રાવલ, ઇન્દ્રશંકર

January, 2003

રાવલ, ઇન્દ્રશંકર (જ. 2 સપ્ટેમ્બર 1920, પોરબંદર; અ. 29 ઑગસ્ટ 2002, ગાંધીનગર) : સ્વાતંત્ર્યસેનાની, સંશોધક, વિદ્યાવ્યાસંગી અને અધ્યાત્મવાદી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સંસ્કારી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ખોડીદાસ એકેશ્વરવાદી શિવોપાસક, કમ્પાઉન્ડર; નૉન-મેટ્રિક છતાં અંગ્રેજી અને લૅટિનનો ભારે શોખ તથા ચિત્રકાર. વૈષ્ણવ પુદૃષ્ટિ સંપ્રદાયમાં માનનાર, ચુસ્ત ગાંધીભક્ત માતા ધનલક્ષ્મી ધારાસણા મીઠા સત્યાગ્રહમાં જોડાયેલાં અને ગોધરામાં ‘સ્ત્રી સેવામંડળ’ સ્થાપેલું.

ઇન્દ્રશંકર રાવલ

ઇન્દ્રશંકરનું પ્રાથમિક શિક્ષણ ગોધરામાં; માધ્યમિક શિક્ષણ વઢવાણ અને ધ્રાંગધ્રામાં. ત્યાં ‘પ્રમોદ’ સામયિકનું સંપાદન કરેલું. પિતાની પ્રેરણાથી કપડવંજમાં અખાડા-પ્રવૃત્તિ, લોકસેવા અને સંસ્કાર-પ્રવૃત્તિઓમાં જોડાયા, રવિશંકર મહારાજથી પ્રભાવિત થઈને મેટ્રિક પછી ગાંધીજીનું એલાન થતાં અભ્યાસને તિલાંજલિ આપી. ગ્રામ-સફાઈ, રાત્રિશાળા, પ્રૌઢશિક્ષણ, ભજનમંડળી દ્વારા લોકજાગૃતિનાં કાર્યોમાં સક્રિય થયા.

તે પછી તેમણે સૂરત જિલ્લાના દાંડી પાસે કરાડીમાં લગભગ 8 વર્ષ રાષ્ટ્રીય શાળાનું સંચાલન કર્યું અને સમાજસેવામાં વિતાવ્યાં. આઝાદીની લડતમાં સક્રિય બનતાં 1942માં ધરપકડ, 9 માસની સખત કેદ અને રૂ. 100ના દંડની સજા. 7 માસના સાબરમતી જેલમાંના કારાવાસ પછી મુક્તિ. 1943માં કરાડીમાં ભારત વિદ્યાલયના આચાર્ય તરીકે કામગીરી કરી. 1948માં બાપુની હત્યા થતાં તેમની ભસ્મનું દાંડીના દરિયામાં વિસર્જન કરાવ્યું.

ત્યારબાદ તેઓ દક્ષિણ ભારતના પ્રવાસે નીકળી પડ્યા. 1,500 માઈલનો પગપાળા પ્રવાસ ખેડ્યો. તે દરમિયાન મહર્ષિ અરવિંદ આશ્રમ, રમણ મહર્ષિ આશ્રમ, સ્વામી રામદાસના આનંદ આશ્રમથી માંડીને હોશ દુર્ગ, સ્વામી નિત્યાનંદ આશ્રમ કાલિકટ, આદ્ય શંકરાચાર્યની જન્મભૂમિ કાલડી, એર્નાકુલમ્, કોચીન, ત્રિવેન્દ્રમમાં અનંતશયનમ મંદિરમાં ત્રણ દ્વાર મારફત સંપૂર્ણ વિષ્ણુદર્શન વગેરે યાત્રા કરીને, કન્યાકુમારી, રામેશ્વર, શિવકાશી અને મદુરા વગેરે સ્થળોએ પરિવ્રાજક તરીકે સંતોના આશીર્વાદ મેળવ્યા, દર્શનથી કૃતાર્થ થયા અને અનેક ચિત્ર-વિચિત્ર અનુભવો મેળવી સ્વામી રામદાસની સૂચનાથી પાછા આનંદ આશ્રમ પહોંચ્યા. ત્યાં પશ્ચિમ ઘાટના પર્વતવાસી માદિગા અને પહિયા જાતિની ભારતીય રીતભાત પ્રમાણે સુધારણાનું એક કેન્દ્ર સ્થાપ્યું. વટાળપ્રવૃત્તિ અટકાવી અને ત્યાંના કર્મચારી ગણને જરૂરી તાલીમ આપી.

ત્યાંથી અમદાવાદ સાબરમતી હરિજન આશ્રમમાં જોડાયા. સંડાસનું સફાઈકામ, હરિજન કન્યાઓના પરિવેશમાં પરિવર્તન લાવી કન્યાશાળાનું સુંદર સંચાલન કર્યું. રોજ પૂજ્ય મોટાના દર્શને જતા. તેઓ ગુરુદયાળ મલ્લિકજીના સંપર્કમાં પણ આવ્યા (1945). અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બહારના વિદ્યાર્થી તરીકે હિંદી સાથે અંડર-ગ્રૅજ્યુએશન કર્યું અને એસ.ટી.સી.ની પદવી મળતાં આશ્રમની રિસર્ચ ટ્રેનિંગ કૉલેજમાં અધ્યાપક બન્યા.

થોડા વખતમાં ભાવનગર ખાતે બાર્ટન મ્યુઝિયમના ક્યુરેટર નિમાયા. તેમની દેખરેખ હેઠળ (1) બાર્ટન મ્યુઝિયમ, (2) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ અને (3) ચિલ્ડ્રન મ્યુઝિયમ ઉપરાંત હરિજન છાત્રાલય મુકાયાં. વળી તેમણે ગાંધી લાઇબ્રેરી, મહિલા લાઇબ્રેરી અને બાલ લાઇબ્રેરીનું સંચાલન કર્યું. સાથોસાથ મ્યુઝિયૉલૉજીનાં પુસ્તકો મંગાવી અભ્યાસ શરૂ કર્યો. તે દરમિયાન અમદાવાદ ખાતે યુનેસ્કો તરફથી વિશ્વના ઉત્તમ ફોટોગ્રાફોનું પ્રદર્શન ‘મ્યૂઝિક ઑવ્ લાઇફ’ યોજાયું તેમાંથી પ્રેરણા લઈને અને ‘વર્લ્ડ વી લિવ’ પુસ્તક્ધો નજર સમક્ષ રાખીને પ્રાણીઓનાં જીવાશ્મોથી માંડીને પથ્થરયુગનાં ઓજારો, મૃણ્મય પાત્રો, સિંધુ સંસ્કૃતિના અવશેષોની પ્રતિકૃતિ, સંબંધિત રાજાઓનાં ચિત્રો સહિત તેમના સમયના સિક્કાઓ, ચાંદીનાં ઘરેણાં, બખ્તર, હથિયારો વગેરેની વ્યવસ્થિત ગોઠવણી ને સમજૂતી સાથે મ્યુઝિયમને જીવંત બનાવ્યું. બાલસંગ્રહાલયમાં જળચર, સરીસૃપ, પક્ષીઓ-પ્રાણીઓ વગેરેનો ક્રમ વિકાસ પ્રમાણે ગોઠવીને વિવિધ દેશોની એલચી કચેરીઓ મારફત બાલ-ફિલ્મો મેળવી ગુજરાતી રૂપાંતર દ્વારા મ્યુઝિયમને લોકપ્રિય બનાવ્યું.

ત્યાંથી સંજોગવશાત્ રાજીનામું આપવાનું થતાં આદિવાસી સંગ્રહાલય તૈયાર કરવાનું નિમંત્રણ મળ્યું. ઠેર ઠેર ફરીને વિશિષ્ટ વસ્તુઓ એકઠી કરીને, વીડિયો લાઇબ્રેરી બનાવી, ફિલ્મો ઉતારી 1,500 ફોટાની લાઇબ્રેરીનું સર્જન કર્યું. પરિણામસ્વરૂપે ‘ગુજરાતનાં લોકવાદ્યો’ નામક પુસ્તક લખ્યું, જે ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમીએ પ્રગટ કર્યું. વડોદરાની મ્યૂઝિક કૉલેજમાં મ્યૂઝિક વિષય પર વ્યાખ્યાનો આપ્યાં. યુવકમહોત્સવમાં લોકવાદ્ય-સંગીતના નિર્ણાયક નિમાયા. તે દરમિયાન ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં જળચર જીવો પર લેખો લખ્યા. ‘ગુજરાતમાં વહેલ માછલી’ અંગે પુસ્તિકાની રચના કરી, જે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ દ્વારા પ્રસિદ્ધ થઈ. તે પછી નૅશનલ ફોટો ડૉક્યુમેન્ટેશન સેન્ટરમાં સંશોધન-અધિકારી તરીકે બે વર્ષ કામ કર્યું. તેઓ અંગ્રેજી, હિંદી, ગુજરાતી ઉપરાંત કોંકણી, મલયાળમ, કર્ણાટકી, પસ્તો અને ઉર્દૂ જેવી 8 ભાષાઓના જાણકાર હતા. તેઓ સિક્કાઓ અને શિલાલેખો પરની લિપિ વાંચી શકતા હતા.

તેમણે ગુજરાતમાં કુલ 7 સંગ્રહાલયો – જેમ કે ભાવનગર ખાતે આર્ટસ ઍન્ડ ક્રાફ્ટ્સ મ્યુઝિયમ, ચિલ્ડ્રન મ્યુઝિયમ; ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ટ્રાઇબલ રિસર્ચ મ્યુઝિયમ તથા આણંદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ ખાતે સરદાર પટેલના જીવન પર આધારિત 4 સંગ્રહાલયો સ્થાપ્યાં. જૂનાગઢમાં ‘આરઝી હકૂમતની લડત’નું સંગ્રહાલય બનાવ્યું. આખા ગુજરાતનો પ્રવાસ ખેડીને ‘ગુજરાતનાં લોકનૃત્યો’ નામક ગ્રંથ(અપ્રગટ)ની રચના કરી. આ ઉપરાંત ‘પાત્ર શબ્દાવલિ’ પુસ્તકની રચના કરી (198283) તથા જ્યોતીન્દ્ર જૈનના સહયોગમાં ધાતુપાત્ર સંગ્રહાલય તૈયાર કર્યું. છેલ્લે અમદાવાદમાં વાસણા ખાતે આવેલ ‘વિશાલા’ સંગ્રહાલયનું સુકાન તેમને સોંપવામાં આવ્યું, જેને તેમણે સંપૂર્ણ ગામઠી સ્વરૂપ આપીને એક અજોડ અને નમૂનેદાર સંગ્રહાલય તરીકે પ્રતિષ્ઠિત કર્યું (1994). એ પછી તેઓ ગાંધીનગર ખાતે સ્થિર થયેલા.

છેલ્લાં વર્ષોમાં સ્વાતંત્ર્યસૈનિક સહાયક સમિતિના સેક્રેટરી તરીકે તેમની નિમણૂક થઈ હતી. તેમણે અમદાવાદ ક્લેક્ટર કચેરીથી માંડીને સચિવાલય, ગાંધીનગર અને જરૂર પડ્યે દિલ્હીના ફેરા કરી ખૂબ જહેમત ઉઠાવી સ્વાતંત્ર્યસૈનિકોનું પેન્શન મંજૂર કરાવ્યું હતું.

1972માં પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીના વરદ હસ્તે તેમનું સ્વાતંત્ર્યસેનાનીનું તામ્રપત્ર ભેટ આપી બહુમાન કરવામાં આવેલું.

બળદેવભાઈ કનીજિયા