રાવસાહેબ : ચલચિત્ર. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-વર્ષ : 1986. નિર્માતા : પેહલાજ બજાજ. દિગ્દર્શિકા : વિજયા મહેતા. કથા : જયવંત દળવી. છબિકલા : અદીપ ટંડન. સંગીત : ભાસ્કર ચંદાવરકર. મુખ્ય કલાકારો : અનુપમ ખેર, વિજયા મહેતા, નીલુ ફુલે, તન્વી, મંગેશ કુલકર્ણી.

જયવંત દળવીના એક લોકપ્રિય નાટક ‘બૅરિસ્ટર’ (1977) પર આધારિત આ ચિત્ર ભારતમાંની વિધવાઓની દયનીય સ્થિતિ પર પ્રકાશ ફેંકે છે. સામાજિક રૂઢિઓની પકડ સમાજમાં સુધારા ઇચ્છતા શિક્ષિતો પર પણ કેવી મજબૂત છે તે પણ આ ચિત્રમાં દર્શાવાયું છે. કથા 1920ના દાયકામાં મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં આકાર લે છે. રાવસાહેબ વિલાયતમાં અંગ્રેજી શિક્ષણ પામેલા વકીલ છે. અંગ્રેજો જેવી રહેણીકરણી તેમને પસંદ છે, પણ જુનવાણી ભારતીય સંસ્કારો પણ તેમને એટલા જ વીંટળાયેલા છે. તેઓ અપરિણીત છે અને પોતાના મોટા ભાઈ અને વિધવા પણ ઝિંદાદિલ માસી સાથે બાપદાદાના સમયની એક જૂની હવેલીમાં રહે છે. તેમનો એક ભાડવાત એક કચેરીમાં કારકુન છે. રાવસાહેબની મહેરબાનીથી ભાડવાત તેમની હવેલીની એક નાની ઓરડીમાં રહે છે. એક દિવસ ભાડવાત લગ્ન કરી પત્ની રાધિકાને લઈને હવેલીમાં આવે છે ત્યારે ત્યાં રોનક આવી જાય છે. રાધિકા આવતા વેંત સૌનાં દિલ જીતી લે છે. માસીને તેની સાથે સારું ગોઠી જાય છે. થોડા સમય પછી રાધિકાના પતિનું અવસાન થતાં ભરયુવાનીમાં તે વિધવા બને છે. બ્રાહ્મણ પરિવારમાં એક વિધવા પર લાદવામાં આવતાં નિયંત્રણો જ્યારે રાધિકા પર લાદવાનો તેના પિતા પ્રયાસ કરે છે અને તેને સફેદ કપડાં પહેરવા ઉપરાંત તેના કેશ મૂંડાવવાનો આગ્રહ રાખે છે, ત્યારે રાવસાહેબ તેનો વિરોધ કરે છે. વૈધવ્યની પીડા ભોગવી ચૂકેલાં માસી પણ રાવસાહેબને સાથ આપે છે, ત્યારે રાધિકા પોતાની જાતને સુરક્ષિત માને છે. બીજી બાજુ માસી એવું પણ ઇચ્છે છે કે રાવસાહેબ રાધિકા સાથે લગ્ન કરે. રાધિકા પણ ધીમે ધીમે રાવસાહેબના નિકટ સંપર્કમાં આવે છે. રાવસાહેબને પણ તેનો સાથ ગમે છે, પણ સામાજિક રિવાજોમાં તેઓ એવા જકડાયેલા છે કે પ્રગતિશીલ વિચારો ધરાવતા હોવા છતાં તેઓ એક વિધવા સાથે લગ્ન કરવાની હિંમત દાખવી શકતા નથી. રાવસાહેબને ભારતમાંના ઘણા એવા પ્રગતિશીલ સમાજસુધારકોના એક પ્રતીક તરીકે દર્શાવાયા છે, જેઓ જાહેરમાં તો વિધવાવિવાહ અને એવા બધા સામાજિક રિવાજો દૂર કરવાની વાતો કરતા હોય છે, પણ તેઓ પોતે તેને અમલમાં મૂકી શકતા નથી. આ ચિત્રને બે રાષ્ટ્રીય પારિતોષિકો મળ્યાં હતાં.

હરસુખ થાનકી