લખવી, પીર મહંમદ (અ. 1590) : સિંધના મધ્યકાલીન કવિ. મહંમદ લખવીનો જન્મ સિંધના ઠઠ્ઠા નગરમાં થયો હતો અને બાદ તેઓ સક્કર જિલ્લાના લખી ગામે વસ્યા હતા. તેઓ વિદ્વાન હતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત દર્વેશ સ્વભાવના હતા. તેમને કેટલાંયે અનુયાયીઓ બની ગયા હતા; તેઓ પીર તરીકે તેમનું માન જાળવતા. મજહબી કવિતા રચીને તેમણે હઝરત મહંમદ પયગમ્બરની સ્તુતિ કરી હતી.

તેમની મર્યાદિત કૃતિઓ જ ઉપલબ્ધ બની શકી છે. કાલિદાસે મેઘને દૂત બનાવીને કાવ્યસર્જન કરેલ છે તેમ સમીરને દૂત બનાવીને, ‘બાદે સબા’ બેતોમાં તેમણે પ્રભાતી પવનને કાસિદ બનાવીને પ્રિયતમ એવા પ્રભુને તેમના પોતાના ભક્તિભાવયુક્ત મનોભાવ પહોંચાડવા વિનવણી કરેલ છે :

તું મારો કાસિદ થઈને જજે,

પ્રીતમને પૈગામ પોં’ચાડજે,

મક્કા થઈને મદીને પોં’ચજે,

વૃક્ષોમાંથીયે મારગ કાઢી લેજે,

મદીનામિનારે પ્રીતમને જોજે,

પેગામ મારો પોં’ચાડી દેજે.

જયંત રેલવાણી