રક્તપિત્ત (આયુર્વેદ)

January, 2003

રક્તપિત્ત (આયુર્વેદ) : શરીરનાં કુદરતી છિદ્રોમાંથી થતા રક્તસ્રાવનો આયુર્વેદમાં વર્ણવેલો એક રોગ. લોકવ્યવહારમાં ‘રક્તપિત્ત’ યાને કુષ્ઠ (કોઢ) કે ‘લેપ્રસી’ નામે ઓળખાતા રોગથી આયુર્વેદની પરિભાષામાં કહેલ આ ‘રક્તપિત્ત’નું દર્દ સાવ ભિન્ન છે. આયુર્વેદોક્ત આ રક્તપિત્ત રોગમાં શરીરનાં કુદરતી છિદ્રોમાંથી રક્તસ્રાવ થાય છે તે તેની ખાસ ઓળખ છે.

રોગની વ્યાખ્યા : પિત્તદોષ પ્રકોપક કારણોથી પ્રકુપિત પિત્ત શરીરના રક્ત સાથે ભળીને, શુદ્ધ રક્તને દૂષિત કરે છે. દોષથી ગરમ થયેલા પિત્તની ગરમીથી શરીરનું રક્ત કે જે પિત્તના જેવા જ ગુણો ધરાવે છે, તે શરીરની માંસાદિ ધાતુઓમાંથી – દેહનાં કુદરતી છિદ્રો – જેમ કે, નાક, મુખ, ગુદા, લિંગ, યોનિ તથા રોમછિદ્રો–માંથી ઝરવા (બહાર પડવા) લાગે છે. આ સ્થિતિને આયુર્વેદમાં ‘રક્તપિત્ત’ કહેલ છે.

રોગ થવાનાં કારણો : તેજ તડકો, વ્યાયામ કે શ્રમ, શોક, પદયાત્રા (ચાલવું) તથા મૈથુનનો અતિરેક થવાથી તેમજ ખૂબ ગરમ તીક્ષ્ણ (મસાલેદાર), ખારા કે લવણવાળા, ખાટા તથા તીખા પદાર્થોનું વધુ પડતું સેવન કરવાથી શરીરનું ધારણકર્તા, પિત્ત પ્રકુપિત થઈને દેહના રક્તને ગરમ તીક્ષ્ણ કરી દઈને તેમાં ભળી જઈને ‘રક્તપિત્ત’ પેદા કરે છે.

રોગના પ્રકારો : તેના ચાર પ્રકારો છે : (1) ઊર્ધ્વગ (ઉપરના માર્ગનું), (2) અધોગ (નીચેના માર્ગનું), (3) ઊભયમાર્ગી (ઉપર-નીચે બંને માર્ગવાળું) તથા (4) રોમકૂપજ. જ્યારે દોષાનુસાર રક્તપિત્તના પ્રકારો નીચે મુજબ છે : (1) વાયુ, પિત્ત કે કફ કોઈ ‘એક’ દોષથી થનાર; (2) વાત-પિત્ત, પિત્ત-કફ કે કફ-વાત એવા બે દોષોના સંસર્ગથી થનાર; (3) ત્રણેય દોષથી થનારો સન્નિપાતજ કે ત્રિદોષજ.

જ્ઞાતવ્ય : ઊર્ધ્વગ (ઉપરના) ‘રક્તપિત્ત’માં રક્તમાં કફદોષનું વધુ પ્રમાણ હોય છે. આ પ્રકારમાં દૂષિત થયેલું લોહી નાક, કાન, આંખ અને મુખ જેવા કુદરતી છિદ્રમાર્ગોથી બહાર આવે છે. અધોગ રક્તપિત્તમાં રક્તમાં વાયુદોષનું વધુ પ્રમાણ હોય છે. આ પ્રકારમાં દૂષિત રક્ત ગુદા, યોનિ કે મૂત્રેન્દ્રિય માર્ગેથી બહાર આવે છે. ઊભયમાર્ગી પ્રકારમાં ઉપર્યુક્ત બધાં અંગ-છિદ્રો વાટે રક્ત બહાર આવે છે અને તેમાં વાયુ તથા કફ બંને દોષોનો અનુબંધ (સંસર્ગ) હોય છે. રક્તપિત્ત રોગની ગંભીર અવસ્થામાં વ્યક્તિના યકૃત (લીવર) અને પ્લીહા(સ્પ્લીન)માં દોષો સંચિત થઈ પ્રકોપ પામવાથી, શરીરના રૂંવાડાં(રોમકૂપ)નાં છિદ્રો વાટે લોહી બહાર આવે છે. રક્તપિત્તના રોગમાં શરીરની બહાર આવેલું લોહી કંઈક શ્યામ કે કાળા રંગનું હોય છે અને તે સ્વસ્થ લોહી કરતાં (બહાર ખુલ્લી હવામાં આવ્યા પછી) મોડું જામે છે, જે શુદ્ધ રક્ત અને રક્તપિત્તના (દૂષિત) રક્ત વચ્ચેનો ખાસ તફાવત છે. તે ઉપરથી વૈદ્ય માટે રોગનિદાન સરળ બને છે.

રક્તપિત્તનાં પૂર્વરૂપ લક્ષણો : આ રોગ તેના ખરા રૂપમાં પ્રગટ થાય, તે પૂર્વે શરીરમાં જે ખાસ ચિહ્નો થાય છે, તે આ મુજબ છે : અંગત્રોડ, ઠંડા પદાર્થો સેવન કરવાની ઇચ્છા, કંઠ(મુખ)માંથી ધુમાડો બહાર નીકળવાનો અનુભવ, ઊલટી અને ઉચ્છવાસમાં લોખંડ કે લોહી જેવી ગંધ આવવી.

રોગનાં પ્રકાર મુજબ લક્ષણો : રક્તપિત્તમાં શરીરનાં કુદરતી છિદ્રમાર્ગોથી કંઈક શ્યામ કે કાળા રંગનું અને હવામાં જલદી જામી ન જાય તેવા ગુણનું લોહી થોડું કે વધુ પ્રમાણમાં સ્રવે છે. આ તેનું સર્વ પ્રકારોમાં સમાન લક્ષણ છે. તેના વાતાદિ ભેદ મુજબના પ્રકારોનાં લક્ષણો નીચે મુજબ છે :

(1) એકદોષજ પ્રકારો : (i) કફ-દોષપ્રધાન રક્તપિત્ત : આ પ્રકારમાં શરીરમાંથી કુદરતી છિદ્ર વાટે બહાર આવેલ રક્ત જરા પાંડુ વર્ણનું, વધુ ઘટ્ટ (ઘન), વધુ ચીકણું અને વધુ સ્નિગ્ધ હોય છે. (ii) પિત્તદોષજ રક્તપિત્ત : આ પ્રકારમાં બહાર આવેલું લોહી વડના ઉકાળા જેવા કે કાળા રંગનું અથવા ગોમૂત્ર જેવા (પીળા–કેસરી) રંગનું અથવા કંઈક ચીકણાશ સાથે કાળા (શ્યામ) રંગનું અથવા તો ઘરના ધુમાડા કે અંજન જેવા કાળા રંગનું હોય છે. (iii) વાતદોષજન્ય રક્તપિત્ત : આ પ્રકારમાં દેહ-છિદ્રમાંથી બહાર આવેલ રક્ત થોડી માત્રામાં, સ્પર્શે જરા લૂખું (રૂક્ષ) ફીણવાળું અને લીલા-ભૂરા (શ્યામ-લાલ) રંગનું હોય છે.

(2) દ્વિદોષજ પ્રકારો (દ્વન્દ્વજ) : વાયુ-પિત્ત, કફ-પિત્ત કે વાયુ-કફ જેવા બે-બે દોષોથી થનાર રક્તપિત્તમાં પૂર્વોક્ત (એક-દોષજ) પ્રકારોનાં મિશ્ર લક્ષણો જોવા મળે છે.

(3) ત્રિદોષજ (સન્નિપાતજ) : એ જ રીતે આ પ્રકારમાં વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોનાં મિશ્ર લક્ષણો એકસાથે જોવા મળે છે.

રોગની સાધ્યાસાધ્યતા : (1) માર્ગની ર્દષ્ટિએ : ઊર્ધ્વગ રક્તપિત્ત સાધ્ય, અધોગ યાપ્ય (દવાથી સારું રહે, પણ સાવ ન મટે તેવું) અને ઉભયમાર્ગી અસાધ્ય હોય છે. આ ઉપરાંત રોમકૂપ(રૂંવાડાં)માંથી પ્રવૃત્ત રક્તપિત્ત પણ અસાધ્ય હોય છે. (2) બળવાન વ્યક્તિને એક માર્ગેથી પ્રવૃત્ત (ઊર્ધ્વ) રક્તપિત્ત જો નવું હોય, અલ્પવેગવાન હોય, વધુ ઉપદ્રવોરહિત હોય અને અનુકૂળ ઋતુકાળમાં થયેલ હોય તો તે સાધ્ય છે. (3) દોષ-ર્દષ્ટિએ : એક-દોષજ રક્તપિત્ત સાધ્ય, દ્વિ-દોષજ વ્યાપ્ય અને મંદાગ્નિવાળી વ્યક્તિને અતિ આવેગ સાથે થયેલ ત્રિ-દોષજ રક્તપિત્ત અસાધ્ય હોય છે. (4) જે દર્દીનું શરીર રોગોને કારણે ક્ષીણ (દુર્બળ કૃશ) હોય, જે ખૂબ વૃદ્ધ હોય તથા જે દર્દી ઉપવાસ (અનશન) કરતો હોય તેનું દર્દ પણ અસાધ્ય હોય છે. (5) જે રક્તપિત્ત એક વાર શાન્ત થયા પછી પણ ફરી વારંવાર થતું હોય તે અથવા તો જે એકથી વધુ જુદા જુદા માર્ગો દ્વારા પ્રવૃત્ત થતું હોય તે અસાધ્ય છે. (6) જે રોગમાં બહાર આવેલું લોહી મડદાના જેવી દુર્ગંધવાળું હોય કે વધુ કાળું, પીળું, ભૂરા રંગનું કે લીલા રંગનું હોય તે પણ અસાધ્ય છે. (7) જે રક્તપિત્તમાં બહાર આવેલ લોહીનો કપડાં પર પડેલો ડાઘ પાણીથી ધોવા છતાં જલદી ન જાય, તે પણ અસાધ્ય છે. (8) રક્તપિત્તનો દર્દી શરીરે ખૂબ કૃશ-નિર્બળ (ક્ષીણ) હોય અને તેને રોગના ઘણા બધા ઉપદ્રવો થયા હોય, તો તે પણ અસાધ્ય છે. (9) રક્તના રંગની ર્દષ્ટિએ રક્તપિત્તમાં છિદ્ર વાટે શરીર બહાર આવેલ લોહીનો રંગ જો માંસ ધોયેલા પાણી જેવો લાલ હોય કે સડેલા માંસના જેવો હોય કે રક્ત કાદવ જેવું (પાણી ને ચીકાશવાળું) હોય, જે રક્તમાં ચરબી અને પરું હોય, જેનો રંગ યકૃત (લીવર) જેવો (જાંબલી) હોય કે જે પાકેલા જાંબુ જેવા વર્ણનું હોય; જે ખૂબ કાળું-ભૂરું કે સડેલા માંસની ગંધવાળું હોય અથવા જે ઇન્દ્રધનુષ જેવા જુદા જુદા મિશ્ર વર્ણનું હોય તે રક્તપિત્ત અસાધ્ય લેખાય છે.

રોગના ઉપદ્રવો : શરીરમાં રક્તપિત્ત થયા પછી જે બીજા ઉપદ્રવો થાય છે, તે આ મુજબ છે : નબળાઈ, હાંફ કે શ્વાસ; ખાંસી, તાવ, (લોહીની) ઊલટી, મદ (ઘેન), પાંડુતા (રક્તાલ્પતા), અંગદાહ, મૂર્ચ્છા, જમ્યા પછી પેટમાં બળતરા થવી, કોઈ કાર્યમાં મન એકાગ્ર ન થવું (અધૃતિ), હૃદયપ્રદેશમાં અસહ્ય પીડા થવી, ખૂબ જ તૃષા લાગવી, પેટમાં તીવ્ર દર્દ (કોષ્ઠભેદ), માથું ખૂબ તપેલું રહે, દુર્ગંધ મારતી ઊલટી થવી, ભોજન પ્રત્યે અરુચિ કે દ્વેષ, ખોરાકનું પાચન ન થવું, ઝાડા થવા, સોજા ચડવા, અવાજ બેસી જવો, મૈથુનની અનિચ્છા આદિ.

રોગની ચિકિત્સા : રક્તપિત્તના રોગની સારવાર બે રીતે થાય છે : (1) દોષ-સંશોધન દ્વારા અને (2) દોષ-સંશમન દ્વારા.

(1) સંશોધનચિકિત્સા : બળવાન અને બહુ દોષ (ઉપદ્રવ) યુક્ત દર્દીને જો ઊર્ધ્વગ (ઉપરનું) રક્તપિત્ત હોય તો તેને પ્રથમ વિરેચન (જુલાબ) આપવું. તે માટે નસોતર અને કાળી દ્રાક્ષનો ઉકાળો આપી, દોષની શુદ્ધિ કરાય છે. રોગી જો અધોગ (નીચેના) રક્તપિત્તનો હોય તો તેને પ્રથમ વમન (ઊલટી) કરાવાય છે. તે માટે મીંઢળનું ચૂર્ણ નવશેકા પાણી સાથે દર્દીને પવાય છે. દર્દી જો ખૂબ નિર્બળ હોય અથવા દોષનું પ્રમાણ થોડું હોય કે આમદોષ હોય તો તેવા પ્રકારના ઊર્ધ્વગ રક્તપિત્તના દર્દીની બાબતમાં અપતર્પણ (લંઘન) કરાવવાનો સિદ્ધાંત છે. લંઘન સિવાય દર્દીને કડવા અને તૂરા રસના (દ્રવ) પદાર્થો પણ અપાય છે. જ્યારે અધોગ પ્રકારના રક્તપિત્તના દર્દીનું ‘સંતર્પણ’ (તૃપ્તિ) કરાય છે. દોષો નિરામ હોય ને વાયુનો દોષ કે રોગનું કારણ લૂખો ને ગરમ આહાર હોય ત્યારે તૃપ્તિકારક ઘી-દૂધ-મધુર ફળોના રસ જેવો ખોરાક અપાય છે.

ખાસ નોંધ : દર્દીને રક્તસ્રાવ થાય ત્યારે પ્રાય: કેટલાક શીખાઉ વૈદ્યો તેને અટકાવવા માટે રક્તસ્તંભક ઔષધો આપે છે; પરંતુ રોગીનાં બળ અને માંસ ઘટી ન ગયાં હોય કે રોગી ભોજન સારી રીતે લઈ શકતો હોય તેવા રોગીના દર્દમાં રક્તસ્રાવ અટકાવનાર ઔષધ ન દેતાં, રોગના મૂળ કારણને દૂર કરનાર ચિકિત્સા કરાય તે હિતાવહ છે. સામાન્ય રક્તસ્રાવમાં રક્તસ્રાવ અટકાવનાર ઔષધોનો અતિરેક ન થાય, તેનું ધ્યાન રાખવું જરૂરી છે; અન્યથા એને જ કારણે બીજા અનેક ઉપદ્રવો થઈ શકે છે.

(2) સંશમનચિકિત્સા : રક્તપિત્તનાં જે દર્દી શરીરે નિર્બળ અને કૃશદેહી હોય, જે શોકથી સંતપ્ત હોય, જે વજન ઊંચકવાથી કે વધુ (પગપાળા) મુસાફરીથી શોષાયા હોય, તાપ-તડકા કે અગ્નિથી જે વધુ તપી ગયેલા હોય, શરીરમાં બીજા રોગોથી જેઓ ક્ષીણ (કૃશ) હોય; દર્દી જો સગર્ભા, વૃદ્ધ કે બાળક હોય; દર્દી જો અલ્પાહારી કે લૂખો-સૂકો ખોરાક વધુ ખાનાર હોય અથવા જેનું શરીર સુકાઈ ગયેલું હોય, તેવા બધા દર્દીને આયુર્વેદમાં ‘સંશમન-ચિકિત્સા’ કરાય છે.

1. એક-ઔષધ-પ્રયોગ : રક્તપિત્ત રોગમાં નીચે જણાવેલી ઔષધિઓ એકલી કે બીજી સાથે મેળવીને પણ વપરાય છે; જેમ કે, અરડૂસી, અઘેડો, આમળાં, દૂર્વા, આંબાની કૂંપળોનો રસ, દાડમનો રસ, રાળ, ફુલાવેલી ફટકડી, લાખનું ચૂર્ણ, દ્રાક્ષ, મોચરસ, ચંદન, જવ, હરડે, ત્રિફળા, મધ, સાકર, લોધર, જેઠીમધ, શિંગોડા, રિસામણી, ખજૂર, કેસર, શેરડીનો રસ, બકરીનું દૂધ, ગોખરુ, શતાવરી ચૂર્ણ, ઘી, માખણ, કમળ, બીલીફળ, ધાણા, રતાંદળી, સુગંધી વાળો, કોળું વગેરેમાંથી જે તે ઔષધિ દોષ મુજબ અપાય છે.

2. સરળ ઔષધો : રક્તપિત્તના બધા પ્રકારોમાં કેટલાક સરળ-ઉત્તમ પ્રયોગો આ મુજબ છે : (1) અરડૂસીનો રસ 3થી 5 ચમચી જેટલો લઈ, તેમાં સમભાગે મધ કે સાકર ઉમેરી સવાર-સાંજ અપાય છે. (2) બકરીના દૂધમાં મધ અને સાકર નાંખી અપાય છે. (3) અરડૂસીનાં પાન, કાળી દ્રાક્ષ અને હીમજનો ઉકાળો અપાય છે. (4) આમળાં અથવા હરડે કે બીલીના ફળનો મુરબ્બો અપાય છે. (5) આમળાંનું 5 ગ્રામ જેટલું ચૂર્ણ ઘી અને સાકર સાથે અપાય છે. (6) જેઠીમધ, સૂકા ધાણા, રતાંદળી (લાલ ચંદન), અરડૂસી અને વાળાના ઉકાળામાં મધ અને સાકર નાંખી પિવડાવાય છે. (7) શંખજીરું ઘી અને સાકર સાથે મિશ્ર કરી અપાય છે.

(3) સ્થાનાનુસાર ચિકિત્સા : (i) મૂત્રમાર્ગેથી પડતા લોહીમાં : (અ) શતાવરી અને ગોખરુથી સિદ્ધ કરેલું ગાય કે બકરીનું દૂધ; (આ) મગ, ચોખા, અડદ તથા પૃશ્નિપર્ણિનાં પાન નાંખી પકવેલું દૂધ, (ઇ) શતાવરી ઘૃત કે વાસાઘૃત; (ઈ) ચંદનાસવ કે ઉશીરાસવ.

(ii) ગુદામાર્ગેથી પડતા લોહીવાળા રક્તપિત્તમાં : (અ) મોચરસના ચૂર્ણને દૂધમાં ઉકાળીને પવાય છે. (આ) વડના અંકુર, વાળો, નીલોફર કે કમળથી ઉકાળેલું દૂધ કે તેથી સિદ્ધ ઘી અપાય છે.

(iii) નસકોરી ફૂટવી (નાકમાંથી રક્તસ્રાવ) : ઘીમાં શેકેલ આમળાનાં ચૂર્ણને પાણી સાથે વાટી માથાની વચ્ચે (તાળવે) લેપ કરાય છે. અથવા શીતળ જલની ધાર માથે કરાય છે અથવા ભીની કાળી માટીની થેપલી માથા પર વચ્ચે મુકાય છે અને ભીની માટી સૂંઘાડે છે. ડુંગળીના તાજા રસ અથવા ફટકડીના દ્રાવણનાં કે દાડમ પુષ્પને પાણીમાં વાટી તે પ્રવાહીનાં ટીપાં નાકમાં પાડે છે.

(iv) લોહીની ઊલટી થવી : આ દર્દીને બરફ ચુસાવી બોલવાનું બંધ કરાવી પથારીમાં સંપૂર્ણ આરામ અપાય છે. તેને ઠંડો-ખુલ્લો પવન મળે તેવા સ્થળે રખાય છે. ઔષધમાં પીપળાની લાખનું 3 ગ્રામ જેટલું ચૂર્ણ ઘી અને મધ સાથે ભેળવીને અપાય છે. અથવા ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ 3થી 6 રતીની માત્રામાં સાકર સાથે આપીને, તે ઉપર કોથમીરનો તાજો રસ 20–25 મિલિ. પિવડાવી દેવાય છે. અથવા અરડૂસીના પાનના રસમાં મધ અને સાકર તથા કિસમિસ દ્રાક્ષ, લાલ ચંદન, લોધર તથા ચારોળીની ચટણી (કલ્ક) મેળવી દર્દીને 23 વાર આપવાથી નાક, મુખ, ગુદા કે મૂત્રેન્દ્રિય માર્ગેથી પડતું લોહી સત્વરે બંધ થાય છે.

(v) યોનિમાર્ગેથી થતા રક્તસ્રાવમાં : જેઠીમધ અને સાકર ચૂર્ણ 3–3 ગ્રામ લઈ, 100 મિલિ. ચોખાના ધોવણજળમાં સવાર-સાંજ અપાય છે. અથવા રસવંતી ચૂર્ણ 2 ગ્રામ અને તાંજળિયાનાં મૂળનું ચૂર્ણ 5 ગ્રામ લઈ, મધ સાથે ચટાડીને ઉપરથી ચોખાનું ધોવરામણ (જળ) 1–2 કપ પાવામાં આવે છે. અથવા નાગકેસરનું ચૂર્ણ 3 ગ્રામ જેટલું લઈ સાકર અને માખણ કે ઘી સાથે દિવસમાં 3 વાર આપવાથી લાભ થાય છે.

(4) શાસ્ત્રોક્ત ઔષધો : રક્તપિત્તના રોગમાં આયુર્વેદનાં શાસ્ત્રોક્ત ઔષધો આ મુજબ છે : (1) ભસ્મ-પિષ્ટિ : ઉપરના કે નીચેના રક્તપિત્તમાં મુક્તા-પિષ્ટિ, તૃણકાંતમણિ-પિષ્ટિ કે સંગજરાહત ભસ્મ, સુવર્ણમાક્ષિક ભસ્મ, રજત-ભસ્મ, પ્રવાલ-પિષ્ટિ, પ્રવાલ-ભસ્મ વગેરે યોગ્ય અનુપાન સાથે અપાય છે. (2) રસ-ઔષધિ : કામદૂઘા રસ, ચંદ્રકલા રસ, રક્તપિત્તાન્તક રસ, બોલબદ્ધ રસ વગેરે યોગ્ય અનુપાન સાથે અપાય છે. (3) અવલેહ : વાસાવલેહ, કુષ્માંડાવલેહ, દ્રાક્ષાવલેહ, ગુલકંદ, શતાવરી અવલેહ, ચ્યવન પ્રાશાવલેહ, બિલ્વાવલેહ જેવાં ચાટણ-ઔષધો આ રોગમાં અપાય છે. (4) આસવ-અરિષ્ટ : અશોકારિષ્ટ, ઉશીરાસવ, ચંદનાસવ, કુટજારિષ્ટ, વાસાસવ તથા લોધ્રાસવ જેવાં ઔષધો અપાય છે; (5) ઘૃત ઔષધિઓ : વાસાઘૃત, શતાવરી ઘૃત, મહાત્રિફલા ઘૃત ઇત્યાદિનો ઉપયોગ થાય છે. (6) ક્વાથ : હ્રીબેરાદિ ક્વાથ, અભયાદિ ક્વાથ, દાર્વ્યાદિ ક્વાથ, પથ્યાદિ ક્વાથ વગેરે પણ લેવાય છે. (7) ક્ષાર : કંઠમાં દર્દીને કફ ચોંટી રહેતો હોય તેવી અવસ્થામાં કમળ-નાળનો ક્ષાર-પલાશ(ખાખરા)નો ક્ષાર કે મહુડાનો ક્ષાર યોગ્ય અનુપાન (જેઠીમધ ચૂર્ણ તથા મધ) સાથે અપાય છે.

(5) બાહ્ય ચિકિત્સા : રક્તપિત્તના દર્દીને રક્તસ્રાવની સ્થિતિમાં શીતળ (જેમ કે આરસ પથ્થરની ફરસવાળા) નીચેના મકાનમાં અથવા એરકંડિશન્ડ રૂમમાં રાખવો જરૂરી છે. નસકોરી ફૂટતાં દર્દીને માથે ઠંડા જળની ધાર કરવામાં આવે છે. અન્ય રક્તસ્રાવી દર્દીને ઠંડા જળના ટબમાં સુવરાવવામાં આવે છે કે ઠંડી ચીજોના સંપર્કમાં રાખવામાં આવે છે. શરીરે મુલતાની માટી, ચંદન, મોથ, જટામાસી, વાળો જેવાં સુગંધી-શીતળ દ્રવ્યોના ચૂર્ણનો લેપ કરવામાં આવે છે. ફુવારાઓની વચ્ચે કે લતા-વાટિકાની વચ્ચે ઠંડા સ્થાનમાં રહેવું તથા મનને આનંદ આવે તેમ કરવું લાભપ્રદ છે.

રોગની પરેજી : રક્તપિત્તમાં દર્દીને આવો આહાર પથ્ય (હિતકર) છે : પિત્ત(ગરમી)ને શાંત કરનારો મધુર, કડવા અને તૂરા રસના પ્રાધાન્યવાળો ઠંડો આહાર, ગાયનું દૂધ, ઘી, માખણ, સાકર, ખાંડ, મધ, જવનું પાણી, સાબુદાણા, કોળું, આમળાં, ગુલાબ, એલચી, ધાણા, દૂધી, શક્કરિયાં, પરવળ, ગલકાં, તૂરિયાં, મગ, ચોખા, ઘઉં, જવ; ફળોમાં સફરજન, મોસંબી, દ્રાક્ષ, દાડમ, અજમેરી બોર, કેળાં જેવો સાદો-સાત્ત્વિક આહાર ખાસ લેવો જોઈએ. જ્યારે ગરમ, તળેલો, મસાલેદાર, વધુ નમક(મીઠા)વાળા ખારા, ખાટા ને તીખા રસના પ્રાધાન્યવાળો આહાર અપથ્ય હોઈ ન લેવાય એ ઇષ્ટ છે. આ રોગમાં દહીં, ભીંડો, લસણ, રીંગણાં, મેથી, મરચાં, સૂંઠ, ચાહ, કૉફી, બાજરી, કળથી, તલ, મગફળી, ગરમ મસાલા, ફરસાણ વગેરે બંધ કરવાં ખાસ જરૂરી છે. વધુમાં તડકામાં કે અગ્નિ પાસે રહેવું; મૈથુન, જાગરણ, વધુ ચિંતા-વિચાર, ક્રોધ વગેરે કરવાં; માંસ, ઈંડાં, દારૂ, ખાટા પદાર્થો વગેરેનું સેવન કરવું સવિશેષ નુકસાનકારક હોઈ તે ત્યજવાની વૈદકીય સલાહ છે.

 ચં. પ્ર. શુક્લ

બળદેવપ્રસાદ પનારા