રૂરકેલા : ઓરિસા રાજ્યના સુંદરગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 22° ઉ. અ. અને 85° પૂ. રે.. ભારતમાં વિકસેલાં લોખંડ-પોલાદ ઉદ્યોગનાં જાણીતાં મથકો પૈકીનું આ એક ઔદ્યોગિક મથક છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ શહેર ઓરિસા–ઝારખંડ સરહદે આવેલી બિરમિત્રપુર ટેકરીઓ અને ગંગપુર થાળાની વચ્ચેના આશરે 150થી 300 મીટરની ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલું છે. તેનું સમગ્ર ભૂપૃષ્ઠ ખડકાળ તથા નાની-નાની ટેકરીઓથી ઘેરાયેલું છે, વળી તે ગંગપુર થાળાની નજીક હોવાથી અહીં ઘણાં કોતરો અને ઘાટ આવેલાં છે. તેની ઉત્તરે કોયલ, પશ્ચિમે શંખ અને નૈર્ઋત્યમાં બ્રાહ્મણી નદીઓ વહે છે.

આબોહવા–વનસ્પતિ : રૂરકેલાનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 18.5° સે. અને 24° સે. જેટલાં રહે છે; જ્યારે વરસાદ આશરે 1,300થી 1,500 મિમી. જેટલો પડે છે. આ વિસ્તારમાં સાલ, વાંસ, મહુડો અને ટીમરુનાં વૃક્ષો જોવા મળે છે.

જમીન–ખેતી : આ વિસ્તારની જમીન રાતી અને કાંકરાવાળી છે; પરંતુ ખાતર અને સિંચાઈની ઉપલબ્ધિને કારણે અહીં ખેતી વિકસી છે. આ તાલુકામાં ડાંગર, ઘઉં, મગ, મગફળી, કપાસ, શેરડી અને તલની ખેતી થાય છે. ગાય, ભેંસ, ઘેટાંબકરાં અને ભૂંડ અહીંનાં મુખ્ય પ્રાણીઓ છે.

ખનિજસંપત્તિ–ઉદ્યોગો : ખનિજસંપત્તિની દૃષ્ટિએ આ વિસ્તાર મહત્વનો છે. અહીંના પ્રી-કૅમ્બ્રિયન યુગના ખડકોમાંથી લોહઅયસ્ક, મૅંગેનીઝ, ચૂનાખડકો, ડૉલોમાઇટ વગેરે મેળવાય છે. આ ખનિજોને આધારિત લોહ-પોલાદ ઉદ્યોગ અહીં વિકસી શક્યો છે. આ ઉપરાંત અહીં રાસાયણિક ખાતરો, સિમેન્ટ, સુતરાઉ કાપડ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ, કાગળ-મિલ અને લાટીઓ જેવા એકમો આવેલા છે.

પરિવહન : રાષ્ટ્રીય ધોરી માર્ગ 23 અહીંથી પસાર થાય છે, જે નજીકમાંથી પસાર થતા ધોરી માર્ગ 6ને મળે છે. આ સિવાયના અન્ય પાકા રસ્તાઓ જિલ્લા તથા રાજ્યના મુખ્ય વિસ્તારોને જોડે છે. રાજ્યનાં મુખ્ય શહેરો ભુવનેશ્વર અને સંબલપુર અહીંથી અનુક્રમે 470 કિમી. અને 192 કિમી. દૂર આવેલાં છે. મુંબઈ–કૉલકાતા બ્રૉડગેજ રેલમાર્ગ રૂરકેલા નજીકથી પસાર થાય છે. આ રેલમથકેથી મુસાફરોની અવરજવર અને માલસામાનની વધુ હેરફેર થાય છે. આ ઉપરાંત અહીં એક નાનું હવાઈ મથક પણ ઊભું કરવામાં આવ્યું છે.

વસ્તી : રૂરકેલા શહેરની વસ્તી 1991 મુજબ 3,98,692 જેટલી છે. અહીં વસ્તીગીચતાનું પ્રમાણ દર ચોકિમી. દીઠ 90 છે, પરંતુ રૂરકેલા શહેરમાં વસ્તીગીચતા આથી પણ વધુ છે. રૂરકેલામાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 537 જેટલું છે. અહીં બોલાતી ભાષાઓમાં ઉડિયા, બંગાળી, હિંદી, તેલુગુ અને ઉર્દૂ મુખ્ય છે. વહીવટી કાર્ય માટે અંગ્રેજીનો ઉપયોગ થાય છે.

તાલુકામાં તેમજ શહેરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ આવેલી છે. રૂરકેલા શહેરમાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન તથા ટૅકનિકલ અને કાયદાની કૉલેજો આવેલી છે; કેટલીક કૉલેજો સરકારી તો કેટલીક ખાનગી છે. આ ઉપરાંત અહીં એશિયન વર્ક્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ જેવી સંસ્થાઓ પણ આવેલી છે.

આરોગ્યની બાબતમાં અહીં સગવડો ઓછી જોવા મળે છે; અહીં માત્ર ઍલોપથી ચિકિત્સાલયોની સગવડ છે.

પ્રવાસન : રૂરકેલા તેના વિશાળ લોખંડ-પોલાદ ઉદ્યોગના સ્થળ તરીકે જાણીતું છે. બાળકોના આકર્ષણરૂપ ઇન્દિરા ગાંધી પાર્ક અને પ્રાણીસંગ્રહાલય અહીં આવેલાં છે. શહેરથી 9 કિમી. દૂર બે નદીઓના સંગમસ્થાને આવેલા વેદવ્યાસ નામના ધાર્મિક સ્થાનને વિકસાવ્યું છે. મંડિરા ખાતે બંધાયેલા બંધ પાછળના જળાશયમાં નૌકાવિહારની સગવડ ઊભી કરવામાં આવી છે. રૂરકેલાથી 110 કિમી. દૂર બ્રાહ્મણી નદી પર મીરીગ ખોગ જળધોધ આવેલો છે. આ ઉપરાંત રૂરકેલાથી 114 કિમી. દૂર 244 મીટર ઊંચો ખંડાધર નામનો બીજો એક જળધોધ પણ છે. રૂરકેલાથી 180 કિમી. દૂર જૂનાગઢ પાસે એક ઐતિહાસિક કિલ્લો પણ છે.

નીતિન કોઠારી