રથયાત્રા : કૃષ્ણભક્તોનો ઉત્સવ. પૂર્વ ભારતના ઊડિયા-ઓરિસા રાજ્યમાં જગન્નાથપુરી નગરમાં આવેલ શ્રી જગન્નાથ મંદિરમાં ‘શ્રીકૃષ્ણબલરામનાની બહેન સુભદ્રા’ એ ત્રણ ભાંડુઓની મૂર્તિ બિરાજે છે.

રથયાત્રા, જગન્નાથપુરી

ભારતીય ઉપખંડમાં આવેલાં ચાર દિશાઓનાં પવિત્ર તીર્થધામો છે. તેમાં ઉત્તરે શ્રી બદરી–કેદાર, દક્ષિણે શ્રી તિરુપતિના વેંકટબાલાજી, પૂર્વે શ્રી જગન્નાથજી અને પશ્ચિમે દ્વારકામાં આવેલાં છે. આમાંના ઊડિયામાંના શ્રી જગન્નાથજીની દર વર્ષે આષાઢ સુદ બીજના દિવસે રથમાં ત્રણે ચલમૂર્તિઓને પધરાવીને નગરના પરિસરમાં રથ કીર્તનો કરતાં કરતાં બાંધેલા દોરડાથી ખેંચી લઈ જવાનો રિવાજ સેંકડો વર્ષોથી ચાલુ છે. અમદાવાદમાં જમાલપુર દરવાજા બહારના શ્રી જગન્નાથજી મંદિરમાંથી પણ આવી ‘રથયાત્રા’ સવા સોથી વધુ વર્ષોથી ચાલુ છે. હવે તો અનેક નાનાંમોટાં શહેરોમાં ગુજરાત રાજ્યના પ્રદેશમાં શ્રીકૃષ્ણનું નાનું સ્વરૂપ પધરાવી આવી રથયાત્રાઓ નગરના પરિસરમાં આષાઢ સુદ બીજના દિવસે ફેરવવામાં આવે છે.

વિકલ્પે બારમાસી ઉત્સવોમાં રથયાત્રાને દિવસે શ્રીકૃષ્ણનાં બધાં જ મંદિરોમાં નિજમંદિરમાં જ શ્રીકૃષ્ણના મંદિરમાંના કોઈ પણ નામ ધરાવતા સ્વરૂપને પધરાવી નાના રથમાં બિરાજતા હોય એમ દર્શન કરાવવામાં આવે છે.

ખેતીપ્રધાન ભારતદેશમાં ખેડૂતોનું વર્ષ આષાઢ માસથી ગણવામાં આવે છે. તેથી નવા વરસે ભગવાનની કૃપા નગરવાસીઓ પર તેમના પ્રત્યક્ષ દર્શનથી થાય એ ઉદ્દેશથી આ ઉત્સવ શરૂ થયો હશે.

કે. કા. શાસ્ત્રી