રમ જંગલ : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલો યુરેનિયમ-ખાણ ઉદ્યોગનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 13° 25´ દ. અ. અને 131° 0´ પૂ. રે. . તે ડાર્વિનથી દક્ષિણ તરફ આશરે 97 કિમી.ને અંતરે આવેલો છે. જૉન મિશેલ વ્હાઇટ નામના એક પૂર્વેક્ષકે (prospector) 1949માં અહીંના એક સ્થળેથી સર્વપ્રથમ વાર યુરેનિયમ શોધી કાઢેલું. 1952માં બ્રિટિશ-અમેરિકી સંયુક્ત એજન્સીએ આ સ્થળ ખરીદી લીધું અને યુરેનિયમની ખાણ વિકસાવવા માટે જરૂરી નાણાભંડોળ ઊભું કરવાની બાંયધરી પણ લીધી. 1954માં એક ખાનગી કંપનીએ ઑસ્ટ્રેલિયન સરકાર વતી યુરેનિયમનું ખનન શરૂ કર્યું. અહીંથી મળતા યુરેનિયમ અયસ્કમાંથી યુરેનિયમ અલગ પાડવા માટેનો એકમ પણ નંખાયો. 1963માં આ એજન્સીએ તેનો કરાર પૂરો થાય તે પહેલાં 1,524 ટન જેટલું યુરેનિયમ ઑક્સાઇડ ખોદી કાઢેલું. એ પછીથી તો ખાણકાર્ય બંધ પડ્યું; પરંતુ અયસ્કમાંથી ધાતુ અલગ પાડવાની પ્રક્રિયા 1971 સુધી ચાલેલી.

ઑસ્ટ્રેલિયામાં સોનાની ખોજ માટે આવેલા પૂર્વેક્ષકો એમના કાર્ય દરમિયાન, આરામ માટે આ જંગલના સ્થળે બેસીને રમ પીતા. તેથી આ સ્થળ રમ જંગલના નામે જાણીતું થયાનું કહેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા