રોમાં દ લા રોઝ (તેરમી સદી)

January, 2004

રોમાં દ લા રોઝ (તેરમી સદી) : મધ્યકાલીન યુગના છેવટના ભાગમાં જિયોમ દ લૉરિસ અને ઝાં દ મોં ઉભય કવિઓ દ્વારા બે ભાગમાં રચાયેલું સુદીર્ઘ ફ્રેન્ચ રૂપકકાવ્ય. દરબારી પ્રેમની પરંપરામાં ગુલાબના પુષ્પને લક્ષમાં રાખી એક યુવાન પ્રેમીને આવેલા સ્વપ્નની રજૂઆત જિયોમે 4,058 પંક્તિઓમાં કરેલી. તેના અવસાન પછી લગભગ 40 વર્ષ બાદ અન્ય કવિ મોંએ તે કાવ્યને 21,780 પંક્તિઓ સુધી લંબાવ્યું. જિયોમ ઉચ્ચ કુળમાં જન્મેલો, તે પ્રેમ અને નજાકતનો કવિ છે. પ્રથમ ભાગમાં એક કન્યાને ગુલાબ તરીકે જોવામાં આવે છે. એક યુવક-પ્રેમી બગીચામાં ગુલાબની કળીને સ્વપ્નમાં જુએ છે. બગીચો રાજદરબારનું રૂપક છે અને ગુલાબની કળી કન્યાનું રૂપક છે. પ્રથમ ભાગ અધૂરો રહી ગયો છે. મધ્યકાલીન ફ્રેન્ચમાં રચાયેલા આ કાવ્યને મોં જુએ તપાસે છે. મોંની રજૂઆતમાં પ્રાચીન અને મધ્યકાલીન યુગના સાંગોપાંગ અભ્યાસનાં દર્શન થાય છે. એકાદ પેઢીથી દૂરના ઉભય કવિઓનું આ સહિયારું સર્જન મૂળ વસ્તુની એકતાને જાળવી રાખે છે.

કાવ્યના ઊગમમાં ભદ્ર વર્ગના એક યુવાનને સ્વપ્ન આવે છે. નદીકિનારે તે વિહાર કરતો હોય છે ત્યાં કિલ્લેબંધીવાળું ઉદ્યાન તેની નજરે પડે છે. તે છે ‘આનંદનો બગીચો’. ત્યાં તે ગુલાબની કળી એટલે કે એક કન્યાના પ્રેમને જુએ છે. તેને તે ચૂંટે છે. જોકે કાવ્યમાં ક્યાંયે તે કન્યા દેખાતી નથી. તેનાં ગુણો, વિચારો, ઊર્મિઓ અને તેનો પ્રેમ પામવા માટે પ્રેમીએ જે ભયસ્થાનોને પાર કરવાનાં છે, તે બધાં એક રીતે તો રૂપકો છે. એ બધાં યુવાન માટે તેની પ્રિયતમાની શોધમાં નડતરરૂપ છે. તેનો માર્ગદર્શક બેલાક્યુઇલ છે. રાક્ષસી ભય, શરમ, ઈર્ષ્યા, પવિત્રતા, ઘાતકી વાણી વગેરે ભેગાં મળીને કાવતરું રચે છે, જેથી ગુલાબને કોઈ ઉઠાવી ન જાય. આ બધાં સજીવારોપણો છે. શરૂઆતમાં કન્યા પ્રિયતમ પ્રત્યે કૂણી લાગણી ધરાવતી હોય તેમ લાગે છે; પરંતુ તેનાં શરમાળપણું, ઈર્ષ્યા અને પાપ-શંકા યુવાનને પેસવા દેતાં જ નથી. પરંતુ ગભરાઈ જાય તો યુવાન શાનો ? તેની ગુલાબની શોધ અવિરત ચાલુ રહે છે. પ્રેમદેવતા તેને સમજ આપીને દોરે છે. તેના માર્ગદર્શક બેલાક્યુઇલને બંદી બનાવાતાં પ્રેમી એકલો પડે છે. પહેલા ભાગનું કથાનક અહીં અણધાર્યું પૂરું થાય છે; પરંતુ કવિ મોં વાર્તા ચાલુ રાખે છે. પોતાના પ્રેમની ઉત્કટ લાગણીને પ્રિયતમ હવે તર્કની દૃષ્ટિથી જુએ છે. અહીં વિષયાંતર થાય છે. તેને તર્કની દેવી દોરે છે. જોકે પ્રિયતમ તો સૌંદર્ય અને પ્રેમનો એકનિષ્ઠ ઉપાસક છે. કવિની જેમ કાવ્યનાયક સ્ત્રીદાક્ષિણ્યના દેવ-પ્રેમના આદેશોને માને છે. તર્કની શુષ્ક વાસ્તવિકતાને તે સ્વીકારતો નથી. કોઈ પણ હિસાબે તેને ગુલાબને પામવી છે. પોતાની ચિંતાગ્રસ્ત સ્થિતિમાં યુવાન પોતાના અનુભવી મિત્ર પાસે સલાહસૂચન માટે પ્રસ્થાન કરે છે. અહીં બીજું વિષયાંતર થાય છે. તર્કની જેમ આ મિત્ર પણ વાસ્તવિક વિદ્યમાન પરિસ્થિતિને લક્ષમાં લેવાનું જણાવે છે. એના માટે તે કપટભરી વ્યૂહરચના સૂચવે છે. અહીં પ્રિયતમાનાં સ્વજનોનાં ધાસ્તી અને સંશયો અને યુવકની ખુદની ગરીબાઈ વચમાં આવે છે. જોકે તે પોતે અદનો પ્રેમી રહે છે. યુવક હવે શીખે છે કે પ્રકૃતિનું સાધન પ્રેમ છે અને તેથી તે પ્રેમની સોબતી છે. આખરે વિશ્વ પોતાના સમસ્ત જીવો માટે ચિંતિત છે. પ્રેમના ઉત્કૃષ્ટ સ્વરૂપમાં અંતે પ્રિયતમ અને પ્રિયતમા ભેગાં થાય છે.

આમ મોં જિયોમના નાજુક રૂપકને ફેલાવે છે. જિયોમના મનમાં માત્ર દરબારી પ્રેમની વિભાવના હતી; પરંતુ મોંનાં પાત્રો તે તર્ક, મૈત્રી, દુન્યવી અનુભવ અને ડહાપણ છે. એ બધાંનાં સંભાષણો એક ભવ્ય ચર્ચાનું રૂપ ધારણ કરે છે. કવિના દર્શનમાં પ્લૅટો અને તેના અંતેવાસીઓ તથા ઍરિસ્ટૉટલ અને તેના ટીકાકારોનાં મંતવ્યોનો સુપેરે ઉપયોગ થયો છે.

રોમાં દ લા રોઝની 300થી વધુ હસ્તપ્રતો મળી આવી છે. ત્રણ શતાબ્દીઓ સુધી તેના સ્વરૂપે અને પદાર્થે યુરોપના સાહિત્ય પર અસર કરી છે. આંગ્લ કવિ જિયૉ જ્યૉફ્રે ચૉસર પર આ કાવ્યની અસર છે. એમણે  તો એનો અનુવાદ પણ અંગ્રેજીમાં કર્યો છે. આ અનુવાદની 1,700 પંક્તિઓ મળી આવે છે. જોકે મધ્યકાલીન અંગ્રેજી અનુવાદ 7,696 પંક્તિઓમાં છે તે ‘ધ રોમૉન્ટ ઑવ્ ધ રોઝ’ના નામે ઓળખાય છે. 1962માં હેરી ડબ્લ્યૂ. રૉબિન્સે તેનો અનુવાદ કર્યો છે.

વિ. પ્ર. ત્રિવેદી