રાવ પૂંજો (શાસનકાળ ઈ. સ. 1404-1428) : ઇડરના રાવ રણમલ્લનો પુત્ર. તે પિતાના જેવો જ પરાક્રમી, શૂરવીર ને મહત્વાકાંક્ષી હતો. તે ગાદીએ બેઠો ઈ. સ. 1404માં. એણે અહમદશાહ 1લા સામે બળવો કરનારા અમીરોને સાથ આપ્યો. બળવાખોર ફીરોજખાન અને તેનો ભાઈ હેબતખાન છ હજારના સૈન્ય સાથે રાવ પૂંજા સાથે ભળી ગયા. ઇડરથી થોડે દૂર આવેલા લશ્કરી મથક મોડાસાને બળવાખોરોએ કેન્દ્રસ્થળ બનાવતાં સુલતાને ખુદ તેના પર ચડાઈ કરી. પ્રારંભમાં તેમણે સુલેહથી ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો. બળવાખોરોને શરણે આવી જવા સમજાવ્યા, પણ ન માનતાં અંતે સુલતાને કિલ્લા ઉપર આક્રમણ કરી તે જીતી લીધો. મોડાસા પતનના સમાચાર જાણી ફીરોજખાન અને રાવ ઇડર આવી કિલ્લામાં ભરાઈ ગયા, પણ અંતે સુલતાન સાથે સમાધાન કરી ખંડણી ભરવાનું વચન આપતાં સુલતાન પાછો ફર્યો. સુલતાન અહમદશાહની વધતી જતી હિન્દુ વિરુદ્ધની પ્રવૃત્તિનો ઈ. સ. 1416માં ઇડર, ચાંપાનેર, ઝાલાવાડ, નાંદોદ (રાજપીપળા) વગેરે હિન્દુ રાજ્યોના રાજાઓએ સંયુક્તપણે સામનો કરવા એક મિત્રસંઘની સ્થાપના કરી; પરંતુ ટૂંક સમયમાં તે સંઘ તો વિખેરાઈ ગયો; પણ રાવે આમાં મહત્વનો ભાગ લીધેલો હોઈ તે સુલતાનની કાળી યાદીમાં આવી ગયો ! સામાન્ય સંજોગોમાં રાવ સુલતાનને ખંડણી આપતો, પણ સુલતાનના માળવા-વિજય અભિયાન દરમિયાન ખંડણી ભરવાનું બંધ કરી ખટપટ કરતાં સુલતાને ઈ. સ. 1426માં ઇડર પર આક્રમણ કર્યું. રાવને ઇડર છોડી નાસવું પડ્યું. રાવ (ઇડર) પર કાયમી નજર ને દબાણ રાખવા બીજા વર્ષે સુલતાને ઇડર નજીક હાથમતી નદીના કિનારે અહમદનગર(વર્તમાન હિંમતનગર)ની સ્થાપના કરી. આજુબાજુના નિર્દોષ લોકોને ત્રાસ આપવા માંડતાં રાવે સુલતાનની સેના પર છૂપા હુમલા શરૂ કર્યા. આવા એક હુમલા પછી નાસતો રાવ એક કોતર આગળ જઈ ચડ્યો ને ઊંડી ખીણમાં પડી મૃત્યુ પામ્યો. આ પછી સુલતાને ઇડરનો કબજો લઈ લીધો. આ રાવને નારાયણદાસ અને ભાણ નામના બે પુત્ર હતા. ઇડરના રાઠોડ વંશમાં આ સિવાય પણ બે રાવ પૂંજા થયા છે. રાવ ભારમલનો પુત્ર રાવ પૂંજો (અ. ઈ. સ. 1552) અને રાવ પૂંજો ત્રીજો (ઈ. સ. 1658).

હસમુખ વ્યાસ