રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 :

January, 2003

રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 : ઇંગ્લૅન્ડના તાજની ભારત માટેની નીતિવિષયક જાહેરાત. 1857ના વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઇંગ્લૅન્ડના તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો અને લૉર્ડ કૅનિંગ ભારતના પ્રથમ વાઇસરૉય અને ગવર્નર-જનરલ બન્યા. વાઇસરૉય લૉર્ડ કૅનિંગે 1 નવેમ્બર, 1858ના રોજ ભારતના રાજાઓનો અલ્લાહાબાદ મુકામે દરબાર ભર્યો અને તેમાં રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો વાંચી સંભળાવ્યો. આ ઢંઢેરામાં જણાવવામાં આવેલું કે 1858ના કાયદામાં નિર્દેશ કર્યા અનુસાર કંપનીના ભારતના પ્રદેશો ઉપર હવે પછી ઇંગ્લૅન્ડની સરકાર શાસન કરશે. દેશના રાજાઓ સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવેલા કરારોનો ઇંગ્લૅન્ડની સરકાર સ્વીકાર અને તેનું પાલન કરશે. વળી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તા હેઠળના હાલના પ્રદેશોનો ઇંગ્લૅન્ડની સરકાર વિસ્તાર નહિ કરે તેમ જ રાજાઓનાં અધિકારો, પ્રતિષ્ઠા તથા માન સાચવશે. વળી ઇંગ્લૅન્ડની સરકાર રાજાઓનો દત્તક લેવાનો અધિકાર માન્ય રાખશે અને તેમના પ્રદેશો ખાલસા નહિ કરે. વળી ઇંગ્લૅન્ડની સરકાર દ્વારા જ્ઞાતિ, જાતિ વગેરેના ભેદભાવ વિના લોકોને યોગ્યતાના ધોરણે નોકરીઓમાં રાખવામાં આવશે. દેશના લોકોને બાહ્ય આક્રમણથી રક્ષણ આપવામાં આવશે તથા આંતરિક શાંતિ જાળવવામાં આવશે. વળી લોકોની ધાર્મિક બાબતમાં પણ સરકાર દ્વારા કોઈ પણ જાતની દરમિયાનગીરી કરવામાં આવશે નહિ. કાયદા ઘડતાં અગાઉ લોકોનાં રિવાજો, પ્રણાલિકાઓપરંપરાઓને ધ્યાનમાં લેવામાં આવશે અને કાયદા સમક્ષ બધા લોકોને સમાન ગણવામાં આવશે. 1857ના વિપ્લવમાં ભાગ લીધો હોય, પરંતુ બ્રિટિશરોના ખૂનના આરોપી ન હોય તેવા ભારતીયોને માફી આપવામાં આવશે.

ભારતના બંધારણીય ઇતિહાસમાં 1858નો રાણી વિક્ટોરિયાનો આ ઢંઢેરો સીમાચિહ્ન સમાન છે. ઉપરની જાહેરાત દ્વારા ઇંગ્લૅન્ડના તાજે રાજાઓના મનમાં રહેલો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો.

જયકુમાર ર. શુક્લ