રમણ મહર્ષિ (જ. 30 ડિસેમ્બર 1879; તિરુચ્ચુળી, તમિલનાડુ, અ. 14 એપ્રિલ 1950, તિરુવન્નમલૈ) : અર્વાચીન ભારતીય તત્વજ્ઞ સંત. તેમનો જન્મ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના રામનાડ જિલ્લામાં મદુરાઈ પાસે આવેલા તિરુચ્ચુળીમાં પિતા સુંદરઅય્યર અને માતા અળગમ્માળને ત્યાં થયેલો. મૂળ નામ વેંકટરમણ. પાછળથી તેઓ ‘રમણ મહર્ષિ’ બન્યા. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં લીધેલું.  તેમણે બાર વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું અને મદુરામાં કાકાને ત્યાં રહેવા ગયા. ત્યાં સ્કૉટ મિડલ સ્કૂલમાં છ ધોરણ સુધી ભણ્યા. 16 વર્ષની વયે એક વાર ‘અરુણાચલ’ એવો ગેબી અવાજ સાંભળ્યો અને એ પછી ‘પેરિયપુરાણમ્’ નામનો શિવભક્તિવિષયક ગ્રંથ વાંચ્યો. મીનાક્ષી મંદિરમાં ગયા પછી આત્મજાગૃતિ આવી. મંદિરમાં મૂર્તિ સમક્ષ અવિચલ ઊભા રહીને આત્માના અતલ ઊંડાણમાં અમૃતપ્રવાહની લહેરનો અનુભવ કર્યો. તે પછી આત્માનંદમાં લીન થઈ જતા. પછી અકસ્માત તેમને મૃત્યુના ભયથી માનસિક આઘાતનો અનુભવ થયો અને એ વિશે ચિંતન કરતાં આત્મસાક્ષાત્કાર થયો અને સાંસારિક બાબતોમાં વૈરાગ્યનો અનુભવ થતાં ગૃહત્યાગ કર્યો. 1896માં પહેલી સપ્ટેમ્બરે તેઓ અરુણાચલ પર દેવમંદિરમાં પહોંચ્યા અને ત્યાં જ રહીને દૈવી કૃપાથી પરમ શાંતિનો અનુભવ કરવા લાગ્યા. અરુણાચલ પર ઘણા ઉપદ્રવો સહન કરીને પણ તેઓ ધ્યાનાવસ્થામાં જ રહ્યા. લંગોટી ધારણ કરી, મુંડન કરી તેઓ સંન્યાસી બન્યા. ઈ. સ. 1897માં ગુરુમૂર્તમમાં આવ્યા. કીડીઓથી રક્ષવા એમના બાંકડાના ચાર પાયા પાણીમાં રખાતા. પછી મંદિરના મિનારા પરથી પવનકુન્રૂ ટેકરી પર આવી, પર્વતની ગુફાઓમાં રહ્યા. ઈ. સ. 1899થી 17 વર્ષ સુધી તેઓ વિરૂપાક્ષી ગુફામાં રહ્યા. મહર્ષિને હવે સમાધિ સહજ હતી.  સંત તરીકે તેમની કીર્તિ ધીરે ધીરે પ્રસાર પામતી ગઈ અને ગણપતિ શાસ્ત્રી નામના તેમના શિષ્યે તેમને વેંકટરમણને બદલે રમણ મહર્ષિ એવા નામથી ઓળખાવ્યા. ગણપતિ શાસ્ત્રીએ ‘રમણગીતા’ નામનો ગ્રંથ સંસ્કૃત ભાષામાં તેમના વિશે લખ્યો. એ પછી રમણ મહર્ષિના નાના ભાઈ પણ ‘નિરંજનાનંદ’ એવું નામ ધારણ કરી સંન્યાસી બન્યા. તેમનાં માતા અળગમ્માળ પણ તેમની પાસે રહેવા આવ્યાં અને ધીરે ધીરે વૈરાગ્ય ધારણ કરી અંતે 1922ના મે માસમાં અવસાન પામ્યાં. મહર્ષિએ માતાની સમાધિ બંધાવી અને તેને ‘માતૃભૂતેશ્વર શિવ’ એવું નામ આપ્યું. એ પછી મહર્ષિએ આશ્રમ બાંધી અતિથિઓ માટે વિશ્રામગૃહ વગેરે તૈયાર કરાવી ઘણી સગવડો અતિથિઓ માટે કરી. 1950માં 14મી એપ્રિલે કૅન્સરની લાંબી બીમારી પછી રમણ મહર્ષિને દેહથી મુક્તિ પ્રાપ્ત થઈ.

અરુણાચલ આવેલા મહર્ષિએ પર્વતનું જ આરોહણ નહોતું કર્યું, એ એમના જીવનનું પણ ઊર્ધ્વ આધ્યાત્મિક આરોહણ હતું. મહર્ષિને ગુરુ થવાની, પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિ મેળવવાની કે બીજાને સહાય કરવાની લેશમાત્ર આકાંક્ષા ન હતી, ઇચ્છામાત્રનો તેમનામાં અભાવ હતો. તેમણે પોતાના ભીતરી આત્મસ્વરૂપને જોવા-જાણવા જ અખંડ, અવિરત સાધના કરી. એમનો આધ્યાત્મિક સંદેશ છેક સાદો છે : ‘માણસે પોતાના સનાતન સુખશાંતિવાળા આંતરિક સ્વરૂપનો જ સાક્ષાત્કાર કરવાનો છે.’

રમણ મહર્ષિના તત્વજ્ઞાનમાં મુખ્યત્વે વેદાંતદર્શનનો અદ્વૈતસિદ્ધાન્ત જ છે. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે. રમણ મહર્ષિ આત્માને ખરો ગુરુ માને છે. આત્મા અને / અથવા પરમાત્મા એ આંતરિક ગુરુ છે એથી દેહાત્મબુદ્ધિ જાગ્રત થાય એટલે તે ગુરુ માર્ગદર્શન આપે છે. તેમના તત્ત્વજ્ઞાનમાં યથાર્થ જ્ઞાન અને ખરી ભક્તિ વચ્ચે અવિરોધ રહેલો છે. કર્મફળને ઈશ્વરાર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને બધાં કર્મોનો નાશ થાય છે એટલે તેનું ફળ ભોગવવાનું રહેતું નથી. પરમાત્મા સદવસ્તુ છે અને તે અખંડ, નિત્ય, એકાકાર અને ઇન્દ્રિયજ્ઞાનથી અબાધિત છે. તત્ત્વજ્ઞાનનું અંતિમ ધ્યેય આત્મસાક્ષાત્કાર છે એવો એમનો મત શાંકર વેદાંતદર્શનની નજીક છે.

અરુણાચલના આ સંતના સદુપદેશો એમના જીવનમાં જ મૂર્તિમંત છે. છતાં ભક્તોની વિનંતીથી તેમણે કેટલીક કૃતિઓ પણ રચી છે :

(1) ‘અક્ષરમણમાલૈ’ : ભિક્ષા માગી લાવતા ભક્તોની વિનંતીથી, મધુરા ભક્તિની 108 કડીની આ રચના સિદ્ધ થઈ.

(2) ‘અરુણાચલ અષ્ટક’ : સગુણમાંથી નિર્ગુણ તરફ લઈ જતી ગીતરચના.

(3) ‘અરુણાચલ પંચરત્ન’ : એમાં વેદાન્તનો સાર સૂત્રસ્વરૂપે આપ્યો છે.

(4) ‘ઉપદેશસાર’ : કર્મ, ભક્તિ અને જ્ઞાન દ્વારા અહમલય દ્વારા આત્મસાક્ષાત્કારનો ઉપદેશ તમિળમાં ત્રીસ કડીમાં લખી, એનો સંસ્કૃત અનુવાદ પણ આપ્યો.

(5) ‘ઉલ્લદુ-નાર્યદુ’ : અદ્વૈત અનુભવની 40 શ્લોકની કૃતિ.

(6) ‘એકાત્મપંચકમ્’ : પહેલાં તેલુગુમાં, પછી તમિળમાં આત્મા  વિશેના પાંચ શ્ર્લોકો.

(7) ‘અરુણાચલ દશક’ : અભેદ જ્ઞાનમાર્ગની કૃતિ.

(8) પ્રકીર્ણ શ્લોકો : 250 જેટલા શ્લોકોમાં વ્યવહાર, વૈદકશાસ્ત્રની ઘણી બાબતો છે. પેટ, પાપડ, જન્મદિન, દિવાળી જેવા વિષયો પર હાસ્યપૂર્ણ શ્લોકો  મુક્તકો. એમાં હળવી શૈલીમાં આત્મબોધ કરવાનું પ્રયોજન છે.

‘આગમ’, ‘શાંકર-સાહિત્યાનુવાદ’, ‘ગીતાસંકલન’, ‘વિચારમણિ- માલૈ’ નામક અનુવાદો આપ્યા છે.

મહર્ષિએ પોતે કોઈ ગ્રંથ નથી લખ્યો પણ તેમનાં ઉપદેશવચનો, આધ્યાત્મિક વાર્તાલાપો, ગ્રન્થોના સ્વરૂપે ઘણાંએ સાચવ્યાં છે. જેમાં

(1) ‘વિચારસંગ્રહમ્’ – કૃષ્ણય્યરે ભેગી કરેલી કાપલીઓ અંગ્રેજીમાં ‘સેલ્ફ ઇન્ક્વાયરી’ અને ગુજરાતીમાં ‘આત્માનુસંધાન’ નામે અનૂદિત છે.

(2) ‘હૂ એમ આઈ ?’ – શ્રી શિવપ્રકાશ પિળ્ળે

(3) ‘ઉપદેશમંજરી’ – શ્રી નટાનંદજી

(4) ‘શ્રી રમણગીતા’ – શ્રી ગણપતિ શાસ્ત્રી

(5) ‘ટૉક્સ વિથ શ્રી રમણ મહર્ષિ’ – ‘રમણાશ્રમ’ પ્રકાશન

(6) ‘ડે બાય ડે વિથ ભગવાન’ – શ્રી દેવરાજ મુદ્લ્યાર

(7) ‘મહર્ષિઝ ગૉસ્પેલ’ – ગુજરાતી અનુવાદ : ‘શ્રી રમણવાણી’

(8) ‘લેટર્સ, ફ્રૉમ શ્રી રમણાશ્રમ’ – સં. નાગમ્માનો સમાવેશ થાય છે.

તેમના જાણીતા શિષ્યોમાં રામનાથ અય્યર, સુંદરમ્મલ, રામયોગી, નરસિંહ અય્યર, શુદ્ધાનંદ ભારતી, હેરી ડિકમૅન, ફ્રેડરિક ફ્લેચર, ઑસબૉર્ન, મેજર ચૅડવિક, રાફેલ હર્સ્ટ, પૉલ બ્રંટન વગેરેનો સમાવેશ થાય છે.

શિષ્યો સાથે તેમની પ્રશ્નોત્તરી વિશે અંગ્રેજીમાં ઉપર નિર્દેશ્યું છે તે ‘ટૉક્સ વિથ શ્રી રમણ મહર્ષિ’ એ નામનું પુસ્તક છે. નરસિંહ સ્વામીએ તમિળ ભાષામાં મહર્ષિનું જીવનચરિત્ર લખ્યું છે. ગુજરાતી ભાષામાં સ્વામી માધવતીર્થનું ‘ભગવાન રમણ મહર્ષિનો પરિચય’, યોગેશ્વરરચિત ‘ભગવાન રમણ મહર્ષિ : જીવન અને કાર્ય’, ‘શ્રીરમણચરિતામૃત’ વગેરે તેમના વિશે માહિતી આપતા ગ્રંથો છે. ‘શ્રીરમણપરવિદ્યોપનિષદ્ કે ઉપદેશસાર’ એ તેમના તત્વજ્ઞાનને નિરૂપતો ગ્રંથ છે. વિશ્વની અનેક ભાષાઓમાં આ ગ્રંથોના અનુવાદો કરવામાં આવ્યા છે. ‘શ્રીસદ્દર્શન’, ‘ગુરુ અને ગુરુકૃપા’ જેવા ગ્રંથો પણ તેમના તત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે.

તે હાલ અરુણાચલમાં રમણજયંતી, અળગમ્માળ માતાની તિથિ અને કૃત્તિકામહોત્સવ સારી રીતે ઊજવવામાં આવે છે.

મુકુન્દ કોટેચા

તરલાબહેન દેસાઈ

પ્ર. ઉ. શાસ્ત્રી