રાજચંદ્ર, શ્રીમદ્ (જ. 9 નવેમ્બર 1867, વવાણિયા, સૌરાષ્ટ્ર; અ. 9 એપ્રિલ 1901, રાજકોટ) : વીસમી સદીના એક અધ્યાત્મપ્રકાશપુંજ અને મહાત્મા ગાંધીના ગુરુ. આ જૈન સાધુપુરુષનું સંસારી નામ રાયચંદ રવજીભાઈ મહેતા હતું. બાળપણમાં જ સાત વર્ષની વયે તેમને જાતિસ્મરણ (પૂર્વભવનું) જ્ઞાન થયેલું. તેમના એક વડીલ શ્રી અમીચંદભાઈનું સર્પદંશથી એકાએક મૃત્યુ થતાં, સ્મશાનમાં તેમની બળતી ચિતાને જોઈને, ઊંડી વિચારદશામાં ઊતરી જતાં તેમની પ્રજ્ઞા પ્રકાશી ઊઠી અને આગલા ભવો તેમને પ્રત્યક્ષ થયા. આ વાત તેમણે સ્વમુખે પદમશી ઠાકરશી નામના કચ્છી જિજ્ઞાસુને મુંબઈ ભુલેશ્વર દિ. જૈન મંદિરમાં કહી સંભળાવી હતી. 16 વર્ષની ઉંમરથી તેઓ અવધાન કરતા હતા. રાષ્ટ્રીય સ્તરે તેમને ઓળખાવનાર શતાવધાનના પ્રયોગો, તેમણે 19 વર્ષની ઉંમરે મુંબઈ હાઈકોર્ટના તે વખતના વડા ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સાર્જન્ટ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા બુદ્ધિજીવીઓની ઉપસ્થિતિમાં કરેલા; જેની નોંધ ભારતના અગ્રણી અખબારો, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’, ‘મુંબઈ સમાચાર’, ‘જામે જમશેદ’, ‘સ્પૅક્ટેટર’ વગેરેએ પણ લીધી હતી અને તેમને ‘સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ મળેલ. તેમને શુદ્ધ આત્મજ્ઞાન(સમકિત)નો પ્રકાશ 24 વર્ષની ઉંમરે લાધ્યો. એ પછી વધારે નિવૃત્તિ લઈને તેઓશ્રીએ રાળજ, વડવા, ખંભાત, વસો, ઈડર, કાવિઠા, ઉત્તરસંડા, ધર્મજ, નડિયાદ, આણંદ, ખેડા, સાયલા, તિથલ આદિ અનેક સ્થળોએ એકાંત ચિંતન-ધ્યાન-મૌનની સાધના કરેલી.

શ્રીમંદ્ રાજચંદ્ર

તેમની લોકોત્તર-સ્મરણશક્તિ અને શાસ્ત્રાભ્યાસ પ્રશંસાપાત્ર હતા. વિદ્યાર્થી-અવસ્થામાં તેઓ એકપાઠી હતા અને આ શક્તિ ધીમે ધીમે વર્ધમાન અને નિર્મળ થતાં તેઓ આ શતાવધાન કરવાની દશા સુધી પહોંચ્યા હતા. તેમનું શાસ્ત્રજ્ઞાન અતિ વિશાળ હતું. તેમણે અવગાહેલા 135 ગ્રંથોની યાદી ‘શ્રીમદની જીવનસિદ્ધિ’ નામના ગ્રંથમાં આપેલી છે. સંસ્કૃત, પ્રાકૃત તથા વિદેશની કેટલીય ભાષાઓનું તેમનું જ્ઞાન ખરેખર સૌ કોઈને વિસ્મય પમાડે તેવું હતું.

શ્રીમદ્જી જન્મજાત કવિ હતા. જોકે તેમની કવિતામાં મુખ્યપણે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સાચું સુખ આદિ આધ્યાત્મિક વિષયો રહ્યા છે. જોકે સ્ત્રીનીતિબોધક, ધર્મેતર પદ્યકૃતિઓ અને યોગસાધના-વિષયક કાવ્યો પણ તેમાં દૃષ્ટિગોચર થાય છે. તેઓશ્રીના સાહિત્યસર્જનમાં મુખ્યત્વે આધ્યાત્મિક ગદ્યપદ્ય સાહિત્યનો સમાવેશ થાય છે. વળી તેમાં જિજ્ઞાસુઓ અને ભક્તજનો પર લખાયેલું પત્રસાહિત્ય – લગભગ 900 પત્ર જેટલું  પણ છે.

સર્વ લખાણોમાં ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ શિરમોર છે. ષડ્દર્શનના સારસ્વરૂપ, સર્વોપયોગી શાસ્ત્ર, ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’, જે 142 દોહામાં પદ્ય રૂપે નિબદ્ધ થયેલ છે તે અધ્યાત્મસાધકોને સાદી ગુજરાતી ભાષામાં ષડ્દર્શનના સારસ્વરૂપે ગુરુશિષ્ય-સંવાદ રૂપે પરમ સત્યના સાક્ષાત્કાર માટે અધિકૃત અને અનુભવસિદ્ધ ઉત્તમ પાથેય પૂરું પાડે છે. જાતિ-વેશના ભેદ, ક્રિયાકાંડોનો હઠાગ્રહ, ગચ્છ-મત-સંપ્રદાયના આગ્રહો વગેરે અનેક પ્રકારના સાધકનાં સંશયો અને વિડંબનાઓનું નિષ્પક્ષપણે નિરસન કરીને સહજ, સરળ, આત્મશુદ્ધિરૂપ શાશ્વત મોક્ષમાર્ગને તેઓશ્રીએ પોતાની બહુમુખી પ્રતિભા, લોકોત્તર પ્રજ્ઞા, આત્માનુભૂતિ અને કાવ્યચમત્કૃતિથી સરળ સ્વરૂપમાં રજૂ કરીને ગુજરાતી ભાષાનું પણ ગૌરવ વધાર્યું છે અને જિજ્ઞાસુ-સાધકો પર મહાન ઉપકાર કર્યો છે. ઈ. સ. 2002માં  સાત ભાષાઓમાં અનૂદિત થયેલો ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ ગ્રંથ બૅંગાલુરુની ‘વર્ધમાન ભારતી’ સંસ્થા તરફથી બહાર પડેલ છે.

તેમણે પરમ શ્રુત પ્રભાવક મંડળની સ્થાપના મુંબઈ મુકામે ઈ. સ. 1900માં કરી. આ સંસ્થા દ્વારા ઉચ્ચ કોટિનું જૈન સાહિત્ય અને આધ્યાત્મિક પાથેય ગુજરાતી/હિંદી/અંગ્રેજી/સંસ્કૃત/પ્રાકૃત ભાષા-ઓમાં જિજ્ઞાસુ-અભ્યાસીઓને ઉપલબ્ધ થયેલ છે. તેમનાં અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલાં કુલ પુસ્તકોની સંખ્યા 117ની છે; જેમાંનાં મોટા ભાગનાં ગુજરાતી અને હિંદીમાં છે. હાલ, આ સંસ્થાનું સંચાલન અગાસસ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ દ્વારા કરવામાં આવે છે.

તેમના મુખ્ય શિષ્યરત્નો અને અન્ય વિશેષ પ્રભાવિત વ્યક્તિઓમાં પરમ સખા શ્રી સૌભાગ્યભાઈ, સાયલા; પૂજ્ય સર્વ શ્રી લઘુરાજ સ્વામી, શ્રી દેવકરણજી, શ્રી મેહનલાલજી આદિ સાત મુનિઓ; શ્રી અંબાલાલભાઈ, ખંભાત; શ્રી જૂઠાભાઈ ઊજમશીભાઈ, અમદાવાદ; શ્રી પોપટભાઈ (ભાઈશ્રી), અમદાવાદ અને મહાત્મા ગાંધીજીનો સમાવેશ થાય છે.

આ મહાનુભાવો તો શ્રીમદ્જીના ગાઢ અને પ્રત્યક્ષ વ્યક્તિગત સંપર્કમાં આવેલા; પરંતુ આ ઉપરાંત પણ બીજા જે મહાનુભાવો તેમના થકી વિશેષ લાભાન્વિત થયા; તેમાં શ્રી મનસુખભાઈ મહેતા (મોરબી), પં. ગોપાલદાસજી બરૈયા, પં. સુખલાલજી, શ્રી ત્રિભોવનદાસ (ખંભાત), શ્રી કુંવરજી આણંદજી આદિ અનેકનો સમાવેશ થાય છે.

તેઓશ્રીના નામ સાથે જોડાયેલી લગભગ 53 સંસ્થાઓ છે. મોટાભાગની ગુજરાતમાં છે. તેમાં મુખ્ય સક્રિય સંસ્થાઓ અગાસ, કોબા, ધરમપુર, અમદાવાદ (પાલડી), ઈડર, સાયલા, બાંધણી, રાજકોટ, મોરબી, ઘાટકોપર, ખંભાત, સીમરડા અને કાવિઠા મુકામે આવેલ છે.

તેમણે 33 વર્ષના ટૂંકા આયુષ્યમાં, નિષ્પક્ષપણે તેઓેએ પોતાના જીવન અને કવન દ્વારા આત્મજ્ઞાનપ્રાપ્તિનો માર્ગ સત્યના સૌ જિજ્ઞાસુઓને ચીંધ્યો છે અને એક યુગપ્રવર્તક ભારતીય જૈન સંત તરીકે પોતાની જાતને પોતાના બહુમુખી અને ઉદાર વ્યક્તિત્વથી સહજપણે સ્થાપિત કરી છે.

આત્માનંદજી