રામચરણ (જ. 1719, સૂરસેન, રાજસ્થાન; અ. 1798) : રામસનેહી સંપ્રદાયના સ્થાપક સંત. પૂર્વ કાળનું નામ રામકૃષ્ણ. વૈશ્ય પરિવારમાં જન્મ. મોટા થયે જયપુરના દરબારમાં નોકરી લીધી. 21મે વર્ષે એક ઘટનાથી જીવનપલટો આવ્યો. સ્વપ્નમાં પોતે નદીમાં તણાતા હતા ત્યારે કોઈ સાધુએ બચાવી લીધાનું દૃશ્ય જોયું. ઘર છોડી એ સાધુને શોધવા નીકળી પડ્યા. ઘણા દિવસ બાદ એક વાર મેવાડના દાંતડા ગામે એ સાધુનો ભેટો થયો અને તેમની શરણાગતિ સ્વીકારી. સાધુ કૃપારામે રામકૃષ્ણને દીક્ષા આપી અને નવું નામ ‘રામચરણ’ આપ્યું. સત્તર વર્ષ સુધી રામચરણે એકાંત ગુફાવાસ કરી ઉગ્ર તપસ્યા કરી. દરમિયાનમાં અનેક પદો રચ્યાં. તેમણે 1768માં ‘રામસનેહી’ નામે સ્વતંત્ર સંપ્રદાય સ્થાપ્યો અને લોકોમાં પોતાના સિદ્ધાંતોનો ઉપદેશ કરવા લાગ્યા.

સાધુ રામચરણને મતે રામ જ પરબ્રહ્મ પરમાત્મા છે. પરમાત્મા પોતે નિરાકાર, નિર્ગુણ અને સર્વશક્તિમાન છે. તેઓ સૃષ્ટિ, સ્થિતિ અને લયના કર્તા છે. જીવાત્મા પરમાત્માનો અંશ છે. પરમાત્માની ઇચ્છા વિના જીવ કંઈ કરી શકતો નથી. પરમાત્મા જે પરિસ્થિતિમાં રાખે તેમાં માણસે પ્રસન્ન થઈ રહેવું જોઈએ. ગુરુ પરમાત્માનું પ્રત્યક્ષ રૂપ છે, તેથી ગુરુનું ધ્યાન કરવું જોઈએ. ગુરુની અનુપસ્થિતિમાં તેમના નખ, કેશ કે વસ્ત્રને નમસ્કાર કરવા જોઈએ. આ પંથમાં સ્ત્રીઓ પતિની અપેક્ષાએ ગુરુને શ્રેષ્ઠ માને છે. નિર્ગુણ રામનું નામસ્મરણ કરવું એ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે. રામનામ તારકમંત્ર છે. તે સદગુરુ પાસેથી મેળવવો જોઈએ. પદ્માસન વાળીને મનને સ્થિર કરીને મંત્રજપ દ્વારા રામ પ્રત્યેનો વિરહભાવ જાગ્રત કરવાની તેમાં હિમાયત છે. નિરંતર નામસ્મરણ કરવાથી સાધકની દશા વિરહી મનુષ્ય જેવી થાય છે. તેને પછી રામનામ અને રામકીર્તન સિવાય બીજા કશામાં રસ પડતો નથી. શરીરની સૂધ પણ રહેતી નથી. છેવટે રામનામ હૃદયમાં ઊતરી જતાં ત્યાં પરમાત્માની અલૌકિક જ્યોતિ પ્રગટી નાભિકમલમાં વિરામ પામતી અનુભવાય છે. ત્યારપછી નાભિકમલમાંથી એક પ્રકારનો ગુંજારવ ચાલુ થઈ જાય છે. તેનાથી બધી નાડીઓ ઝંકૃત થાય છે. રોમેરોમમાં એ ધ્વનિ વ્યાપે છે. તે ધ્વનિ સુષુમ્ણા નાડી દ્વારા ગ્રંથિઓ ભેદીને સહસ્રાર ચક્ર સુધી પહોંચે છે ત્યારે સાધક ત્રિકુટીના સંગમમાં સ્નાન કરી તુરીય સ્થિતિમાં પહોંચે છે. ત્યાંથી શૂન્યશિખરની પાર નિરંજન જ્યોતિનાં દર્શન કરે છે, ત્યારે સુષુમ્ણા નાડીમાંથી અમૃતરસ ઝરવા લાગે છે અને તેનો આસ્વાદ થવા લાગે છે. એ સુખનું વર્ણન શબ્દાતીત હોય છે.

રામચરણજીના ઉપદેશો અને સિદ્ધાંતો 36,250 જેટલાં પદ્યોમાં સંગૃહીત છે. ‘શ્રીરામચરણજી મહારાજ કી અભણૈ વાણી’ નામે પ્રગટ થયેલ એ સંકલન-ગ્રંથમાં ગુરુમહિમા, નામપ્રતાપ, શબ્દપ્રકાશ, અભણૈવિલાસ, વિશ્વાસબોધ, રામરસાયણબોધ, પંડિતસંવાદ વગેરે વિષયોનું સૂક્ષ્મ નિરૂપણ થયેલું છે. રામચરણજીને 225 શિષ્યો હતા. તે પૈકીના રામજન, દુલ્હારામ અને ચત્રદાસની કાવ્યરચનાઓ મળે છે.

રામસનેહી સંપ્રદાયના અનુયાયીઓમાં ગૃહસ્થ અને સાધુ એવા ભેદ છે. સાધુઓમાં મૌની અને વિદેહી કે વંદિહી એવા ભેદ પણ છે. મૌની સાધુઓ બાર વર્ષ સુધી મૌન પાળે છે અને તે ગાળા દરમિયાન કેવળ દૂધ પીએ છે. વંદિહી સાધુઓ નગ્ન રહેતા કે લંગોટી ધારણ કરતા હોય છે.

આ પંથના અનુયાયીઓ સવારે, બપોરે અને સંધ્યાકાળે રામની પ્રાર્થના કરે છે. તેમના પ્રાર્થનામઠને ‘રામદ્વારા’ કહે છે. તેમનો મુખ્ય મઠ શાહપુરામાં આવેલો છે. આ ઉપરાંત દાંતડા ગલતા, જયપુર અને ઉદયપુરમાં પણ રામદ્વારા આવેલા છે. ફાગણ મહિનામાં શાહપુરામાં ફૂલડોલ નામનો ઉત્સવ થાય છે ત્યારે બધા રામસનેહી એકઠા થાય છે. રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ આ સંપ્રદાયનો પ્રસાર થયેલો જણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ