રાવત, બચુભાઈ (જ. 27 ફેબ્રુઆરી 1898, અમદાવાદ; અ. 12 જુલાઈ 1980, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક. બચુભાઈનું મૂળ નામ ઉમેદસિંહ, પરંતુ ઘરમાં બધા લાડમાં બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનનું નામ પણ એ જ થઈ ગયું. બચુભાઈએ થોડું પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું, પરંતુ તે સમયના ગોંડલ રાજ્યમાં પિતાની નોકરી હોવાથી ત્યાં રહેવા ગયા અને મેટ્રિક સુધીનું શિક્ષણ ગોંડલમાં જ લીધું. બચુભાઈના વડવાઓ પાંચ પેઢીથી દેશી રજવાડાની સેવામાં હતા.
મેટ્રિક પાસ કર્યા પછી કૉલેજમાં અભ્યાસ કરવાની બચુભાઈની તાલાવેલી હતી, પરંતુ પિતાજીનો આદેશ માથે ચઢાવી 1915માં ગોંડલની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. નાનપણથી જ વાંચનના જબરા શોખીન બચુભાઈએ 1919 સુધીની શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાન પુષ્કળ વાંચન કર્યું એટલું જ નહિ, પરંતુ કલા અને સાહિત્ય પ્રત્યે વિશેષ રુચિ કેળવી.
બહુમુખી પ્રતિભા ધરાવતા બચુભાઈને ગોંડલમાં ભારે અકળામણ થતી અને અમદાવાદ જવા હંમેશાં તત્પર રહેતા. 1920માં તેમને આ મોકો મળી ગયો અને ‘સસ્તું સાહિત્ય’માં જોડાયા. તે દરમિયાન મુંબઈમાં હાજી મહમ્મદ ‘વીસમી સદી’ નામનું માસિક ચલાવતા. તેમાં જોડાવા માટે બચુભાઈ મુંબઈ પહોંચ્યા, પરંતુ હાજી મહમ્મદનું અવસાન થતાં ‘વીસમી સદી’ બંધ પડ્યું અને જુલાઈ 1922માં ‘નવજીવન પ્રકાશન મંદિર’માં કામગીરી શરૂ કરી.
બચુભાઈ ગોંડલમાં હતા ત્યારથી કલાગુરુ રવિશંકર રાવળના પરિચયમાં આવેલા. તે ઉપરાંત તેઓ ‘જ્ઞાનાંજલિ’ નામનું હસ્તલિખિત માસિક, ‘ધ્વનિ’ નામનું હસ્તલિખિત સાપ્તાહિક અને ‘નેપથ્યમાંથી’ નામનું હસ્તલિખિત અનિયતકાલીન સામયિક ચલાવતા, તેનાથી રવિશંકર રાવળ ઘણા પ્રભાવિત થયા હતા. શ્રી રાવળ પોતે ગુજરાતના કિશોરો-યુવાનો માટે એક સામયિક શરૂ કરવા સતત વિચાર કર્યા કરતા કેમ કે તે અરસામાં લગભગ તમામ વર્ગ માટે સામયિકો હતાં, પરંતુ કિશોરો અને યુવાનો માટે નહોતાં. શ્રી રાવળના એક મિત્ર મસ્તરામ પંડ્યાના પરિચિત કિશોરો અનંત અને ઉપેન્દ્ર તે સમયે ‘કુમાર’ નામનું એક હસ્તલિખિત ગૃહમાસિક ચલાવતા. રવિશંકર રાવળને ‘કુમાર’ નામ ગમી ગયું અને 1924ના જાન્યુઆરીમાં ‘કુમાર’નો પ્રારંભ થયો. ‘વીસમી સદી’ની સચિત્રતાના ઢાંચા પર શરૂ થયેલું આ માસિક ક્રમશ: વિકસતું જઈને કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, રમતગમત અને અન્ય અનેક વિષયોને આવરી લઈ વિશ્વકોશીય સ્વરૂપ પામ્યું. 1943માં રવિશંકર રાવળે કુમારને સમેટી લેવાનો વિચાર કર્યો ત્યારે તેનું ‘કુમાર કાર્યાલય લિ.’માં રૂપાંતર થયું અને બચુભાઈ રાવત તેના તંત્રી બન્યા. એમના નેજા નીચે મુદ્રણકલા અને રજૂઆતના અવનવા પ્રયોગો સાથે કુમારનું પ્રકાશન વધુ સત્વશીલ બનતું ગયું.
બચુભાઈ રાવત ‘કુમાર’ના પ્રારંભથી 1980માં તેમના અવસાન સુધી તેની સાથે જોડાયેલા રહ્યા.
બચુભાઈએ 82 વર્ષની જિંદગીમાં ગુજરાતને પત્રકારત્વ ક્ષેત્રે નમૂનેદાર માસિક આપીને નવી પેઢીના ઉછેર માટેનું સક્ષમ સાધન પૂરું પાડ્યું છે, જે આજે (2003) પણ સંસ્કારસિંચનનું કામ કરી રહ્યું છે. ‘કુમાર’ના પત્રકારત્વ માટે 1948માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. 1953માં મુંબઈ રાજ્ય દ્વારા ગુજરાતી લિપિ સુધારણા સમિતિ બનાવી હતી. તેમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1954માં મુંબઈ રાજ્યે બચુભાઈની પ્રતિભાનું યોગ્ય સન્માન કર્યું અને ગવર્નર દ્વારા રાજ્યની વિધાનપરિષદમાં તેમની છ વર્ષ માટે નિમણૂક થઈ હતી. આ પછી ભારત સરકારે બચુભાઈ રાવતને 1975માં ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજ્યા હતા.
અલકેશ પટેલ