રોમાનિયન ભાષા અને સાહિત્ય

January, 2004

રોમાનિયન ભાષા અને સાહિત્ય : રોમાન્સ ભાષાઓના પૂર્વ જૂથની સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઑવ્ રોમાનિયાની સત્તાવાર ભાષા અને એમાં રચાયેલું સાહિત્ય. તે રુમાનિયન અથવા રોમાનિયન-રોમાના તરીકે પણ ઓળખાય છે. તેની ચાર મુખ્ય બોલીઓમાં ડેકો-રોમાનિયન, એરોમેનિયન અથવા મૅસીડો-રોમાનિયન, મેગ્લેનો-રોમાનિયન અને ઇસ્ત્રો-રોમાનિયન. તે રોમાનિયા, ગ્રીસ, યુગોસ્લાવિયા, આલ્બેનિયા, બલ્ગેરિયામાં ભૂતકાળમાં બોલાતી અથવા હાલ પ્રચલિત ભાષા છે. આ બોલીઓ એકમેકથી તદ્દન ભિન્ન છે. કેટલાક તજ્જ્ઞો આ બોલીઓને સ્વતંત્ર ભાષાઓનો દરજ્જો પણ બક્ષે છે.

ડેકો-રોમાનિયન ભાષામાં લખાયેલું પ્રથમ લખાણ 1521માં અને એરોમેનિયન ભાષાનો શિલાલેખ 1731નો પ્રાપ્ત થયેલ છે. રોમાન્સ ભાષાઓ સાથેના તદ્દન ઓછા સંસર્ગ અને સ્લાવિક તથા હંગેરિયન ભાષાઓ સાથે નિકટ રહેવાને લીધે તેનાં ઉચ્ચારો અને વ્યાકરણ રોમાન્સ ભાષાઓથી જુદાં પડે છે. લૅટિનમાં ‘O’ અને ‘U’ના ઉચ્ચારણમાં જે ભેદ છે તે રોમાનિયન ભાષામાં ચાલુ રહે છે. જોકે ‘e’ અને ‘i’ના ઉચ્ચારના ભેદ તેમાં ચાલુ રહ્યા નથી. નામને બે વિભક્તિઓ – કર્તા-કર્મ તથા સંપ્રદાન-સંબંધ હોય છે. નામની પાછળ નિશ્ચિત ઉપપદ લાગે છે. નામ એકવચન કે બહુવચનમાં હોય છે.

તેનો શબ્દકોશ લૅટિન પર અવલંબે છે. જોકે તેમાં બિનરોમાન્સ ભાષાઓના લાંબા શબ્દોનું પ્રમાણ વધુ છે. સ્લાવિક ભાષાઓના શબ્દો પણ વિપુલ પ્રમાણમાં છે. તુર્કી, હંગેરિયન અને આલ્બેનિયન ભાષાઓના શબ્દો આ ભાષામાં અપનાવાયા છે.

સાહિત્ય : રોમાનિયન ભાષામાં લખાયેલું સાહિત્ય લોકસાહિત્ય ઉપરાંત ઊર્મિગીતો, મહાકાવ્ય, નાટક અને બોધકથાઓમાં વિસ્તરેલું છે. સ્લાવોનિક ભાષાઓમાંથી થયેલા પંદરમી સદીના અનુવાદો ઉપલબ્ધ થયા છે. વળી સોળમી સદીનાં ધાર્મિક લખાણોમાં ‘સાલ્ટર ઑવ્ શ્કીયા’ અને ‘કોડૅક્સ ઑવ્ વેરોનેટ’ નોંધપાત્ર છે. 1508માં વાલાચિયામાં સ્લાવૉનિક પ્રાર્થનાપોથી છપાઈ હતી. ‘ઍક્ટ ઑવ્ ધી એપૉસ્ટલ્સ’ (1563) અનૂદિત અને છપાયેલું મળી આવેલ છે. ‘સર્મન્સ ઍન્ડ બુક ઑવ્ પ્રેયર્સ’ અને ‘કૉમેન્ટરી ઑન ધ ગૉસ્પેલ્સ’ 1581માં છપાયેલાં છે. રોમાનિયન ભાષાનો લિખિત ઉપયોગ કરવા માટેના તે પ્રેરણાસ્રોતો છે. આ સમયમાં ગ્રીક, સ્લાવૉનિક, બાઇઝેન્ટિન અને પૌરસ્ત્ય સાહિત્યમાંથી ધર્મનિરપેક્ષ દુનિયાદારીનું સાહિત્ય પણ અનુવાદો રૂપે મળે છે. ‘ઍલેક્ઝાન્ડર ત્રીજો’, ‘ઈસપની નીતિકથાઓ’, ‘અરબની રાત્રિઓ’ પણ આ સમયમાં લખાઈ છે.

ધર્મસુધારણા(Reformation)ની વિરુદ્ધમાં જે પ્રતિભાવો થયા તે ‘રિપ્લાય’ (1645)માં રજૂ થયાં. દોસોફતી ધર્મશાસ્ત્રી અને મોટા વિદ્વાન હતા. તેઓ 1673માં પૉલેન્ડમાં ભાગી ગયા. તેમણે રોમાનિયન ભાષામાં સૌપ્રથમ છંદોબદ્ધ કાવ્યરચના કરી. તેમણે ગ્રીકમાંથી પ્રાર્થનાઓનો અનુવાદ પણ કર્યો. તેમનું ‘લાઇવ્ઝ ઑવ્ ધ સેઇન્ટ્સ’ (1682–86) રોમાનિયન સાહિત્યનું અપૂર્વ ગદ્ય ગણાય છે.

સત્તરમી સદીના અંતે બુખારેસ્ટની નજીક સ્નેગૉયનો ધર્મમઠ સાહિત્યકારો માટેનું સંગમતીર્થ બન્યો. અહીં રોમાનિયન, ગ્રીક, સ્લાવૉનિક અને અરબી ભાષામાં છાપકામ થતું. મિહાઈ સ્ટીફન કૉકેસસમાં પ્રથમ મુદ્રક હતા. ધાર્મિક પુસ્તકો અને બાઇબલ (1688) છપાયાં. મિરોન કોસ્ટિન ઇતિહાસલેખક હતા. તેમણે રોમાનિયન ભાષામાં મોલ્દાવિયાનો ઇતિહાસ અને પોલિશ ભાષામાં ઇતિહાસવિષયક કાવ્ય રચ્યાં. તેમના પુત્ર નિકોલેએ લોકસાહિત્ય સંપાદિત કર્યું અને દંતકથાઓનો સંગ્રહ તૈયાર કર્યો. મોલ્દાવિયાના રાજકુમાર દિમિત્રી કાન્તેમીર ભાષાશાસ્ત્રી અને ઇતિહાસલેખક હતા. તેમણે મોલ્દાવિયા, રોમાનિયા અને ઑટોમન સામ્રાજ્યનો ઇતિહાસ લખ્યો. આ બધાયમાં નિકોલે મિલ્સ્કુ મહાન ધર્મશાસ્ત્રી, ઇતિહાસલેખક અને પર્યટન-લેખક છે.

અઢારમી સદીમાં ‘ઇરોતોક્રિતલ’ જેવાં લખાણો હસ્તપ્રત તરીકે વંચાતાં. ‘લાઇવ્ઝ ઑવ્ ધ સેઇન્ટ્સ’(1776–80; 1807–15)ના બાર ખંડો છે. આનું મહત્ત્વ બાઇબલ (1688) જેટલું અંકાયું છે.

ગ્રીક કવિ ઍનેક્રિયોનની જેમ પ્રેમનાં ઊર્મિગીતો 1769–99માં રચાયાં છે. એલેકુ વાકારેસ્કુ મોટા કવિ હતા. તેમના પિતા આયેનાચિટાએ રોમાનિયન ભાષાનું પ્રથમ વ્યાકરણ લખ્યું. તેમનો પુત્ર આયાન્કુ રોમાનિયન રંગદર્શી કવિતાનો જનક ગણાય છે.

રાષ્ટ્રીય પ્રબુદ્ધકાળમાં ટ્યૂડર રાજા વ્લાડિમિરેસ્કુ (1821) પ્રથમ સીમાસ્તંભ છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગંભીર પ્રકારનું જર્મનીના તત્ત્વજ્ઞાન અને ફ્રેન્ચ સંસ્કૃતિની અસરવાળું વિવેચનસાહિત્ય રચાયું. ગ્રીસની સંસ્કૃતિએ આ સાહિત્યને પ્રેરણા બક્ષી. આયોન હેલિયદ રાદુલેસ્કુએ સૌપ્રથમ રોમાનિયન સમાચારપત્રક અને નાટ્યગૃહ શરૂ કર્યાં. તેમના દ્વારા ઇટાલિયન અસર બુખારેસ્ટ અને મોલ્દાવિયામાં શરૂ થઈ. ધીઓર્ગે અસાચિએ ઐતિહાસિક ટૂંકી વાર્તા ઉપરાંત રોમાનિયન તથા ઇટાલિયન ભાષાઓમાં કાવ્યરચના કરી. ‘આલ્બિના રોમાનિસ્કા’ સામયિક પણ તેમણે શરૂ કર્યું. આ બધાયમાં ગ્રિગોર ઍલેક્ઝાન્દ્રેસ્કુ અનુવાદક અને કવિ તરીકે નોંધપાત્ર છે. તેમણે ‘પોયેઝી’ (1832, ’38, 39) અને ‘મેડિટેશિ’ (1863) નામની બોધકથાઓ અને કટાક્ષકથાઓ ફ્રાન્સના લેખકોની અસર નીચે લખી. ‘દાશિયા લિટરારા’ સાહિત્યિક સામયિકના તંત્રી મિહેલ કોગાલનિશેનુ રાજકારણી પુરુષ હતા. રોમાનિયન ઇતિહાસલેખનમાં તેમણે પરંપરાવાદનો માહોલ શરૂ કર્યો. ‘કાન્તારે રોમાની’ બાઇબલની શૈલીમાં રચાયેલું ગદ્યકાવ્ય છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વૅસિલ એલેક્ઝાન્દ્રી અને મિહેલ એમિનેસ્કુ નોંધપાત્ર કવિઓ છે. એલેક્ઝાન્દ્રીએ કાવ્ય, ગદ્ય અને નાટકનાં સ્વરૂપોમાં સર્જન કર્યું છે. તેમણે લોકસાહિત્યમાં પણ ધીંગું કાર્ય કર્યું છે. તેમનાં ‘બૅલડ’ (1852) અને ‘પોયેઝી પૉપ્યુલેર’ (1866) નોંધપાત્ર સર્જનો છે. એમિનેસ્કુ જેવા તત્વચિંતક ઊર્મિકવિએ આધુનિક રોમાનિયન કવિતાનો પાયો નાંખ્યો. તેમના ઉપર ભારતીય વિચાર અને જર્મન તત્વજ્ઞાનની અસર દેખાય છે. જોકે તેમણે પોતાના દેશની પરંપરાઓને કાળજીપૂર્વક જાળવી રાખી રોમાનિયન કવિતાનાં નવાં શિખરો સર કર્યાં છે. તેમણે ટૂંકી વાર્તાઓ અને રાજકીય તથા તત્વજ્ઞાનથી સભર નિબંધો પણ રચ્યા છે.

ઓગણીસમી સદીના ટિટુ મેઇઓરેસ્કુ અને લુકા કારાજિયેલે સાહિત્યમાં શરૂ કરેલી નવી પરંપરાઓ વીસમી સદીમાં પુરબહારમાં ખીલી ઊઠી. ઓવિડ દેન્સુસિયાનુ પ્રતીકવાદી કવિ છે. તેમના સમકાલીનોમાં મિનુલેસ્કુ અને જ્યૉર્ધી બેકોવિયા, ઈ. લોવિનેસ્કુ અને નિકોલે ડેવિડેસ્કુ જાણીતા છે. ડેવિડેસ્કુએ તો ‘ધ સાગ ઑવ્ મૅન’ (1928–37) મહાકાવ્યમાં દુનિયાના ઇતિહાસને નવી દૃષ્ટિથી જોવાનો પુરુષાર્થ કરી બતાવ્યો છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી રોમાનિયામાં રાષ્ટ્રીય એકતાના પાયા નંખાયા. લિવ્યુ રેબ્રેનુએ ‘ધી અપરાઇઝિંગ’ (1934) અને ‘ધ ફૉરેસ્ટ ઑવ્ ધ હૅંગ્ડ’ (1967) નવલકથાઓ લખી.

સીઝર પેત્રેસ્કુ અને મિનુલેસ્કુ યુદ્ધનો વિષય લઈને કવિતા રચે છે. આયોનેલ ટિયોડોરેનુ પિતૃપ્રધાન પરિવારના લોપની વાત કરે છે તો વિક્ટર પોપા ગ્રામજીવનને છતું કરે છે. જી. એમ. ઝેમ્ફાયરેસ્કુ બુખારેસ્ટના રોજબરોજના જીવનને વાચા આપે છે. ડી. ડી. પેત્રાસ્કેનુ રાજકીય જીવનના હાસ્યાસ્પદ પાસાને અભિવ્યક્ત કરે છે. મિહેલ સદોવેનુ અને આઇ. એ. બ્રાતેસ્કુવોઇનેસ્તી પાછલી પેઢીઓ સાથેનો સંબંધ જાળવી રાખે છે. વોઇનેસ્તીને યુદ્ધમાં ખેડૂતોએ દાખવેલ ખમીરનું ‘મિત્રીઆ કૉકૉર’માં વર્ણન કર્યું તે વાસ્તે તેમને ‘ગોલ્ડન પીસ મેડલ’ એનાયત કરવામાં આવેલો.

આ ઉપરાંત પુરાતત્વજ્ઞ વેસાઇલ પાર્વન, ઇતિહાસકાર નિકોલે લોર્ગા, ભૂગોળવેત્તા એસ. મેહેદિન્તી, નિબંધકાર લુસિયન બ્લેગા અને બાઇબલના અનુવાદક ગાલા ગેલેક્શનનાં નામ નોંધપાત્ર છે. ઊર્મિકવિતામાં આ સમયના સાહિત્યે મોટું પ્રદાન કર્યું છે. કવિ બાર્બુ, ટ્યૂડર આર્ગેઝીનાં નામ ઊર્મિકવિતામાં તેમજ ગદ્યલખાણોમાં નોંધપાત્ર છે. રોમાનિયન સાહિત્યમાં આર્ગેઝીની કૃતિઓ ‘સૂટેબલ વર્ડ્ઝ’ (1927), ‘મોલ્ડ ફ્લાવર્સ’ (1931), ‘ઇવનિંગ વર્સિઝ’ (1935) સીમાચિહ્નરૂપ છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મિખેલ બેનિયુ નવા યુગનું રણશિંગું ફૂંકે છે. દેમોસ્તીન બોતેઝ નિરાશા છોડી આશાવાદના કવિ તરીકે પ્રગટ થાય છે. યૂજેન જેબેલીનુ સમકાલીન બનાવો અને વિષયો પર પોતાનો રોષ ઠાલવે છે. મારિયા બાનુસ શાંતિની કવયિત્રી છે. મિરોન પેરાસ્કિવેસ્કુ લોકસાહિત્યમાંથી પ્રેરણા લઈ ઊર્મિકાવ્યો રચે છે. માર્સેલ બેસ્લાસુ અનેકવિધ વિષયો પર લખે છે.

ઑરેલ બારંગા, હોરિયા લોવિનેસ્કુ અને એમ. ડેવિડોગ્લુ નાટ્યકારો છે. ઝહેરિયા સ્ટેન્કુ રોમાનિયાના ગ્રામજીવનને વાચા આપે છે. યુઝેબિપુ કેમિલર તેમની નવલકથા ‘મિસ્ટ’માં ફાસીવાદનો ઊધડો લે છે. કેલિનેસ્કુ, મિહાક્ઈ રાલે અને ટ્યૂડર વિયાનુ બીજા ધ્યાનપાત્ર ગદ્યલેખકો છે.

વિ. પ્ર. ત્રિવેદી