને તર્કબુદ્ધિથી સ્થાપે છે. લાઇબ્નિત્ઝની કૃતિઓમાં ‘મૉનૅડૉલૉજી’ (1714; 1721) અને ‘ન્યૂ એસેઝ કન્સર્નિંગ હ્યૂમન અન્ડરસ્ટેન્ડિંગ’ (1765) મુખ્યત્વે પ્રભાવક રહી છે.

અરુણ વૈદ્ય

ચીમનલાલ વલ્લભરામ રાવળ