રિટ અરજી (Writ application) : ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ લેખિત આદેશ અથવા આજ્ઞાપત્ર. ભારતના બંધારણ મુજબ રિટ એટલે અદાલતે અરજદારની તરફેણમાં કાઢી આપેલું લેખિત આજ્ઞાપત્ર. જેની સામે એ આજ્ઞાપત્ર કાઢી અપાયું હોય તે વ્યક્તિને અમુક કાર્ય કરવાની કે ન કરવાની આજ્ઞા ન્યાયાલય દ્વારા કરવામાં આવે છે.

ઇંગ્લૅન્ડમાં તેરમી સદીથી આવાં આજ્ઞાપત્રો કાઢી આપવાની શરૂઆત થઈ હતી.

ભારતના બંધારણના ભાગ 3ના અનુચ્છેદ 12થી 35 હેઠળ ભારતના દરેક નાગરિકને અમુક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે; જેવા કે : કાયદા સમક્ષ સમાનતા; ધર્મ, વંશ, જાતિ, જ્ઞાતિ અને જન્મસ્થળના આધારે ભેદભાવનો પ્રતિબંધ; જાહેર સેવાઓ નોકરી અંગે સમાન તક; અસ્પૃશ્યતા-નાબૂદી; વાણી-સ્વાતંત્ર્ય; વ્યક્તિ- સ્વાતંત્ર્ય; ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વાતંત્ર્ય વગેરે. બંધારણના અનુચ્છેદ 32 મુજબ ઉપર્યુક્ત મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા માટેના અધિકારને પણ મૂળભૂત હક ગણી લેવામાં આવ્યો છે અને એ અનુસાર તે અનુચ્છેદ હેઠળ સર્વોચ્ચ ન્યાયાલય અને અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલત મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સામે યથાયોગ્ય આજ્ઞાપત્ર કાઢી આપી શકે છે.

આવાં આજ્ઞાપત્રો પાંચ પ્રકારનાં હોય છે :

(i) બંદી-પ્રત્યક્ષીકરણ (Habeas Corpus),

(ii) ઉત્પ્રેષણ (Certiorari),

(iii) પરમાદેશ (Momdamus),

(iv) પ્રતિષેધ (Prohibition) અને

(v) અધિકારપૃચ્છા (Quo Warranto).

(i) બંદી-પ્રત્યક્ષીકરણની રિટ : ‘હેબિયસ કૉર્પસ’ એટલે (શરીરને/વ્યક્તિને) હાજર કરો. જેણે બીજી વ્યક્તિને કેદ કરી હોય તેણે એ વ્યક્તિને અદાલત સમક્ષ રજૂ કરવી એવો આદેશ અદાલત આપે છે. આથી વ્યક્તિને કયાં કારણોસર કેદમાં રાખ્યો તે જાણી શકાય છે. જો કેદમાં રાખવાનું કોઈ કાનૂની સમર્થન ન મળી આવે તો અદાલત એને મુક્ત કરવાનો આદેશ કરી શકે છે. આ રિટનો હેતુ અપકૃત્યકર્તાને શિક્ષા કરવાનો નથી, પરંતુ કેદ થયેલી વ્યક્તિને મુક્ત કરાવવાનો છે; જેથી કરીને એ કાનૂની રાહે દાદ મેળવી શકે. કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિને અટકમાં રાખી હોય, અથવા રાજ્ય સરકારે તેમ કર્યું હોય તેની સામે આ રિટ મળી શકે છે. બાળકો સંબંધમાં પણ આવી રિટ પ્રાપ્ય છે; પરંતુ જો અન્ય અધિનિયમો હેઠળ આવી અટકાયતનો ઉપાય પ્રાપ્ય હશે તો તે ઉપાય અજમાવ્યા સિવાય ઉપલી અદાલતમાં દાદ માગી શકતો નથી.

(ii) ઉત્પ્રેષણની રિટ : જ્યાં વહીવટી કાર્ય સત્તા બહારનું (ultra vires) હશે ત્યાં આ રિટના આધારે નીચલી અદાલતનો રેકૉર્ડ ઉપલી અદાલતમાં મંગાવી શકાય છે. નીચલી અદાલતો અથવા પંચો(Tribunals)ના આદેશોને સુધારવા, રદ કરવા અથવા તેમાં રહેલા દોષોને તથા તેની અસરોને દૂર કરવા માટે આ રિટ મળી શકે છે. આ રિટના પરિણામે ન્યાયતંત્ર અને ન્યાયિક કલ્પ (quasijudicial) પંચો, નિગમો અને નિયામક મંડળો (boards) તેમને પ્રાપ્ત થયેલી સત્તાની મર્યાદામાં રહીને જ કાર્ય કરે છે; જો તેઓ એ મર્યાદા ઓળંગે તો આવી રિટથી તેમને એમ કરતાં રોકી શકાય છે. શુદ્ધ કારોબારી (executive) અને વહીવટી કાર્યો સામે આ રિટ મળી શકે નહિ. હકૂમત અંગેની ભૂલ સુધારવા, હકૂમતના કરેલા દુરુપયોગને નષ્ટ કરવા, અદાલત અથવા કોઈ પંચ કાયદા વિરુદ્ધ વર્તે અથવા નિયમોનું ઉલ્લંઘન કરે અથવા કુદરતી ન્યાયના સિદ્ધાંતો(principles of natural justice)નું પાલન ન કરે; કોઈ કાયદાની નજરે ચઢે તેવી દેખીતી ભૂલ કરે અથવા તો એવો કોઈ આદેશ કરે જે બદઇરાદાવાળો હોય ત્યારે આ રિટ મળી શકે છે. સર્વોચ્ચ અદાલત એની નિરીક્ષક તરીકેની હૂકમતમાં આવી રિટ આપી શકે છે.

જેના અધિકારનું ઉલ્લંઘન થયું હોય તે જ વ્યક્તિ આવી રિટની માગણી કરી શકે; અન્ય કોઈ નહિ. દેશનો કોઈ પણ નાગરિક સરકાર સામે જરૂર જણાય ત્યારે આ રિટની માગણી કરી શકે છે.

(iii) પરમાદેશની રિટ : જે કિસ્સામાં ન્યાય ન મળ્યો હોય અથવા જ્યાં ન્યાય મેળવવામાં વિલંબ થયો હોય અને અન્ય યોગ્ય ઉપાય હાંસલ ન હોય ત્યાં આ રિટ મળી શકે છે. ખાનગી હકોનો અમલ કરાવવા માટે તે મળે નહિ, પરંતુ ખાનગી વ્યક્તિ સામે તે મળી શકે છે. જ્યાં અરજદારના કાનૂની હકનો ભંગ થયો હોય, જાહેર સત્તાધિકારીએ તેની ફરજ ન બજાવ્યાથી આવો ભંગ થયો હોય, અરજદાર પાસે આ રિટ માગવા સિવાય અન્ય કોઈ ઉપાય પ્રાપ્ય ન હોય ત્યાં આ રિટ મળી શકે છે. ગેરકાયદે કરેલાં બધાં વહીવટી કાર્યો સામે; કોઈ જાહેર સત્તાધિકારીએ તેની સત્તાની મર્યાદા ઓળંગી નાગરિકોની સ્વતંત્રતા કે મિલકતને નુકસાન કર્યું હોય ત્યાં અને જ્યાં આવા સત્તાધિકારીએ એનો સ્વવિવેક (discretion) કાયદા વિરુદ્ધ વાપર્યો હોય ત્યાં આ રિટ મળી શકે છે.

આવી રિટ આપવી કે નહિ તે કૉર્ટની મુનસફી પર આધાર રાખે છે. રિટ માગનાર વ્યક્તિ તે પોતાના હક તરીકે મેળવી શકે નહિ. જ્યાં રિટનો અમલ કરાવવાનો સમય પાક્યા પહેલાં હોય, જ્યાં રિટનો અમલ અશક્ય હોય, અર્થહીન હોય, જ્યાં રિટ આપવાનું સમન્યાય(equity)ની વિરુદ્ધ હોય અથવા માત્ર કોઈ અનિયમિતતા સુધારવા માટેનું હોય ત્યાં આ રિટ મળી શકે નહિ.

યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર અથવા તેના અધિકારીઓ સામે તે કાઢી આપવામાં આવે છે; પરંતુ કોઈ ખાનગી વ્યક્તિ સામે, જાહેર અધિકારીના સ્વવિવેકને નિયંત્રિત કરવા માટે અને જ્યાં અન્ય કોઈ ઉપાય હાંસલ હોય ત્યાં આ રિટ મળી શકતી નથી.

(iv) પ્રતિષેધની રિટ : આ એવી રિટ છે જે ઉચ્ચ હકૂમતવાળી અદાલત નીચલા સ્તરની અદાલતોની સામે આપે છે. જ્યારે નીચલી અદાલતો તેઓને જે હકૂમત પ્રાપ્ત નથી તેનો ઉપયોગ કરે, અથવા તેઓને જે હકૂમત છે તેની મર્યાદા ઉલ્લંઘે અથવા જ્યાં તેઓ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરે ત્યાં આ રિટ આપી શકાય છે; પરંતુ નીચલી અદાલતના કે પંચના કોઈ શિરસ્તાને કે કાર્યરીતિને સુધારવા માટે કે તેની કાયદાની ભૂલને સુધારવા માટે અથવા અરજદારે અદાલતને ગેરમાર્ગે દોરવા કેસની અમુક મહત્વની હકીકતો છુપાવી હોય ત્યાં આ રિટ મળી શકતી નથી. ન્યાયિક અને ન્યાયિક કલ્પ (judicial and quasi-judicial) કાર્યવહી સામે જ તે મળી શકે. ખાનગી વ્યક્તિઓ અને એસોસિયેશનો સામે તે મળતી નથી. અદાલત કે પંચ સમક્ષ જ્યારે કોઈ કાર્યવહી ચાલુ હોય તેવે સમયે તે કાર્યવહી સામે આ રિટ અપાતી નથી.

(v) અધિકારપૃચ્છાની રિટ : જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જાહેર, કાયમી, સ્વતંત્ર પદ કે હોદ્દો ધારણ કરે અથવા પચાવી પાડે ત્યારે તેની સામે તેણે એ હોદ્દો કે પદ કયા અધિકારથી ધારણ કર્યાં છે તેની પૃચ્છા કરતી રિટ કાઢી આપવામાં આવે છે, જેને અધિકારપૃચ્છાની રિટ કહે છે.

આવી રિટ કોઈ જાહેર ઑફિસ કે હોદ્દા બાબતમાં અથવા ચૂંટણીમાં ચૂંટાઈ આવવા બાબતમાં કાઢી અપાય છે. અહીં જે પદ કે હોદ્દાની વાત છે તે હોદ્દો કે પદ જાહેર હોવાં જોઈએ, તે કાયદાથી ઉપસ્થિત કરેલાં હોવાં જોઈએ અને તે મહત્વનાં હોવાં જોઈએ. તદુપરાંત સામો પક્ષ એ પદ માટે પોતાને હક છે એમ ભારપૂર્વક કહેતો હોવો જોઈએ અને છતાં, તે એ પદ ધારણ કરવાને કાયદાકીય રીતે લાયકાત ધરાવતો હોવો ન જોઈએ.

આ પ્રકારની રિટ કાઢી આપવી કે નહિ તે અદાલતની મુનસફીને અધીન છે; તેથી અદાલત તે આપવાનો ઇનકાર કરી શકે છે. જ્યાં આવી રિટ આપવાથી સામાને ત્રાસ થાય તેમ હોય ત્યાં તે અપાતી નથી.

કોઈ પણ ખાનગી વ્યક્તિ આ રિટ માંગી શકે, પછી ભલેને એના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું ન હોય, પરંતુ આમ કરવામાં જાહેર હિત સંડોવાયેલું હોવું જોઈએ અને અરજદારની અરજી પ્રામાણિકપણે થયેલી હોવી જોઈએ.

આ રિટનો ઉપયોગ બહુ જૂજ કિસ્સાઓમાં જ થયો છે. કારોબારીએ જાહેર હોદ્દા પર કરેલી નિમણૂકોનું આ રિટથી નિયંત્રણ થાય છે અને જેને એ પદ ગ્રહણ કરવા વિશે હક હોય તેના હકનું રક્ષણ કરવા માટે આ પ્રકારની રિટ આપી શકાય છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી