રથ-મંદિરો : મહાબલિપુરમમાં આવેલા એક ખડકમાંથી કોરેલાં મંદિરો. આ મંદિરો ચિંગલપેટ વિસ્તારમાં આવેલાં છે. તેમની રચના ઈ. સ. 630થી 678 દરમિયાન પલ્લવ વંશના રાજા નરસિંહવર્માએ કરાવી હતી. આ ભવનોની બાહ્ય રૂપરેખા રથાકાર હોઈ તેમને ‘રથ’ની સંજ્ઞા અપાઈ છે. તેમને કોઈ શોભાયાત્રાની સ્મૃતિ રાખવા પ્રતીકરૂપે કંડારવામાં આવેલાં હોવાની સંભાવના છે. જોકે પાછળથી તેમનો પ્રયોગ દેવાલય તરીકે થયેલો ર્દષ્ટિગોચર થાય છે.

આ રથો એકાશ્મ (monolithic) સ્વરૂપના છે. અગ્નિકૃત ખડકને ચારે બાજુથી કોતરી તેના ગર્ભભાગમાં આ ભવનો કોરી કઢાયાં છે. તેમની રચના પ્રાચીન ભવનોના અનુકરણરૂપ જણાય છે. એમાં તત્કાલીન કાષ્ઠકળાનો પણ પ્રભાવ નજરે પડે છે. સંખ્યામાં તેઓ આઠ છે. એમાં દ્રૌપદી-રથ સિવાયના અન્ય સાત રથોની નિર્માણશૈલી બૌદ્ધ ચૈત્યો અને વિહારો જેવી છે તેથી તેઓ ‘સપ્ત પગોડા’ને નામે પણ ઓળખાય છે. આ સાત રથોમાં ધર્મરાજ-રથ, ભીમ-રથ, અર્જુન-રથ તેમજ સહદેવ-રથ ખડકના દક્ષિણ છેડે કોરાયા છે, જ્યારે ગણેશ-રથ ઉત્તર છેડે છે. ખડકના ઈશાન ભાગમાં બલૈયન કુટ્ટઈ-રથ અને પીદરી-રથ છે, પણ તેઓ બંને વાસ્તુકલાની ર્દષ્ટિએ ખાસ ઉલ્લેખનીય નથી.

મહાબલિપુરમના બધા રથોમાં ધર્મરાજ-રથ સૌથી મોટો છે. એની અંદર કોતરેલા અભિલેખમાં તેને ‘અત્યંત-કામ-પરમેશ્વરગૃહમ્’ કહ્યો છે. યોજના પરત્વે તે 12.8  10.6 મીટર લાંબો-પહોળો અને 15.2 મીટર ઊંચો છે. બૌદ્ધ વિહારના નકશા પર કંડારાયેલ આ રથ સ્થાપત્ય-રચનાની ર્દષ્ટિએ ઉત્કૃષ્ટ છે. બૌદ્ધ વિહારમાં સાધારણ રીતે પ્રાંગણ, ભિક્ષુઓની સંખ્યાની વૃદ્ધિ અનુસાર વિહારના અંદરના ભાગોને સપાટ છત વડે ઢાંકી, તેના ઉપર આવશ્યકતાનુસાર કક્ષ બનાવાતા અને તેમની છતો ઘૂમટઘાટની કરાતી. ધર્મરાજ-રથની મૂળ યોજના પણ આવા પ્રકારની જણાય છે. બે મજલાવાળા આ ભવનમાં ઉપલા માળે જવા સીડી છે. બંને માળમાં દેવો અને ગંધર્વોની પ્રતિમાઓ કંડારેલી છે. પહેલો માળ બે વિભાગોમાં વિભાજિત છે. એક વિભાગ સ્તંભયુક્ત ચોરસ ઘાટનો મંડપ ધરાવે છે, જ્યારે બીજામાં ગર્ભગૃહ પરનું શુંડાકાર સ્વરૂપનું છાવણ છે. ધર્મરથની પીઠ અલંકૃત છે. તેનો સિંહસ્તંભયુક્ત મંડપ તેમજ અંદરથી ર્દષ્ટિગોચર થતું શુંડાકાર શિખરનું છાવણ પણ ભવ્ય છે. શિખર આઠ પહેલ ધરાવે છે. આ રથમાં કંડારેલી શિવ અને દિક્પાલોની પ્રતિમાઓ મનોહર છે.

બૌદ્ધ ચૈત્યપદ્ધતિએ રચાયેલ સહદેવ-રથ, ભીમ-રથ તેમજ ગણેશ-રથનો સ્થાપત્ય-વિન્યાસ પણ ઉત્કૃષ્ટ છે. લંબચોરસ સ્વરૂપના આ રથોમાં બે કે બેથી વધારે મજલાઓ છે. તેમની છત ઊંધા પોલા પીપાકાર સ્વરૂપની છે, જેનો શીર્ષભાગ ત્રિકોણાકાર છે. ભીમ-રથ સ્તંભયુક્ત ખુલ્લા મંડપ જેવા સ્વરૂપનો છે. ગણેશ-રથમાં નાનો સ્તંભયુક્ત પ્રવેશમંડપ કોરેલો છે. દ્રૌપદી-રથ આકારમાં સૌથી નાનો છે, તેની રચના ચારેય બાજુથી ત્રિકોણાકાર ધરાવતા તંબૂ જેવી છે. એમાં કોઈ અલંકરણો કંડાર્યાં નથી. અલબત્ત, તેના બહારના ભાગમાં સિંહ તેમજ ગજનાં શિલ્પો એવી રીતે કંડારેલાં છે કે તેઓ જાણે આખા રથનો ભાર વહન કરતા હોય તેમ લાગે. આ રથની બાજુમાં શિવાલય સ્વરૂપનો અર્જુન-રથ કંડારેલો છે. તેની સંમુખ નંદીનું શિલ્પ કંડાર્યું છે. આ રથની દીવાલો અને ગવાક્ષોમાં દેવદેવીઓની પ્રતિમાઓ કંડારેલી છે.

મહાબલિપુરમના ઘણાખરા રથોના અંદરના ભાગનું કોતરકામ અધૂરું રહ્યું છે. વળી ક્યાંક રથોની પોતાની પ્રતિકૃતિઓ પણ અંકિત થયેલી જોવામાં આવે છે. વિદ્વાનોમાં આ અંગે રસપ્રદ ચર્ચાઓ ચાલે છે.

પ્રવીણચંદ્ર પરીખ