રાવ, વી. કે. આર. વી.

January, 2003

રાવ, વી. કે. આર. વી. (જ. 8 જુલાઈ 1908, કાંચિપુરમ; અ.  25 જુલાઈ 1991, બૅંગાલુરુ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી. આખું નામ વિજયેન્દ્ર કસ્તૂરીરંગા વરદરાજ. પિતાનું નામ કસ્તૂરીરંગમ્ અને માતાનું નામ ભારતી. પ્રાથમિક શિક્ષણ અમેરિકન અર્કોટ મિશન સ્કૂલ, ટિંડિવનમ, તામિલનાડુ ખાતે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાંથી 1923માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ મુંબઈની વિલ્સન કૉલેજમાંથી

વી. કે. આર. વી. રાવ

1927માં અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી અને ત્યાર બાદ 1929માં તે જ યુનિવર્સિટી એમ.એ.ની પદવી અર્થશાસ્ત્ર વિષય સાથે પ્રાપ્ત કર્યા બાદ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 1936માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. થોડાક સમય માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર કામ કર્યા બાદ અમદાવાદની એસ. એલ. ડી. (હાલ એલ.ડી.) કૉલેજમાં આચાર્ય અને અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા (1937-42). 1942-61 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીમાં વિવિધ પદો પર કામ કર્યું; દા.ત., 1942-61ના ગાળામાં દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરનું પદ અકબંધ રાખીને 1944-45 વર્ષમાં કેન્દ્રના અન્ન ખાતાના નિયામક; 1945-46 વર્ષમાં આયોજન-વિભાગના સલાહકાર; 1946-47 વર્ષમાં અન્ન અને આર્થિક બાબતોના વિભાગમાં સલાહકાર; 1948-57 દરમિયાન દિલ્હી સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના નિયામક; 1957-60 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ; 1960-63 દરમિયાન દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ગ્રોથના નિયામક; 1963-66 દરમિયાન આયોજન પંચના સભ્ય વગેરે. 1967-69 દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળમાં વાહનવ્યવહાર અને વહાણવટા ખાતાના પ્રધાન અને 1969-71 દરમિયાન શિક્ષણ અને યુવાપ્રવૃત્તિઓ/સેવાઓના પ્રધાન રહ્યા. 1972માં તેમણે બૅંગાલુરુ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોદૃશ્યલ ઍન્ડ ઇકોનૉમિક ચેન્જ નામની સંશોધન-સંસ્થાની સ્થાપના કરી; જેના તેઓ અવસાન સુધી નિયામક રહ્યા.

આર્થિક સંશોધનના ક્ષેત્રે ડૉ. રાવનું યોગદાન શકવર્તી ગણાય છે. ભારતની રાષ્ટ્રીય આવકની પદ્ધતિસર મોજણી કરનારા તેઓ પ્રથમ અર્થશાસ્ત્રી હતા. આ વિષય પર તેમના ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા છે, જેમાં આપવામાં આવેલી રાષ્ટ્રીય આવક અંગેની માહિતી આધારભૂત ગણાય છે. 1938માં પ્રકાશિત થયેલ ‘વૉટ ઇઝ રૉગ વિથ ઇન્ડિયન ઇકોનૉમિક લાઇફ’ નામના તેમના ગ્રંથમાં તેમણે ભારતના અર્થતંત્રને સ્પર્શતી મહત્વની સમસ્યાઓનું તલસ્પર્શી વિશ્ર્લેષણ કર્યું છે તથા તે સમસ્યાઓના નિરાકરણ માટે નીતિવિષયક નક્કર સૂચનો કર્યાં છે; દા.ત., વિશ્વયુદ્ધ (1939-45) પછીની ભારત સરકારની આર્થિક નીતિમાં ભારતની કૃષિવ્યવસ્થાના પુન:સ્થાપનને અગ્રતા આપવી જોઈએ, ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે આર્થિક આયોજનનો માર્ગ અપનાવવો જોઈએ, વગેરે.

તેમણે કુલ અઢાર ગ્રંથો લખ્યા છે, જેમાંના વિશેષ નોંધપાત્ર ગ્રંથો છે : (1) ‘ટૅક્સેશન ઑવ્ ઇન્કમ ઇન ઇન્ડિયા’ (1931). તેમાં તેમણે કૃષિ-આવક પર આવકવેરો લાદવાની તરફેણ કરી હતી. (2) ‘વૉટ ઇઝ રાગ વિથ ઇન્ડિયન ઈકોનૉમિક લાઇફ’ (1938), (3) ‘ઍન એસે ઑન ઇન્ડિયાઝ નૅશનલ ઇન્કમ’ (1939), (4) ‘નૅશનલ ઇન્કમ ઑવ્ ઇન્ડિયા’ (1940), (5) ‘વૉર ઍન્ડ ઇન્ડિયન ઇકૉનોમી’ (1943), (6) ‘ઇન્ડિયા ઍન્ડ ઇન્ટરનૅશનલ કરન્સી પ્લાન્સ’ (1944), (7) ‘પ્લાન્ડ ઈકોનૉમિક ટ્રાન્ઝિશન ફ્રૉમ વૉર ટુ પીસ ઇન ઇન્ડિયા’ (1945), (8) ‘પોસ્ટ વૉર રૂપી’ (1948), (9) ‘નહેરુ લીગસી’ (1971) અને (10) ‘ઇન્ડિયાઝ નૅશનલ ઇન્કમ : 1950-80’ (1982).

દેશવિદેશની ઘણી યુનિવર્સિટીઓ તથા સંશોધન-સંસ્થાઓએ ડૉ. રાવને ડૉક્ટરેટની માનદ ઉપાધિ આપી છે. 1979માં તેમને પ્રોફેસર ઇમેરિટસ ઇન સોદૃશ્યલ સાયન્સીઝનું પદ બહાલ કરવામાં આવ્યું હતું. 1984માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ડૉ. રાવને નૅશનલ પ્રોફેસર ઇન ઇકોનૉમિક્સના પદથી સન્માન્યા હતા. વિદ્યાકીય ક્ષેત્રે તેમની સિદ્ધિઓ ધ્યાનમાં લઈ 1974માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબથી નવાજ્યા હતા.

દેશવિદેશની ઘણી સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા હતા; દા.ત., રૉયલ ઈકોનૉમિક સોસાયટી-લંડન સંસ્થાના તેઓ ભારતમાં પ્રતિનિધિ હતા. આ ઉપરાંત, ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર રિસર્ચ ઇન ઇન્કમ ઍન્ડ વેલ્થના તથા ઍસોસિયેશન ઑવ્ પ્રિન્સિપલ્સ ઑવ્ ટૅક્નીકલ ઇન્સ્ટિટ્યૂટ્સના તેઓ પ્રમુખ હતા. ટોકિયો ખાતેના જાપાન ઈકોનૉમિક રિસર્ચ સેન્ટરે તથા ઍમ્સ્ટરડૅમ ખાતેની ઇન્ટરનૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટે ડૉ. રાવને તેમની સંસ્થાનું માનાર્હ સભ્યપદ અર્પણ કર્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે