રામગુપ્ત (ઈ. સ.ની ચોથી સદી) : ગુપ્ત વંશના સમ્રાટ સમુદ્રગુપ્તનો વારસદાર અને જ્યેષ્ઠ પુત્ર. સમ્રાટ સમુદ્રગુપ્તનું શાસન ઈ. સ. 375માં પૂરું થયું, ત્યારબાદ ગુપ્ત વંશાવળી અનુસાર ચંદ્રગુપ્ત બીજો ગાદીએ બેઠો; પરંતુ કેટલાક વિદ્વાનોના મતાનુસાર સમુદ્રગુપ્ત પછી રામગુપ્તે પાંચ વર્ષ રાજ્ય કર્યું હતું અને ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો સમ્રાટ બન્યો.

વિશાખદત્તે ‘देवीच-द्रगुप्तम्’ નામનું નાટક સંસ્કૃત ભાષામાં લખ્યું છે. તે ગ્રંથ હવે ઉપલબ્ધ નથી, પરંતુ રામચંદ્ર અને ગુણચન્દ્રે તે નાટકનો બીજો અંક ‘नाट्यदर्पण’માં ઉતાર્યો છે. તેના ઉપરથી રામગુપ્ત થઈ ગયાની માહિતી મળે છે. વિશાખદત્તે લખેલ નાટકના કેટલાક ઉતારા ઈ. સ.ની 11મી સદીમાં થઈ ગયેલા ધારાનગરીના રાજા ભોજના ‘शृंगारंप्रकाशं’માંથી પણ મળે છે. તેમાં જણાવ્યું છે કે સ્ત્રીવેશધારી ચંદ્રગુપ્તે શક રાજાનો વધ કર્યો

બાણભટ્ટના લખેલા ‘हर्षचरित’માં જણાવ્યું છે કે, ‘ચન્દ્રગુપ્ત સ્ત્રી- વેશમાં ગયો અને શક રાજાનો વધ કર્યો. તે શક રાજા કોઈના રાજ્યની તથા તેની રાણીની ઇચ્છા રાખતો હતો.’

ઉપર્યુક્ત કથાઓને અનુસરીને થયેલા અન્ય ઉલ્લેખો પણ પ્રાપ્ત થયા છે. રાજશેખરે ‘काव्यमीमांसा’માં શક રાજા તથા રામગુપ્ત(શર્મગુપ્ત)ની વાત કરી છે. રાષ્ટ્રકૂટ વંશના શાસક અમોઘવર્ષ પ્રથમના એક તામ્રપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ દાનવીર ગુપ્ત રાજાએ (નામ આપ્યું નથી) પોતાના ભાઈનું સિંહાસન લઈ લીધું અને ભાભી સાથે લગ્ન કર્યું.

ઉપરના બધા ઉલ્લેખો જોતાં રામગુપ્તની વાત અસ્વીકાર્ય લાગતી નથી.

રામગુપ્તની કથાનો સાર નીચે મુજબ છે :

સમુદ્રગુપ્ત પછી તેનો જ્યેષ્ઠ પુત્ર રામગુપ્ત ગાદીએ બેઠો. તેની પત્નીનું નામ ધ્રુવદેવી હતું. શક જાતિના રાજા (નામ આપ્યું નથી) સાથેની લડાઈમાં તે એવો ઘેરાઈ ગયો અને મુશ્કેલ સ્થિતિમાં મુકાયો કે તેની પ્રજાનું રક્ષણ કરી શક્યો નહિ. તેથી તેની રાણી ધ્રુવદેવી શક રાજાને સોંપી દેવા તે કબૂલ થયો. તેના ભાઈ ચન્દ્રગુપ્તે માનભંગ થાય એવા આ કાર્યનો સખત વિરોધ કર્યો. તે અધમ શક રાજાની હત્યા કરવા ધ્રુવદેવીના વેશમાં દુશ્મનની છાવણીમાં ગયો અને શક રાજાનો વધ કર્યો. આ રીતે ચંદ્રગુપ્તે સામ્રાજ્ય અને કુળની પ્રતિષ્ઠા બચાવી લીધાં. આ બનાવથી પ્રજા તથા ધ્રુવદેવી સમક્ષ ચન્દ્રગુપ્તનું માન તથા પ્રતિષ્ઠા ખૂબ વધ્યાં. રામગુપ્તે તેનું માન અને આબરૂ ગુમાવ્યાં. તેનાથી બે ભાઈઓ વચ્ચે દ્વેષ પેદા થયો. ચન્દ્રગુપ્તને લાગ્યું કે રામગુપ્ત તેનો વધ કરવાની યોજના ઘડે છે. એટલે તેણે ગાંડપણનો ઢોંગ કરીને રામગુપ્તને મારી નાખ્યો. ચન્દ્રગુપ્ત સમ્રાટ બન્યો અને તેણે ધ્રુવદેવી સાથે લગ્ન કર્યાં.

આ રસપ્રદ વાર્તાને કેટલી ઐતિહાસિક માનવી તે નક્કી કરવાનું કામ કઠિન છે. ગુપ્ત સમયના સમકાલીન રેકર્ડમાં રામગુપ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તે સૂચવે છે કે સમુદ્રગુપ્ત પછી તરત જ ચંદ્રગુપ્ત બીજો ગાદીએ બેઠો હતો. ગુપ્ત સમયના અસંખ્ય સિક્કા મળ્યા છે, પરંતુ તેમાં રામગુપ્તનો કોઈ સિક્કો મળ્યો ન હતો. થોડાં વર્ષો પહેલાં ભિલસા તથા અન્ય સ્થળેથી રામગુપ્તના સિક્કા મળ્યા છે, તે માળવાના કોઈ સ્થાનિક રાજાના હશે એવો પણ અભિપ્રાય છે.

ઇતિહાસના અનેક વિદ્વાનોએ આ પ્રસંગની ચર્ચા કરી છે, તેમાં એ. એસ. આલ્તેકર, ડી. આર. ભાંડારકર, કે. પી. જયસ્વાલ, વિન્ટરનિત્ઝ, વી. વી. મિરાશી વગેરે ઉલ્લેખનીય છે.

જયકુમાર ર. શુક્લ