રિઝા, તાજુદ્દીન (અ. 1236) : મધ્ય યુગના ભારતના ઉચ્ચ કોટિના ફારસી કવિ. તેઓ ભારતીય મૂળના અને દિલ્હીના રહેવાસી હતા. તેમણે દિલ્હીના ગુલામ વંશના સુલતાન શમ્સુદ્દીન ઇલતુતમિશ (1210–1236) તથા તેમના પુત્ર સુલતાન રુક્નુદ્દીન ફીરુઝશાહ(અ. 1236)ના દરબારી કવિ તથા મંત્રી તરીકે નામના મેળવી હતી. કવિ તાજુદ્દીનનું કદ નાનું હતું તેથી અને તાજુદ્દીન નામના બીજા એક દરબારીથી અલગ પાડવા માટે તેમના નામ સાથે રિઝા ઉપનામ જોડવામાં આવ્યું હતું. ફારસી શબ્દ રિઝાનો અર્થ કણ અથવા અણુ થાય છે. તાજુદ્દીન રિઝાએ ભરયુવાનીમાં સુલતાન ઇલતુતમિશના દરબારમાં સ્થાન મેળવ્યું હતું. તેઓ દરબારમાં કવિ તથા વિદ્વાન તરીકે હાજરી આપવા ઉપરાંત સુલતાનનાં લશ્કરી સાહસોમાં પણ ભાગ લેતા હતા. 1232માં ગ્વાલિયર ઉપરના સુલતાનના વિજય વખતે હાજર રહીને રિઝાએ એક ટૂંકું રૂબાઈ કાવ્ય લખ્યું હતું જે ગ્વાલિયરના કિલ્લાના દરવાજા ઉપર પથ્થરમાં કોતરાવવામાં આવ્યું હતું. ઇલતુતમિશના મંત્રી નિઝામુલમુલ્ક કિવામુદ્દીન મુહમ્મદ જુનૈદી સાથેના રિઝાના સંબંધો વિશેષ મહત્વ ધરાવે છે. આ નિઝામુલમુલ્ક પોતે પણ વિદ્યા અને સાહિત્યના કદરદાન તથા પ્રોત્સાહક હતા. તેમના દરબારમાં વિદ્વાનો અને અનેક કવિઓ હાજરી આપતા હતા. તેમાંનો એક તાજુદ્દીન રિઝા પણ હતો. રિઝાએ સુલતાન ઇલતુતમિશ, તેના શાહજાદા રુક્નુદ્દીન ફીરુઝશાહ તથા ગ્યાસુદ્દીન અને શાહજાદી (સુલતાના) રઝિયા(અ. 1240)ની પ્રશસ્તિનાં કાવ્યો લખ્યાં હતાં. તેમનાં કેટલાંક કાવ્યો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. દા.ત., 1228માં બગદાદના ખલીફા અબૂ જાફર મન્સૂર અલ-મુસતન્સર બિલ્લાહ તરફથી સુલતાન ઇલતુતમિશને રાજ્યસત્તાનો પરવાનો મળ્યો, જે એક મહત્વની ઐતિહાસિક ઘટના હતી, તો રિઝાએ એક કસીદા-કાવ્ય લખીને તે પ્રસંગ તથા તેની ઉજવણીનો વિગતવાર ઉલ્લેખ કર્યો. રિઝાનાં કસીદા-કાવ્યોની ભાષા સાદી તથા સરળ હોવા છતાં તે વર્ણનની ચારુતા હોય છે. સાથે સાથે તેમાં સંગીતતત્વ પણ ધ્યાન ખેંચે છે. ભારતના ફારસી સાહિત્યના વિવેચકોએ તેમની ભારોભાર પ્રશંસા કરી છે. તેમનાં કાવ્યોમાં હિન્દી શબ્દો પણ જોવા મળે છે, જેવાં કે મણ અને શેર. તેમની ફારસી ભાષાનું આ લક્ષણ સૂચવે છે કે તેઓ ભારતીય મૂળના હતા. તેમણે પોતે હિન્દુસ્તાની હોવાનો ઉલ્લેખ પણ કવિતામાં કર્યો છે. તેમનાં કેટલાંક કાવ્યો, ફારસીના વિખ્યાત ઈરાની કસીદાલેખક અનવરી(અ. 1191)ના કાવ્યસંગ્રહમાં ભૂલથી સમાવિષ્ટ થઈ ગયાં હતાં. ઇતિહાસકારોએ રિઝાનો ઉલ્લેખ એક કવિ ઉપરાંત વિદ્વાન તરીકે પણ કર્યો છે. રિઝા પોતે એક કાવ્યપંક્તિમાં તેમના કાવ્ય ઉપરાંત ગદ્યનો ઉલ્લેખ કરે છે. આના ઉપરથી એમ લાગે છે કે રિઝા ફારસી પદ્ય ઉપરાંત ગદ્ય ઉપર પણ નિપુણતા ધરાવતા હતા. સુલતાના રઝિયાના સમયમાં આંતરિક અશાંતિ પ્રસરતાં જે અરાજકતા ઊભી થઈ હતી તેમાં રિઝા તાજુદ્દીનનો ભોગ લેવાયો હતો. તેમનું અપમૃત્યુ હાથીના પગ નીચે ચગદાઈ જવાથી થયું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી