રાવલ, જનાર્દન (જ. 8 માર્ચ 1937, સુરેન્દ્રનગર) : જાણીતા સંગીતજ્ઞ અને પાર્શ્ર્વગાયક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ચૌધરી હાઇસ્કૂલ – રાજકોટ, ધર્મેન્દ્રસિંહ કૉલેજ – રાજકોટ અને સરકારી લૉ કૉલેજ  મુંબઈમાં લીધું. ત્યારબાદ 1961થી 1973 સુધી ગુજરાત રાજ્યની ચૅરિટી કમિશનરની કચેરીમાં કામ કર્યું. 1978થી 1994 સુધી ગુજરાત ડેરી વિકાસ નિગમ, ગાંધીનગર ખાતે જનસંપર્ક અધિકારીપદે સેવા આપી તેઓ નિવૃત્ત થયા.

તેમનાં માતુશ્રી કુસુમબહેન તથા તેમના પિતા માધવરાયના મોટા ભાઈ વસંતરાય પ્રાણશંકર તરફથી તેમને નાનપણથી સંગીતના સંસ્કાર અને પ્રોત્સાહન મળ્યાં.

શાળા-કૉલેજના સમયથી જ તેમને ગાયનનો શોખ હોવાથી 1960-61થી ગુજરાતી સુગમ સંગીતની પ્રવૃત્તિમાં સક્રિય બન્યા. અમદાવાદ ખાતે સુગમ સંગીતની પ્રતિષ્ઠિત સંસ્થા ‘શ્રુતિ’માં 1961થી જોડાયા અને સર્વશ્રી રાસબિહારી દેસાઈ, ગૌરાંગ વ્યાસ, ક્ષેમુભાઈ દિવેટિયા સાથે વર્ષો સુધી સક્રિય રહ્યા. 1970થી આકાશવાણી અમદાવાદ અને દૂરદર્શનના માન્ય કલાકાર તરીકે સ્થાન પામ્યા. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં પણ તેમની સભ્ય તરીકે નિયુક્તિ થઈ.

જનાર્દન રાવલ

1980માં ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’ અને 1984માં ‘આંખનાં રતન’માં શ્રેષ્ઠ પાર્શ્ર્વગાયક તરીકેનો ઍવૉર્ડ ગુજરાત સરકાર તરફથી પ્રાપ્ત થયો. તેઓ ભજનો અને ગઝલોની ગાયકીમાં નિપુણ છે. તેમનાં પત્ની જાણીતાં ગાયિકા હર્ષદા રાવલ સાથે ભારતનાં અનેક અગ્રણી શહેરોમાં અને વિદેશમાં સુગમ સંગીતના ઘણા કાર્યક્રમો તેમણે રજૂ કર્યા છે.

તેમણે સંસ્કાર ભારતી, ગુજરાત(અખિલ ભારતીય સંસ્થા)ના અધ્યક્ષ તરીકે તેમજ સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગ, ભારત સરકાર, નવી દિલ્હી સંચાલિત ‘નિષ્ણાત સમિતિ’(expert committee)ના સભ્ય તરીકે કામગીરી કરી છે.

સુગમ સંગીતના ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન બદલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી તેમને 1998-99ના વર્ષનો ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા