રાઇડ, સૅલી (ક્રિસ્ટન) (જ. 1951, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી. તેમણે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ટેનિસનાં ખેલાડી તરીકે રાષ્ટ્રકક્ષાનાં વિજેતાનું સ્થાન પામ્યાં; પરંતુ આજીવન ખેલાડીની કારકિર્દી તેમને પસંદ ન હતી.

નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA) તરફથી 1978માં તેઓ અવકાશયાત્રા માટેનાં ઉમેદવાર તરીકે પસંદગી પામ્યાં. ભ્રમણકક્ષામાં મુકાયેલ ‘ચૅલેન્જર’માં 6 દિવસના અવકાશપ્રવાસ માટે તેઓ 1983માં પસંદ થયાં હતાં.

મહેશ ચોકસી