રુધિરસ્તંભન (haemostasis) : નસમાંથી લોહીને બહાર વહી જતું અટકાવવું તે. ઈજાને કારણે નસમાંથી લોહી બહાર વહે છે. તેને રુધિરસ્રાવ (haemorrhage) કહે છે. લોહી બહાર વહી જતું અટકે તે માટે શરીરમાં 3 પ્રકારની પ્રતિક્રિયાઓ ઉદભવે છે – (1) નસોનું સંકોચાવું, (2) ત્રાકકોષો(platelets)નું ગંઠાવું તથા (3) લોહીનો ગઠ્ઠો જામવો. ત્રણેય પ્રક્રિયાઓને શાસ્ત્રીય રીતે, અનુક્રમે આ પ્રમાણે દર્શાવાય છે – (1) વાહિની – સતત સંકોચન (vascular spasm), (2) ગંઠનકોષો અથવા ત્રાકકોષોનું અધિગુંફન (platelet aggragation) તથા (3) રુધિરગુલ્મન (blood coagulation). આ ત્રણેય પ્રતિક્રિયાઓમાં 3 પ્રકારની ક્રિયાપ્રવિધિઓ સંકળાયેલી છે. જો નાની નસોને ઈજા થયેલી હોય તો ઉપર જણાવેલી કુદરતી પ્રતિક્રિયાઓ પર્યાપ્ત બને છે; પરંતુ મોટી નસોને ઈજા થાય તો શસ્ત્રક્રિયાની જરૂરિયાત ઉદભવે છે. રુધિરગુલ્મનની પ્રક્રિયા ઈજાગ્રસ્ત સ્થાને સિમિત રહે અને બીજે ફેલાય નહીં તે માટે જવાબદાર ઘટકોને પ્રતિગંઠકો(anticoagulants) કહેવાય છે. રુધિરમાં પ્રરસીય ગંઠકો અને પ્રતિગંઠકો વચ્ચે સંતુલન જળવાયેલું હોય છે તેથી લોહી ગંઠાતું નથી. ઈજાગ્રસ્ત પેશીનું સમારકામ થઈ જાય પછી તે જગ્યાએથી ગુલ્મને હઠાવવો જરૂરી છે. આ કામ કરતાં તત્વોને પ્રરસિન કહે છે.

નસોનું સંકોચાવું : જ્યારે પણ કોઈ નસને ઈજા થાય એટલે તે નસમાં આવેલા અરૈખિક સ્નાયુકોષો (smooth muscle cells) સંકોચાય છે. તેઓ જ્યારે સતત સંકોચાયેલા રહે ત્યારે તેને સતત સંકોચન અથવા અધિસંકોચન (spasm) કહે છે. તેને કારણે નસની દીવાલ પણ સંકોચાય છે અને તેમાંનો છેદ તથા નસનું પોલાણ પણ સાંકડાં થાય છે. તેને કારણે જે તે સ્થળે રુધિરાભિસરણ ઘટે છે અને નાનો છેદ હોય તો તેમાંથી લોહી વહેવાનું બંધ થઈ જાય છે. નસમાં પડેલા છેદમાં જે સંવેદના-આવેગો ઉત્પન્ન થાય છે તે ચેતાતંત્ર દ્વારા ચેતાપરાવર્તી ક્રિયા વડે નસના સ્નાયુઓનું સંકોચન કરાવે છે અને તે દ્વારા આ પ્રતિક્રિયા સંભવે છે એવું મનાય છે. આશરે 30 મિનિટ સુધી આ પ્રકારે લોહી વહેતું ઘટાડી શકાય છે. જો છેદ મોટો હોય તો આ સમયગાળામાં ત્યાં ગંઠનકોષો તથા લોહીના ગુલ્મનકારી પ્રોટીનો સક્રિય બનીને છેદની જગ્યાએ ગઠ્ઠો જમાવી દે છે.

રુધિરગંઠનની ક્રિયા

લોહીના ગઠ્ઠાની રચના

ગંઠનકોષોનું અધિગુંફન (platelet aggragation) : નસના ઈજાગ્રસ્ત ભાગના અંતશ્છદ (endothelium) અને શ્વેતલતંતુઓ(collagen fibres)ની સાથે લોહીના ગંઠનકોષો અથવા ત્રાકકોષો સંપર્કમાં આવે છે ત્યારે તેમના ગુણધર્મો બદલાય છે. લોહીની નસના અંદરના આવરણને અંતશ્છદ કહે છે તથા તેની દીવાલમાં આવેલા સફેદ તંતુઓને શ્વેતલતંતુઓ કહે છે. તેમના સંપર્કમાં આવવાની સાથે ગંઠનકોષો કદમાં મોટા અને અનિયમિત આકારના બને છે. તેઓ એકબીજાને તથા શ્વેતલતંતુઓને ચોંટે છે. તેઓ એડિનોસાઇન ડાયફૉસ્ફેટ (ADP) તથા કેટલાક ઉત્સેચકો બનાવે છે; જે વધુ અને વધુ ગંઠનકોષોને સક્રિય કરે છે; જે પણ આ ત્રાકગુંફ (platelet plug) સાથે જોડાય છે. આમ ગંઠનકોષોના ચોંટવાથી (અધિગુંફિત) બનતો ગઠ્ઠો અથવા ત્રાકગુંફ નસમાંના છેદને પૂરી દે છે અને થોડાક સમય માટે ત્યાંથી લોહી બહાર વહેતું અટકે છે. તે નાની નસોમાં ઘણું અસરકારક હોય છે. જોકે ગંઠનગુંફ અથવા ત્રાકગુંફ ઢીલો ગઠ્ઠો હોય છે અને તેથી સમય જતાં ત્યાં રુધિરગુલ્મન(coagulation)ની પ્રક્રિયા થાય તો તે મજબૂત ગઠ્ઠો બનાવે છે.

રુધિરગુલ્મન (coagulation) : જ્યાં સુધી લોહી નસોમાં વહેતું હોય ત્યાં સુધી તે પ્રવાહી સ્વરૂપે રહે છે. જ્યારે તે કોઈ કારણે નસની બહાર વહેવા માંડે એટલે તે ગંઠાઈ જાય છે. તેના ગંઠાઈ જવાની ક્રિયાને રુધિરગુલ્મન કહે છે. આવા ગંઠાઈ ગયેલા લોહીના ગઠ્ઠાને  અથવા રુધિરગુલ્મ બહિર્રુધિરગુલ્મ (clot) કહે છે. જો તેવો ગઠ્ઠો શરીરની અંદર, પણ નસોની બહાર (પેશીમાં) હોય તો તેને અંતર્રુધિરગુલ્મ અથવા ગુલ્માર્બુદ (haematoma) કહે છે. શરીરની બહાર લોહીને કસનળીમાં ભરવામાં આવે તો રુધિરગુલ્મનની પ્રક્રિયાને કારણે તે ઘટ્ટ બને છે અને પછી લૂગદી જેવું બને છે. છેલ્લે તેમાંથી પ્રવાહી છૂટું પડે છે અને બાકીનો ભાગ અદ્રાવ્ય પદાર્થનો બનેલો ગઠ્ઠો (બહિર્રુધિરગુલ્મ) બની જાય છે. તેમાંથી છૂટા પડેલા પ્રવાહીને રુધિરરસ (serum) કહે છે. લોહીનો ગઠ્ઠો બને ત્યારે રુધિરપ્રરસ (plasma)માંથી કેટલાક રુધિરગંઠક-ઘટકો વપરાઈ જાય છે. બાકી રહેલા પ્રવાહીને રુધિરરસ (serum) કહે છે. તેમાં X ઘટક VII, IX, X, XI અને XII ઘટકો બાકી રહેલા હોય છે. રુધિરના આ ગઠ્ઠામાં તંત્વિલ તંતુઓ (fibrin fibres) તથા તેમાં ફસાયેલા રુધિરકોષો હોય છે. આ સમગ્ર પ્રક્રિયાને રુધિરગુલ્મન કહે છે. જો લોહીના ગંઠાવાની ક્રિયા વધુ પડતી થઈ જાય તો નસમાં વહેતું લોહી પણ ગંઠાઈ જાય. તેવા નસમાં ગંઠાયેલા લોહીના ગઠ્ઠાને રુધિરગંઠિલ (thrombus) કહે છે અને તેવા વિકારને રુધિરગંઠિલતા (thrombosis) કહે છે. તેને કારણે લોહીના પ્રરસમાં અન્ય એવાં પ્રોટીન પણ છે કે જે લોહીને નસમાં ગંઠાવા દેતાં નથી. તેમને પ્રતિગંઠકો(anti-coagulants) કહે છે. લોહીમાંના ગંઠનકારી (ગુલ્મનકારી) પ્રોટીનોની અને પ્રતિગંઠકોના જૂથની ક્રિયાઓ વચ્ચેના આંતરિક સંતુલન વડે નસમાં લોહી પ્રવાહી સ્થિતિમાં રહે છે.

નસમાં લોહીનો ગઠ્ઠો જામવો અને તેનો વિકાસ થવો. (1) નસ, (2) ગંઠનકોષોનું અધિગુંફન, (3) લોહીનો ગઠ્ઠો જામવો

રુધિરગુલ્મનની પ્રક્રિયામાં વપરાતા રસાયણોને રુધિરગંઠકો અથવા રુધિરગુલ્મનકારક ઘટકો (coagulation factors) કહે છે. તે 2 જૂથમાં હોય છે – રુધિર-પ્રરસમાં અને ગંઠકકોષો(ત્રાકકોષો)માં. લોહીના પ્રરસમાંના ઘટકોને પ્રરસીય ગંઠકો (plasma coagulation factors) કહે છે અને ગંઠકકોષોમાંના ઘટકોને ગંઠકકોષીય ગંઠકો (platelet coagulation factors) કહે છે, જે ગંઠકકોષોમાંથી છૂટા પડે છે : એક ઘટક ઈજાગ્રસ્ત પેશીમાંથી પણ બહાર નીકળે છે. લોહીના ગંઠાવાની પ્રક્રિયા જટિલ છે પણ તેને 3 તબક્કામાં સમજવામાં આવે છે. (1) ગંઠિનકારક (thromboplasmin) નામના દ્રવ્યનું ઉત્પાદન, (2) પૂર્વગંઠિન(pro-thrombin)ના પ્રરસીય પ્રોટીનનું ગંઠિન (thrombin) નામના ઉત્સેચકમાં પરિવર્તન પામવું તથા (3) તંત્વિલજનક (fibrinogen) નામના બીજા એક પ્રરસીય પ્રોટીનનું તંત્વિલ (fibrin) નામના તાંતણાઓમાં રૂપાંતરણ થવું. બીજા તબક્કામાં ગંઠિનકારક તથા અન્ય પ્રરસીય ગંઠકોની હાજરીની જરૂર રહે છે; જ્યારે ત્રીજા તબક્કામાં ગંઠિન(thrombin)ની જરૂર રહે છે. આમ પ્રથમ તબક્કામાં ઉદભવતા દ્રવ્યથી બીજો તબક્કો અને બીજા તબક્કામાં ઉદભવતા દ્રવ્યથી ત્રીજો તબક્કો સંભવે છે. આ રીતે ક્રમશ: વપરાતા જતા ગંઠકોથી ઉદભવતી ક્રિયાને ગુલ્મન-નિપાત (coagulation cascade) કહે છે; જેમાં ક્રમશ: પ્રરસીય અને ગંઠકકોષીય ગુલ્મનકારક ઘટકો (ગંઠકો) વપરાય છે અને અંતે લોહી ગંઠાય છે. કુલ 12 જેટલા પ્રરસીય ગંઠકો અને 4 જેટલા ગંઠકકોષીય ઘટકો આ પ્રક્રિયામાં ભાગ લે છે. (જુઓ સારણી 1.)

લોહીના ગંઠાવાની ક્રિયાને 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. તેના પ્રથમ 2 તબક્કાઓમાં અંતર્ગત પથ (intrinsic pathway) અને બહિર્ગત પથ (extrinsic pathway) એમ 2 અલગ અલગ ક્રિયાપથ હોય છે. પ્રથમ તબક્કામાં ગંઠિનકારક (thromboplastin) બને છે, બીજા તબક્કામાં ગંઠિલ (thrombin) નામનો એક ઉત્સેચક બને છે; જેમાં ગંઠિનકારક તથા અન્ય ગુલ્મન-ઘટકોની જરૂર પડે છે. ત્રીજા તબક્કામાં તંત્વિલજનક(fibrinogen)નું તંત્વિલ(fibrin)ના તાંતણામાં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયામાં ગંઠિલ ઉદ્દીપક-ઉત્સેચક (catalysing enzyme) તરીકે કાર્ય કરે છે. તંત્વિલના તાંતણામાં લોહીના કોષો ફસાય છે અને લોહીનો ગઠ્ઠો જામે છે. ગંઠિનકારક ઘટક જો નસ તથા પેશીના ઈજાગ્રસ્ત કોષોમાંથી બને તો તેને બહિર્ગત પથ કહે છે અને જો તે ગંઠનકોષોમાંથી બને તો તેને અંતર્ગત પથ કહે છે.

જ્યારે નસ કપાય ત્યારે આસપાસની ઈજાગ્રસ્ત પેશી તથા કપાયેલી નસના કોષોમાંથી એક મેદપ્રોટીન બહાર નીકળે છે. તેને પેશીય ગંઠિનકારક ઘટક (tissue thromboplastin) કહે છે. તેના વડે શરૂ થતી પ્રક્રિયાને બહિર્ગત પથની ક્રિયા કહે છે. જ્યારે ઈજાગ્રસ્ત નસની અંદરની દીવાલ પરના વીજભારને કારણે તેના પર ગંઠનકોષો ચોંટે છે ત્યારે જે પ્રક્રિયા શરૂ થાય છે તેને અંતર્ગત પથની ક્રિયા કહે છે. બંને પ્રક્રિયામાં ગંઠિનકારક ઘટક અન્ય ઘટકોની સાથે મળીને ગંઠિન(thrombin)નું ઉત્પાદન કરાવે છે. ગંઠિલ એક બાજુ તંત્વિલ(fibrin)ના તાંતણા બનાવે છે તો બીજી બાજુ તે ગંઠનકોષોને એકબીજા સાથે ચોંટાડવાનું વધારીને લોહીના ગંઠાવાની ક્રિયાને વધુ ઝડપી કરે છે.

લોહીનો ગઠ્ઠો બન્યા પછી બીજી 2 પ્રક્રિયાઓ પણ થાય છે. તેને ગુલ્મનિકોચન (clot retraction) અને તંત્વિલવિલયન (fibrinolysis) કહે છે. ગુલ્મનિકોચનની ક્રિયામાં લોહીનો ગઠ્ઠો ઘટ્ટ બને છે અને વધુ ચુસ્ત (tight) થાય છે. તેમાં ઈજાગ્રસ્ત પેશીને ચોંટેલા તંત્વિલના તાંતણા સંકોચાય છે. તેને કારણે ગઠ્ઠો અંદર તરફ સંકોચાય છે (નિકોચન, retraction). તેને કારણે ઈજાનો વિસ્તાર ઘટે છે. તે સમયે લોહીના કોષો તેમાં ફસાયેલા રહે છે; પરંતુ થોડો રુધિરરસ બહાર નીકળી આવે છે. આ પ્રક્રિયા માટે ગંઠનકોષોની સંખ્યા પર્યાપ્ત હોવી જરૂરી છે. ગઠ્ઠામાં ફસાયેલા ગંઠનકોષો તૂટે છે અને અંતર્ગત પથની પ્રક્રિયા દ્વારા તંત્વિલના વધુ તાંતણા બનાવી ગઠ્ઠાને વધુ ઘટ્ટ કરે છે.

તંત્વિલવિલયન(fibrinolysis)ની પ્રક્રિયામાં લોહીનો ગઠ્ઠો ઓગળે છે; જ્યારે તૂટેલી નસનું સમારકામ પતે ત્યારે ત્યાં ચોંટેલો લોહીનો ગઠ્ઠો ઓગળે છે. આ પ્રક્રિયા માટે સ્થાનિક પેશીમાંથી પ્રરસીનજનક (plasminogen) નામનું દ્રવ્ય નીકળે છે જે પ્રરસીન (plasmin) નામના સક્રિય ઉત્સેચકમાં ફેરવાય છે. પ્રરસીન લોહીના ગઠ્ઠાને ઓગાળે છે. નસમાં લોહી જામી જવાના રોગમાં લોહીના ગઠ્ઠાને ઓગાળવા સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને યુરોકાઇનેઝ નામની દવાઓ વપરાય છે. તેઓ પણ લોહીના ગઠ્ઠાને ઓગળતા ઉત્સેચકો જ છે.

રોગો અને વિકારો : સારણી 1માં દર્શાવ્યું તે પ્રમાણે લોહીના ગંઠાવાની ક્રિયામાં કૅલ્શિયમ અને વિટામન K – એ બંને પોષક દ્રવ્યોનું ઘણું મહત્વ છે. કૅલ્શિયમનો ઉપયોગ ગંઠાવાની ક્રિયામાં થાય છે, જ્યારે વિટામિન Kની મદદથી યકૃત(liver)માં II, VII, IX અને X ઘટકોનું ઉત્પાદન થાય છે. તેથી યકૃતના રોગોમાં તથા વિટામિન Kની ઊણપસમયે લોહીના ગંઠાવાની ક્રિયા ક્ષતિપૂર્ણ બને છે અને તેથી લોહી વહેવાના વિકારો ઉદભવે છે. તેવી રીતે કોઈ લોહીના ગંઠકઘટક(ગુલ્મન ઘટક)ની જન્મજાત ઊણપ હોય તોપણ લોહી વહેવાનો રોગ ઉદભવે છે. આવા વિકારોને જન્મજાત રુધિરસ્રાવિતા(haemophilia)ના રોગો કહે છે; જેમ કે ઘટક VIIIની ઊણપથી માતૃપક્ષી રુધિરસ્રાવિતા (haemophilia–A) થાય છે. ઘટક–IXની ઊણપથી નવમઘટકીય રુધિરસ્રાવિતા (haemophilia–B) થાય છે તથા ઘટક XIની ઊણપથી ઉભયલિંગી રુધિરસ્રાવિતા (haemolytic–C) થાય છે. માતૃપક્ષી રુધિરસ્રાવિતા તથા નવમઘટકીય રુધિરસ્રાવિતાની અસર ફક્ત પુરુષોને થાય છે, જ્યારે ઉભયલિંગી રુધિરસ્રાવિતાની અસર પુરુષ તથા સ્ત્રી બંનેને થાય છે. આ પ્રકારના રોગોમાં સામાન્ય ઈજાને કારણે ચામડીની નીચે, સાંધામાં તથા સ્નાયુઓમાં લોહી વહે છે. ક્યારેક નાકમાંથી, પેશાબમાં કે અન્ય સ્થળે પણ લોહી વહે છે.

નસોમાં જામતો લોહીનો ગઠ્ઠો અને તેનાથી થતા રોગો : (અ) પગની શિરામાં લોહીનો ગઠ્ઠો, જે છૂટો પડીને ફેફસાની ધમનીને અવરોધે, (આ) હૃદયની મુકુટધમનીમાં લોહીનો ગઠ્ઠો જામે તો હૃદયરોગનો હુમલો થાય, (ઇ) પગની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામે તો પેશીનાશ (gangrane) થાય, (ઈ) મગજની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામે તો લકવો થાય.

ક્યારેક શરીરની અંદર ઈજા વગરની નસોમાં પણ લોહીનો ગઠ્ઠો જામે તો તેને અંતર્રુધિરગુલ્મન અથવા ગંઠિલ (thrombus) કહે છે. લોહીમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ વધે ત્યારે ધમનીઓમાં તે જામવાથી મેદચકતીઓ (atheroma plaques) બને છે. તેના પર ગંઠનકોષો ચોંટે છે અને અંતર્રધિર:ગુલ્મન અથવા ગંઠિલન (thrombosis)ની પ્રક્રિયા શરૂ થાય છે. હૃદય કે મગજની ધમનીમાં આવા પ્રકારે અવરોધ ઉત્પન્ન થાય તો તે હૃદયરોગનો હુમલો અથવા લકવો કરે છે. તેથી તે અટકાવવા ઍસ્પિરિનનો ઉપયોગ કરીને ગંઠનકોષોને ચોંટતા અટકાવાય છે. ક્યારેક આવા લોહીના ગઠ્ઠામાંથી થોડો ભાગ કે આખો ગઠ્ઠો છૂટો પડીને લોહીમાં વહે છે અને અન્ય કોઈ નાની ધમનીમાં ફસાઈ જાય અથવા ગુલ્મસારણ તો ત્યાંનું રુધિરાભિસરણ અટકી પડે છે. આવી સ્થિતિને ગુલ્મવિસ્થાપન અથવા ગુલ્મસારણ (embolism) કહે છે અને આવા ગઠ્ઠાને વિસ્થાપિત ગુલ્મ અથવા ગુલ્મસારિક (embolus) કહે છે. આવી સ્થિતિ અટકાવવા તથા લોહીના ગઠ્ઠાને ઓગાળવા હિપેરિન તથા પ્રતિગંઠકો નામનાં ઔષધો વપરાય છે. શરીરની બહાર તપાસ માટે કે રુધિરદાન રૂપે બહાર કઢાયેલા લોહીને ગંઠાતું અટકાવવું જરૂરી છે. તે માટે સાઇટ્રેટ ફૉસ્ફેટ ડેક્સટ્રોઝ (CPD), ઍસિડ સાઇટ્રેટ ડેક્સટ્રોઝ (ACD) તથા ઇથાયલિન ડાયમિન ટેટ્રાએસિડિક ઍસિડ (EDTA) જેવાં રસાયણો વપરાય છે. તેઓ લોહીમાંના કૅલ્શિયમના આયનોને અદ્રાવ્ય ક્ષારમાં રૂપાંતરિત કરીને લોહીને જામી જતું અટકાવે છે.

શિરામાં જામી જતા લોહીના વિકારને શિરાકીય રુધિરગંઠિલન (venous thrombosis) કહે છે. જ્યારે તે છૂટો પડીને લોહીમાં પરિભ્રમણ કરે છે ત્યારે તેને ગુલ્મસારિક (embolus) કહે છે તથા તે ક્રિયાને ગુલ્મસારણ (embolism) કહે છે. જ્યારે બંને ક્રિયાઓ થતી હોય ત્યારે તેને ગંઠિલગુલ્મસારણ (thromboembolism) કહે છે. તે એક જોખમી વિકાર છે. પગની અંદરની નસો(શિરાઓ)માં લોહી જામી જાય ત્યારે તેને અંદરની શિરાઓનું રુધિરગંઠિલન (deep vein thrombosis) કહે છે. તે સમયે નળાની પાછળના સ્નાયુઓ દુખે છે તથા ઢીંચણની નીચેનો પગ સૂજી જાય છે. ત્યાંથી છૂટો પડેલો ગુલ્મસારિક લોહી દ્વારા વહીને ફેફસાંની નસમાં જામી જાય તો તે જીવનને જોખમી સંજોગો સર્જે છે. કેડના હાડકાના અસ્થિભંગ પછી દર્દી લાંબો સમય પથારીમાં રહે છે તેને અંદરની શિરાઓનું રુધિરગંઠિલન થવાની સંભાવના 15 %થી 35 % છે. 4.5 %થી 25 % કિસ્સાઓમાં ફેફસાંની શિરામાં તે ગઠ્ઠો વહીને ચોંટી જઈ શકે છે અને 3.5 %થી 15 %  કિસ્સામાં મૃત્યુ પણ નીપજે છે. તેથી શિરામાં લોહી જામતું અટકે તેની સારવાર આવશ્યક ગણાય છે. લાંબા સમય સુધી પથારીવશ વ્યક્તિને તેની જરૂર પડે છે. તે માટે હિપેરિન ઓછી માત્રામાં અપાય છે, પણ તે સમયે સક્રિયકૃત પ્રરસીય ગંઠિનકારક-કાળ (activated plasma thromboplastin time, aPTT)ની કસોટી કરીને હિપેરિનની માત્રા નક્કી કરવી પડે છે. હાલ અલ્પઅણુભારિત (low molecular weight) હિપેરિન મળે છે. તેમાં આ પ્રકારની કસોટી કે માત્રાનિશ્ર્ચયનની જરૂર પડતી નથી.

એક વખત શિરામાં લોહી જામી જાય તો તેને વધતું અટકાવવા હિપેરિનનાં ઇન્જેક્શન અથવા વૉરફેરિન જેવાં મુખમાર્ગી પ્રતિગંઠક ઔષધો (oral anticoagulants) વપરાય છે. હિપેરિનની અસર તત્કાળ શરૂ થાય છે, જ્યારે મુખમાર્ગી પ્રતિગંઠકોની અસર શરૂ થતાં વાર લાગે છે. હિપેરિન પ્રતિગંઠિન(antithrombin) સાથે સંયોજાઈને તેની સક્રિયતા વધારે છે. તેના દ્વારા ગંઠિન તથા સક્રિયકૃત X અને XI ઘટકોને નિષ્ક્રિય કરાય છે. આ રીતે વધુ ગઠ્ઠો જામતો અટકે છે. હિપેરિનની માત્રા નક્કી કરવા માટે સક્રિયકૃત પ્રરસીય ગંઠિનકારક ઘટક (activated plasma thromboplastin, aPTA)નું લોહીમાંનું સ્તર વારંવાર જાણવામાં આવે છે. સામાન્ય રીતે સામાન્ય કરતાં 1.5થી 2.5ગણું સ્તર ઊંચું રહે તેટલા પ્રમાણમાં હિપેરિન આપવાનું સૂચવાય છે. આશરે 3 % દર્દીઓમાં પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાને કારણે ગંઠનકોષો (platelets) ઘટે છે માટે પહેલાં 2 અઠવાડિયાંમાં વારંવાર તેની લોહીમાંની સંખ્યાની ગણતરી કરવામાં આવે છે. જો લઘુ-અણુભારી હિપેરિન વાપરવામાં આવે તો લોહી વહેવાનું જોખમ કે ગંઠનકોષો ઘટવાની સંભાવના ઓછી રહે છે. લઘુ-અણુભારી હિપેરિનની માત્રા દર્દીના વજન પર આધાર રાખે છે. તે સમયે aPTT માટેની લોહીની તપાસ કરવાની જરૂર ન રહે તેવું મનાય છે. તેને કારણે જો દર્દીને તેના ઘરે સારવાર આપવાની હોય તો અલ્પ-અણુભારી હિપેરિન વધુ ઉપયોગી રહે છે. જોકે ઘરે સારવાર આપવાનો નિર્ણય ઓછા દર્દીઓમાં બને છે. અલ્પઅણુભારિત હિપેરિન જૂથની વિવિધ દવાઓ હાલ ઉપલબ્ધ છે, જેમ કે ઍડેપેરિના, ડૅલ્ટેપેરિના, ડૅનાપેરૉઇડ, ઍનૉક્સાપેરિન, નૅડ્રોપેરિના, ટીન્ઝાપેરિન વગેરે. લોહી ગંઠાતું અટકાવવાની સારવાર 3 મહિના સુધી અપાય છે, તેથી વૉરફેરિન નામનું મુખમાર્ગી ઔષધ શરૂ કરાય છે. તેની અસર શરૂ થતાં 5થી 7 દિવસ લાગે છે. તે 5 દિવસ હિપેરિન ચાલુ રાખવામાં આવે છે. વિટામિન–K વડે જે ગુલ્મનકારી ઘટકોનું ઉત્પાદન થાય છે તેના પર વૉરફેરિન અસર કરે છે માટે વૉરફેરિનની અસર વધુ પડતી થઈ જાય તો વિટામિન –K અપાય છે. વૉરફેરિનની અસરનું પણ નિયંત્રણ કરવા માટે પૂર્વગંઠિનકાળ (prothrombin time) નામની કસોટી કરાય છે. તેમાં દર્દી તથા નિયંત્રક નમૂનાના પૂર્વગંઠિનકાળનું ગુણોત્તરપ્રમાણ (ratio) ગણી કઢાય છે. તે માટે આંતરરાષ્ટ્રીય અવિષમકૃત ગુણોત્તરપ્રમાણ (international normalized ratio, INR) ગણી કઢાય છે. તે માટે સારવારનું ધ્યેય રૂપ INR 2.5 (2 to 3) છે. જો તે 2થી ઓછું હોય તો નસમાં લોહી જામવાનો ભય રહે છે અને જો તે 4થી વધુ રહે તો લોહી વહેવાનો ભય રહે છે. વૉરફેરિન ઘણાં ઔષધો સાથે આંતરક્રિયા કરે છે, તેથી તેના વપરાશ વખતે અન્ય દવાઓ સંબંધિત આડઅસરો થવાની સંભાવના રહે છે. માટે તેની સાવચેતી રાખવી પડે છે. તેને સગર્ભાવસ્થામાં અપાય તો ગર્ભશિશુને વિકાર કરે છે. તેને ગર્ભપેશી અર્બુદ (teratoma) કહે છે. તેથી તે સમયે તે દવા આપી શકાતી નથી. જ્યારે પણ વૉરફેરિન ન આપી શકાય ત્યારે અલ્પઅણુભારી હિપેરિન વપરાય છે. શિરામાં લોહી ગંઠાયું હોય તો તે પછી અપાતી સારવાર કેટલા સમય માટે આપવી તે નિશ્ચિત હોતું નથી. પરંતુ જો 6 મહિના સુધી અપાય તો તે 6 અઠવાડિયાંની સારવાર કરતાં ફરીથી લોહી જામવાનો ભય અડધો થઈ જાય છે અને જો દર્દીને એક વધુ વખત આ વિકાર થયો હોય તો વધુ લાંબા સમય માટે સારવાર કરવાની જરૂર પડે છે. જો તે 4 વર્ષને બદલે ફક્ત 6 મહિના માટે અપાય તો ફરીથી ઊથલો મારવાની સંભાવના 8ગણી વધુ રહે છે. જોકે શસ્ત્રક્રિયા કે ઈજા પછી થતો વિકાર ફરીથી થવાની સંભાવના ઓછી રહે છે. કૅન્સર તથા અન્ય લોહીની ગંઠનશીલતા વધારતા વિકારોમાં લાંબા સમય સુધી સારવાર આપવા વિશે વિચારવામાં આવે છે.

પ્રતિગંઠન-ચિકિત્સાની મુખ્ય આડઅસર લોહીનું વહેવું છે. જો દર્દીની ઉંમર વધુ હોય, તેને ભરેલાં જઠર-આંતરડાંમાંથી લોહી વહ્યું હોય, મૂત્રપિંડની નિષ્ફળતા હોય કે દર્દી ઍસ્પિરિન લેતો હોય તો લોહી વહેવાનો વિકાર વધુ થાય છે. કોઈ પણ પ્રકારની હિપેરિનથી થતી સારવારમાં 7 % દર્દીઓમાં લોહી વહેવાનો વિકાર થાય છે, જેમાંથી 2 % દર્દીઓનું મૃત્યુ થાય છે. વૉરફેરિનના કારણે રુધિરસ્રાવ થવાનો દર 3 %થી 4 % પ્રતિવર્ષ હોય છે.

લોહી વહેવાના વિકારો : લોહી વહેવાના વિકારો મુખ્યત્વે 2 પ્રકારના હોય છે : રુધિરસ્રાવી વિકારો (bleeding disorders) અને રુધિરગંઠન વિકાર (clotting disorders). ગંઠનકોષો (platelets) કે રુધિરવાહિનીઓ(નસો)ના વિકારોમાં રુધિરસ્રાવિતા (bleeding disorder) થઈ આવે છે. જ્યારે લોહીમાંના ગંઠક ઘટકોની ઊણપ થાય ત્યારે અરુધિરગંઠિતા અથવા રુધિરગંઠન વિકાર થઈ આવે છે. તેને કારણે કપાયેલી નસને સાંધતો લોહીનો ગઠ્ઠો બનતો નથી અથવા તો નબળો ગઠ્ઠો બને છે.

લોહીના ગઠ્ઠાના જામવાથી થતા રોગો. (1) હૃદસ્નાયુપ્રણાશ (myocardial infarction), (2) મગજમાં પ્રણાશ (infarction), (3) આંતરડામાં પેશીનાશ

રુધિરસ્રાવિતાના વિકારમાં જે સ્થળે લોહી વહેતું હોય ત્યાં થોડોક સમય દબાણ આપવાથી લોહી વહેતું ઘટે છે. તેમાં ચામડી તથા શરીરના પોલા અવયવોની અંદરની દીવાલ કરતી શ્લેષ્મકલા (mucosa) પર રુધિરત્વક્છાંટ (purpura) તથા ચકામાં (ecchymosis) જોવા મળે છે. નાક, અવાળુ, પેશાબમાર્ગ કે મળમાર્ગે લોહી પડે છે અને ક્યારેક મગજમાં પણ લોહી ઝમે છે.

અરુધિરગંઠિતાના વિકારમાં નજીવી ઈજામાં સ્નાયુ, સાંધા તથા અન્ય સ્થાનોમાં લોહી વહે છે. તેને નિયંત્રિત કરવા રુધિરગંઠન માટેના ઘટકો અથવા તત્કાલ શીતકૃત પ્રરસ (fresh frozen plasma) અપાય છે. ક્યારેક શરીરની અંદર વિવિધ નસોમાં લોહી જામવાનો વિકાર થાય છે. તેને વ્યાપક અંતર્વાહિની-રુધિરગંઠન(disseminated intravascular coagulation, DIC)નો વિકાર કહે છે. તેમાં રુધિરગંઠક ઘટકો વપરાઈ જતા હોવાથી શરીરમાં વિવિધ સ્થળેથી લોહી વહેવાનો વિકાર થાય છે. વૉન-વિલેબ્રાન્ડ નામના ઘટકની ઊણપમાં લોહીની નસોની દીવાલમાંથી લોહી ઝમવાનો વિકાર થાય છે.

અલ્પગંઠનકોષિતા (thrombocytopenia) : લોહીમાં ગંઠનકોષોની સંખ્યા ઘટે તો તેને અલ્પગંઠનકોષિતા અથવા ગંઠનકોષ-અલ્પતા (thrombocytopenia) કહે છે. ક્યારેક ગંઠનકોષોની સંખ્યા સરખી રહે, પણ તેનું કાર્ય શિથિલ બને ત્યારે તેને અલ્પગંઠનકોષક્ષમતા (thrombasthenia) કહે છે. બંને વિકારોમાં લોહી વહેવાનો(રુધિરસ્રાવિતાનો) વિકાર થાય છે. ગંઠનકોષોની સંખ્યા ઘટવાનાં વિવિધ પ્રકારનાં કારણો છે. તેમને મુખ્યત્વે અસ્થિમજ્જા(bone marrow)ના વિકારો તથા અન્ય વિકારો – એમ 2 જૂથમાં વહેંચવામાં આવે છે. લોહીના કોષોનું બનવાનું ઘટે (અપસર્જી પાંડુતા, aplastic anaemia), લોહીનાં કૅન્સર, કૅન્સરને કારણે અસ્થિમજ્જા અસરગ્રસ્ત, દુર્મજ્જાપ્રસર્જન (myelodysplasia), મહારક્તકોષી પાંડુતા (megaloblastic anaemia) કે જે ફૉલિક ઍસિડ કે વિટામિન B12ની ઊણપથી થાય અથવા અન્ય કારણોથી પણ થાય; લાંબા સમયનું દારૂનું સેવન વગેરે વિવિધ કારણોસર અસ્થિમજ્જાના વિકારો થાય છે. યકૃતના વિકારો, એઇડ્ઝ કે અન્ય વિષાણુજ વિકારો, વ્યાપક ચેપ (sepsis), DIC, મોટી થયેલી બરોળથી થતું અતિસ્પ્લીહન (hypersplensim), વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus, SLE), પ્રતિરક્ષાલક્ષી (immune) અથવા અજ્ઞાતમૂલ (idiopathic), અલ્પગંઠન-કોષિતાજન્ય રુધિરત્વક્છાંટ (thrombocytopenic purpura) નામના વિકારોમાં અસ્થિમજ્જા અસરગ્રસ્ત હોતી નથી.

અજ્ઞાતમૂલ અલ્પગંઠનકોષિતાજન્ય રુધિરત્વક્છાંટનો વિકાર શરીરના પોતાના કોષોને પોતે જ મારતો સ્વકોષઘ્ની (auto  immune) પ્રકારનો વિકાર છે. તે યુવાન વયે વધુ થાય છે અને સારવારથી શમે છે. મોટે ભાગે કોઈ વિષાણુજ ચેપથી તેની શરૂઆત થાય છે. મોટી ઉંમરે થતો રોગ દીર્ઘકાલી છે અને તે 20થી 50 વર્ષની વ્યક્તિઓમાં થાય છે. તે સ્ત્રીઓમાં લગભગ બમણા દરે જોવા મળે છે. દર્દી ચામડી પર રુધિરછાંટ તથા નાક-અવાળુમાંથી લોહી વહેવાની ફરિયાદ સાથે આવે છે. ક્યારેક ભારે ઋતુસ્રાવ પણ જોવા મળે છે. દર્દી લોહી વહેવાના વિકાર સિવાય અન્ય રીતે સ્વસ્થ હોય છે. જોકે ગંઠનકોષો બરોળમાં તૂટતા હોવા છતાં બરોળ મોટી થયેલી હોતી નથી. ગંઠનકોષોની સંખ્યા ઘટીને 10,000/ઘન મિમી. જેટલી થઈ જાય છે. આશરે 10 % દર્દીઓમાં સ્વકોષઘ્ની રક્તકોષવિલયી પાંડુતા (autoimmune haemolytic anaemia) થાય છે, જેમાં લોહીના રક્તકોષો પણ તૂટે છે. તેને ઇવાન(Evan)નું સંલક્ષણ કહે છે. આ દર્દીઓમાં અસ્થિમજ્જા તથા રુધિરગુલ્મન કસોટીઓ (coagulation studies) સામાન્ય પ્રમાણ દર્શાવે છે. મુખ્ય સારવાર રૂપે પ્રેડ્નિસોલોન અપાય છે. જો ગંઠનકોષોની સંખ્યા ખૂબ ઘટી ગઈ હોય તો જીવનરક્ષક ઉપાય તરીકે લોહીના અલગ કરેલા ગંઠનકોષો અપાય છે. જો પ્રેડ્નિસોલોનને લાંબા સમય સુધી આપવી પડે અથવા તે પૂરેપૂરી અસરકારક ન હોય તો બરોળ કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. આશરે 80 % દર્દીઓને તેનાથી લાભ થાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં ડેનેઝોલ તથા પ્રતિરક્ષાલક્ષી ગોલનત્રલ (immunoglobulin) પણ અપાય છે. અન્ય પ્રતિરક્ષાલક્ષી સારવાર રૂપે વિન્ક્રીસ્ટીન, ઍઝાથાયૉપ્રિન, સાઇક્લોસ્પૉરિન તથા સાઇક્લોફૉસ્ફેમાઇડ પણ વપરાય છે. ગંઠનકોષો નસ દ્વારા આપવાની પ્રક્રિયા જવલ્લે જ કરાય છે અને તે જીવનરક્ષક હોવી જરૂરી ગણાય છે. સારવારથી લાંબા ગાળાનો જીવનકાળ શક્ય હોય છે.

શિલીન નં. શુક્લ

અશ્વિન ન. પટેલ